નવા વર્ષે શૅરબજારને નવી ઊંચાઈની આશા

ઓવરઑલ વર્ષ દરમ્યાન માર્કેટ તેજીમય ટ્રેન્ડમાં રહ્યું. જોકે દિવાળીના મુરતના ટ્રેડિંગમાં નીચે ઊતરીને બંધ રહ્યું. હવે વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થયું છે ત્યારે નવા વર્ષમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેશે એ વિશે જાણવાની ઉત્સુકતા બધા જ રોકાણકારોની રહે એ સહજ છે. નવા વર્ષના સંભવિત ટ્રેન્ડને સમજવા વીતેલા વર્ષના સમયગાળા પર એક લટાર જરૂરી છે. જોકે નવા વર્ષે બજારના બેન્ચમાર્ક ઇન્ડેક્સ નવી ઊંચાઈ હાંસલ કરશે એવી આશા ઊંચી છે

BSE

શૅરબજારની સાદીવાત - જયેશ ચિતલિયા

૨૦૧૭એ બજારને ઘણી ઊથલપાથલ સાથે નવી ઊંચાઈ બતાવી. આ જ વર્ષમાં દેશની ઇકૉનૉમીને પણ હચમચાવી મૂકે એવાં બે ક્રાન્તિકારી કદમ જાહેર થયાં અને વિવિધ રિફૉમ્સર્નાંષ પગલાં પણ ભરાયાં જેણે આખા દેશમાં ચર્ચા અને ચિંતા જગાવી દીધી છતાં બજાર આ બધા સંજોગો વચ્ચે પણ ઊંચે ગયું અને રહ્યું. આ બધા વચ્ચે જિયોપૉલિટિકલ સંજોગો પણ બદલાતા રહ્યા એ જુદા. હવે નવા વર્ષે બજાર શા માટે અને કેટલું વધુ સુધરશે  એનો અંદાજ માંડીએ. એ માટે વીતેલા વર્ષની અને એનાં પગલાંની અસરોની ઝલક જોઈએ. આ સાદી વાત-સમજને સમજીને આપ પણ આપના રોકાણ-પ્લાન કરી શકો. અલબત્ત, આપની વિવેકબુદ્ધિ પણ કામે લગાડજો.

દિવાળી બાદ થયેલા આર્થિક ધડાકા

વાતની શરૂઆત કરીએ ગઈ દિવાળી બાદની તરતની આંચકાજનક ઘટનાથી. યસ ૮ નવેમ્બરે જાહેર થયેલી નોટબંધી જેણે સમગ્ર દેશને અને અર્થતંત્રને હચમચાવી દીધાં. વિશ્વભરમાં એની ચર્ચા પણ થઈ. આ પગલાથી લોકો ખૂબ હેરાનપરેશાન થયા, પરંતુ એ પગલાના ઉદ્દેશોને ધ્યાનમાં રાખી પ્રજાએ એનો તકલીફો સહીને પણ સ્વીકાર કરી લીધો. અલબત્ત, આ ઉદ્દેશો કાળાં નાણાંને ડામવા, કરપ્શન પર અંકુશ લાવવા અને આતંકવાદને ફાઇનૅન્સ થતાં કાળાં નાણાં દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના હતા. જોકે હજી એની અસરો અને પરિણામ માટે સમયની રાહ જોવી પડશે. આ આંચકામાંથી હજી અર્થતંત્ર અને લોકો બહાર નહોતાં આવ્યાં ત્યાં ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)નો અમલ જુલાઈથી શરૂ થઈ ગયો જેણે આજ સુધી બિઝનેસ-ઉદ્યોગને ઘણી તકલીફો અને સમસ્યા આપી છે. જોકે હવે એમાં સુધારાનો દોર શરૂ થયો છે અને સરકારે એને સફળ બનાવવા સરળ બનાવવો જ પડશે. અલબત્ત, આ પગલું લાંબા ગાળાના આર્થિક હિતમાં હોવાનું મહત્તમ વર્ગ માને છે. સરકારે લોકોની આ આશાને સાર્થક કરવાની છે જે આગામી એકાદ વર્ષમાં પૂરી થવાની શક્યતા રાખી શકાય.

લૉન્ગ ટર્મ ગેઇન માટે શૉર્ટ ટર્મ પેઇન


આ બે ઉપયુર્ક્ત પગલાંની અસરે દેશનો GDP એટલે કે આર્થિક વિકાસદર એક ક્વૉર્ટરમાં ઘટીને ૫.૭ ટકા થયો ત્યાં તો આખા દેશમાં રોદણાં રડવાનું શરૂ થયું, જ્યારે આ વિકાસ પણ નીચો તો ન કહેવાય, પણ અગાઉની તુલનાએ એ નીચો હતો જે આ બે અસરરૂપે સ્વાભાવિક હતું.  જોકે વિશ્વ બૅન્ક, IMF અને અન્ય સ્થાનિક તેમ જ ગ્લોબલ સંસ્થાઓ તરફથી પણ એની અસર વિશે પોતાની ટિપ્પણી કરી, જ્યારે તેમણે એ પણ કહ્યું કે આ પગલાં ભારતીય અર્થતંત્રના વિકાસ માટે અને તેજ વિકાસ માટે જરૂરી છે. મજાની વાત એ છે કે આવાં આકરાં-અઘરાં પગલાં છતાં બજારમાં કોઈ મોટા યા આકરી મંદી કહી શકાય એવા કડાકા ન આવ્યા અને ઉપરથી બજાર સુધરતું રહ્યું તથા વધ-ઘટ સાથે બજારે નવી ઊંચાઈ પણ બનાવી. આ બાબત દર્શાવે છે કે બજાર આર્થિક સુધારા માગે છે. ગ્લોબલ ઇન્વેસ્ટરોને પણ ભારતમાં આર્થિક સુધારાની ચાહ છે, કારણ કે આ સુધારા અર્થતંત્રને વિકાસ માટે આવશ્યક છે.

મ્યુચ્યુઅલ ફન્ડ અને FII

વીતેલા વર્ષમાં છેલ્લા અમુક મહિનામાં બદલાતા વૈશ્વિક સંજોગોને લીધે વિદેશી રોકાણકારો નેટ સેલર્સ બન્યા હતા જેમાં તેમનાં પોતાનાં કારણો વધુ હતાં, જ્યારે ભારતીય મ્યુચ્યુઅલ ફન્ડ્સ સતત નેટ બાયર્સ રહ્યાં હતાં અને આ વર્ષ એવું રહ્યું છે કે ભારતીય મ્યુચ્યુઅલ ફન્ડ્સ શૅરબજારનો મોટો આધાર બની ગયાં. વિદેશી રોકાણકારો પરની આપણી નિર્ભરતા ઘટી ગઈ. એના જોરે જ બજાર ચાલે એવું પણ રહ્યું નહીં. આ ચમત્કાર મુખ્ય સ્વરૂપે રીટેલ રોકાણકારોએ કર્યો હતો જેમણે સતત એકધારું મ્યુચ્યુઅલ ફન્ડ્સની યોજનાઓમાં સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)માં અને ઇક્વિટી સ્કીમ્સમાં રોકાણનો પ્રવાહ વહેતો રાખ્યો હતો અને આજે પણ ચાલુ છે. આ જ બાબત વધુ એક હકીકત દર્શાવે છે કે નાના રોકાણકારોનો બજાર અને મ્યુચ્યુઅલ ફન્ડ્સ પરનો વિશ્વાસ વધતો રહ્યો છે. અલબત્ત, અન્ય સાધનોમાં કરાતા રોકાણમાં હવે વળતર પણ નીચાં જતાં રહ્યાં છે, જ્યારે ફન્ડ્સ અને માર્કેટ બહેતર વળતર આપી રહ્યાં છે. હા, જોખમનું પ્રમાણ વધુ રહે છે, પરંતુ સમજીને અને લાંબા ગાળાના અભિગમ સાથે કરાતાં રોકાણ સફળ રહે છે એવા અનુભવો પણ વધતા રહ્યા છે. સટ્ટા કરનારાની વાત જુદી હોઈ શકે.

હવે ૧૧,૦૦૦ તરફ

આમ તો આ વર્ષ મ્યુચ્યુઅલ ફન્ડ્સનું વર્ષ રહ્યું એમ કહી શકાય. સ્થાનિક સ્તરેથી બજાર તરફ નાણાપ્રવાહ એ રીતે વહી રહ્યો છે કે બજાર માટે મ્યુચ્યુઅલ ફન્ડ મોટો આશરો બની ગયાં છે. ૨૦૧૮ના પ્રથમ ૬ મહિનામાં જ નિફ્ટી ૧૧,૦૦૦ આસપાસ પહોંચી જવાની ધારણા વ્યક્ત થઈ રહી છે. મુરત ટ્રેડિંગ ભલે નબળું રહ્યું, પરંતુ નવું વર્ષ સબળું રહેવાની ધારણા છે. જો સરકાર તરફથી સુધારાનાં પગલાં સતત ચાલુ રહ્યાં અને કંપનીઓનાં અર્નિંગ્સ ઊંચાં-સારાં આવતાં રહેશે તો ઇન્ડેક્સ વધુ ઝડપથી ઊંચે જઈ શકે.

IPOની તેજી ફળી

૨૦૧૭માં IPOએ પણ રોકાણકારોને સારું વળતર અને વૃદ્ધિ આપીને રાજી રાખ્યા છે. અમુક અપવાદરૂપ IPOને બાદ કરતાં કેટલાંક IPOએ તો રોકાણકારોને ન્યાલ કરી દીધા એવું પણ જોવા મળ્યું જેને લીધે IPO પ્રત્યેનો લોકોનો રસ વધતો રહ્યો છે જે આગામી સમયમાં પણ વધશે એવું માની શકાય. રોકાણકારોને રાજી કરનારા IPOમાં ઍવન્યુ સુપર માર્ટ, શંકરા બિલ્ડિંગ, સલાસર ટેક્નૉ, સેન્ટ્રલ ડિપોઝિટરી, અપેક્સ ફ્રોઝન, શીલાફોમ, PSP પ્રોજેક્ટ્સ, AU સ્મૉલ ફાઇનૅન્સ, ડિક્સન ટેક્નૉલૉજીઝ અને હુડકોનો સમાવેશ છે. આગામી સમયમાં આવા વધુ ઇશ્યુ આવશે અને રોકાણકારોને સારી તક ઑફર કરશે.

દિવાલી-ટુ-દિવાલી : પાંચ વર્ષમાં ઇન્ડેક્સ ક્યાંથી ક્યાં

દિવાલી-ટુ-દિવાલી બજારના ટ્રેન્ડને સમજવો હોય તો અહીં આપેલા આંકડા કાફી છે. ૨૦૧૩માં દિવાળીના મુરતના દિવસે સેન્સેક્સ ૨૧,૨૩૯ અને નિફ્ટી ૬૩૧૭ હતા. ૨૦૧૪ની દિવાળીમાં સેન્સેક્સ ૨૬,૮૫૧ અને નિફ્ટી ૮૦૧૪ થયો. ૨૦૧૫ની દિવાળીના રોજ સેન્સેક્સ ૨૫,૮૬૭ અને નિફ્ટી ૭૮૨૫ રહ્યો, જ્યારે ૨૦૧૬ની દિવાળીના દિવસે સેન્સેક્સ ૨૭,૯૩૦ અને નિફટી ૮૬૨૫ હતો જે આ વર્ષે ૨૦૧૭ની દિવાળીના રોજ સેન્સેક્સ ૩૨,૩૯૦ અને નિફ્ટી ૧૦,૧૪૬ બંધ રહ્યા. આ આંકડા સ્પષ્ટ કહે છે કે સેન્સેક્સ અને નિફ્ટી આ ચાર જ વર્ષમાં કેટલી વૃદ્ધિ પામ્યા છે. આ બે બેન્ચમાર્ક ઇન્ડેક્સની વૃદ્ધિ ઘણું કહી દે છે. આ વધારો સીમિત માર્કેટનો નથી, બલકે વિસ્તૃત બજારનો છે, એના સહભાગીઓ પણ વધ્યા છે. આ માત્ર સેન્ટિમેન્ટ નથી કે માત્ર પ્રવાહિતા નથી, બલકે ફન્ડામેન્ટલ્સ પણ છે અને ભાવિ વિકાસની આશા પણ એમાં સમાયેલી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK