શૅરબજારમાં HRITHIKનું જોર

બજારની નહીં, ઇન્ડેક્સની તેજી : સિલેક્ટેડ શૅરો જ ચાલે એવો માહોલ

BSE

શૅરબજારની સાદીવાત - જયેશ ચિતલિયા

ગયા સોમવારનો બજારનો આરંભ ધારણા મુજબ અને વાજબી સ્વરૂપે થયો. આગલા સપ્તાહમાં સારુંએવું ઊંચું ગયેલું બજાર નીચે આવે એ જરૂરી હતું. પ્રૉફિટબુકિંગ થવું પણ સહજ હતું. પરિણામે સોમવારે બજારે કરેક્શન સ્વીકારી લીધું. નજીવા ઘટાડા સાથે શરૂઆત કરી ટ્રેડિંગ સમયના અંતે સેન્સેક્સ ૨૧૭ પૉઇન્ટ અને નિફ્ટી ૮૨ પૉઇન્ટ ડાઉન જઈ ૧૧ હજારની નીચે અને સેન્સેક્સ ૩૬,૫૦૦ની નીચે આવી ગયા હતા. ગ્લોબલ માર્કેટે પણ આવાં જ કરેક્શન બતાવ્યાં હતાં. મિડ કૅપ અને સ્મૉલ કૅપ શૅરો તો ફરી વધુ તૂટ્યા હતા. જોકે મંગળવારે ચાલ ફરી પૉઝિટિવ થઈ અને સેન્સેક્સ ૧૯૬ પૉઇન્ટ તથા નિફ્ટી ૭૧ પૉઇન્ટ વધીને ફરી અનુક્રમે ૩૬,૫૦૦ અને ૧૧,૦૦૦ની ઉપર આવી ગયા હતા. નેગેટિવ શરૂઆત સાથે શરૂ થયેલો મંગળવાર આખરમાં માર્કેટ માટે પૉઝિટિવ રહ્યો હતો. સોમવારે હોલસેલ ફુગાવાનો દર ઊંચો જાહેર થતાં વ્યાજદરની ચિંતા વધી હતી. ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સંસ્થા મૉર્ગન સ્ટૅનલીએ ફુગાવાના પરિબળને ઇક્વિટી માર્કેટ માટે જોખમી ગણાવ્યું હતું. ક્રૂડના ભાવ આમ તો ઘટવા લાગ્યા છે, પણ એ પાછા વધી શકે એની ચિંતા ઊભી છે. બુધવારે માર્કેટ પ્લસમાંથી માઇનસ થતું ગયું હતું, જેમાં આખરે સેન્સેક્સ ૧૪૬ પૉઇન્ટ અને નિફ્ટી ૫૪ પૉઇન્ટ ડાઉન જઈ ફરી ૧૧ હજારની નીચે ઊતરી ગયો હતો. ગુરુવારે બજાર ફરી વધ-ઘટ સાથે છેલ્લે સાધારણ નીચે બંધ રહ્યું હતું. બજાર પર મોદી સરકાર સામે સંસદમાં મુકાનારી અવિશ્વાસની દરખાસ્તની ચિંતા હોવાનું ચર્ચાતું હતું તેમ જ ઘણેખરે અંશે પ્રૉફિટબુકિંગની પણ ચર્ચા હતી. જોકે સપ્તાહના અંતિમ દિવસ-શુક્રવારે એક તરફ સંસદમાં રાહુલબાબાના આક્ષેપો અને નાટકોની તેમ જ એની સામે મોદી સરકારના પ્રતિભાવની રસપ્રદ ચર્ચા ચાલી રહી હતી ત્યારે માર્કેટ વધતું રહીને ૨૦૦ પૉઇન્ટ પ્લસ થઈ પાછું ફરી અંતમાં ૧૪૫ પૉઇન્ટ સેન્સેક્સ અને પંચાવન પૉઇન્ટ નિફ્ટી ઉપર બંધ રહ્યા હતા. આમ નિફ્ટીએ પુન: ૧૧ હજારનું લેવલ ક્રૉસ કરી લીધું હતું. મજાની વાત એ છે કે આ દિવસે પણ માર્કેટ બ્રેડ્થ નેગેટિવ હતી, જેથી વધનાર શૅરો કરતાં ઘટનાર શૅરોની સંખ્યા વધુ હતી. જોકે નોંધનીય બાબતમાં મિડ કૅપ શૅરોમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો.

વિપરીત સંજોગોમાં ચાલ સુધારાની

નવાઈની વાત એ છે કે એક તરફ વિશ્વભરમાં અમરિકા અને ચીન વચ્ચેની ટ્રેડ-વૉરની ચિંતા વ્યક્ત થઈ રહી છે ત્યારે બીજી તરફ ભારતીય બજાર સુધારાની ચાલ ચાલી રહ્યું છે અને કોઈ મોટી નેગેટિવ અસર દર્શાવતું નથી. બાત હજમ નહીં હોતી, મગર હકીકત યહી હૈ! આમ તો વર્લ્ડ ટ્રેડ-વૉરની અસરરૂપે ઇમર્જિંગ માર્કેટ્સમાં વાતાવરણ મંદ હોવું જોઈએ એવું કહેવાય છે, પણ ભારતીય માર્કેટ એમાં હાલ તો અપવાદ રહ્યું છે. ઇક્વિટી માર્કેટમાં ભારત બેસ્ટ પર્ફોર્મર રહ્યું છે. ભારતીય કૉર્પોરેટ્સનાં ઊંચાં અર્નિંગ્સની આશા ગ્લોબલ ઇન્વેસ્ટરોને આકર્ષી રહી છે. જયારે ચીનનું અર્થતંત્ર ધીમું પડ્યું હોવાના અહેવાલ છે.

તેજીમાં HRITHIK શૅરોનું સૌથી વધુ જોર


તાજેતરમાં ભારતીય બજારમાં સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ઊંચી સપાટી હાંસલ કરી હતી, પણ આમાં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે આ વધારો બજાર કરતાં વધુ ઇન્ડેક્સનો રહ્યો છે અને એથી પણ વિશેષ ઇન્ડેક્સ કરતાં એમાં રહેલી મર્યાદિત સ્ક્રિપ્સનો રહ્યો છે. જેમ કે HDFC - HDFC બૅન્ક (H) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (R), ઇન્ફોસિસ (I) તાતા કન્સલ્ટન્સી સર્વિસ (T), હિન્દુસ્તાન યુનિલીવર (H), ઇન્ડસઇન્ડ બૅન્ક (I), કોટક મહિન્દ્ર બૅન્ક (K) વગેરે જેવી લાર્જ કૅપ સ્ક્રિપ્સની વૃદ્ધિની અસર અને વજન વધુ રહ્યાં હતાં. વાસ્તવમાં આ બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં મહત્તમ શૅરો નેગેટિવ ઝોનમાં રહ્યા છે. વધુમાં મિડ કૅપ અને સ્મૉલ કૅપ શૅરોમાંથી મોટા ભાગના શૅરો એના ઊંચા લેવલથી ૨૦ ટકા નીચે છે. આમ ભારતીય માર્કેટની તેજી માત્ર ચુનંદા શૅરોને આધારે ચાલી હોવાનું જણાય છે. આ જ વસ્તુસ્થિતિ અમેરિકન માર્કેટમાં પણ જોવા મળી છે. ત્યાં ફેસબુક (F), ઍપલ (A),ઍમેઝૉન (A), નેટફ્લિક્સ (N) અને ગૂગલ (G) શૅરોનું જોર રહ્યું છે, જે FAANG (ફાન્ગ)ના ટૂંકા નામે ચર્ચામાં છે. આમ ત્યાં પણ મર્યાદિત શૅરો જ બજારને ઉપર ખેંચી ગયા હતા.

બજારનું માર્કેટ કૅપ ડાઉન

ગયા સપ્તાહના આંકડા મુજબ ૨૦૧૮માં અત્યાર સુધીમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય માર્કેટમાં નેટ સેલર વધુ રહ્યા છે. અમેરિકામાં વ્યાજદર વધારાનું આ કારણ છે, જ્યારે ભારતીય માર્કેટમાં મ્યુચ્યુઅલ ફંડ્સના રોકાણપ્રવાહને કારણે બજાર એમાં ટકી રહ્યું છે. જોકે મે બાદ મ્યુચ્યુઅલ ફન્ડનો પ્રવાહ પણ ઘટી રહ્યો હોવાનું જણાય છે. સેન્સેક્સનું માર્કેટ કૅપ વધ્યું છે. બજાર પરની તમામ કંપનીઓનું માર્કેટ કૅપ ઘટ્યું છે, માત્ર ચોક્કસ મર્યાદિત સ્ક્રિપ્સનું માર્કેટ કૅપ જ વધ્યું છે, જે ખરેખર તો બજારની તંદુરસ્ત નિશાની ન ગણાય. બજાર ઓવરઑલ મોંઘું લાગે છે. એમાં પણ સારા શૅરો વધીને વધુ મોંઘા થતાં જાય છે.

સરકારે જાહેર ક્ષેત્રની પાંચ બૅન્કો માટે મૂડીસહાય જાહેર કરવાથી આ બૅન્કોને થોડું બળ મળશે એવી આશા રાખી શકાય. આ પાંચ બૅન્કોને ૧૧ હજાર કરોડ રૂપિયાથી વધુ મૂડીસહાય પ્રાપ્ત થશે. જોકે મંગળવારે આ જાહેરાત થયા બાદ પણ એની આ બૅન્કો પર કોઈ ખાસ અસર જણાઈ નહોતી.

LIC-IDBI બૅન્ક

જોકે IDBI બૅન્કને ઉગારવા LIC બૅન્કની ૫૧ ટકા મૂડી હસ્તગત કરે એ વાતનો નિર્ણય બોર્ડ લેવાનું હતું. આ બોર્ડે સિફતથી આ નિર્ણય માટે સરકાર સમક્ષ એવી માગણી મૂકી છે કે એને IDBI બૅન્કના બોર્ડમાં સ્થાન મળવું જોઈએ, જે વાજબી પણ કહેવાય. જેથી ભવિષ્યમાં નિગમ સામે આંગળી ચીંધાય નહીં, કારણ કે આ એક બહુ સંવેદનશીલ અને મહત્વનું પગલું છે. LICએ એના કરોડો વીમાધારકોના હિતને જોવાનું છે. IDBI બૅન્કને હસ્તગત કરવાથી LICનું કેટલું ભલું થશે એ અત્યારે કહી શકાય કે ધારી શકાય નહીં. યાદ રહે, LICનું ઇન્વેસ્ટમેન્ટ અનેક લિસ્ટેડ કંપનીઓમાં છે. રિઝવર્‍ બૅન્કે આ ડીલને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે, પણ હવે પછી શું થાય છે એ જોવાનું રહેશે. જોકે હજી સુધી IDBI બૅન્કમાં કોઈ કરન્ટ જોવામાં નથી આવ્યો.

ભારતીય અર્થતંત્ર માટે આશાવાદ

ભારતીય અર્થતંત્ર માટે ભારતમાં વિવાદાસ્પદ આશાવાદ હોઈ શકે, પણ વિશ્વમાં ઊંચો આશાવાદ છે. ૭.૩ ટકા કે ૭.૫ ટકાના ઊંચા દર સાથે ભારતીય અર્થતંત્ર સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થંતંત્ર છે. એશિયન ડેવલપમેન્ટ બૅન્કે તાજેતરમાં ભારતીય ઇકૉનૉમી માટે સારી અને ઊંચી આશા વ્યક્ત કરી છે, જે મુજબ ભારતમાં આર્થિક સુધારા આકાર લઈ રહ્યા છે એ મુજબ આ આશા વ્યક્ત થાય છે એ નોંધવું રહ્યું. ભારતીય વેપાર-ઉદ્યોગ ક્ષેત્રના વિશાળ સંગઠન ફિક્કીના પ્રેસિડન્ટ રસેશ શાહે કરેલા નિવેદન પ્રમાણે ભારતની ઇકૉનૉમી સામે પડકારો ઘણા હોવા છતાં એનો ગ્રોથ થતો રહેશે. આ માટે ફિક્કીએ પણ સરકારનાં પગલાંને અને આર્થિક સુધારાને યશ આપ્યો છે. ઇન્વેસ્ટમેન્ટ માર્કેટમાં રસ ધરાવતા વર્ગ માટે આ પ્રકારનાં નિવેદન મહત્વનાં અને વિશ્વાસ વધારનારાં બની શકે. જ્યારે અત્યારે ઘણા રોકાણકારો ૨૦૧૯ની ચૂંટણી બદલ ગભરાટ યા શંકા અનુભવી રહ્યા હોવાથી માર્કેટમાં રિસ્ક લેવાનું ટાળી રહ્યા છે અથવા માર્કેટમાંથી બહાર નીકળતા જાય છે. ઘણા વળી લાંબી રાહ જોયા વિના ઝટપટ પ્રૉફિટબુકિંગ કરી લેવાનો અભિગમ અપનાવે છે.

નાની ખાસ વાત

નવા સપ્તાહમાં HDFC ઍસેટ મૅનેજમેન્ટ કંપનીનો IPO અને કોટક મહિન્દ્ર મ્યુચ્યુઅલ ફન્ડની નવી ઑફર વ્યાપક વર્ગનું ધ્યાન ખેંચે એવું જણાય છે. આમાં મોટા પાયે રોકાણ થવાની શક્યતા અને ચર્ચા છે, પણ લાંબા ગાળા માટે આ રોકાણ સાચવી રાખવા જેવું બની શકે એવી આશા પણ છે. HDFC ગ્રુપ પરનો રોકાણકારોનો આ વિશ્વાસ છે. ICICI બૅન્કમાં તપાસને પગલે સાવચેતી છે. પરિણામે HDFC બૅન્ક આમ પણ જોરમાં ચાલે છે. નવા સપ્તાહમાં બજાર નવી ઊંચાઈ હાંસલ કરે એવું બની શકે. જોકે આ સાથે બજારમાં પ્રૉફિટબુકિંગ આવે તો પણ નવાઈ નહીં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK