F&Oમાં બ્રુઅરી વલણની બજારમાં નરમાઈ સાથે વિદાય

બલરામપુરમાં પ્રીમિયમે બાયબૅક છતાં શૅરમાં સુસ્તી : ગીતાંજલિમાં પ્રમોટર્સ હોલ્ડિંગની જપ્તી કેવળ આઇ-વૉશ : અપોલો માઇક્રો ઑલટાઇમ તળિયે જઈ જોરદાર ઊછળ્યો

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

‘ગ્લૂમ, બૂમ ઍન્ડ ડૂમ’ રિપોર્ટથી જાણીતા બનેલા ઇન્વેસ્ટમેન્ટ-ગુરુ માર્ક ફેબર માને છે કે તાજેતરનો નિમો-ફ્રૉડ માત્ર પંજાબ નૅશનલ બૅન્ક પૂરતો સીમિત રહેવાનો નથી. બીજાં ઘણાં સ્કૅમ કે ગોટાળા બહાર આવવાનાં છે. સરવાળે બૅન્કિંગ અને ફાઇનૅન્શિયલ સિસ્ટમ્સની વિશ્વસનીયતા હણાશે. રોકાણકારોએ હાલની સ્થિતિમાં ઘટતા ભાવ જોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવાની ઉતાવળ કરવાને બદલે થોડી રાહ જોવાની જરૂર છે. સેન્સેક્સ અત્યારના લેવલથી ઘટીને ૩૦,૦૦૦ સુધી જઈ શકે છે. આ સપોર્ટ તૂટે તો બીજા ૩૦૦૦ પૉઇન્ટ ધોવાશે. છેલ્લા કેટલાક દિવસથી ડૉલર સામે રૂપિયો ૬૫ની મનોવૈજ્ઞાનિક સપાટી ભેદી ચૂક્યો છે. આ વલણ ચાલુ રહેશે તો વિદેશી રોકાણકારો ભારતીય શૅરબજારમાં મની પોઝિશન હળવી કરવા માંડશે.

માર્ક ફેબરની આ અ-મંગળવાણી વચ્ચે શૅરબજાર ગુરુવારે લગભગ આખો દિવસ રેડ ઝોનમાં ૧૭૭ પૉઇન્ટની રેન્જમાં અથડાતું રહી છેલ્લે ૨૫ પૉઇન્ટ ઘટીને ૩૩૮૧૯ બંધ આવ્યું છે. નિફ્ટી ૪૮ પૉઇન્ટની રેન્જબાઉન્ડ ચાલ દાખવી ૧૫ પૉઇન્ટ ઘટી ૧૦૩૮૩ રહ્યો છે. સેન્સેક્સ ખાતે ૩૧માંથી ૧૦ અને નિફ્ટીના ૫૦માંથી ૧૬ શૅર પ્લસ હતા. સ્મૉલકૅપ, મિડકૅપ તેમ જ બ્રૉડર માર્કેટની ઢીલાશ થકી માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ જોવા મળી છે. NSE ખાતે ૧૫૦૫ શૅરના સોદા પડ્યા હતા. એમાંથી ૯૮૭ જાતો નરમ હતી. ડૉલર સામે રૂપિયાની પીછેહઠમાં IT ઇન્ડેક્સ સળંગ ત્રીજા દિવસની આગેકૂચમાં ૫૮માંથી ૩૧ શૅરના સુધારામાં અડધો ટકો અપ હતો. સરકાર દ્વારા MTNLનું BSNL સાથે વ્યૂહાત્મક જોડાણ ટૂંકમાં જાહેર થવાની ચર્ચામાં ભાવ તગડા વૉલ્યુમ વચ્ચે પોણાઆઠ ટકાની તેજીમાં ૨૪ રૂપિયા બંધ હતો. હેટસન ઍગ્રોમાં રાઇટ ઇશ્યુ મારફત ૫૫૦ કરોડ રૂપિયા ઊભા કરવાની યોજના પાછળ ભાવ ૭૮૧ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બાદ અડધો ટકો ઘટીને ૭૬૫ રૂપિયા હતો. વકરાંગી સળંગ ચોથા દિવસે મંદીની સર્કિટમાં પાંચ ટકા ગગડીને ૨૦૦ રૂપિયા બંધ આવ્યો છે. અમેરિકામાં વ્યાજદરનો સંભવિત વધારો યીલ્ડમાં વૃદ્ધિ કરશે એવી ગણતરી પાછળ ગઈ કાલે ચાઇના સિવાયનાં તમામ અગ્રણી એશિયન શૅરબજાર પોણાથી દોઢ ટકો નરમ હતા. યુરોપ પણ રનિંગ ક્વોટમાં અડધાથી એક ટકો ડાઉન જોવા મળ્યો હતો.

PSU બૅન્ક નિફ્ટી મંદીની ઑર્બિટમાં

PSU બૅન્ક નિફ્ટી ગયા વર્ષના ઑક્ટોબરમાં ૨૯૨૮ના તળિયે હતો એ ૨.૧૧ લાખ કરોડ રૂપિયાના જંગી રીકૅપિટલાઇઝેશન પ્રોગ્રામની સરકારની જાહેરાત પાછળ શાર્પ જમ્પમાં દોઢેક મહિનામાં ૪૩૩૫ની મલ્ટિયર ટોચે પહોંચી ગયો હતો, પરંતુ બૅડ લોન, NPA બૅન્ક અને ઍસેટ્સ ક્વૉલિટીમાં ખરાબી જેવા કારણ વચ્ચે નિમો-ફ્રૉડને આંચકો લાગતાં હાલમાં એ ૩૧૨૪ની આસપાસ પહોંચી ગયો છે. ૪૩૩૫ની પીકના મુકાબલે આ લેવલ ૨૮ ટકાનું ગાબડું સૂચવે છે. ટેક્નિકલ ભાષામાં ૨૦ ટકાથી વધુનો કોઈ પણ ઘટાડો બેર માર્કેટમાં પ્રવેશ ગણાય છે. આ ધોરણે PSU બૅન્ક શૅરમાં નજીકના ભવિયમાં સુધારા કરતાં બગાડના ચાન્સ વધુ છે. ગઈ કાલે બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅરની નરમાઈમાં નહીંવત્ તો બૅન્કેક્સ ૧૦માંથી ૭ શૅરની નબળાઈમાં નજીવા પ્લસ હતા. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગની ૪૦માંથી ૮ જાતો વધેલી હતી. IDBI બૅન્ક, યુકો બૅન્ક, યસ બૅન્ક અને ઇન્ડસઇન્ડ બૅન્ક સવાથી પાંચ ટકા પ્લસ હતા. ધનલક્ષ્મી બૅન્ક, લક્ષ્મી વિલાસ બૅન્ક, યુનાઇટેડ બૅન્કમાં નવાં ઐતિહાસિક બૉટમ બન્યાં હતાં. પંજાબ નૅશનલ બૅન્ક બે ટકા ઘટી ૧૧૪ રૂપિયા હતો.

બલરામપુર ચીનીમાં બાયબૅક છતાં સુસ્તી


બલરામપુર ચીની મિલ્સ દ્વારા શૅરદીઠ ૧૫૦ રૂપિયાના ભાવે બાયબૅક ઑફર જાહેર થઈ છે જેની રેકૉડ-ડેટ ૬ માર્ચ છે. ૧૧૪રૂપિયાના આગલા બંધ ભાવ સામે બાયબૅક પ્રાઇસ ૩૧ ટકા કરતાંય વધુ ઊંચી હોવા છતાં શૅરના ભાવમાં ખાસ ઝમક જોવા મળી નથી. ભાવ ગઈ કાલે નીચામાં ૧૧૩ અને ઉપરમાં ૧૧૬ નજીક જઈ છેલ્લે ૦.૩ ટકાના સુધારામાં ૧૧૪ રૂપિયા બંધ હતો. એક રૂપિયાની ફેસવૅલ્યુવાળા શૅરની બુકવૅલ્યુ ૬૬ રૂપિયા પ્લસ છે. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૪૧ ટકા આસપાસ છે. FII પાસે સવાત્રેવીસ ટકા તો LIC પાસે ૩.૬ ટકા માલ છે. ૧૯૯૦થી ૧૯૯૬ના ૬ વર્ષમાં ચાર વખત બોનસ આપનારી આ કંપનીમાં છેલ્લે માર્ચ ૧૯૯૬માં બે શૅરદીઠ ત્રણના પ્રમાણે બોનસ આવ્યું હતું. ફેબ્રુઆરી ૨૦૦૫માં ૧૦ રૂપિયાના શૅરનું એક રૂપિયામાં વિભાજન કરાયું એ પૂર્વે ૧૦૦ શૅરદીઠ ૧૨ શૅરના પ્રમાણમાં શૅરદીઠ ૨૬૦ રૂપિયાના ભાવે જાન્યુઆરી ૨૦૦૪માં રાઇટ કરાયો હતો. દરમ્યાન ગઈ કાલે શુગર ઉદ્યોગના ૩૩માંથી ૧૬ શૅર વધ્યા હતા. બન્નારી અમાન માત્ર ૪૫ શૅરના વૉલ્યુમમાં સવાત્રણ ટકા ઊછળી ૧૭૭૫ રૂપિયા હતો. તો સિમ્ભોલી શુગર ૧૬ રૂપિયાનું વર્ષનું બૉટમ બનાવી સવાપાંચ ટકાની ખરાબીમાં ૧૬ રૂપિયા પ્લસ હતો. શક્તિ શુગર, સર શાદીલાલ, તિરુઅરુણન શુગર, દ્વારકેશ શુગર જેવા અન્ય શુગર શૅરમાં પણ નવાં ઐતિહાસિક બૉટમ બન્યાં હતાં.

પાવર ફાઇનૅન્સ અને RECમાં નવાં બૉટમ


પાવર ફાઇનૅન્સ બિઝનેસમાં પ્રવૃત્ત સરકારી કંપની પાવર ફાઇનૅન્સ કૉર્પોરેશન તથા રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કૉર્પોરેશન (REC) ગઈ કાલે નવાં ઐતિહાસિક બૉટમ બનાવી નીચા મથાળે સપોર્ટ મળી જતાં સુધારામાં બંધ રહ્યા છે. પાવર ફાઇનૅન્સ કૉર્પોરેશન ગઈ કાલે ૧૦૩ની ૧૭ મહિનાની નીચી સપાટીએ જઈ બાઉન્સબૅકમાં ૧૦૬ થઈ છેલ્લે નજીવા સુધારામાં ૧૦૪ રૂપિયા બંધ રહ્યો છે. સરકારની ૬૬ ટકા માલિકીવાળી આ કંપનીના ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૧૩૬ રૂપિયા જેવી છે. દસેક મહિના પૂર્વે ૧ એપ્રિલ ૨૦૧૭ના રોજ ભાવ ૧૬૯ રૂપિયાના શિખરે હતો. તો સરકારની ૫૯ ટકા માલિકી ાળી રૂરલ ઇલેક્ટ્રિફિકેશનનો ભાવ ગુરુવારે ૧૩૬ રૂપિયાની ૧૩ મહિનાની બૉટમ બનાવી પ્રત્યાઘાતી સુધારામાં ૧૩૯ રૂપિયા થઈ છેલ્લે પોણો ટકો ઘટીને ૧૩૭ રૂપિયા રહ્યો છે. ૧૦ રૂપિયાના શૅરની બુકવેલ્યુ ૧૪૬થી વધુ રૂપિયાની છે. PTC ઇન્ડિયા લિમિટેડની ૬૫ ટકા માલિકીની PTC ઇન્ડિયા ફાઇનૅન્સ ૩૦ રૂપિયાની જૂન ૨૦૧૪ પછીની નીચી સપાટી બતાવીને છેલ્લે યથાવત્ ૩૦.૪૫ રૂપિયા હતો. ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૩૮ રૂપિયા નજીકની છે. આ શૅરમાં ડિવિડન્ડ યીલ્ડ પાંચ ટકા જેવું હાલના ભાવે બેસે છે. RECમાં ડિવિડન્ડ યીલ્ડ સાતેક ટકા તો પાવર ફાઇનૅન્સમાં પોણાપાંચ ટકાનું છે.

ગીતાંજલિમાં પ્રમોટર્સ હોલ્ડિંગ જપ્ત કરવાથી શું?

બિનસત્તાવાર રીતે જેનો આંકડો ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનો મુકાય છે એ નિમો-ફ્રૉડમાં એન્ર્ફોસમેન્ટ ડિરેક્ટરેટ તરફથી ગીતાંજલિ જેમ્સમાં પ્રમોટર્સ મેહુલ ચોકસીના હોલ્ડિંગને ફ્રીઝ કરવાની કવાયત શરૂ થઈ છે. પ્રથમ નજરે આ પગલું ઘણું સારું લાગશે, પરંતુ વાસ્તવમાં સરકારની સ્ટન્ટબાજીથી વધું કાંઈ નથી. ગીતાંજલિ જેમ્સનું હાલનું માર્કેટકૅપ ૩૧૦ કરોડ રૂપિયા નજીકનું છે. આ ભાવે ૨૭.૮ ટકાના પ્રમોટર્સ હોલ્ડિંગની વૅલ્યુ ૮૬ કરોડ રૂપિયાની થઈ પરંતુ આ ૨૭.૮ ટકામાંથી ૭૯ માલ તો ગીરવી પડેલો છે એટલે પ્રમોટર્સ હોલ્ડિંગ ફ્રીઝ કરવાના પગલાની વાસ્તવિક અસર ૧૮ કરોડ રૂપિયા સીમિત રહે છે. આટલા મોટા કૌભાંડમાં આ આંકડો ચણા-મમરા જેવો કહી શકાય.

બાય ધ વે ગીતાંજલિ જેમ્સ ગઈ કાલે નવી સર્કિટ-લિમિટ અનુસાર પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૨૬ રૂપિયાની નવી ઑલટાઇમ બૉટમે બંધ હતો. BSEમાં વૉલ્યુમ ૩૮૦૦ શૅરનું પણ નહોતું અને સામે ૪૩ લાખ શૅરના વેચુ ઊભા હતા. NSEમાં ૩૮૦૦૦ શૅરના કામકાજમાં નીચલી સર્કિટ લાગી હતી તથા ૧૨૧ લાખ શૅરના સેલર્સ લાઇનમાં હતા.

નિફ્ટી-૫૦માં ફેરફારની સંબંધિત શૅર પર અસર


નિફ્ટી-૫૦ના લિસ્ટમાં બીજી એપ્રિલથી અમલી બને એ રીતે કેટલાક ફેરફાર થયા છે જેના પગલે બજાજ ફિનસર્વ, ગ્રાસિમ અને ટાઇટનનો નિફ્ટી-૫૦માં સમાવેશ થશે અને બૉશ, અંબુજા સિમેન્ટ તથા અરબિંદો ફાર્મા બાકાત થશે. આ જાહેરાતની અસરમાં બૉશ ગઈ કાલે દોઢા કામકાજમાં નીચામાં ૧૮૬૬૬ રૂપિયા થઈ અંતે સવાબે ટકા કે ૪૪૧ રૂપિયા ઘટીને ૧૮૭૫૬ રૂપિયા બંધ હતો. અંબુજા સિમેન્ટ ૨૫૫ રૂપિયાની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ બે ટકાની નરમાઈમાં ૨૫૬ રૂપિયા તો અરબિંદો ફાર્મા ૫૬૧ રૂપિયાની ઇન્ટ્રા-ડે બૉટમથી ઉપરમાં ૫૯૫ બતાવી છેલ્લે ૨.૯ ટકા વધીને ૫૮૭ રૂપિયા હતો. ટાઇટન દોઢા વૉલ્યુમમાં ઉપરમાં ૮૩૬ વટાવી અંતે પોણો ટકો ઘટી ૮૧૬ રૂપિયા, ગ્રાસિમ ૧૨૨૩ નજીક જઈ છેલ્લે નજીવા સુધારામાં ૧૧૧૨ અને બજાજ ફિનસર્વ ૫૦૨૭ આસપાસ જઈ અંતે અડધો ટકો ઘટીને ૪૯૪૦ રૂપિયા બંધ હતા.

દરમ્યાન જેનું લિસ્ટિંગ ગયા મહિને ધમાકેદાર થયું હતું એ અપોલો માઇક્રો સિસ્ટમ્સ ગઈ કાલે આઠગણા કામકાજમાં ૨૭૫ની ઑલટાઇમ બૉટમ બતાવી શાર્પ બાઉન્સબૅકમાં ૩૩૨ નજીક જઈ છેલ્લે ૧૪.૬ ટકાની તેજીમાં ૩૨૧ રૂપિયા બંધ આવ્યો છે. IPOની ઇશ્યુ-પ્રાઇસ ૨૭૫ રૂપિયા હતી અને લિસ્ટિંગના દિવસે ૨૨ જાન્યુઆરીએ ભાવ ૪૮૦ રૂપિયા નજીકના બેસ્ટ લેવલે જોવા મળ્યો હતો.  

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK