છેલ્લા કલાકના પ્રૉફિટ-બુકિંગમાં શૅરબજારનો મોટા ભાગનો સુધારો ધોવાઈ ગયો

ફ્રન્ટલાઇન ફાર્મા શૅરની તેજીથી નિફ્ટી ફાર્મા સવાબે ટકા અપ : લાર્સન ફાઇનૅન્સમાં સિટી ગ્રુપની આંશિક એક્ઝિટ પાછળ કડાકો : ઉદ્યોગને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો લૉજિસ્ટિક્સ શૅરમાં ફૅન્સી ટકાવી ન શક્યો

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

બજારમાં ઊંચા મથાળે વેચવાલી કે પ્રૉફિટ-બુકિંગનું પ્રેશર આવવાનો સિલસિલો જળવાઈ રહ્યો છે. સેન્સેક્સ ગઈ કાલે આગલા બંધથી ૮૦ પૉઇન્ટ જેવા ગૅપમાં ઉપર ખૂલ્યા બાદ ક્રમશ: આગેકૂચમાં બે વાગ્યાની આસપાસ ૨૬૫ પૉઇન્ટ ઊંચકાઈને ૩૩,૬૨૫ની ઇન્ટ્રા-ડે ઊંચી સપાટીએ ગયો અને ત્યાર બાદ ઝડપી ઘસારો કામે લાગતાં નીચામાં ૩૩,૪૩૭ થઈ છેલ્લે ૧૧૮ પૉઇન્ટ વધીને ૩૩,૪૭૮ બંધ આવ્યો છે. નિફ્ટી ૧૦,૩૫૮ વટાવ્યા પછી ૧૦,૩૧૫ થઈ અંતે ૨૮ પૉઇન્ટના સુધારામાં ૧૦,૩૨૭ નજીક રહ્યો છે. ઉપલા મથાળે ટકી શકવામાં નિષ્ફળતા છતાં બજાર સળંગ ચોથા દિવસે પણ પૉઝિટિવ ઝોનમાં બંધ આવ્યું એ એક આશ્વાસન કહી શકાય. ગઈ કાલે સેન્સેક્સના ૩૧માંથી ૨૧ તો નિફ્ટીના ૫૦માંથી ૨૯ શૅર પ્લસ હતા. ડૉ. રેડ્ડીઝ લૅબ બન્ને મેઇન બેન્ચમાર્ક ખાતે ટૉપ ગેઇનર બન્યો હતો. ત્યાર પછીના ક્રમે સનફાર્મા હતો. ગઈ કાલે કામકાજમાં થોડી નીરસતા જણાઈ છે. NSE ખાતે ફક્ત ૧૫૮૯ શૅરમાં સોદા પડ્યા હતા. સેન્સેક્સનો ૧૧૮ પૉઇન્ટની આગેકૂચમાં એકલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું પ્રદાન ૪૭ પૉઇન્ટનું હતું. રિયલ્ટી ઇન્ડેક્સ ૧૦માંથી કેવળ બે શૅર વધવાના પગલે સવા ટકાથી વધુ તરડાયો હતો. ઇન્ડિયા બુલ્સ રિયલ્ટી સવાચાર ટકા તો HDIL પોણાત્રણ ટકા ડાઉન હતા. હેવીવેઇટ ટાઇટન બુલરન આગળ ધપાવતા ૮૨૫ રૂપિયાની નવી ઐતિહાસિક સપાટી બનાવી છેલ્લે સવાચાર ટકાના જમ્પમાં ૮૧૭ રૂપિયા બંધ રહેતાં બે ટકાની મજબૂતીમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ ઇન્ડેક્સ ૨૦,૭૮૮ની વિક્રમી સપાટીએ પહોંચી ગયો છે. આ બેન્ચમાર્કના ૪૦૪ પૉઇન્ટના ઉછાળામાં કેવળ ટાઇટનનું પ્રદાન ૩૮૬ પૉઇન્ટ હતું. બૅન્કેક્સ અને બૅન્ક નિફ્ટી નહીંવત્ ડાઉન હતા, પણ PSU બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરની નબળાઈમાં એક ટકાની નજીક કટ થયો હતો. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગના ૪૦ શૅરમાંથી ૩૦ શૅર નરમ હતા. કૉર્પોરેશન બૅન્ક આગલા લેવલે જૈસે-થે હતો. બૅન્કિંગ ક્ષેત્રની ૧૫ જાતો એક ટકાથી લઈને અઢી ટકા સુધી ઘટેલી હતી. લક્ષ્મીવિલાસ બૅન્ક તથા સ્ટાન્ચાર્ટ બૅન્ક સામા પ્રવાહમાં સવાથી એક ટકાના સુધારામાં મોખરે હતા. ગીતાંજલિ જેમ્સ ૧૦ ગણા કામકાજમાં ૧૫ ટકાથી વધુના ઉછાળામાં ૮૩ રૂપિયા નજીક બંધ હતો. TBZ, થંગમયીલ, ઝોડિયાક, લિપ્સા જેમ્સ, ગોલ્ડિયમ જેવાં કાઉન્ટર લગભગ દોઢથી છ ટકા ઝળક્યાં હતાં.

ડેડ-કેટ બાઉન્સની થિયરી કામે લાગી હોય એમ ભારે ઋણબોજથી પીડાતા અનિલ અંબાણી ગ્રુપની R.કૉમ કેટલીક ઍસેટ્સના વેચાણ દ્વારા ૮૦૦ કરોડ રૂપિયા પ્લસનું ફન્ડ મળવાના આશાવાદમાં બમણા કામકાજમાં સાડાઅગિયાર ટકા ઊછળીને સાડાતેર રૂપિયાની નજીક બંધ હતો. ગ્રુપના અન્ય શૅરમાં રિલાયન્સ હોમ, રિલાયન્સ કૅપિટલ, રિલાયન્સ પાવર, રિલાયન્સ નેવલ, રિલાયન્સ ઇન્ફ્રા દોઢથી પોણાત્રણ ટકા વધ્યા હતા. રિલાયન્સ નિપ્પૉન સવા ટકાની નરમાઈમાં ૨૭૨ રૂપિયા બંધ હતો. તાજેતરમાં લિસ્ટેડ થયેલ HDFC સ્ટાન્ડર્ડ લાઇફ ૪૧૭ રૂપિયા પ્લસની ઑલટાઇમ હાઈ બનાવી છેલ્લે સાડાઆઠ ટકાની મજબૂતીમાં ૩૮૫ રૂપિયા બંધ રહ્યો છે.  

લૉજિસ્ટિક શૅરમાં ઉછાળે પ્રૉફિટ-બુકિંગ

સરકાર દ્વારા લૉજિસ્ટિક ઉદ્યોગને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપવાની જાહેરાત પાછળ ગઈ કાલે લૉજિસ્ટિક્સ શૅર સારા એવા ખીલ્યા હતા. જોકે પછીથી મોટા ભાગનો સુધારો ઘસાતો જોવા મળ્યો હતો. ગતિ ઇન્ડસ્ટ્રીઝ પોણાત્રણ ગણા કામકાજમાં ૧૪૮ રૂપિયાની વર્ષની નવી ટોચ બનાવી છેલ્લે પોણાછ ટકાની ખરાબીમાં ૧૩૨ રૂપિયા બંધ રહ્યો છે. VRL લૉજિસ્ટિક્સ પણ દોઢા વૉલ્યુમમાં ૪૧૦ રૂપિયાની વર્ષની ઊંચી સપાટી નોંધાવી નીચામાં ૩૮૮ રૂપિયા થઈ અંતે અડધા ટકાની આસપાસ ઘટીને ૩૯૧ રૂપિયા બંધ હતો. સ્નોમૅન લૉજિસ્ટિક્સ દોઢા કામકાજ વચ્ચે ઉપરમાં ૬૧ રૂપિયા નજીક ગયા બાદ બે ટકા ઘટીને ૫૮ રૂપિયા, કન્ટેનર કૉર્પોરેશન ૧૩૮૧ રૂપિયા થયા બાદ એક ટકો ઘટીને ૧૩૫૦ રૂપિયા, નૉર્થ ઈસ્ટર્ન કૅરિંગ કૉર્પોરેશન અઢી ટકાના ઘટાડે ૩૨ રૂપિયા, પટેલ ઇન્ટિગ્રેટેડ લૉજિસ્ટિક્સ ૯૨ રૂપિયા પ્લસની ઇન્ટ્રા-ડે હાઈ બતાવી અઢી ટકાની ખરાબીમાં ૮૮ રૂપિયા, ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન ૩૦૪ રૂપિયાના ઉપલા મથાળેથી દોઢ ટકા ઘટીને ૨૮૭ રૂપિયા બંધ હતા. સિકાલ લૉજિસ્ટિક્સ, એજીસ લૉજિસ્ટિક્સ, અલકાર્ગો, નવકાર કૉર્પોરેશન અડધા ટકાથી આસપાસ તો અર્શિયા દોઢેક ટકા જેવા સુધારામાં બંધ હતો.

ડૉ. રેડ્ડીઝ લૅબમાં ઊથલપાથલ

ડૉ. રેડ્ડીઝ લૅબમાં ગઈ કાલે નવ ગણા વૉલ્યુમ સાથે ભારે ઊથલપાથલ વચ્ચે પાંચ ટકા કે ૧૧૩ રૂપિયાના ઉછાળે ૨૩૯૧ રૂપિયા બંધ આવ્યો છે. આ કાઉન્ટરમાં ગઈ કાલે કંપનીને અમેરિકન FDA તરફથી EIR (એસ્ટૅબ્લિશમેન્ટ ઇન્સ્પેક્શન રિપોર્ટ) જારી થયાના અહેવાલ વખતે ૨૩૦૦ રૂપિયાની આસપાસનો ભાવ બે-ત્રણ મિનિટમાં ઊછળી સીધો ૨૪૯૮ રૂપિયા થઈ ગયો હતો અને ત્યાંથી પાછો ત્રણ-ચાર મિનિટમાં ગગડીને ૨૩૦૦ રૂપિયા આજુબાજુ આવી ગયો હતો. આ આખો ખેલ સવાદસ વાગ્યાની આસપાસ થયો હતો. EIRનો મતલબ ક્લીન ચીટ થતો નથી એવી ખબર પડતાં શૅર ઉપરથી તૂટ્યો હતો. ઍની વે, એના લીધે કંપની સામે USFDAની તપાસની ક્રિયા ટ્રાન્સપરન્ટ બનશે. કંપનીને એનો કેસ રજૂ કરવાની પૂરી તક મળશે. સરવાળે ડૉ. રેડ્ડીઝના વાઇઝેગ પ્લાન્ટ ઉપરનો બૅન વહેલો-મોડો દૂર થશે એવી ગણતરી પાછળ શૅર ગઈ કાલે ડિમાન્ડમાં રહ્યો છે. ગઈ કાલે હેલ્થકૅર ઇન્ડેક્સ ૭૦માંથી ૪૯ શૅરના સુધારામાં પોણાબે ટકા પ્લસ હતો. વૉકહાર્ટ, સનફાર્મા, લુપિન, સિપ્લા, ટૉરન્ટ ફાર્મા, અપોલો હૉસ્પિટલ, એરીસ લાઇફ, ન્યુલૅન્ડ લૅબ, સ્પાર્ક, શિલ્પા મેડિકૅર, પાનેસિયા બાયો જેવી જાતો સવાથી સાડાચાર ટકા ઊંચકાઈ હતી. ઑપ્ટો સર્કિટ ૧૩ ટકા જેવી તેજીમાં હતો.

ટી શૅરોમાં તેજીની લહેજત

દેશના ચાના કુલ ઉત્પાદનમાં ૫૦ ટકા જેવો ફાળો આપતા આસામ ખાતે કમોસમી વરસાદને લીધે સપ્ટેમ્બર મહિનામાં ચાનું ઉત્પાદન ૨૭ ટકા ઘટીને ૮૧૭ લાખ કિલોગ્રામ થયાના અહેવાલ વચ્ચે પશ્ચિમ બંગાળના ડુઅર્સ વિસ્તારમાંય ઉત્પાદન ૧૯ ટકા ઘટ્યાના સમાચાર આવતાં ગઈ કાલે ચા ઉત્પાદક કંપનીઓના શૅરમાં સારી એવી ફૅન્સી જોવાઈ છે. મેકલિયોડ રસેલ ઉપરમાં ૧૯૪ રૂપિયા થઈ છેલ્લે સાડાઅગિયાર ટકાની તેજીમાં ૧૯૨ રૂપિયા, NSE ખાતે લિસ્ટેડ પેરા કરામલાઇ ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૩૦૩ રૂપિયાની વિક્રમી સપાટીએ, આસામ ટી કંપની સાડાઆઠ ટકાના જમ્પમાં પાંચ રૂપિયા પ્લસના લેવલે, હેરીસન મલાયમ સવાછ ટકાના ઉછાળે ૯૩ રૂપિયા, જયશ્રી ટી છ ટકાની મજબૂતીમાં ૧૧૦ રૂપિયા, રસેલ ઇન્ડિયા સાડાસાત ટકાની તેજીમાં ૧૧૯ રૂપિયા, તાતા કૉફી સાડાચાર ટકા વધીને ૧૬૧ રૂપિયા નજીક, NSE લિસ્ટેડ યુનાઇટેડ નીલગિરિ અઢી ટકાના સુધારામાં ૪૬૨ રૂપિયા અને ગ્રોબટી ત્રણ ટકા વધીને ૫૪૪ રૂપિયા બંધ હતા. તાતા ગ્લોબલ બેવરેજિસ ૨૮૧ રૂપિયા નજીક નવી ઐતિહાસિક સપાટી સર કર્યા બાદ પ્રૉફિટ- બુકિંગમાં સાધારણ ઘટાડે ૨૭૪ રૂપિયા આસપાસ બંધ હતો. વૉરન ટી ૧૬ ટકાના જમ્પમાં ૧૩૭ રૂપિયા બંધ આપી મોખરે હતો. તરાઇ ટી ૧૨ ટકા, બંગાલ ઍન્ડ આસામ કંપની આઠ ટકા, કાન્કોટી સાડાછ ટકા ઊંચકાયા હતા.

લાર્સન ફાઇનૅન્સને સિટી ગ્રુપનું નડતર

લાર્સન ફાઇનૅન્સમાં રોજના સરેરાશ પાંચેક લાખ શૅર સામે ગઈ કાલે BSE ખાતે ૧૨૩ લાખ શૅરથી વધુના કામકાજમાં ભાવ પોણાપાંચ ટકા તૂટીને ૧૭૩ રૂપિયા તો NSEમાં ૮૯૦ લાખ શૅરના વૉલ્યુમમાં પાંચ ટકા ગગડી ૧૭૮ રૂપિયા બંધ રહ્યો છે. કંપનીમાં સિટી ગ્રુપ ૫.૬ ટકા કે દસ કરોડ શૅરથી વધુનું હોલ્ડિંગ ધરાવે છે જેમાંથી એ આશરે ચારેક કરોડ શૅર તેણે આગલા બંધથી ત્રણેક ટકા ડિસ્કાઉન્ટમાં વેચીને ૭૩૨ કરોડ રૂપિયાની રોકડી કરી હોવાના સમાચાર આ કાઉન્ટરમાં નબળાઈ લાવ્યા હતા. લાર્સન ગ્રુપની પેરન્ટ કંપની લાર્સન ઍન્ડ ટૂબ્રો પણ ગઈ કાલે અડધો ટકો ઘટીને ૧૨૨૨ રૂપિયા અને લાર્સન ટેક્નૉલૉજીઝ બે ટકાની નરમાઈમાં ૯૨૧ રૂપિયા બંધ હતા. લાર્સન ઇન્ફોટેક જોકે ૯૯૭ રૂપિયાની વિક્રમી સપાટી બતાવી અંતે સવાબે ટકાની આગેકૂચમાં ૯૮૪ રૂપિયા હતો. કામકાજ પાંખા હતા. અન્ય હેવીવેઇટ્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એના ૨.૧૪ લાખ કરોડ રૂપિયાના દેવામાંથી ઊંચા વ્યાજવાળા દેવાનો બોજ ઘટાડવા ૮૦ કરોડ ડૉલર બૉન્ડ ઇશ્યુ મારફત વિદેશી બજારમાંથી ઊભા કરવા સક્રિય બનતાં શૅર ઉપરમાં ૯૪૦ રૂપિયા જેવો થઈ છેલ્લે દોઢ ટકો વધીને ૯૩૨ રૂપિયા બંધ હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK