ફેડના વાઇન્ડઅપનો આંચકો પચાવીને શૅરબજાર નજીવું નરમ

ડૉ. રેડ્ડીઝ લૅબ મૉર્ગનના બુલિશ વ્યુ પાછળ ૧૭૩ રૂપિયાની તેજીમાં : રિલાયન્સ હોમના લિસ્ટિંગની પૂર્વસંધ્યાએ રિલાયન્સ કૅપિટલ ડાઉન; સરકારી લૉસ મેકિંગ કંપની ITI ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં વિક્રમી સપાટીએ બંધ

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ


અમેરિકન મધ્યસ્થ બૅન્ક ફેડરલ રિઝર્વ મુખ્ય ચાવીરૂપ વ્યાજદર કે ફેડરેટમાં નવો વધારો હમણાં કરવાથી દૂર રહી છે. ડિસેમ્બરમાં રેટ વધશે એવો નિર્દેશ એણે આપી દીધો છે. રેટનો મામલો વ્યાપક ધારણા મુજબ રહ્યો છે, પણ ક્વૉન્ટિટેટિવ ઇઝિંગ અર્થાત ક્યુ-ઈ પ્રોગ્રામ કે સ્ટિમ્યુલસ ડોઝના વાઇન્ડઅપનો આરંભ કરવાની જાહેરાત કરીને એણે ઇમર્જિંગ બજારોને વત્તે-ઓછે અંશે ચિંતામાં નાખી દીધા છે. ફેડ દ્વારા આ માટે વાઇન્ડિંગ-અપને બદલે વાઇન્ડિંગ-ડાઉન શબ્દ વપરાયો છે. જોકે બન્નેના અર્થમાં કોઈ ફરક નથી. આ સ્કીમ હેઠળ ફેડરલ રિઝર્વ એના સાડાચાર લાખ કરોડ ડૉલર એટલે કે આશરે ૨૯૦ લાખ કરોડ રૂપિયાનો ટ્રેઝરીનો પોર્ટફોલિયો ઘટાડવાનું શરૂ કરશે. શરૂઆત દર મહિને ૧૦ અબજ ડૉલરના ઍસેટ્સ-સેલથી થશે એને વધારીને પછીથી દર મહિને ૫૦ અબજ ડૉલરે લઈ જવામાં આવશે. આને પગલે અમેરિકામાં બૉન્ડ યીલ્ડ વધવાની અને ડૉલર વધુ સ્ટ્રૉન્ગ થવાની ગણતરી રખાય છે. સ્ટિમ્યુલસ પૅકેજના વાઇન્ડિંગ-અપથી ઇમર્જિંગ બજારોમાં પ્રવાહિત ડૉલરની સપ્લાય યુટર્ન લેશે. કૅપિટલ ઇનફ્લોની સ્થિતિ કૅપિટલ આઉટફ્લોમાં ફેરવાશે જે શૅરબજારો માટે સારી વાત હરગિજ ન કહી શકાય. ઘરઆંગણે ગઈ કાલે ડૉલર સામે રૂપિયો પોણા ટકાથી વધુની નરમાઈમાં ૬૪.૭૮ રૂપિયાના ૧૧ સપ્તાહના તળિયે દેખાયો છે. સેન્સેક્સ સહેજ પૉઝિટિવ ખૂલીને ઉપરમાં ૩૨૪૬૨ બતાવીને ઝડપી ઘટાડામાં બજાર ખૂલ્યાના એકાદ કલાકમાં ૩૨૧૬૪ના તળિયે આવી ગયો હતો. બાદમાં ધીમો સુધારો ત્યાંથી કામે લાગ્યો જેમાં છેલ્લે માર્કેટ ૩૦ પૉઇન્ટની પીછેહઠમાં ૩૨૩૭૦ બંધ રહ્યું છે. નિફ્ટી ૧૦૦૫૮ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ અંતે ૧૯ પૉઇન્ટ ઘટીને ૧૦૧૨૨ આવ્યો છે. મુખ્ય આંકના મુકાબલે રોકડું અર્થાત મિડકૅપ, સ્મૉલકૅપ તેમ જ બ્રૉડર માર્કેટ પ્રમાણમાં વધુ નરમ હોવાથી માર્કેટ-બ્રેડ્થ સારીએવી નકારાત્મક રહી છે. એકંદર નરમ બજારમાં ફાર્મા શૅર નોંધપાત્ર ડિમાન્ડમાં હતા. હેલ્થકૅર ઇન્ડેક્સ ૭૦માંથી ૪૪ શૅરના વધારામાં ૩૭૭ પૉઇન્ટ કે પોણાત્રણ ટકા ઊંચકાયો હતો. નિફ્ટી ફાર્મા દસેદસ શૅરની મજબૂતીમાં ૩૧૦ પૉઇન્ટ કે ૩.૩ ટકા અપ હતો. રૂપિયાની નરમાઈ થકી IT શૅર નહીંવત સુધારામાં હતા. રિયલ્ટી ઇન્ડેક્સ ૧૦માંથી ૯ શૅરની નબળાઈમાં અઢી ટકા તૂટ્યો હતો. ઇન્ડિયા બુલ્સ રિયલ્ટી સર્વાધિક સાડાપાંચ ટકા તરડાયો હતો.

ડૉ. રેડ્ડીઝ લૅબમાં તેજી


ડૉ. રેડ્ડીઝ લૅબ સળંગ બીજા દિવસની આગેકૂચમાં ગઈ કાલે પાંચેક ગણા કામકાજમાં ૨૪૯૭ રૂપિયાની ઇન્ટ્રા-ડે ટૉપ બતાવી છેલ્લે સાડાસાત ટકા કે ૧૭૩ રૂપિયાની મજબૂતીમાં ૨૪૮૬ રૂપિયા બંધ રહ્યો છે. બે દિવસ પૂર્વે આ કાઉન્ટર ૨૧૯૦ રૂપિયા આસપાસ હતું. મૉર્ગન સ્ટૅનલી દ્વારા ડૉ. રેડ્ડીઝ લૅબમાં ૨૭૯૮ રૂપિયાની ટાર્ગેટ-પ્રાઇસ અપવર્ડ કરીને ૩૧૩૩ રૂપિયા કરવામાં આવી છે. આ બુલિશ વ્યુને લઈને શૅર લાઇમલાઇટમાં આવ્યો છે. ૧૧ ઑગસ્ટે આ શૅરમાં ૧૯૦૨ રૂપિયાનું મલ્ટિયર બૉટમ બન્યુ હતું. ફાર્મા ક્ષેત્રની મલ્ટિનૅશનલ કંપની નોવાર્ટિસમાં શૅરના બાયબૅક માટે ૨૫ સપ્ટેમ્બરે બોર્ડ-મીટિંગ જાહેર થતાં ભાવ વીસેક ગણા કામકાજમાં ઉપરમાં ૬૯૭ રૂપિયા વટાવી અંતે ૬.૮ ટકાના ઉછાળે ૬૯૩ રૂપિયા બંધ હતો. શૅરની ફેસવૅલ્યુ પાંચ રૂપિયા તથા બુકવૅલ્યુ ૩૨૭ રૂપિયા જેવી છે. વિદેશી પેરન્ટ્સનું હોલ્ડિંગ ૭૩.૪ ટકા છે. કંપની આ અગાઉ જુલાઈ ૨૦૧૬માં બાયબૅક લાવી હતી જેમાં ભાવ શૅરદીઠ મહત્તમ ૭૬૦ રૂપિયા હતો. આ વખતે બાયબૅક પ્રાઇસ એનાથી ઊંચી લગભગ ૮૦૦ રૂપિયા આસપાસની થવાની હવા છે. નાના રોકાણકારોનું હોલ્ડિંગ ૧૯.૫ ટકા છે. અન્ય ફાર્મા કાઉન્ટરમાં ગઈ કાલે વૉકહાર્ટ ૩.૬૧ ટકા, ટૉરન્ટ ફાર્મા ૬.૮૩ ટકા, સનફાર્મા ૨.૫૯ ટકા, લાયકા લૅબ્સ ૬ ટકા, લુપિન ૩.૦૨ ટકા, ઇપ્કા લૅબ ૧૬.૫ ટકા, હેસ્ટર બાયો ૧૭.૩ ટકા, FDC ૫.૭ ટકા, ગ્લેનમાર્ક ત્રણ ટકા, ડિવીઝ લૅબ પાંચ ટકા, દિશમાન ફાર્મા ૧૬.૨ ટકા, સિપ્લા ચાર ટકા, કૅડિલા હેલ્થકૅર ત્રણ ટકા, ઍલેમ્બિક ૧૧ ટકા, ઍલેમ્બિક ફાર્મા ચાર ટકા અપ હતા. ઑર્ચિડ ફાર્મા તથા SMS ફાર્મા તગડા વૉલ્યુમ સાથે ૨૦ ટકાની ઉપલી સર્કિટે બંધ હતા.

મૅટ્રિમની ડૉટકૉમનું ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ


શૅરદીઠ ૯૮૫ રૂપિયાની ઇશ્યુ-પ્રાઇસ સાથે મૂડીબજારમાં આવેલી મૅટ્રિમની ડૉટકૉમનું લિસ્ટિંગ ધારણા મુજબ નબળું રહ્યું છે. શૅર ૯૮૫ રૂપિયા ખૂલીને તરત ઉપરમાં ૧૦૨૫ ક્ષણવાર માટે બતાવી સીધો માઇનસ ઝોનમાં સરી પડ્યો હતો.

ઇન્ટ્રા-ડેમાં નીચામાં ૮૯૩ રૂપિયા બતાવીને અંતે ૯૦૧ રૂપિયા બંધ આવ્યો છે. બન્ને બજારમાં કુલ મળીને લગભગ ૩૯ લાખ શૅરનાં કામકાજ થયાં હતાં. ૫૦૦ કરોડ રૂપિયાનો આ ઇશ્યુ ૪.૪ ગણો ભરાયો હતો. રીટેલ પૉર્શન ૧૮.૨ ગણો તથા હાઈ નેટવર્થ પૉર્શન માત્ર ૪૧ ટકા ભરાયો હતો. દરમ્યાન તાજેતરમાં ધમાકેદાર લિસ્ટિંગ થયું હતું એ ડિક્શન ટેક્નૉલૉજી ગઈ કાલે આરંભથી અંત સુધી માઇનસ ઝોનમાં રહીને ૨૬૮૩ રૂપિયાનું વસ્ર્ટ લેવલ બતાવીને છેલ્લે ૧.૪૫ ટકાની નરમાઈમાં ૨૭૬૩ રૂપિયા બંધ હતો. ભારત રોડ નેટવર્ક્સ નબળા લિસ્ટિંગ બાદ આગલા દિવસે ૧૮૦ રૂપિયાના તળિયે ગયો હતો. એ ગઈ કાલે પ્રત્યાઘાતી સુધારામાં ઉપરમાં ૧૮૯ રૂપિયા વટાવી છેલ્લે એક ટકો વધીને ૧૮૩ રૂપિયા રહ્યો છે. અનિલ અંબાણી ગ્રુપની રિલાયન્સ કૅપિટલના હોમલોન બિઝનેસના ડીમર્જરના પગલે અસ્તિત્વમાં આવેલી રિલાયન્સ હોમ ફાઇનૅન્સનું લિસ્ટિંગ આજે એટલે કે શુક્રવારે થવાનું છે. કંપનીમાં રિલાયન્સ કૅપિટલનું હોલ્ડિંગ ૫૧ ટકા છે. ડીમર્જરની સ્કીમ હેઠળ રિલાયન્સ કૅપિટલના પ્રત્યેક શૅરદીઠ નવી કંપનીનો એક શૅર અપાયો છે. બાય ધ વે, રિલાયન્સ કૅપિટલ ગઈ કાલે દોઢા કામકાજમાં નીચામાં ૭૧૧ રૂપિયા થઈ અંતે ચાર ટકા ઘટીને ૭૧૮ રૂપિયા હતો.

એક્સ-સ્પ્લીટ થતાં યસ બૅન્ક નવી ટોચે


યસ બૅન્કમાં ૧૦ રૂપિયાના શૅરના બે રૂપિયામાં વિભાજનની રેકૉર્ડ-ડેટ ૨૨ સપ્ટેમ્બર હોવાથી શૅર ગઈ કાલે એક્સ-સ્પ્લીટ થયો હતો. ભાવ નવ ગણા કામકાજમાં ૩૮૩ રૂપિયાની વિક્રમી સપાટી બતાવી અંતે સાધારણ વધીને ૩૭૭ રૂપિયા બંધ આવ્યો છે. બાય ધ વે, ગઈ કાલે બૅન્ક નિફ્ટી તેમ જ બૅન્કેક્સ પોણા ટકાની આસપાસ ડાઉન હતા. પ્રાઇવેટ બૅન્કના મુકાબલે PSU બૅન્ક શૅરમાં વધુ નરમાઈ હતી. PSU બૅન્ક નિફ્ટી તમામ ૧૧ શૅરની પીછેહઠમાં એક ટકાથી વધુ માઇનસ હતો. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગના ૪૦માંથી માત્ર ૬ શૅર વધ્યા હતા, જેમાં ૦.૯ ટકાના સુધારામાં સ્ટાન્ચાર્ટ બૅન્ક મોખરે હતો. ઇન્ડસઇન્ડ બૅન્ક તથા કોટક બૅન્ક નામ કે વાસ્તે પ્લસ હતા. સામે કરુર વૈશ્ય, બૅન્ક ઑફ ઇન્ડિયા, આંધ્ર બૅન્ક, સિન્ડિકેટ બૅન્ક, પંજાબ નૅશનલ બૅન્ક, વિજયા બૅન્ક, કર્ણાટક બૅન્ક, યુનિયન બૅન્ક, ઑરિયેન્ટલ બૅન્ક ઑફ કૉમર્સ, બૅન્ક ઑફ બરોડા, ICICI બૅન્ક, અલાહાબાદ બૅન્ક, યુકો બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક જેવાં દોઢ ડઝન કાઉન્ટર પોણાબે ટકાથી લઈને ચાર ટકા સુધી ગગડ્યાં હતાં. ઍક્સિસ બૅન્ક, સ્ટેટ બૅન્ક, HDFC બૅન્કની નરમાઈ બજારને કુલ મળીને ૭૫ પૉઇન્ટ નડી હતી.

કૉફી ડેમાં ITના દરોડાથી નરમાઈ


CCD બ્રૅન્ડથી રેસ્ટોરાં-ચેઇન બિઝનેસમાં પ્રવૃત્ત કૉફી ડે એન્ટરપ્રાઇઝિસના મૅનેજિંગ ડિરેક્ટર વી. જી. સિદ્ધાર્થના રહેઠાણ સહિત કંપનીની સંખ્યાબંધ પ્રિમાઇસિસ ખાતે આવકવેરાના વ્યાપક દરોડાના અહેવાલ પાછળ શૅર ગઈ કાલે ચાર ગણા કામકાજમાં નીચામાં ૨૨૪ રૂપિયા તોડીને છેલ્લે લગભગ સાડાત્રણ ટકાના ઘટાડે ૨૩૪ રૂપિયા નજીક બંધ હતો. વી. જી સિદ્ધાર્થ એક સમયે કૉન્ગ્રેસના ટોચના નેતા અને કર્ણાટકના એક વખતના મુખ્ય પ્રધાન એસ. એમ. ક્રિષ્નાના જમાઈ છે. એસ. એમ. ક્રિષ્ના ચાલુ વર્ષના માર્ચમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. સિદ્ધાર્થ તેમ જ તેમના કનેક્શનવાળી એન્ટિટીઝનું IT કંપની માઇન્ડ ટ્રીમાં પણ થોડુંક હોલ્ડિંગ છે. દરોડાના સમાચારથી માઇન્ડ ટ્રીનો શૅર ૪૭૦ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૪૫૪ રૂપિયા થઈ છેલ્લે નજીવા સુધારામાં ૪૬૬ રૂપિયા બંધ રહ્યો છે. કેન્દ્ર સરકારનું હોલ્ડિંગ ૯૪.૯ ટકા છે. એ ટેલિકૉમ ઇક્વિપમેન્ટ કંપની ITI લિમિટેડ ગઈ કાલે ૬ ગણા કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૨૨ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો છે. ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ માઇનસ ૨૩.૭૧ છે. કંપનીને તગડો ડિફેન્સ ઑર્ડર મળવાની હવામાં શૅર ઊછળ્યો હતો. છેલ્લે ૨.૯૬ લાખ શૅરના બાયર લાઇનમાં હતા, તો ITDમાં સરકાર ૮૭ ટકા હિસ્સો ધરાવે છે. એનો ભાવ ગઈ કાલે ૧૯ ગણા કામકાજમાં ૬૫૮ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બતાવીને અંતે સાડાછ ટકાની મજબૂતીમાં ૬૧૫ રૂપિયા હતો. ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૩૬ રૂપિયા છે. કંપની એની માલિકીની ત્રણ હોટેલ-પ્રૉપર્ટી વેચી રહી હોવાના અહેવાલ ફૅન્સીનું કારણ બન્યાં હતાં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK