બે વાગ્યા પછીના સેલમાં શૅરબજાર ઉપલા લેવલથી ૨૮૧ પૉઇન્ટ ડાઉન

અલ્ટ્રાટેક, અંબુજા, ACC સહિત દસ જેટલા સિમેન્ટ-શૅરમાં નવી નીચી સપાટી : રિલાયન્સમાં સર્વોચ્ચ સપાટી, TCS ત્રીજા દિવસે નરમાઈમાં : વ્હીલ્સ ઇન્ડિયા બોનસ માટે બોર્ડમીટિંગની પૂર્વસંધ્યાએ ગગડ્યો

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

છેલ્લા કલાકને બાદ કરતાં સાંકડી વધ-ઘટે મહદ અંશે પૉઝિટિવ ઝોનમાં રહેલું શૅરબજાર ગઈ કાલે બે વાગ્યા પછી સારું એવું બગડ્યું હતું જેમાં ઇન્ટ્રા-ડે હાઈથી ૨૮૧ પૉઇન્ટના ઘટાડામાં ૩૫,૩૯૭ની ઇન્ટ્રા-ડે બૉટમ બની હતી. માર્કેટ અંતે ૧૧૫ પૉઇન્ટની પીછેહઠમાં ૩૫,૪૩૨ બંધ આવ્યું છે. નિફ્ટી ઉપરમાં ૧૦,૮૦૯ અને નીચામાં ૧૦,૭૨૬ની અંદર જઈ છેલ્લે ૩૧ પૉઇન્ટ ઘટીને ૧૦,૭૪૧ હતો. સેન્સેક્સ ખાતે ૩૧માંથી ૮ અને નિફ્ટીના ૫૦માંથી ૧૬ શૅર પ્લસ હતા. NSEના નિફ્ટી ખાતે ઇન્ડિયન ઑઇલ ૪ ટકા, ભારત પેટ્રોલિયમ પોણાચાર ટકા અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ સાડાત્રણેક ટકાની તેજીમાં મોખરે હતા. સેન્સેક્સ ખાતે ICICI બૅન્ક દોઢ ટકો અને રિલાયન્સ સવા ટકાની મજબૂતીમાં અગ્રક્રમે રહ્યા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ટ્રા-ડેમાં ૧૦૩૬ રૂપિયા નજીક તથા બંધમાં ૧૦૩૨ રૂપિયા પ્લસની વિક્રમી સપાટીએ જોવાયો છે. ત્રીજી જુલાઈએ ભાવ ૬૮૬ રૂપિયાના વર્ષના તળિયે હતો. આ ધોરણે એક વર્ષથી ઓછા સમયમાં અહીં માર્કેટકૅપની રીતે રોકાણકારોની સંપત્તિ ૨.૧૯ લાખ કરોડ રૂપિયા વધીને ૬.૫૪ લાખ કરોડ રૂપિયાની વિક્રમી સપાટીએ પહોંચી ગઈ છે. TCS સળંગ ત્રીજા દિવસની પીછેહઠમાં સાડાછ રૂપિયાના પરચૂરણ ઘટાડે ૧૮૨૦ રૂપિયા નજીક હતો. મહિન્દ્ર સવાબે ટકાથી વધુની નબળાઈમાં અંતે બૅન્ચમાર્ક ખાતે ટૉપ લૂઝર બન્યો હતો. BSE ખાતે વધેલા પ્રત્યેક શૅર સામે બે શૅર નરમ હતા. NSEમાં ૪૮૬ શૅર વધ્યા હતા સામે ૧૨૨૭ જાતો ડાઉન હતી. ઑઇલ-ગૅસ તથા એનર્જી‍ સિવાય બજારના ૧૯માંથી ૧૭ સેક્ટોરલ રેડ ઝોનમાં જોવાયા છે. ટેલિકૉમ ઇન્ડેક્સ ૧૭માંથી એકમાત્ર તેજસ નેટના સાધારણ સુધારા સિવાય તમામ શૅરના ઘટાડે દોઢ ટકાથી વધુ ઢીલો હતો. સિમેન્ટ સેક્ટરની ૪૩માંથી ૮ જાતો જ વધી હતી. સાગર સિમેન્ટ સવા ટકાના સુધારામાં મોખરે હતો, જ્યારે ACC, અંબુજા સિમેન્ટ, ઇન્ડિયા સિમેન્ટ, અલ્ટ્રાટેક, શ્રી સિમેન્ટ, દાલમિયા ભારત, પણ્યમ સિમેન્ટ સહિત ૧૦ જેટલા સિમેન્ટ-શૅર ઐતિહાસિક નીચી સપાટીએ ગઈ કાલે ગયા હતા. શુગર સેક્ટરમાંય એક શૅર વધ્યો તો ચાર શૅર ઘટuાનો ઘાટ હતો. ઓપેકની બેઠક પર નજર રાખતાં વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડ ૭૩ ડૉલરની નીચે જઈ દોઢેક ટકાના ઘટાડે ૭૩.૫૦ બૅરલ આસપાસ દેખાતું હતું. ONGC બે ટકા જેવા ઘટાડા સાથે ૧૬૦ રૂપિયાની નીચે આવ્યો છે.

વ્હીલ્સ ઇન્ડિયામાં ૨૧ વર્ષે બોનસ

ઑટો પાર્ટ્સ ઉત્પાદક વ્હીલ્સ ઇન્ડિયા દ્વારા બોનસ માટે શુક્રવારે બોર્ડમીટિંગ યોજવાની જાહેરાત થતાં શૅર ૧૯૬૨ની બૉટમથી વધીને ત્રણ દિવસમાં ૨૬૯૦ની ઑલટાઇમ હાઈ બતાવ્યા બાદ પ્રૉફિટ-બુકિંગમાં ઘટીને ગઈ કાલે ૨૪૮૫ની અંદર ગયા બાદ છેલ્લે ૩.૭ ટકાની  પીછેહઠમાં ૨૫૦૭ રૂપિયા બંધ રહ્યો છે. કંપનીએ છેલ્લે ઑગસ્ટ ૧૯૯૭માં શૅરદીઠ એક બોનસ આપ્યું હતું. શૅરની ફેસવૅલ્યુ ૧૦ રૂપિયાની તથા બુકવૅલ્યુ ૪૭૧ રૂપિયા નજીક છે. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૭૫ ટકા છે જેમાં વિદેશી કંપની ટાઇટન યુરોપનો હિસ્સો સવાચોત્રીસ ટકા છે. TVS ગ્રુપની આ કંપનીનો લગભગ વર્ષ પૂર્વે, ૨૮ જૂને ૧૨૮૮ રૂપિયાના તળિયે હતો. એક અન્ય કંપની પ્રભાત ટેલિકૉમ્સ ઇન્ડિયાએ પાંચ શૅરદીઠ એક બોનસ જાહેર કર્યું છે, રેકૉર્ડ-ડેટ ૨૯ જૂન છે. ફેસવૅલ્યુ ૧૦ રૂપિયા અને બુકવૅલ્યુ ૪૬ રૂપિયાવાળી આ કંપનીનો શૅર ગઈ કાલે ૪ ટકા ગગડી ૧૮૫ રૂપિયા બંધ હતો. ભાવ વર્ષ પૂર્વે ૩૭ રૂપિયાના તળિયાથી ઊંચકાઈ ૨૮ ફેબ્રુઆરીએ ૩૦૨ રૂપિયાની વિક્રમી સપાટીએ ગયો હતો. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૭૦.૨ ટકા છે જેમાંથી ૯૬.૭ ટકા માલ લૉક ઇન પિરિયડમાં છે. મિન્ડા ઇન્ડસ્ટ્રીઝમાં એક શૅરદીઠ બે બોનસ માટે ૧૨ જુલાઈ રેકૉર્ડ-ડેટ નક્કી થઈ છે. ૧૨૭૭ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બાદ નહીંવત ટકા ઘટી ૧૨૬૩ રૂપિયા બંધ હતો. ફેસવૅલ્યુ બે રૂપિયાની છે.

બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ઑલટાઇમ તળિયે

પુણેસ્થિત બિલ્ડર ગ્રુપ DS કુલકર્ણીના ૩૦૦૦ કરોડ રૂપિયાના લોન-ફ્રૉડ કેસમાં સામેલગીરી બદલ બૅન્ક ઑફ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ચીફ મૅનેજિંગ ડિરેક્ટર રવીન્દ્ર મરાઠેની આર્થિક ગુના શાખાએ ધરપકડ કરતાં શૅર ગઈ કાલે સાડાત્રણ ગણા કામકાજમાં સાડાબાર રૂપિયાના ઑલટાઇમ તળિયે ગયા બાદ અંતે સવા ટકા ઘટી ૧૩.૩૧ રૂપિયા બંધ હતો. ૧૦ રૂપિયાની ફેસવૅલ્યુ સામે બુકવૅલ્યુ ૩૮.૭૦ રૂપિયા છે. બૉલીવુડ સેલિબ્રિટી માધુરી દીક્ષિત સાથે પારિવારિક સંબંધ ધરાવતા DS કુલકર્ણીનો ત્ભ્બ્ આવ્યો ત્યારે પ્રોસ્પેક્ટસ પર હમ આપકે હૈ કૌનમાં આઇસક્રીમ-કૉન એન્જૉય કરતી માધુરીનો ફોટો છપાયો હતો. બૅન્કો ઉપરાંત ફિક્સ્ડ ડિપોઝિટર્સ અને હાઉસિંગ પ્રોજેક્ટમાં મકાન-દુકાન ખરીદનાર ગ્રાહકોનાં નાણાં લઈ હાથ ઊંચા કરી દેનારી DS કુલકર્ણી ડેવલપર્સનો શૅર શિક્ષાત્મક કારણસર ૨૦ માર્ચથી સસ્પેન્ડ છે. છેલ્લો ભાવ પાંચ ટકાની નીચલી સર્કિટમાં સાડાતેર રૂપિયાના ઐતિહાસિક તળિયે બંધ હતો. ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ આમ તો દોઢસો રૂપિયા છે, પરંતુ બધુ કાગળ ઉપરનું ચિતરામણ છે. એપ્રિલ ૨૦૦૬માં શૅરમાં ૪૧૩ રૂપિયાની ઓલટાઇમ હાઈ બની હતી. સપ્ટેમ્બર ૨૦૦૦માં ભાવ ત્રણ રૂપિયાનો સૌથી નીચી સપાટીએ ગયો હતો. વર્ષ ૨૦૧૫-’૧૬ પછી કંપનીનાં કોઈ ઑડિટેડ પરિણામ મળતાં નથી. છેલ્લા ત્રિમાસિક રિઝલ્ટ એપ્રિલ-જૂન ૨૦૧૭ના આવ્યા હતા.

બૅન્ક ઑફ બરોડા પણ સ્કૅમગ્રસ્ત

સરકારી વેલ્ફેર સ્કીમના ભંડોળની ઉચાયતને લગતા ભાગલપુરના સૃજન-સ્કૅમમાં સામેલગીરી બદલ CBI તરફથી બૅન્ક ઑફ બરોડાના ભાગપુર બ્રાન્ચના ભૂતપૂર્વ સિનિયર મૅનેજર સહિત આઠ વ્યક્તિ સામે કેસ કર્યાના અહેવાલ પાછળ શૅર ગઈ કાલે ૧૨૧ રૂપિયાની ફેબ્રુઆરી ૨૦૧૬ પછીની નીચી સપાટી બનાવી છેલ્લે ૨.૭ ટકાની ખરાબીમાં ૧૨૨ રૂપિયા બંધ હતો. અન્ય સરકારી બૅન્ક ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક ગઈ કાલે પોણાપંદર રૂપિયાની ડિસેમ્બર ૨૦૦૨ પછીની નવી નીચી બૉટમ બતાવી અંતે ૧૫ રૂપિયાના આગલા લેવલે બંધ હતો. દરમિયાન બૅન્કેક્સ ૧૦માંથી આઠ અને બૅન્ક નિફટી બારમાંથી નવ શૅરના ઘટાડા છતાં સાધારણા નરમાઈમાં બંધ હતા. ખાનગી બૅન્ક નિફટી ICICI બૅન્ક દોઢ ટકાની મજબૂતીની હૂંફમાં ૧૦માંથી બે શૅરના સુધારામાં નહીંવત નરમ હતો, પરંતુ PSU બૅન્ક નિફ્ટી બારમાંથી બાર શૅરની નરમાઈમાં બે ટકા ડાઉન હતો. સમગ્ર બૅન્કિંગ સેક્ટરની ૪૧ સ્ક્રીપ્સમાંથી ૩૬ જાતો રેડ ઝોનમાં બંધ છે. લગભગ ૨૪ કાઉન્ટર એક ટકાથી લઈને ચારેક ટકા સુધી નરમ હતાં. IDFC બૅન્ક અને કરુર વૈશ્ય બૅન્ક પોણો ટકો વધ્યા હતા. લક્ષ્મી વિલાસ બૅન્ક ૧૨૨ નજીક જઈ પ્રૉફિટ-બુકિંગમાં સહેજ ઘટીને ૧૧૫ રૂપિયા હતો.

ક્વૉલિટીમાં બોર્ડમીટિંગ મોકૂફ રહેતાં ધબડકો


ક્વૉલિટી લિમિટેડમાં શૅરના બાયબૅન્ક અને બોનસ માટે બોર્ડમીટિંગ બહુમતી ડિરેક્ટર્સ અનુપસ્થિતિના કારણે મોકૂફ રખાયાની અને હવે એ ૩ જુલાઈએ મળવાની જાહેરાત બુધવારે બજાર બંધ થયાના સમયે આવી હતી. શૅર ગઈ કાલે સરેરાશ કરતાં ૫૦ ટકાના વૉલ્યુમે પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૨૮.૫૦ રૂપિયા બંધ હતો. વર્ષે પૂર્વે ૧૬૦ રૂપિયા બતાવનાર આ શૅરમાં ૧૩ જૂને ૨૬ રૂપિયાની અંદરની મલ્ટિયર બૉટમ બની હતી. ઑડિટર્સના અણધાર્યા રાજીનામાના પગલે ખરડાયેલી મનપસંદ બેવરેજિસ તરફથી ૨૭ જૂને પરિણામ માટે બોર્ડ મીટિંગની નવી તારીખ જાહેર થતાં શૅર ૧૨૯ રૂપિયાની અંદરની ઑલટાઇમ બૉટમથી ઊંચકાઈને પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૪૨ રૂપિયા ઉપર બંધ આવ્યો છે. કામકાજ અઢી ગણા હતા. ગાયત્રી પ્રોજેક્ટ્સનો ૧૧૦૦ કરોડ રૂપિયા પ્લસનો કૉન્ટ્રૅક્ટ ઉત્તર પ્રદેશ સરકારે રદ કરતાં શૅર નીચામાં ૧૬૪ રૂપિયા થઈ છેલ્લે ત્રણ ટકા ઘટી ૧૬૫ રૂપિયા જેવો હતો. ધ્રુવ વેલનેસમાં પાંચ ટકાની નવી સર્કિટ લિમિટ અમલી બની છે. આગલા દિવસે ૧૦ ટકાની તેજીની સર્કિટ પર રૂપિયાના નવા શિખરે બંધ રહેલા આ કાઉન્ટરમાં ગઈ કાલે કોઈ સોદા પડ્યા ન હતા. લિસ્ટિંગમાં સુધારાની હૅટટ્રિક પછી અદાણી ગ્રીન એનર્જી‍ ગઈ કાલે પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૩૦ રૂપિયાની નીચે ગયો છે. અદાણી ર્પોટ્સ સંખ્યાબંધ બ્લૉક ડીલમાં રોજના સરેરશ ૩.૬૧ લાખ શૅર સામે ગઈ કાલે BSE ખાતે ૫૫૪ લાખ શૅરના કામકાજમાં ૩૭૫ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ નહીંવત વધીને ૩૬૭ રૂપિયા રહ્યો હતો. MT એજ્યુકૅરમાં ઝી લર્ન તરફથી ૨૦૦ કરોડ રૂપિયામાં ૪૪.૫ ટકા હિસ્સો લેવાઈ જતાં કંપની હવે ઝી ગ્રુપનો એક ભાગ બની ગઈ છે. શૅરદીઠ ૭૨.૭૬ રૂપિયાના ભાવની ઓપન ઑફરની ક્યારનીય વાટ જોવાય છે. ભાવ ગઈ કાલે ૧૩ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૬૧ રૂપિયા નજીક બંધ હતો. સાવ ખાલી ખોખા જેવી ટ્રી હાઉસ પણ વગર કારણે ૧૯ ગણા કામકાજમાં ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૧૦ રૂપિયા બંધ આવી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK