મૂડીઝ દ્વારા રેટિંગમાં સુધારાનો ઊભરો શૅરબજારમાં ન ટક્યો

વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રમોટર્સની એક્ઝિટની હવા પાછળ શૅરમાં આવેલો ઊભરો ટક્યો નહીં : સંખ્યાબંધ ચલણી સિમેન્ટ શૅરમાં ઘટાડાની ચાલ

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

રેટિંગ એજન્સી મૂડીઝ દ્વારા આશરે ૧૪ વર્ષ બાદ ભારતના ક્રેડિટ રેટિંગમાં સુધારાના પગલે શૅરબજારમાં બુલ-રનને નવું જોમ મળવાની વાતો કરનારા વધી ગયા છે. અમે તો એ જ દિવસે બજારની ચાલ જોઈને કહી દીધું હતું કે આ બધી વાતોમાં બહુ દમ નથી. માર્કેટ બુઝાતા દીપકની સ્થિતિમાં છે. મોટા નોંધપાત્ર અને મીનિંગઘુ કરેક્શનનો સમય ક્યારનોય પાકી ગયો છે. ચોક્ક્સ કારણસર કોઈકની જીદ વચ્ચે આવી રહી છે, પણ આ ઝાઝું ચાલવાનું નથી. અન્યથા રેટિંગમાં અપગ્રેડેશન જેવા મહત્વના પગલા પાછળ સેન્સેક્સ કમસે કમ ૫૦૦-૭૦૦ પૉઇન્ટ વધીને બંધ આવવો જોઈતો હતો. બજાર એના ઓપનિંગ કરતાંય નીચા સુધારામાં બંધ રહ્યું છે. વિકાસની બુલેટ ટ્રેન હજી તો માંડ મુંબઈથી બોરીવલી જ પહોંચી છે. એવા ઘેલા કાઢનારાના બની બેઠેલા બિગબુલોની અને ચૅનલિયા પંડિતોની વાતોમાં આવવું નહીં. ઍની વે, ગઈ કાલે શૅરબજાર એકાદ-બે ઊંચા ટાવર બનાવી દિવસનો મોટો ભાગ માઇનસ ઝોનમાં પસાર કરીને છેવટે ૧૭ પૉઇન્ટના પરચૂરણ સુધારામાં ૩૩૩૬૦ની નજીક બંધ રહ્યું છે. નિફ્ટી ૧૫ પૉઇન્ટના સુધારામાં ૧૦૨૯૯ની નીચે જોવા મળ્યો છે. સેન્સેક્સના ૩૧માંથી ૧૫ તો નિફ્ટીના ૫૧માંથી ૨૭ શૅર વધ્યા છે. મિડકૅપ અને સ્મૉલકૅપમાં ખેલાડીઓની પકડથી સુધારાનું પ્રમાણ મોટું રહેવાથી માર્કેટ-બ્રેડ્થ હકારાત્મક હતી. અમેરિકરના વીઝાના આંચકા પાછળ IT શૅરમાં નરમાઈ આગળ વધી છે. બૅન્કેક્સ નહીંવત નરમ તો બૅન્ક નિફ્ટી નજીવો સુધારામાં બંધ આવ્યો છે, પરંતુ PSU બૅન્ક નિફ્ટી એકાદ ટકો ડાઉન હતો.

બાયોકૉનમાં US FDAનું ગ્રહણ છૂટ્યું

બાયોકૉનનના બૅન્ગલોર પ્લાન્ટને ગુડ મૅન્યુફૅક્ચરિંગ પ્રૅક્ટિસ સંબંધી નિયત ધોરણોના પાલનના મુદ્દે અમેરિકન ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન તરફથી ક્લીન ચિટ અપાયાના અહેવાલ પાછળ શૅર બમણા કામકાજમાં ગઈ કાલે ઉપરમાં ૪૨૫ રૂપિયા નજીક જઈ છેલ્લે સવાસાત ટકાના ઉછાળે ૪૨૩ રૂપિયા બંધ હતો. ગ્રુપ-કંપની સિન્જેન ઇન્ટરનૅશનલ પણ પોણાબે ટકા વધીને ૫૨૩ રૂપિયા રહ્યો છે. હેલ્થકૅર ઇન્ડેક્સ ગઈ કાલે ૭૦માંથી ૪૫ શૅર સુધરવા છતાં સાધારણ વધીને આવ્યો છે. જે માટે ડૉ. રેડ્ડીઝ લૅબ, સિપ્લા, લુપિન, જ્યુબિલન્ટ લાઇફ, ગ્લેક્સો જેવા ફ્રન્ટલાઇન શૅરની નરમાઈ કારણભૂત હતી. એરિસ લાઇફ સાયન્સ દ્વારા ૫૦૦ કરોડ રૂપિયામાં સ્ટ્રાઇડ સાશૂનનો ડોમેસ્ટિક ડ્રગ બિઝનેસ હસ્તગત કરવાની જાહેરાત પાછળ શૅર રોજના સરેરાશ માંડ ૨૮૦૦ શૅર સામે ગઈ કાલે ૯૦૦૦૦ શૅરના કામકાજમાં ઉપરમાં ૬૩૮ રૂપિયા નજીક જઈ છેલ્લે પોણાસાત ટકા વધીને ૬૨૪ રૂપિયા બંધ હતો. જ્યારે સ્ટ્રાઇડ સાશૂન ત્રણગણા વૉલ્યુમમાં પોણાચાર ટકાની મજબૂતીમાં ૮૧૮ રૂપિયા આસપાસ રહ્યો હતો. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ ૧૦માંથી ૭ શૅરની નરમાઈમાં નહીંવત ડાઉન હતો.

જયકૉર્પ ૨૦ ટકાની સર્કિટમાં નવી ટોચે

મુકેશ અંબાણીના પરમ સખા આનંદ જૈનની જય કૉર્પ ગઈ કાલે ૯ ગણા કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૪૨ રૂપિયા નજીક બંધ હતો જે મે ૨૦૧૧ પછીની ઊંચી સપાટી છે. ૭ જાન્યુઆરી ૨૦૦૮માં ભાવ ૧૨૫૫ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ ગયો હતો. એક રૂપિયાની ફેસવૅલ્યુવાળા શૅરની બુકવેલ્યુ ૭૧ રૂપિયા કરતાં વધુ છે. છેલ્લે બોનસ શૅરદીઠ એકના ધોરણે ઑગસ્ટ ૨૦૦૭માં આવ્યું હતું, જ્યારે એ જ વર્ષર્નાર જુલાઈમાં ૧૦ રૂપિયાના શૅરનું એક રૂપિયામાં વિભાજન થયું હતું. વર્ષ પૂર્વે શૅરમાં બાવન રૂપિયાની બૉટમ બની હતી. પ્રમોટર્સ હોલ્ડિંગ ૭૩ ટકા છે. ગઈ કાલે છેલ્લે ૨.૩૯ લાખ શૅરના બાયર ઊભા હતા. દરમતયાન તાજેતરમાં લિસ્ટેડ થયેલી ફાઇવપૈસા કૅપિટલના શૅરે બન્ને શૅરબજારો વચ્ચે અસાધારણ ભાવફરક જાળવી રાખતાં ગઈ કાલેય પાંચ ટકાની નીચલી સર્કિટે બંધ હતો. BSE ખાતે ભાવ માત્ર ૧૦૫ શૅરના કામકાજમાં પાંચ ટકા ગગડીને ૫૫૭ રૂપિયા બંધ હતો, તો NSEમાં ૯૧૬ શૅરના વૉલ્યુમમાં શૅર પાંચ ટકાની નીચલી સર્કિટે ૩૪૩ રૂપિયાની અંદર રહ્યો હતો. છેલ્લે ૭૪૯ શૅરના સેલર્સ ઊભા હતા. બન્ને બજાર વચ્ચે અવાસ્તવિક ભાવફરક સાથે શૅર સળંગ તૂટી રહ્યો છે, પણ સેબીના સાહેબોના પેટનું પાણી હાલતું નથી. 

રુચિ સોયામાં સુધારાની હૅટ ટ્રિક

એકંદર ડલ માર્કેટમાં રુચિ સોયા ઇન્ડસ્ટ્રીઝ NSE ખાતે ૭૭ લાખ શૅરથી વધુના કામકાજમાં ૧૦ ટકાના ઉછાળે ૨૪ પ્લસ તો BSE ખાતે નવેક ટકાના જમ્પમાં ૨૪ રૂપિયા બંધ હતો. કુલ વૉલ્યુમમાં ડિલિવરી પેટેના કામકાજનો હિસ્સો વધતો રહીને ૪૨ ટકાને વટાવી ગયો છે. સરકાર દ્વારા ક્રૂડ પામ તેલ પરની આયાત-જકાત ૧૫ ટકાથી વધારીને ૩૦ ટકા તથા રિફાઇન્ડ પામ તેલ પરની ઇમ્પોર્ટ-ડ્યુટી ૨૫થી વધારીને ૪૦ ટકા થઈ છે. રિફાઇન્ડ સોયાતેલ માટેની આ જકાત ૨૦ ટકાથી વધીને હવે ૩૫ ટકા થાય છે. આને કારણે રુચિ સોયા સહિતના ઘરઆંગણાના ખાદ્ય તેલ બિઝનેસમાંના ખેલાડીઓ નોંધપાત્ર લાભમાં રહેવાની ગણતરી છે. ગોકુલ રેફોઇલ્સ અને ગોકુલ ઍગ્રો પાંચ-પાંચ ટકા ઊછળ્યા હતા. ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ તથા અનિક ઇન્ડસ્ટ્રીઝમાં સવા ટકા જેવો સુધારો હતો. એડીબલ ઑઇલ સેગમેન્ટમાં બાર શૅર વધ્યા હતા. પાંચ જાતો નરમ હતી. અજન્ટા સોયા ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૭૪ રૂપિયા પ્લસ બંધ હતો.

સિમેન્ટ શૅરમાં નબળું વલણ


ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાન ખાતેના સિમેન્ટ પ્લાન્ટમાં પેટકોક તથા ફનેર્શ ઑઇલના વપરાશ પર પ્રતિબંધ મૂકવાના પગલાને દેશભરમાં લાગુ પાડવાની હિલચાલના કારણે સિમેન્ટ શૅરમાં વલણ નબળું પડવા માંડ્યું છે. ગઈ કાલે JK સિમેન્ટ્સ, JK લક્ષ્મી સિમેન્ટ્સ, શ્રી સિમેન્ટ્સ, હેડલબર્ગ સિમેન્ટ, અંબુજા સિમેન્ટ્સ, ઇન્ડિયા સિમેન્ટ્સ ઇત્યાદિ જેવી ચલણી જાતો ત્રણ ટકાથી લઈને સવાપાંચ ટકા ખરડાઈ છે. અલ્ટ્રાટેક, મંગલમ સિમેન્ટ્સ, ગુજરાત સિદ્ધિ સિમેન્ટ્સ બેથી અઢી ટકા ડાઉન હતા બીજી તરફ સહ્યાદ્રિ સિમેન્ટ્સ ૧૧ ટકા, સાંઘી સિમેન્ટ્સ સાતેક ટકા, બુરનપુર પોણાસાત ટકા, આંધ્ર સિમેન્ટ પાંચ ટકા, ઉદેપુર સિમેન્ટ ચાર ટકા પ્લસમાં બંધ હતા. શ્રી સિમેન્ટ્સમાં ગઈ કાલે અઢીગણા કામકાજમાં ૭૭૧ કે સવા ચાર ટકાનું ગાબડુ પડતાં બંધ ભાવ ૧૭૫૨૯ રૂપિયા આવ્યો છે.

વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ સાધારણ નરમ


ભારતની સૌથી જૂની આઇસક્રીમ બનાવતી લિસ્ટેડ કંપની વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝના પ્રમોટર્સ ગ્રુપ ગાંધીપરિવાર દ્વારા કંપનીમાંથી એક્ઝિટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાના અને એ માટેની કામગીરી પણ શરૂ કરાઈ હોવાના અહેવાલ આવ્યા છે. આ બાબતે કંપની પાસે સ્ટૉક એક્સચેન્જ દ્વારા સ્પષ્ટતા માગવામાં આવી છે. વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રમોટર્સ ગ્રુપ ૬૪ ટકા હિસ્સેદારી ધરાવે છે. કંપનીમાંથી એક્ઝિટના અહેવાલે BSE ખાતે વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝનો શૅર ૧૦૨૯ રૂપિયાના પાછલા બંધ સામે આજે શૅર ઊંચા ગૅપમાં ૧૦૭૦ ખૂલ્યા બાદ શરૂઆતના કામકાજમાં ભાવ ૧૦૮૪ રૂપિયાની ઇન્ટ્રા-ડે ટોચે પહોંચ્યો હતો. જોકે ત્યાર બાદ શૅરમાં પીછેહઠ શરૂ થઈ અને અઢી વાગ્યા પછીની ભારે વેચવાલીમાં ભાવ ઘટીને ૧૦૧૬ રૂપિયાના ઇન્ટ્રા-ડે તળિયે ક્વોટ થયો હતો. સેશનના અંતે શૅર ૦.૬૩ ટકાની નરમાઈમાં ૧૦૨૩ રૂપિયાના મથાળે બંધ રહ્યો હતો. BSE ખાતે બે સપ્તાહના સરેરાશ ૮૭૬૨ શૅર સામે આજે ૧૩ હજાર શૅરનાં કામકાજ થયાં હતાં. ઘટનાક્રમથી માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝે લિંકન ઇન્ટરનૅશનલને ઇન્વેસ્ટમેન્ટ બૅન્કર તરીકે પસંદ કર્યું છે જે રસ ધરાવતા સંભવિત બાયર્સ સાથે સંપર્ક કરશે. વૅલ્યુએશન અને કેટલું શૅરહોલ્ડિંગ વેચવું એનો નિર્ણય પ્રમોટર્સ આ સંભવિત બાયર્સને જોઈને નક્કી કરશે. કંપનીને ૬૦ ટકા શૅરહોલ્ડિંગ સામે ૬૦૦ કરોડ રૂપિયા ઊપજવાની આશા છે. અન્ય સૂત્રે જમણવ્યા અનુસાર વાડીલાલ ઇન્ડમાં વધારે હોલ્ડિંગ ધરાવતા એક પ્રમોટર એક્ઝિટ કરવા માગે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK