અતિ સાંકડી વધ-ઘટે શૅરબજાર નીરસ ચાલમાં નજીવું નરમ

SMS લાઇફ લિસ્ટિંગ બાદ ૨૩ દિવસમાં ૨૫૧ ટકાની તેજીમાં : બૅન્કેક્સ - બૅન્ક નિફ્ટી નરમ, પરંતુ PSU બૅન્ક નિફ્ટી એક ટકો અપ : ઍન્ટિ-ડમ્પિંગના પગલે ટાયર-શૅરમાં આકર્ષણ

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ભારતીય શૅરબજાર સાંકડી રેન્જમાં ટ્રેડિંગ બાદ સતત બીજા દિવસે રેડ ઝોનમાં બંધ રહ્યું હતું જેમાં સેન્સેક્સ માત્ર બે પૉઇન્ટના ઘટાડે ૩૨,૪૦૦ અને નિફ્ટી ૬ પૉઇન્ટની નરમાઈમાં ૧૦,૧૪૧ના સ્તરે બંધ રહ્યા હતા. અમેરિકન ફેડરલ બૅન્કની પૉલિસી-મીટિંગ પૂર્વે બજારમાં સાવચેતીનું વલણ જોવા મળ્યું છે. બજારમાં આરંભથી અંત સુધી ઘટાડાની ચાલ જોવા મળી હતી જેમાં બેન્ચમાર્ક સેન્સેક્સ ઉપરમાં ૩૨,૪૯૯ અને નીચામાં ૩૨,૩૮૩ ક્વોટ થયો હતો તો નિફ્ટી ૧૦,૭૧૭થી ૧૦,૧૩૪ની રેન્જમાં અથડાયો હતો. નિફ્ટીના ૫૧માંથી ૩૧ અને સેન્સેક્સના ૩૧માંથી ૧૮ શૅર ડાઉન હતા જેમાં ડૉ. રેડ્ડીઝ ૩.૩ ટકા, તાતા સ્ટીલ ૧.૬ ટકા, ITC સવા ટકો, વિપ્રો, SBI, અદાણી પોર્ટ્સ, ONGC ૧ ટકો જેટલા સુધર્યા હતા, તો બીજી બાજુ હીરો મોટોકૉર્પ ૨.૩ ટકા, તાતા મોટર્સ, સન ફાર્મા બે ટકા, હિન્દુસ્તાન યુનિïલીવર ૧.૭ ટકા, પાવર ગ્રિડ ૧.૪ ટકા, ICICI બૅન્ક, એશિયન પેઇન્ટ્સ ૧.૨ ટકા, કોટક બૅન્ક, NTPC, બજાજ ઑટો, કોલ ઇન્ડિયાના શૅરમાં પોણા ટકા સુધીની પીછેહઠ જોવા મળી હતી. ભારે રસાકસી વચ્ચે માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ રહી હતી, જેમાં BSE ખાતે ૧૨૨૪ શૅરમાં સુધારા સામે ૧૩૩૫ કાઉન્ટર ઘટાડે બંધ રહ્યાં હતાં. સેક્ટોરિયલ ઇન્ડાઇસિસની વાત કરીએ તો એનર્જી, FMCG, હેલ્થકૅર, કૅપિટલ ગુડ્સ સિવાયના તમામ ઇન્ડેક્સ સાધારણથી પોણા ટકા સુધી નરમ જણાતા હતા.

ટેલિકૉમ શૅરને IUCનો ફટકો

ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI - ટ્રાઇ) દ્વારા ઇન્ટરકનેક્ટ યુઝર્સ ચાર્જ (IUC) ૧૪ પૈસાથી ઘટાડીને ૬ પૈસા કરવામાં આવ્યો છે અને આ નવા ચાર્જ પહેલી ઑક્ટોબરથી લાગુ પડશે. IUC ચાર્જ ઘટવાથી ભારતી ઍરટેલ, વોડાફોન, આઇડિયાને સૌથી વધુ નુકસાન થશે, જ્યારે મુકેશ અંબાણીની રિલાયન્સ જીઓ લાભમાં રહેશે. નુકસાન થવાની ભીતિમાં આઇડિયાનો શૅર નીચામાં ૭૬.૮૫ રૂપિયા બોલાઈને અંતે સાડાત્રણ ટકાની નરમાઈમાં ૮૦ રૂપિયા ઉપર બંધ થયો હતો. એવી જ રીતે મહાનગર ટેલિફોન નિગમ અઢી ટકાની નરમાઈમાં ૨૦ રૂપિયાની નીચે, તાતા ટેલિસર્વિસિસ બે ટકાની નુકસાનીમાં ૬.૨ રૂપિયા અને રિલાયન્સ કમ્યુનિકેશન્સનો શૅર પોણાબે ટકાની પીછેહઠમાં ૨૦ રૂપિયાની નીચે બંધ રહ્યો હતો. IUC ચાર્જમાં ઘટાડાનો સૌથી વધુ લાભ મુકેશ અંબાણીની રિલાયન્સ જીઓને થવાનો છે. આ ગ્રુપની ફ્લૅગશિપ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શૅર ૮૭૨ રૂપિયાની ઊંચી સપાટીએથી આરંભથી અંત સુધી ઘટાડાની ચાલમાં ૮૪૫ રૂપિયાના તળિયે જઈને અંતે ૮૪૭ રૂપિયા બંધ થયો હતો.

PSU બૅન્કમાં પ્રત્યાઘાતી સુધારો

ગઈ કાલે બૅન્ક નિફ્ટી ૭૬ પૉઇન્ટ તથા બૅન્કેક્સ ૭૮ પૉઇન્ટના ઘટાડે બંધ હતા, પરંતુ PSU બૅન્ક નિફ્ટી તમામ ૧૧ શૅરના સુધારામાં એક ટકો વધીને બંધ હતો. બૅન્ક ઑફ બરોડા બેન્ચમાર્ક ખાતે અઢી ટકાની મજબૂતીમાં ૧૪૮ રૂપિયા આસપાસનો બંધ આપીને મોખરે હતો. સ્ટેટ બૅન્ક એક ટકો વધ્યો હતો. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગના ૪૦માંથી ૨૩ શૅર પ્લસમાં હતા. સાઉથ ઇન્ડિયન બૅન્ક સાડાઆઠ ટકા, કર્ણાટક બૅન્ક ૫.૨ ટકા, આંધ્ર બૅન્ક બે ટકા, OBC પોણાબે ટકા અને યુનિયન બૅન્કમાં દોઢ ટકાની મજબૂતી હતી. સામા પક્ષે સિટી યુનિયન બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક, લક્ષ્મી વિલાસ બૅન્ક, JK બૅન્ક, વિજયા બૅન્ક, ICICI બૅન્ક અને ઇન્ડસઇન્ડ બૅન્ક એકથી પોણાત્રણ ટકા માઇનસ હતા. PSU સેગમેન્ટ ખાતે MMTC સાડાત્રણ ટકા વધીને ૬૨ રૂપિયા ઉપર હતો તો ભારત અર્થમૂવર્સ ત્રણ ટકાની નબળાઈમાં ૧૮૭૫ રૂપિયા બંધ હતો.

SMS લાઇફમાં આગેકૂચ


SMS ફાર્માસ્યુટિકલ્સના ડીમર્જરને કારણે અસ્તિત્વમાં આવેલી SMS લાઇફ સાયન્સ બુલરનની આગેકૂચમાં ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૪૭૫ રૂપિયાની વિક્રમી સપાટીએ બંધ રહ્યો છે. ૧૦ રૂપિયાની ફેસવૅલ્યુવાળો આ શૅર ગયા મહિને ૧૭ ઑગસ્ટે ૧૩૫ રૂપિયાના ભાવે લિસ્ટ થયો હતો. ડીમર્જરની યોજના હેઠળ SMS ફાર્માના એક રૂપિયાની ફેસવૅલ્યુવાળા ૨૮ શૅર સામે SMS લાઇફનો એક શૅર અપાયો હતો. ગઈ કાલે SMS ફાર્મા ઉપરમાં ૯૫ રૂપિયા થઈને છેલ્લે સાડાત્રણ ટકા વધીને ૯૨ રૂપિયા બંધ હતો. ફાર્મા ક્ષેત્રની અન્ય કંપની ડિવીઝ લૅબ ગઈ કાલે ત્રણ ગણા કામકાજમાં ઉપરમાં ૯૫૦ રૂપિયા થઈ છેલ્લે ૯ ટકાથી વધુના ઉછાળે ૯૪૩ રૂપિયા નજીક બંધ હતી. બજારની એકંદર સુસ્તી સામે હેલ્થકૅર ઇન્ડેક્સ બુધવારે ૭૦માંથી ૩૮ શૅરના સુધારામાં સાધારણ પ્લસ હતો. વિવિમેડ લૅબ ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૩૮ રૂપિયાના શિખરે બંધ હતો. છેલ્લે ૭૮,૦૦૦ શૅરના બાયર ઊભા હતા. સનફાર્મા બે ટકા નરમ હતો. તો ડૉ. રેડ્ડીઝ લૅબમાં સવાત્રણ ટકાની આગેકૂચમાં ૨૩૧૪ રૂપિયા નજીકનો ભાવ જોવા મળ્યો હતો. નિફ્ટી ફાર્મા ૧૦માંથી ૬ શૅરની નરમાઈ વચ્ચે ૦.૩ ટકા ઊંચકાયો હતો.  

ટાયર શૅરમાં ઍન્ટિ-ડમ્પિંગ

સરકાર દ્વારા બસ અને ટ્રકમાં વપરાતા રેડિયલ ટાયર પર ઍન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાદવાના અહેવાલે ટાયર શૅરમાં ૧૧ ટકા સુધીની તેજીની હવા ભરાઈ હતી જેમાં JK ટાયરનો શૅર સેશનના અંતે ૬.૭ ટકાની મજબૂતીમાં ૧૫૭ પ્લસ બંધ રહ્યો હતો. BSE ખાતે રોજના સરેરાશ ૨.૩૧ લાખ શૅર સામે આજે ૮.૫૫ લાખ શૅરનાં કામકાજ થયાં હતાં. અપોલો ટાયર્સ દોઢ ટકાની તેજીમાં ૨૬૨ રૂપિયા, TVS શ્રીચક્ર ૩ ટકાના ઉછાળે ૩૨૧૮ રૂપિયા બંધ થયો હતો. જોકે ઊંચા મથાળે પ્રૉફિટ-બુકિંગના પગલે કેટલાંક ટાયર તૂટ્યાં હતાં જેમાં MRF ઉપરમાં ૬૫,૫૭૯ રૂપિયા બોલાઈને ઘટાડાની ચાલમાં ૬૩,૯૧૭ રૂપિયાના તળિયે જઈ ટકાવારીની રીતે નામમાત્ર અને રકમની રીતે ૧૮૧ રૂપિયા ઘટીને ૬૪,૦૨૫ રૂપિયા બંધ હતો. તો બાલક્રિષ્ણ ઇન્ડસ્ટ્રીઝ નજીવા ઘટાડામાં ૧૭૧૬ રૂપિયા, સીએટ અડધા ટકાની નરમાઈએ ૧૭૭૧ રૂપિયા અને એલ્ગી રબરનો શૅર પણ અડધો ટકો ઘટીને ૪૩.૩ રૂપિયા અને PTL એન્ટરપ્રાઇઝિસ પોણા ટકાની પીછેહઠમાં ૪૦.૬ રૂપિયાના સ્તરે બંધ રહ્યો હતો.

૧૦ શૅર સપ્તાહમાં ૫૦ ટકાથી વધુ ઊછળ્યા

બજારની સાવચેતી સાથેની આગેકૂચ દરમ્યાન ભારતી ડિફેન્સ ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વાલચંદનગર ઇન્ડસ્ટ્રીઝ, શિવાલિક બાયમેટલ કન્ટ્રોલ્સ, ટાયો રોલ્સ અને ટિનપ્લેટ કંપની સહિતના ૧૦ કંપનીઓના શૅર એક સપ્તાહ દરમ્યાન ૫૦ ટકાથી વધુ ઊછળ્યા છે. ભારતી ડિફેન્સ-ઇન્ફ્રાનો શૅર ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૧૫.૭૩ રૂપિયાના મથાળે બંધ રહ્યો હતો. BSE ખાતે રોજના સરેરાશ ૪૭,૦૦૦ શૅર સામે આજે ૩.૧૨ લાખ શૅરનું ભારે વૉલ્યુમ નોંધાયું હતું. ૧૩ સપ્ટેમ્બરે આ શૅરનો ભાવ ૮.૭૯ રૂપિયા હતો. ત્યાર બાદ સપ્તાહ દરમ્યાન તેજીની રૅલીમાં ૭૯ ટકા ઊછળ્યો છે. આ ઉછાળાનું કારણ જર્મન કંપની ડ્રાય ડોક્સ દ્વારા એક્વિઝિશનના અહેવાલ છે. એવી જ રીતે વાલચંદનગર ઇન્ડસ્ટ્રીઝનો શૅર ઇન્ટ્રા-ડે ૨૪૦.૯ રૂપિયાની વર્ષની ઊંચાઈએ ક્વોટ થઈ અંતે ૧૪.૨ ટકાની તેજીમાં ૨૩૧.૨૫ રૂપિયા રહ્યો હતો. તો સપ્તાહ દરમ્યાન નોંધપાત્ર ઉછાળો દર્શાવનાર અન્ય શૅરમાં પિકાડિલ ઍગ્રો ૬૭ ટકા, પિકાડિલ શુગર ૬૪ ટકા, શિવાલિક બાયમેટલ ૬૦ ટકા, હિન્દ રેક્ટિફાયર્સ ૫૮ ટકા, PSL ૫૬ ટકા, ટાયો રૉલ્સ ૫૫ ટકા, મર્ક ઇલેક્ટ્રૉનિક્સ ૫૨ ટકા અને ટિનપ્લેટ કંપનીનો શૅર બાવન ટકા વધ્યો છે.

પ્રાઇવેટ ઇક્વિટી રોકાણમાં ઉછાળો

કેટલાક મોટી રકમના સોદાઓને કારણે દેશમાં પ્રાઇવેટ ઇક્વિટી (PE) ઇન્વેસ્ટમેન્ટમાં ઑગસ્ટ મહિનામાં ઉછાળો આવ્યો હતો અને એ ૧૩.૮ અબજ અમેરિકન ડૉલરની સપાટીએ પહોંચ્યું હતું.

ઍશ્યૉરન્સ, ટૅક્સ અને સલાહકારી પેઢી ગ્રાન્ટ થૉર્ટને એક અહેવાલમાં જણાવ્યું છે કે ઑગસ્ટમાં ૪.૯૬ અબજ અમેરિકન ડૉલરના ૪૭ પ્રાઇવેટ ઇક્વિટી ટ્રાન્ઝૅક્શન્સ થયાં હતાં, જે ગત વર્ષના ઑગસ્ટ મહિનાના એક અબજ અમેરિકન ડૉલરની તુલનાએ ક્યાંક અધિક હતા.

ઑગસ્ટના કુલ પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટમાં સૌથી વધુ ૫૧ ટકા હિસ્સો ટકા ઈ-કૉમર્સ સેક્ટરનો રહ્યો હતો. એમાં ફ્લિપકાર્ટમાં સૉફ્ટ બૅન્ક્સના ૨૫૦ કરોડ અમેરિકન ડૉલરના ફન્ડિંગનો સમાવેશ થાય છે. જાન્યુઆરી-ઑગસ્ટના ગાળા દરમ્યાન ૧૩.૭૮ અબજ અમેરિકન ડૉલરના કુલ સોદા થયા છે, જે ગત વર્ષના સમાન ગાળાની તુલનાએ ૭૫ ટકાનો ઉછાળો દર્શાવે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK