ડાઉમાં ૩૩૫ પૉઇન્ટનો કડાકો પચાવીને શૅરબજાર સુધારે બંધ

ખાંડની નિકાસ પરની ૨૦ ટકા ડ્યુટી રદ થતાં શુગર શૅરમાં વધી રહેલી કડવાશ અટકી

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

અમેરિકામાં પ્રેસિડેન્શિયલ ઇલેક્શન દરમ્યાન પોતાની પાસેના ડેટાનો દુરુપયોગ થવા દેવા બદલ ફેસબુક ભારે તકલીફમાં મુકાયું છે. ફેસબુકનો શૅર નીચામાં ૧૭૦ ડૉલર થઈને પોણાસાત ટકાની ખુવારીમાં ૧૭૨ ડૉલર પ્લસ બંધ આવતાં માર્કેટ-કૅપની રીતે રોકાણકારોને એક જ દિવસમાં લગભગ ૩૬૪૦ કરોડ ડૉલર એટલે કે ૨.૩૭ લાખ કરોડ રૂપિયાની હાનિ થઈ છે. ફેસબુકમાં ચાર વર્ષના આ મોટા કડાકાના ભાર હેઠળ અમેરિકન શૅરબજાર પણ દોઢેક ટકા કે ૩૩૫ પૉઇન્ટ ગગડીને ૨૪૬૧૧ની નીચે બંધ આવ્યું. એની પાછળ એશિયન શૅરબજારો પ્રારંભે નબળા ખૂલ્યાં પણ આંચકો પચાવીને છેવટે પૉઝિટિવ બાયસ સાથે મિશ્ર વલણમાં બંધ રહ્યાં છે. યુરોપ રનિંગ ક્વોટમાં આગલા લેવલે ટકેલું હતું. બાય ધ વે, પાકિસ્તાનનું શૅરબજાર ગઈ કાલે ઉપરમાં ૪૪૪૦૫ પૉઇન્ટ થઈ રનિંગ ક્વોટમાં ૭૩૪ પૉઇન્ટની આગેકૂચમાં ૪૪૨૭૪ આસપાસ દેખાતું હતું. ઘરઆંગણે સેન્સેક્સ વૈશ્વિક ટ્રેન્ડને અનુસરતાં આગલા બંધથી પચાસેક પૉઇન્ટ નરમ ખૂલીને ૩૨૮૧૧ની અંદર ઊતરી ગયો હતો. એશિયન માર્કેટ્સના રિબાઉન્ડ સાથે બજાર બાઉન્સબૅક થયું જેમાં ૩૩૧૦૩ નજીક જઈ છેલ્લે ૭૪ પૉઇન્ટ નજીકના સુધારામાં ૩૨૯૯૭ આસપાસ બંધ આવ્યો છે. નિફ્ટી નીચામાં ૧૦૦૪૯ અને ઉપરમાં ૧૦૧૫૬ બતાવી ૩૦ પૉઇન્ટ વધીને ૧૦૧૨૪ રહ્યો છે. સેન્સેક્સમાં ૩૧માંથી ૧૯ અને નિફ્ટીના ૫૦માંથી ૩૩ શૅર વધ્યા છે. સેન્સેક્સ ખાતે ત્રણ ટકા પ્લસની તેજીમાં તાતા સ્ટીલ તો નિફ્ટી ખાતે પાંચેક ટકાના જમ્પમાં ભારતી ઇન્ફ્રાટેલ ટૉપ ગેઇનર હતા. સ્મૉલકૅપ અને મિડકૅપમાં સાધારણ વધ-ઘટે સામસામા રાહ હોવાથી માર્કેટ-બ્રેડ્થ નકારાત્મક રહી છે. NSE ખાતે ૫૬૧ શૅરના સુધારા સામે ૯૬૨ કાઉન્ટર ડાઉન હતાં. આગલા દિવસના બે ટકાના ધબડકા બાદ IT ઇન્ડેક્સ ગઈ કાલે ૫૯માંથી ૨૮ શૅરના સુધારામાં સવા ટકાથી વધુ ઊંચકાયો છે. ઇન્ફી અને TCS એકથી સવા તો વિપ્રો દોઢ ટકા અપ હતા. સરકાર તરફથી નવી ટેલિકૉમ પૉલિસી ગણતરીના મહિનામાં લાવવાની વાતો વચ્ચે ટેલિકૉમ ઇન્ડેક્સ અડધો ટકો વધીને બંધ હતો, પરંતુ એ કેવળ ભારતી ઇન્ફ્રાટેલની તેજીને આભારી છે. બાકી ઉદ્યોગના ૧૭માંથી ૧૨ શૅર ઘટેલા હતા. ભારતી ઍરટેલ ૪૦૧ રૂપિયા નજીકના આગલા બંધે યથાવત હતો.

સરકાર દ્વારા ખાંડ ઉદ્યોગના લાભાર્થે ૨૦ ટકાની નિકાસ-જકાત રદ કરવાની જાહેરાત આવતા છેલ્લા કેટલાક દિવસથી સતત કડવા બની રહેલા શુગર શૅર ગઈ કાલે સુધારાતરફી હતા. ઉદ્યોગની ૩૪માંથી ૧૨ સ્ક્રિપ્સ નરમ હતી. થિરુઅરુણન શુગર સાડાસાત ટકાની તેજીમાં મોખરે હતો. બલરામપુર ચીની સાડાપાંચ ટકા, રીગા શુગર સાડાચાર ટકા અને DCM સાડાત્રણ ટકા મીઠા થયા હતા. ખાંડમાં ડિમાન્ડ ઉત્પાદન અને વિશ્વબજારના સમીકરણ જોતાં તેજીની કોઈ આશા હાલમાં નથી. અલ્ટ્રાટેક સિમેન્ટ તરફથી બિનાની સિમેન્ટમાં ૭૨૬૬ કરોડ રૂપિયાની નવી રિવાઇઝ્ડ ઑફર આવતાં બિનાની સિમેન્ટને હસ્તગત કરવાનું યુદ્ધ ઉગ્ર બન્યું છે. બિનાની ઇન્ડસ્ટ્રીઝ ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૯૮ રૂપિયા બંધ હતો. બાય ધ વે, BSE ખાતે મંગળવારે ૧૨૭ શૅર તેજીની સર્કિટમાં તો ૨૩૫ આઇટમ નીચલી સર્કિટમાં બંધ રહી છે.

ONGC ડાઉન

નૅચરલ ગૅસના ભાવ સંબંધી સરકારી નીતિ મુજબ ૧ એપ્રિલથી ગૅસના નવા ભાવ પ્રતિ ૧૦ લાખ બ્રિટિશ થર્મલ યુનિટ દીઠ ૩.૨ ડૉલર થવાની શક્યતા છે જે હાલના ૨.૮૯ ડૉલરના મુકાબલે ૧૧ ટકા વધુ કહી શકાય. અત્યારે સરકાર દર ૬ મહિને ગૅસના ભાવની સમીક્ષા કરી જે-તે ભાવ નક્કી કરે છે જે આગામી ૬ મહિના માટે અમલી રહે છે. ગૅસના ભાવવધારાનો સૌથી વધુ લાભ ONGC અને ઑઇલ ઇન્ડિયા જેવી ગૅસ ઉત્પાદક કંપનીઓને થશે. એક અંદાજ પ્રમાણે ગૅસના ભાવમાં પ્રત્યેક ડૉલરના વધારાને કારણે ONGC આવકમાં વર્ષે ૪૧૦૦ કરોડ રૂપિયા તથા વેરા પછીના નફામાં ૨૭૦૦ કરોડ રૂપિયાનો વધારો થાય છે. આ અહેવાલના પગલે ગઈ કાલે ONGCનો ભાવ પ્રારંભિક સુધારામાં વધીને ૧૭૮ રૂપિયા થયો હતો, પરંતુ એ ટકી શક્યો નથી. શૅર ત્યાર બાદ નીચામાં ૧૭૩ થઈ છેલ્લે એક ટકો ઘટીને ૧૭૪ રૂપિયા બંધ રહ્યો છે. ઑઇલ ઇન્ડિયાનો ભાવ ૩૪૧ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બાદ બે ટકાના ઘટાડે ૩૨૯ રૂપિયા હતો. પ્રાઇવેટ સેક્ટરની ઑઇલ જાયન્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ ૯૦૪ નજીક જઈ સાધારણ નરમાઈમાં ૮૯૨ રૂપિયા રહ્યા છે. રિફાઇનરી સેગમેન્ટમાં IOC સળંગ પાંચમા દિવસની પીછેહઠમાં સવાબે ટકા ડાઉન હતો.

ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (GSPL) દ્વારા એની પેરન્ટ કંપની ઞ્લ્ભ્ઘ્નો ગુજરાત ગૅસમાંનો ૨૮.૪ ટકા હિસ્સો હસ્તગત કરવાનું નક્કી થતાં શૅર સળંગ બીજા દિવસની નબળાઈમાં પોણાબે ગણાં કામકાજ વચ્ચે નીચામાં ૧૭૪ રૂપિયા થઈ છેલ્લે ૫.૨ ટકાની ખરાબીમાં ૧૭૭ રૂપિયા બંધ રહ્યો છે. ગુજરાત ગૅસનો ભાવ હાલમાં ૮૩૦ રૂપિયા આસપાસ છે એ ધોરણે આ ૨૮.૪ ટકા હોલ્ડિંગની માર્કેટવૅલ્યુ લગભગ ૩૨૫૦ કરોડ રૂપિયા આસપાસ બેસે છે. GSPLના ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૭૯ રૂપિયા જેવી છે. કન્સોલિડેટેડ ધોરણે ગયા વર્ષાંરંતે કંપનીની રિઝર્વ ૩૮૮૨ કરોડ રૂપિયા હતી. આ ડીલના પગલે કંપનીની રિઝર્વ લગભગ ખાલી થઈ જશે.

CBI દ્વારા ચાર્જશીટ કૅનેરા બૅન્કને નડી

કૅનેરા બૅન્કના ભૂતપૂર્વ CMD આર. કે દુબે તથા અન્ય બે ઉચ્ચ પદાધિકારીઓ સામે ધિરાણ આપવાના મામલે આચરવામાં આવેલી ગેરરીતિના આક્ષેપ સાથે CBI તરફથી ચાર્જશીટ દાખલ થયાના પગલે શૅર ગઈ કાલે નીચામાં ૨૫૦ થઈ છેલ્લે ત્રણ ટકા ગગડીને ૨૫૬ રૂપિયા બંધ રહ્યો છે. આ ઉપરાંત એક અન્ય ડેવલપમેન્ટમાં સેબી તરફથી કૅનેરા બૅન્ક ઉપરાંત પંજાબ નૅશનલ બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, વિજયા બૅન્ક, સિન્ડિકેટ બૅન્ક તથા યુનિયન બૅન્ક મળી કુલ ૬ બૅન્કોને સરકાર તરફથી મળનારી મૂડીસહાયના પગલે હોલ્ડિંગમાં થતા ફેરફારને લીધે નિયમ મુજબ ઓપન ઑફર કરવાની જરૂરિયાતમાંથી મુક્તિ આપી છે. પંજાબ નૅશનલ બૅન્કનો શૅર ગઈ કાલે અડધો ટકો વધીને ૯૭ રૂપિયા, વિજયા બૅન્ક એક ટકો ઘટીને ૫૪, બૅન્ક ઑફ બરોડા નીચામાં ૧૩૧ થયા બાદ બે ટકા વધીને ૧૩૬, યુનિયન બૅન્ક નજીવો વધીને ૯૬ તથા સિન્ડિકેટ બૅન્ક અડધો ટકો વધીને ૬૧ રૂપિયા નજીક બંધ હતા. મંગળવારે બૅન્કિંગ ઉદ્યોગની ૪૦ જાતોમાંથી ૨૦ વધી હતી. ધનલક્ષ્મી બૅન્ક દ્વારા વાર્ષિક ૧૧ ટકા વ્યાજવાળાં સાત વર્ષની મુદતનાં ૧૫૦ કરોડનાં નૉન-કન્વર્ટિબલ બૉન્ડ ઇશ્યુ કરવાનું નક્કી થતાં ભાવ ઉપરમાં ૨૫ નજીક જઈ અંતે ૧૨.૬ ટકાની તેજીમાં ૨૪ રૂપિયા બંધ હતો. સેન્ટ્રલ બૅન્ક, યુનાઇટેડ બૅન્ક, ઇન્ડિયા બૅન્ક, દેના બૅન્ક, ICICI બૅન્ક, પંજાબ સિંધ બૅન્ક, યુકો બેંક, IDBI બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર જેવાં કાઉન્ટર્સ એકથી ચારેક ટકા નરમ હતાં. બૅન્ક નિફ્ટી બારમાંથી પાંચ શૅરની પીછેહઠમાં સાધારણ નરમ તો પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી ૧૦માંથી પાંચ શૅરના ઘટાડામાં અડધો ટકો ડાઉન હતો. PSU બૅન્ક નિફ્ટી બારમાંથી બે શૅરના ઘટાડે સાધારણ પ્લસ હતો.

સિપ્લામાં વૉલ્યુમ સાથે તોફાની વધ-ઘટ

સિપ્લામાં એના ગોવા ખાતેના પ્લાન્ટને લઈ અમેરિકન FDA તરફથી ઑબ્ઝર્વેશન ઇશ્યુ થયાના અહેવાલ પાછળ ભાવ ૫૬૦ નજીકના આગલા બંધ સામે ૫૫૧ ખૂલી સાતેક ટકાના કડાકામાં નીચામાં ૫૨૩ રૂપિયા થયો હતો, પરંતુ કંપની તરફથી આ ઑબ્ઝર્વેશન્સ પ્લાન્ટ સ્પેસિફિક નહીં પણ પ્રોડક્ટ સ્પેસિફિક છે એટલે અમુક જૂજ પ્રોડક્ટ્સને બાદ કરતાં અન્ય ઉત્પાદનને કોઈ વાંધો નથી એવું સ્પક્ટીકરણ જાહેર થતાં શૅર બાઉન્સબૅકમાં ૫૬૦ રૂપિયા નજીક ગયો હતો. ભાવ અંતે સવા ટકો ઘટીને ૫૫૨ રૂપિયા બંધ રહ્યો છે. BSE ખાતે લગભગ ૬ ગણાં કામકાજ થયાં હતાં. ગઈ કાલે હેલ્થકૅર ઇન્ડેક્સ ફ્રન્ટલાઇન, ચલણી જાતોમાં સુધારા સામે ઓછું વેઇટેજ ધરાવતી મોટા ભાગની જાતોની પીછેહઠમાં ૬૯માંથી ૨૪ શૅરના સુધારામાં અડધો ટકો વધીને બંધ હતો. સિન્જેન ઇન્ટરનૅશનલ, નાટકો ફાર્મા, ફોર્ટિસ હેલ્થકૅર, નેક્ટર લાઇફ, ડૉ. રેડ્ડીઝ લૅબ, કૅડિલા, સનફાર્મા જેવાં કાઉન્ટર એકથી ત્રણેક ટકા અપ હતાં. સમગ્ર ફાર્મા ઉદ્યોગના ૧૩૯ શૅરમાંથી ૮૧ શૅર નરમ હતા. વિન્ટાક, ઑર્ચીડ ફાર્મા, સિન્કૉમ, ફૉર્મ્યુલેશન્સ, ક્લિચ ડ્રગ્સ, અંબાલાલ સારાભાઈ, લિંકન ફાર્મા, માર્કસન્સ, ન્યુ લૅન્ડ લૅબ, સાન્ડુ ફાર્મા, સુવેન ફાર્મા, TTK હેલ્થકૅર, ઝેનોટેક જેવી સ્ક્રિપ્સ અઢીથી પાંચ ટકા તૂટી હતી. વીનસ રેમેડીઝ સાડાચાર ગણા કામકાજમાં ઉપરમાં ૭૯ નજીક જઈ છેલ્લે બાર ટકાની તેજીમાં ૭૫ રૂપિયા હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK