સેન્સેક્સ અને નિફ્ટી બંધની રીતે નવી વિક્રમી સપાટીએ

મારુતિ ૧૦,૦૦૦ ભણી, પાંચ ઑટો શૅર બજારને ૧૪૪ પૉઇન્ટ ફળ્યા : BJP હેમખેમ રહેતાં સંખ્યાબંધ ગુજ્જુ શૅરમાં જામેલી ફૅન્સી : ગાંધી સ્પેશ્યલ ટ્યુબ્સ ૪૪ ટકા પ્રીમિયમે બાયબૅક પાછળ તગડા જમ્પમાં ઑલટાઇમ હાઈ

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

આગલા બંધથી ૧૩૦ પૉઇન્ટ ગૅપમાં ઉપર ખૂલ્યા બાદ દિવસનો મોટો ભાગ ત્યાંથી ૫૦-૬૦ પૉઇન્ટની અતિ સાંકડી રેન્જમાં અથડાતું રહેલું બજાર દોઢ વાગ્યા પછી ચોઘડિયું બદલાયું હોય એમ સતત વધતું રહી ૩૩,૮૬૨ની ઇન્ટ્રા-ડે હાઈ થયું ત્યારે લાગતું હતું કે ૨૦૧૭ની ૭ નવેમ્બરે બનેલી ૩૩,૮૬૬ નજીકની ઑલટાઇમ હાઈ આજે તૂટી જશે. જોકે છેલ્લે સેન્સેક્સ ૨૩૫ પૉઇન્ટની આગેકૂચમાં ૩૩,૮૩૭ નજીક તો નિફ્ટી ૭૪ પૉઇન્ટની મજબૂતીમાં ૧૦,૬૬૩ બંધ આવ્યા છે જે ક્લોઝિંગની રીતે વિક્રમ છે. નિફ્ટી ગઈ કાલે ઉપરમાં ૧૦,૪૭૨ થયો હતો. ઑલટાઇમ હાઈ ૧૦,૪૯૦ની છે. સેન્સેક્સના ૩૧માંથી બાવીસ અને નિફ્ટીના ૫૦માંથી ૩૯ કાઉન્ટર પ્લસમાં હતાં. મારુતિ સુઝુકી સવાપાંચથી પોણાછ ટકાની તેજીમાં બન્ને આંક ખાતે ટૉપ ગેઇનર બન્યો હતો. તો પોણાપાંચ ટકાના ઉછાળે હીરો મોટોકૉર્પ બીજા ક્રમે હતો. IT તેમ જ એના પગલે ટેક્નૉલૉજી ઇન્ડેક્સની સાધારણ નરમાઈને બાદ કરતાં બજારના તમામ ઇન્ડેક્સ વધ્યા છે. ઑટો ઇન્ડેક્સ ઇન્ટ્રા-ડેમાં ૨૬,૭૮૪ થઈ છેલ્લે સાડાત્રણ ટકા કે ૮૮૪ પૉઇન્ટના ઉછાળે ૨૬,૭૪૨ બંધ આવ્યો છે. ખાતર સબસિડી છૂટી થવાના અહેવાલથી ફર્ટિલાઇઝર્સ સેગમેન્ટની ૨૧માંથી ૧૭ જાતો વધી હતી. ફાર્મા સેક્ટરમાં નાનાં કાઉન્ટર્સ સારી એવી તેજીમાં હતાં. ઉદ્યોગના ૧૦૪ શૅર વધ્યા હતા સામે ૨૭ શૅર નરમ હતા. સિમેન્ટ, શુગર, માઇનિંગ, સ્પેશ્યલિટી કેમિકલ્સ, ટેક્સ્ટાઇલ્સ, ઑટો પાર્ટ્સ, બાયોટેક, બ્રુઅરીઝ, ઑગેર્નાઇઝ્ડ રીટેલિંગ, ઇલેક્ટ્રિક યુટિલિટી, હેવી ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ, હોટેલ્સ, મેટલ્સ સહિત અનેકવિધ સેક્ટર ગઈ કાલે ડિમાન્ડમાં હતા.

ગાંધી સ્પેશ્યલ ટ્યુબ્સમાં પ્રીમિયમે બાયબૅક

આયર્ન તથા સ્ટીલ પ્રોડક્ટ્સ બિઝનેસમાં પ્રવૃત્ત ગાંધી સ્પેશ્યલ ટ્યુબ્સની બોર્ડ-મીટિંગમાં ટેન્ડર ઑફર મારફત મહત્તમ ૫૦૦ રૂપિયા સુધીના ભાવે ૮.૮૦ લાખ જેટલા શૅર બાયબૅક કરવાનું નક્કી થતાં ભાવ ૩૪૮ રૂપિયા નીચેના આગલા બંધ સામે ગઈ કાલે ૨૦ ગણા કામકાજમાં ૪૧૨ રૂપિયાની વિક્રમી સપાટી બતાવી છેલ્લે ૧૬ ટકાની તેજીમાં ૪૦૨ રૂપિયા બંધ હતો. પાંચ રૂપિયાની ફેસવૅલ્યુવાળા શૅરની બુકવૅલ્યુ ૧૨૨ રૂપિયા જેવી છે. કંપનીમાં પ્રમોટર્સ મનહર ગાંધી ઍન્ડ ફૅમિલી ૭૩.૩ ટકા આસપાસનો હિસ્સો ધરાવે છે. FII પાસે સવાચાર ટકા માલ છે. મેઇડન બોનસ બાકી છે. એકમાત્ર રાઇટ સપ્ટેમ્બર ૧૯૯૨માં બે શૅરદીઠ એકના ધોરણે ભાવોભાવ આવ્યો હતો. જાન્યુઆરી ૨૦૦૮માં ૧૦ રૂપિયાના શૅરનું પાંચ રૂપિયામાં વિભાજન કરાયું હતું. પિઅર ગ્રુપમાં વેલસ્પન કૉર્પ, સૂર્યા રોશની, ઑઇલ કાઉન્ટ્રી, મહારાષ્ટ્ર સિમલેસ, હાઇટેક પાઇપ્સ, ગુડલક ઇન્ડિયા ઇત્યાદિ જેવાં કાઉન્ટર એકથી ચારેક ટકા ઊંચકાયાં હતાં. NSE ખાતે જ લિસ્ટેડ હાઇટેક પાઇપ્સ ૩૩૦ રૂપિયાની વિક્રમી સપાટી બનાવી અંતે સવાત્રણ ટકાની મજબૂતીમાં ૩૨૬ રૂપિયા હતો.

ભારતીમાં વિદેશી શિકારથી સુધારો

ભારતી ઍરટેલ દ્વારા મિલીકૉમ ઇન્ટરનૅશનલના રેવાન્ડા ખાતેના ટેલિકૉમ બિઝનેસને ૧૦૦ ટકા હસ્તગત કરવાના કરાર થયા છે. ટીગો રેવાન્ડા નામની આ કંપની ૩૭ કરોડ ગ્રાહક ધરાવે છે. આ ટેકઓવરના પગલે અસ્તિત્વમાં આવતી નવી કંપની ભારતી-રેવાન્ડા આફ્રિકા ખાતે ૪૦ ટકાનો માર્કેટશૅર અને વર્ષે આઠ કરોડ ડૉલરની રેવન્યુ સાથે બીજા નંબરની મોટી ઑપરેટર બની જશે. ગઈ કાલે ભારતી ઍરટેલનો શૅર સાડાચાર ગણા કામકાજમાં આ સમાચાર પાછળ ૫૨૦ રૂપિયાની ઇન્ટ્રા-ડે બૉટમથી ઉપરમાં ૫૩૪ રૂપિયા વટાવી છેલ્લે બે ટકાના સુધારામાં ૫૩૬ રૂપિયા બંધ હતો. દરમ્યાન ગઈ કાલે ટેલિકૉમ ઇન્ડેક્સ ૧૬માંથી ૧૪ શૅરના સુધારામાં બે ટકા અપ હતો. R.કૉમ દોઢા વૉલ્યુમમાં ૧૨.૭૦ રૂપિયા નજીક જઈ છેલ્લે આઠ ટકાની મજબૂતીમાં ૧૩ રૂપિયા બંધ આપી અત્રે મોખરે હતો. તાતા ટેલિ સર્વિસિસ સવાત્રણ ટકા, આઇડિયા સેલ્યુલર ચાર ટકા, MTNL સાડાપાંચ ટકા, ભારતી ઇન્ફ્રાટેલ સવા ટકો અને ITI સવાછ ટકા પ્લસ હતા.

ક્રિધન ઇન્ફ્રામાં સિંગાપોરનો કરન્ટ

ક્રિધન ઇન્ફ્રામાં ગવર્નમેન્ટ ઑફ સિંગાપોર દ્વારા ૮.૯૫ લાખ શૅર સરેરાશ ૯૨ રૂપિયાના ભાવે ખરીદાયા હોવાના સમાચાર પાછળ ભાવ ગઈ કાલે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૧૯ રૂપિયા વટાવી છેલ્લે ૧૮.૬ ટકાના ઉછાળે ૧૧૮ રૂપિયા બંધ હતો. બન્ને બજાર ખાતે કુલ મળીને આશરે ૧૩૫ લાખ શૅરના કામકાજ થયા હતા. બે રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૪૦ રૂપિયા છે. પ્રમોટર્સ હોલ્ડિંગ ૬૦ ટકા છે એમાંથી ૨૨.૪ ટકા શૅર ગિરવી પડ્યા છે. દરમ્યાન ગુજરાતમાં ભગવી સરકાર હેમખેમ રહેવાના પગલે કેટલાક ગુજ્જુ શૅર ગઈ કાલે વિશેષ મસ્તીમાં હતા. ગાર્ડન સિલ્ક મિલ્સ ૧૫ ગણા કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૪૫ રૂપિયાના નવા શિખરે બંધ આવ્યો છે. ઇલેક્ટ્રોથર્મ ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૫૭ રૂપિયા, સેટકો ઑટોમોટિવ ૬૪ રૂપિયા પ્લસના બેસ્ટ લેવલ બાદ ૧૩.૪ ટકાના ઉછાળે ૬૩ રૂપિયા, ઍલેમ્બિક લિમિટેડ દસ ટકાની તેજીમાં ૪૮ રૂપિયા, આશાપુરા માઇનકેમ ૯ ટકાના જમ્પમાં ૧૦૦ રૂપિયા નજીક, હેસ્ટરબાયો ૧૫૪૦ રૂપિયાની ઑલટાઇમ હાઈ બનાવી દસ ટકાના ઉછાળે ૧૫૧૬ રૂપિયા, સિન્ટેક્સ પ્લાસ્ટિક્સ ૭૯ રૂપિયા નજીક જઈ ૭.૭ ટકાની તેજીમાં ૭૮ રૂપિયા બંધ હતા. સેરા સેનિટરી, ટૉરન્ટ પાવર, દિશમાન કાર્બોજીન, અતુલ, અતુલ ઑટો, વૉલટેમ્પ, વાડીલાલ એન્ટરપ્રાઇઝ, ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ, સિમ્ફની, મનપસંદ બિવરેજિસ, RV ડેનિમ, સદ્ભાવ એન્જિનિયરિંગ, સદ્ભાવ ઇન્ફ્રા, બોડલ કેમિકલ્સ, લિન્કન ફાર્મા, NK ઇન્ડસ્ટ્રીઝ, બાન્કો પ્રોડક્ટ્સ, વેલસ્પન કૉર્પ, વેલસ્પન એન્ટરપ્રાઇઝિસ, વેલસ્પન ઇન્ડિયા, કલ્પતરુ પાવર, એલિકોન એન્જિનિયરિંગ, ગુજરાત સિદ્ધિ સિમેન્ટ, સૌરાષ્ટ્ર સિમેન્ટ, સયાજી હોટેલ્સ, સિન્ટેક્સ, ટ્રાન્સફોર્મર્સ ઍન્ડ રેક્ટિફાયર્સ, રિલાયન્સ નેવલ, GNFC, GSFC ઇત્યાદિ દોઢથી સાડાછ ટકાની રેન્જમાં વધીને બંધ હતા.

આઇશર મોટર્સમાં હજારી જમ્પ

ટૂ-થ્રી વ્હીલર્સ બિઝનેસમાં પ્રવૃત્ત આઇશર મોટર્સ ઍનલિસ્ટ/ઇન્વેસ્ટર્સ-મીટની અસરમાં ગઈ કાલે ૨૧ ગણા કામકાજમાં ૨૯,૯૦૯ રૂપિયાના આગલા બંધ સામે ઉપરમાં ૩૧,૦૦૦ થઈ છેલ્લે ત્રણ ટકા કે ૮૮૫ રૂપિયાની તેજીમાં ૩૦,૭૯૫ રૂપિયા બંધ રહ્યો છે. અગ્રણી બાઇક જાયન્ટ હીરો મોટોકૉર્પ ત્રણેક ગણા વૉલ્યુમમાં ઉપરમાં ૩૭૦૫ રૂપિયા બતાવી છેલ્લે ૪.૭ ટકાના ઉછાળે ૩૬૯૭ રૂપિયા, TVS મોટર્સ ૭૯૩ રૂપિયા નજીક નવું બેસ્ટ લેવલ હાંસલ કરીને ત્રણ ટકાની આગેકૂચમાં ૭૮૫ રૂપિયા, બજાજ ઑટો ૩૩૩૧ રૂપિયા જેવી ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૨.૯ ટકાની મજબૂતીમાં ૩૩૨૦ રૂપિયા, અતુલ ઑટો ઉપરમાં ૪૪૫ રૂપિયા થઈ અંતે સાડાચાર ટકા વધીને ૪૪૪ રૂપિયા બંધ હતા. મારુતિ સુઝુકી પાંચ આંકડે થવાની ઉતાવળમાં હોય એમ ૯૮૫૫ રૂપિયા નજીક એક વધુ ઑલટાઇમ હાઈ સર કરી ૫.૩ ટકા કે ૪૯૬  રૂપિયાના જમ્પમાં ૯૮૦૪ રૂપિયા બંધ આવ્યો છે. તાતા મોટર્સ પણ ૩.૪ ટકા વધીને ૪૧૯ રૂપિયા રહ્યો હતો. મહિન્દ્ર ૧૫૬૦ રૂપિયાના નવા શિખર બાદ બે ટકા ઊંચકાઈને ૧૫૫૪ રૂપિયા હતો. મારુતિ, હીરો મોટોકૉર્પ, બજાજ ઑટો, તાતા મોટર્સ અને મહિન્દ્રની આગેકૂચથી સેન્સેક્સને ગઈ કાલે ૧૪૪ પૉઇન્ટનો ફાયદો થયો છે.

સ્મૉલ કૅપ, મિડ કૅપ, બ્રૉડર માર્કેટની ટોચે

ગઈ કાલે સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૧૮,૫૨૯ની વિક્રમી સપાટી બતાવી દોઢ ટકા વધીને ૧૮,૫૨૮, મિડ કૅપ બેન્ચમાર્ક ૧૭,૩૬૭ના બેસ્ટ લેવલ બાદ દોઢ ટકાની મજબૂતીમાં ૧૭,૩૫૬ તથા બ્રૉડર માર્કેટનો માપદંડ ગણાતો BSE-૫૦૦ ૧૪,૮૧૮ની વિક્રમી સપાટી મેળવી છેલ્લે એક ટકો વધીને ૧૪,૮૦૨ બંધ હતા. સ્મૉલ કૅપ ઇન્ડેક્સના ૮૪૯માંથી ૬૮૫, મિડ કૅપના ૯૪માંથી ૭૭ તો BSE-૫૦૦ની ૫૦૧ જાતોમાંથી ૪૦૩ સ્ક્રીપ્સ પ્લસ હતી. એની સીધી અસર માર્કેટ-બ્રેડ્થ પર જોવાઈ છે. ગઈ કાલે BSE ખાતે વધેલા પ્રત્યેક બે શૅર સામે ઘટેલા શૅરની સંખ્યા માંડ એક રહી છે. નિફ્ટી મિડ કૅપ અને નિફ્ટી સ્મૉલ કૅપ પણ દોઢેક ટકા પ્લસમાં હતા. અત્રે કુલ ૧૫૯૭ શૅરમાં ટ્રેડિંગ થયું હતું એમાંથી ઘટેલા શૅરની સંખ્યા ફક્ત ૩૨૯ હતી. નિફ્ટી-૫૦૦ એક ટકો વધી ૯૩૬૦ બંધ રહેતાં પહેલાં ૯૩૬૭ના નવા શિખરે ગયો હતો. રોકડાની ઝમકના પગલે ગઈ કાલે BSE ખાતે ૨૬૪ કાઉન્ટર ઉપલી સર્કિટે બંધ હતાં અને લગભગ પોણાબસો શૅર ભાવની રીતે એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નવી ઊંચી સપાટીએ ગયા હતા. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK