ભારતના રેટિંગ-અપગ્રેડથી માર્કેટ અને ઇન્વેસ્ટરો માટે બુલિશ ટ્રેન્ડ

એક શુક્રવાર પહેલાં GSTના સુધારા-રાહતોની જાહેરાતને માર્કેટે ઠંડો પ્રતિભાવ આપ્યો, ઉપરથી સપ્તાહની શરૂઆતમાં તો માર્કેટ કરેક્શન તરફ આગળ વધવા લાગ્યું; જ્યારે ગયા શુક્રવારે ભારતના રેટિંગ સુધારા સાથે માર્કેટ ઝૂમવા લાગ્યું અને ફરી નવા ઊંચા લેવલ તરફ દોડવા લાગ્યું છે ત્યારે હવે શું એવા સવાલ થતા હોય તો એ જાણી લો કે આ લાંબા ગાળાની તેજીનો આરંભ છે


શૅરબજારની સાદીવાત - જયેશ ચિતલિયા

શુક્રવાર ૧૦ જુલાઈએ ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) કાઉન્સિલ તરફથી GST સંબંધી સંખ્યાબંધ રાહતો જાહેર થઈ એ પછી નવા સપ્તાહમાં માર્કેટ વધવું જોઈએ એવી આશા બંધાઈ હતી, પરંતુ શરૂઆત કરેક્શનથી થઈ. સોમવારનો આરંભ પૉઝિટિવ થયા બાદ બજાર સતત ઘટતું રહીને ૨૮૦ પૉઇન્ટ માઇનસ બંધ રહીને ૩૩,૦૦૦ આસપાસ પહોંચી ગયું હતું, જ્યારે નિફ્ટી ૯૭ પૉઇન્ટ જેટલો ઘટીને ૧૦,૩૦૦ની સપાટી તોડી નીચે આવી ગયો. મંગળવારે કરેક્શન આગળ વધ્યું હતું જેમાં સેન્સેક્સ ૯૨ પૉઇન્ટ ઘટી ગયો અને નિફ્ટી ૩૮ પૉઇન્ટ ઘટીને ૧૦,૨૦૦ના લેવલથી નીચે ઊતરી ગયો હતો. આમાં ગ્લોબલ કારણો પણ જવાબદાર બન્યાં હતાં. બુધવારે માર્કેટ વધુ નીચે જવા માટે પણ સમાન કારણો ઉપરાંત એશિયન માર્કેટની નબળાઈ, વધેલો ફુગાવો અને ભારતીય ઇકૉનૉમીની ટ્રેડ ડેફિસિટ વધવાનું નકારાત્મક પરિબળ પણ ઉમેરાયું હતું. જોકે ગુરુવારે બજારે પૉઝિટિવ ટર્ન લીધો, એ પણ જબરદસ્ત જેમાં માર્કેટ ૩૦૦ પૉઇન્ટથી વધુ ઊછળી પડ્યું અને શુકવારે તો ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝ તરફથી ભારતના રેટિંગમાં અને આઉટલુકમાં સુધારા કરાયાની જાહેરાતને પગલે સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ઊંચી છલાંગ લગાવી દીધી. આમ સપ્તાહના ત્રણ દિવસ નકારાત્મક રહ્યા બાદ બે દિવસ એવા સકારાત્મક બની ગયા કે માર્કેટમાં નવું જોર અને જોમ આવી ગયું. શુક્રવારના અંતે સેન્સેક્સ ૨૩૫ પૉઇન્ટનો જમ્પ લગાવી ૩૩,૩૦૦ ઉપર અને નિફ્ટી ૬૮ પૉઇન્ટનો જમ્પ લગાવી ૧૦,૨૮૦ ઉપર પહોંચી ગયો હતો. હજી બે-ત્રણ દિવસ પહેલાં જ આ બેન્ચમાર્ક ઇન્ડેક્સની બૉટમ શું બનશે એની ચર્ચા શરૂ થઈ  હતી, જ્યારે શુક્રવાર પછી ચર્ચાનો ટ્રેન્ડ પણ બદલાઈ ગયો અને બજારના ટૉપની વાતો થવા લાગી.

માર્કેટનો ટર્ન

છેલ્લા કેટલાક સમયથી માર્કેટ પાસે વધવા માટે કોઈ જબ્બર કે નક્કર કિક નહોતી, જ્યારે કરેક્શન ક્યારનું પાકી ગયું હતું. બજાર નીચામાં ૩૧,૦૦૦ સુધી જવાની ચર્ચા હોવાથી  રોકાણકારો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી બેઠા હતા જેથી હવે ચોક્કસ સ્તરે જ નવી ખરીદી જોર પકડશે એમ જણાતું હતું. જોકે વાસ્તવમાં તો દર ઘટાડે ખરીદી કરવામાં વધુ સાર ગણાય અને માર્કેટે રેટિંગના એક મોટા ગુડ ન્યુઝ પર ટર્ન લઈ લીધો.

ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો (FPI)એ તાજેતરમાં ભારતીય પ્રાઇમરી માર્કેટ-IPO-ન્યુ ઑફરમાં ૧૦ અબજ ડૉલર (આશરે ૬૫,૪૦૦ કરોડ રૂપિયા)નું રોકાણ કર્યું છે જે સાત વર્ષમાં સૌથી ઊંચું છે. જોકે તેમણે સેકન્ડરી માર્કેટમાંથી ૩.૪ અબજ ડૉલર (૩૯,૨૦૦ કરોડ રૂપિયા) બહાર ખેંચી લીધા છે. અર્થાત આટલા મૂલ્યના શૅરો વેચી દીધા છે. આમ તો FPIએ છેલ્લાં ત્રણ વર્ષમાં પ્રાઇમરી માર્કેટમાં ૨૦ અબજ ડૉલરનું રોકાણ કર્યું છે. સેકન્ડરી માર્કેટ ઠંડું થવાનું આ પણ એક કારણ હતું. જોકે હવે રેટિંગ અપગ્રેડેશન પર ફૉરેન ઇન્વેસ્ટમેન્ટનો પ્રવાહ વધી શકે છે. આમ પણ નવા રેટિંગમાં મૂડીઝે ભારતને ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ ઉપરનું રેટિંગ આપ્યું છે.

GSTના ઘટાડાની અસર કોને?


GSTના ઘટાડાયેલા રેટ્સની અસર સૌથી વધુ FMCG સેક્ટર પર શરૂ થઈ છે. ઘણી કંપનીઓએ ભાવઘટાડો શરૂ કર્યો છે. સરકાર પણ આ બાબત પર નજર રાખી રહી છે કે ભાવઘટાડાનો લાભ ગ્રાહકોને ટ્રાન્સફર કરાય છે કે નહીં? આ વિષયમાં સરકાર ઍન્ટિ - પ્રૉફિટિયરિંગ માળખું સક્રિય કરી રહી છે. આની અસર પણ હવે પછી જોવા મળશે. જોકે અત્યારે તો ઊંચા ભાવોની મોંઘવારીની અસરરૂપે રિઝર્વ બૅન્ક રેટ-કટ કરશે એવી શક્યતા ઘટી ગઈ છે છતાં અહીં પણ રેટિંગ અપગ્રેડેશનનું ફૅક્ટર કામ કરશે.

IPO લિસ્ટિંગ પણ નબળાં પડવા લાગ્યાં


જોકે તાજેતરના કેટલાક કિસ્સામાં IPO માર્કેટમાં પણ ઢીલો ટ્રેન્ડ શરૂ થયો હોવાનું જોવા મળ્યું હતું. છેલ્લા અમુક ઇશ્યુને નબળો અથવા ધારણા કરતાં ઘણો ઓછો પ્રતિભાવ મળતાં આવું વલણ બજારમાં જણાયું હતું. ઇન્શ્યૉરન્સ કંપનીઓ પણ ઢીલી સાબિત થઈ અને એમના સહિત અમુક કંપનીઓના નબળા લિસ્ટિંગ પણ મંદ પડી રહેલા સેન્ટિમેન્ટની સાક્ષી પૂરવા લાગ્યા હતા. જોકે HDFC સ્ટાન્ડર્ડ લાઇફે પ્રીમિયમ લિસ્ટિંગ સાથે નવી આશા ઊભી કરી છે, જ્યારે હવે રેટિંગની પૉઝિટિïવ અસર આ માર્કેટ પર પણ જોવા મળશે.

બજારને ક્રૂડની મોંઘવારી નડી


બજારને વર્તમાન સમયમાં ક્રૂડ ઑઇલના ઊંચા ભાવનું પરિબળ પણ નડી રહ્યું હતું, જ્યારે ઇન્ફ્લેશનનો દર સાત મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો એ પણ ચિંતાનો વિષય ગણાય. આ ફુગાવા ઉર્ફે મોંઘવારીનું કારણ GST વધુ મનાય છે. મોંઘવારીની વૃદ્ધિને લીધે હવે રિઝર્વ બૅન્ક વ્યાજદરમાં કાપ મૂકે એવી શક્યતા પણ દૂર ચાલી ગઈ છે. આમ એકંદરે માર્કેટનું સેન્ટિમેન્ટ પણ નબળું પડ્યું હતું. કૉર્પોરેટ પરિણામ ક્યાંક ઠીક, ક્યાંક સારાં યા બૂરાં આવી રહ્યાં છે. વધુમાં ટ્રેડ ડેફિસિટ (વેપારખાધ) પણ વધી છે. GSTમાં સુધારા કરાઈ રહ્યા છે એ સાચી વાત, પરંતુ હજી સમસ્યા ઊભી હોવાથી આ મામલો પણ અધ્ધર છે. ઇન શૉર્ટ, ફન્ડામેન્ટલ્સ નબળાં પડતાં હોવાને પરિણામે સેન્ટિમેન્ટ પણ નબળું પડી રહ્યું હતું. વધુમાં આ વર્ષે અને ૨૦૧૮માં ક્રૂડની ડિમાન્ડ વધવાની શક્યતા હજી પણ કંઈક અંશે ચિતાનું કારણ ગણાય.

નબળાં પરિબળો પર પાણી ફરી ગયું

જોકે ઉપરના તમામ નેગેટિવ સમાચાર પર ઠંડું પાણી રેડી દે એવી ઘટના ગુરુવારે મોડી રાતે અને શુક્રવારે સવારે બહાર આવી જેમાં આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર્સ  સર્વિસિસે ભારતનું સૉવરિન રેટિંગ BAA૩ પરથી સુધારી BAA૨ કર્યું હતું. આ સાથે રેટિંગ એજન્સીએ ભારતનું આઉટલુક પણ પૉઝિટિવ પરથી સુધારી સ્ટૅબલ કર્યું છે. આ માટેનાં કારણો છે ભારત આર્થિક સુધારા કરવામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશના  મજબૂત વિકાસની ઊંચી સંભાવના અને ગ્લોબલ હરીફાઈ સામેની સજ્જતા અને ક્ષમતા પણ કારણ છે જે માર્કેટને વેગ-આવેગ અને ઉત્સાહ આપવામાં નિમિત્ત બને એ સહજ છે.  આને કારણે સેન્ટિમેન્ટમાં તરત જ પરિવર્તન આવી ગયું હતું. આ બાબત ઇકૉનૉમી પ્રત્યેનો વિશ્વાસ વધારનારી છે. આનાથી ભારતમાં ગ્લોબલ રોકાણપ્રવાહ વધવાની આશા પણ રાખી શકાય. સ્થાનિક ફન્ડ પ્રવાહ પણ વધે એ સહજ છે.

બિગેસ્ટ બુલિશ ટ્રેન્ડની આ તો શરૂઆત

ભારતના રેટિંગ અપગ્રેડેશન વિશે જાણીતા બિગબુલ ઇન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાએ કરેલા નિવેદનની નોંધ રોકાણકારોએ ખાસ લેવા જેવી છે. તેમણે કહ્યું છે કે રેટિંગના સુધારાએ સરકારના આર્થિક સુધારાને સમર્થન આપ્યું છે. જેનો સતત વિરોધ કરાઈ રહ્યો છે એ સુધારાને મૂડીઝના રેટિંગમાં આવકારવામાં આવ્યા છે. રાકેશ ઝુનઝુનવાલાના મતે  ભારતીય માર્કેટની અત્યાર સુધીની સૌથી મોટી તેજીની હજી તો શરૂઆત થઈ છે. આ રેટિંગ અપગ્રેડેશનનો લાભ ખાનગી તેમ જ જાહેર ક્ષેત્રની બૅન્કો-ફાઇનૅન્શિયલ સેક્ટરને પણ ભરપૂર મળશે. અત્યારે જેકોઈ તકલીફો આર્થિક સુધારાનાં પગલાંને કારણે થઈ રહી છે એ ટૂંકા ગાળાની છે, બાકી અર્થતંત્રનો વિકાસ અને માર્કેટ બન્ને દોડશે.   

ઇન્વેસ્ટરો, સમઝો તો ઇશારા કાફી...

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK