રોકડામાં થતો નવો ગભરાટ, માર્કેટ-બ્રેડ્થમાં વધતો બગાડ

બૉરોસિલ ગ્લાસમાં ૩૬ વર્ષે બોનસ આવ્યું, શૅર ઊછળ્યો : ICICI બૅન્કમાં ચંદા કોચર આઉટ, બક્ષી ઇન : બ્રોકર્સ બુલિશ : PSU બૅન્ક ઇન્ડેક્સના બારેબાર શૅરમાં નરમાઈ

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ટ્રેડ-વૉરનો ટ્રમ્પે આરંભ કર્યા પછી હવે ચાઇના પણ આકરાં પાણીએ થવા લાગ્યું છે. ૨૦૦ અબજ ડૉલર જેટલી અમેરિકન ચીન-વસ્તુઓની આ વાત મોંઘી બનાવવા સાબદું બન્યું છે. ટ્રેડ-વૉર માત્ર અમેરિકા-ચાઇના પૂરતું સીમિત રહેવાનું નથી. મને કમને અન્ય દેશોને પણ પોતપોતાની રીતે એમાં સહભાગી બનવાની ફરજ પડવાની છે. ક્રૂડ અને કૉમોડિટીઝના વિશ્વ ભાવો વત્તે-ઓછે અંશે ઢીલા પડવા માડ્યા છે. જોકે બુલિયન, ખાસ કરીને ગોલ્ડમાં હલાની અસ્થિરતાની જરાય અસર જોવાતી નથી એ થોડીક નવાઈની વાત કહી શકાય. મોટે ભાગે તો અશાંતિ અને અસ્થિરતાના અણસાર માત્રથી સોનું ચમકવા માંડે છે. ટ્રેડ-વૉરની તાણમાં નર્વસ બનેલાં વિશ્વબજારોના તાલમાં ઘરઆંગણે શૅરબજાર ગઈ કાલે નીચામાં ૩૫,૨૪૯ થઈ છેલ્લે ૨૬૧ પૉઇન્ટની નરમાઈમાં ૩૫,૨૮૭ની અંદર તો નિફ્ટી ૧૦,૭૦૧ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ ૮૯ પૉઇન્ટ ઘટીને ૧૦,૭૧૦ બંધ રહ્યા છે. આરંભથી અંત સુધી બહુધા માઇનસ ઝોનમાં રહેલા બજારના તમામ ઇન્ડાઇસિસ રેડ ઝોનમાં હતા. સેન્સેક્સના ૩૧માંથી ૨૭ તથા નિફ્ટીના ૫૦માંથી ૪૨ શૅર ઘટ્યા છે. વેદાન્ત વર્ષની નવી નીચી સપાટી બનાવતાં સાડાત્રણ ટકાની ખરાબીમાં બન્ને મેઇન બેન્ચમાર્ક ખાતે ટૉપ લૂઝર બન્યો હતો. સેન્સેક્સમાં ITC પોણો ટકો તો નિફ્ટીમાં બજાજ ફાઇનૅન્સ ૧.૨ ટકાના સુધારામાં બેસ્ટ ગેઇનર્સ હતા. માર્કેટ-બ્રેડ્થ વધુ બગડી છે. ગઈ કાલે ગ્લ્ચ્ ખાતે ‘એ’ તથા ‘બી’ ગ્રુપના લગભગ ૧૪૫૦ શૅરમાંથી ૮૦ ટકા કાઉન્ટર ડાઉન હતાં. NSEમાં ૪૪૬ શૅર વધ્યા હતા, સામે ૧૨૮૦ કાઉન્ટર નરમ હતાં. ડૉલર સામે રૂપિયો ઘટીને ૬૮.૩૦ થવા છતાં IT ઇન્ડેક્સ ૫૯માંથી ૪૭ શૅરની પીછેહઠમાં સવા ટકો કટ થયો છે. ઇન્ફોસિસ પોણાબે ટકા, ટેક મહિન્દ્રા બે ટકા, HCL ટેક્નૉલૉજીઝ સવા ટકો, વિપ્રો સવા ટકો અને TCS નહીંવત નરમ હતા, પરંતુ નેજેસિસ નીટ, સાસ્કેન, ઇન્ટલેક્ટ ડિઝાઇન, માસ્ટેક, રામકો સિસ્ટમ્સ, સુબેક્સ, ડેટામેટિક્સ સહિતની ૨૦ નાની IT જાતો અઢીથી સવાસાત ટકા તૂટી હતી.

બૉરોસિલમાં ઉદાર બોનસથી ઉછાળો

ખેરુકા ગ્રુપની બૉરોસિલ ગ્લાસ વર્ક્સ દ્વારા એક શૅરદીઠ ત્રણનું ઉદાર બોનસ જાહેર થતાં ભાવ ગઈ કાલે ૧૬ ગણા કામકાજમાં ૧૦૫૮ રૂપિયા વટાવી અંતે ૧૪.૬ ટકા કે ૧૨૯ રૂપિયાની તેજીમાં ૧૦૧૧ રૂપિયા બંધ હતો. શૅરની ફેસવૅલ્યુ એક રૂપિયાની છે. કંપનીનું આ બીજી વખતનું બોનસ છે. છેલ્લે સપ્ટેમ્બર ૧૯૮૨માં બે શૅરદીઠ એક બોનસ આપ્યું હતું ત્યારે ફેસવૅલ્યુ ૧૦ રૂપિયા હતી. મે ૨૦૧૭માં ૧૦ રૂપિયાના શૅરનું એક રૂપિયામાં વિભાજન કરાયું હતું. જાન્યુઆરી ૨૦૧૮માં શૅર ૧૧૨૫ રૂપિયાના બેસ્ટ લેવલે ગયો હતો. ત્યાંથી ઘટતો રહી તાજેતરમાં ૬ જૂને ૭૬૧ રૂપિયાના વર્ષના તળિયે જોવાયો હતો. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૭૨.૯ ટકાનું છે.

ગ્રુપ કંપની ગુજરાત બૉરોસિલનો શૅર ગઈ કાલે સાડાપાંચ ગણા કામકાજમાં ૧૩૩ રૂપિયા નજીક જઈ અંતે ૭.૩ ટકા ઘટી ૧૦૯ રૂપિયા બંધ હતો. આ શૅરની ફેલવૅલ્યુ પાંચ રૂપિયા છે. બૉરોસિલ ગ્લાસ અહીં પ્રમોટર્સના ભાગ તરીકે ૨૫ ટકા જેવું હોલ્ડિંગ ધરાવે છે. કુલ પ્રમોટર્સ હોલ્ડિંગ ૭૪.૯૫ ટકા છે. અહીં મેઇડન બોનસની રાહ જોવાય છે, પણ બુકવૅલ્યુ માત્ર દસ રૂપિયા હોવાથી નજીકના ભવિષ્યમાં કોઈ ચાન્સ દેખાતો નથી. ઑગસ્ટ ૨૦૧૭માં ભાવ ૭૭ રૂપિયાના વર્ષના તળિયેથી વધી ઑક્ટોબર ૨૦૧૭માં ૧૭૫ રૂપિયા નજીકના વર્ષના તળિયે આ કંપનીમાં જોવાયો હતો.

ICICI બૅન્કમાં બ્રોકરેજ હાઉસનો બુલિશ વ્યુ

શિખા શર્મા અને ચંદા કોચરના કેરીઅરની શરૂઆત ICICIથી થઈ હતી. ચંદા કોચર ICICI બૅન્કના અને શિખા શર્મા ઍક્સિસ બૅન્કના વડા બન્યાં. શિખા શર્માએ ઍક્સિસ બૅન્કમાંથી માનભેર નિવૃત્તિ લીધી અને ચંદા કોચરને ફરજિયાત નિવૃત્ત થવાની નૌબત આવી. નસીબ અપના-અપના જેવું છે. વિડિયોકૉન લોન-કાંડમાં આખરે ચંદા કોચર વધેરાઈ ગયાં છે. તેમના સ્થાને ICICI પ્રૂના વડા સંદીપ બક્ષી આવી ગયા છે. શૅર ગઈ કાલે લગભગ સવાયા કામકાજમાં ઉપરમાં ૨૯૭ નજીક અને નીચામાં ૨૮૮ બતાવી અંતે સહેજ ઘટીને ૨૯૨ રૂપિયા બંધ હતો. નફામાં ઘટાડો તથા NPAના ઊંચા બોજ સાથે લોન-કાંડના વિવાદમાં સપડાયેલી ICICI બૅન્કને બક્ષી કેવી રીતે બેઠી કરે છે એ જોવું રહ્યું. જોકે બ્રોકરેજ હાઉસિસ તરફથી બુલિશ વ્યુ જારી થવા માંડ્યા છે. કોટક ઇન્સ્ટટ્યુશનલ તરફથી આ શૅરમાં ૪૦૦ રૂપિયા, જેફરીજ દ્વારા ૩૮૦ રૂપિયા, IDFC સિક્યૉરિટીઝે ૩૭૦ રૂપિયાના ટાર્ગેટ સાથે બાયની ભલામણ કરી છે. નોમુરાએ પણ બાયનું રેટિંગ આપ્યુ છે, જ્યારે મેકવાયર ૪૧૬ રૂપિયાના ટાર્ગેટ સાથે સૌથી વધુ બુલિશ આ શૅરમાં જણાય છે આઈ-એક નહીંવત, ICICI લોમ્બાર્ડ અડધા ટકાની આસપાસ તો ICICI  પ્રૂ ગઈ કાલે પોણાબે ટકા નરમ હતો.

ચાઇનીઝ બજારમાં બે વર્ષની બૉટમ


ટ્રેડ-વૉરના નવા રાઉન્ડ સાથે વૈશ્વિક શૅરબજારોનું માનસ ખરડાવા લાગ્યુ છે. ગઈ કાલે તમામ અગ્રણી એશિયન શૅર બજાર અડધા ટકાથી લઈને ચાર ટકા જેવા તૂટ્યા હતા. ચાઇનીઝ માર્કેટ ૨૮૭૧ની બે વર્ષની બૉટમ બનાવી અંતે ચાર ટકાના કડાકામાં ૨૯૦૬ બંધ હતું. ડૉલર  સામે યુઆન ગગડીને પાંચ મહિનાના તળિયે ગયો હતો. લગભગ ૧૦૦૦ શૅર ૧૦ ટકાની નીચલી સર્કિટમાં આવી ગયા હતા. આ સાથે ચાઇનીઝ શૅરબજારનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ એની જાન્યુઆરીની ટૉપથી હવે ૧૮ ટકા નીચે આવી ગયો છે. ૨૦ ટકાનો ઘટાડો થાય તો ચાઇના બેર માર્કેટમાં પ્રવેશશે. ગઈ કાલે ચૅપનીઝ નિક્કી ૪૦૨ પૉઇન્ટ કે પોણાબે ટકાથી વધુ, સિંગાપોર અડધો ટકો, થાઇલૅન્ડ પોણાત્રણ ટકા, વિયેતનામ અઢી ટકા અને મૉર્ગન સ્ટેનલી કમ્પોઝિટ ઇન્ડેક્સની રીતે એશિયન માર્કેટ બે ટકાથી વધુ માઇનસમાં બંધ આવ્યું છે. યુરોપ રનિંગ ક્વોટમાં નરમ ઓપનિંગ બાદ અડધા ટકાથી લઈને પોણાબે ટકા નીચે દેખાતું હતું. રશિયન માર્કેટ સવા ટકો ડાઉન હતું. ઘરઆંગણે ડૉલર સામે રૂપિયો ૬૮.૩૦ થઈ ગયો છે. જુલાઈના અંત સુધીમાં જાણકારો ડૉલરમાં ૬૯ રૂપિયાનો ભાવ ભાખે છે.

રિલાયન્સ ફરીથી ત્રણ આંકડે

શુક્રવારે ૧૦૨૩ની ઑલટાઇમ હાઈ બાદ શરૂ થયેલી પ્રત્યાઘાતી ઘટાડાની ચાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગઈ કાલે ૯૯૩ થઈ અંતે બે ટકા નજીકના ઘટાડે ૯૯૬ રૂપિયાની અંદર બંધ રહેતાં બજારને સર્વાધિક ૬૩ પૉઇન્ટની હાનિ થઈ હતી. નાણાપ્રધાન જેટલી માંદગીના બિછાને છે. તેમના ખાતાનો હવાલો કામચલાઉ ધોરણે પીયૂષ ગોયલને આપી દેવાયો છે, પરંતુ નાણાપ્રધાન તરીકે હજી પોતે સક્રિય છે એવી છાપ પાડવા અરુણ જેટલીએ પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ઘટાડવાનો સ્પક્ટ ઇનકાર કરી દીધો છે. એનો મતલબ એ થયો કે ક્રૂડના ભાવ મક્કમ થાય કે વધે એવા સંજોગોમાં ચૂંટણીના વર્ષે લોકોને રાહત આપવાની રાજકીય જરૂરિયાત પૂરી કરવા સરકારી તેલ કંપનીઓનો ભોગ લેવાશે. ગઈ કાલે આ ગણતરીમાં PSU રિફાઇનરી કંપનીઓના શૅર પ્રેશરમાં આવ્યા હતા. વેદાન્તના બિઝનેસની વાટ લાગી રહી છે. શૅરમાં માનસ મંદીનું છે. ટ્રેડ-વૉરે મેટલ શૅરની મજા બગાડી છે. ગઈ કાલે નાલ્કો એક ટકાથી વધુ સુધર્યો હતો. બાકીના નવ શૅરના ઘટાડે મેટલ ઇન્ડેક્સ ૧.૭ ટકા ડાઉન હતો. સેઇલ સર્વાધિક સવાચાર ટકા કમજોર હતો. બૅન્કિંગના ૪૧માંથી ૧૦ શૅર વધ્યા હતા. યુકો બૅન્ક સાડાસાત ટકા અને દેના બૅન્ક સાડાત્રણ ટકાની તેજીમાં મોખરે હતા. બૅન્કેક્સ તેમ જ બૅન્ક નિફ્ટીમાં અડધા ટકાની નબળાઈ હતી, પણ PSU બૅન્ક નિફ્ટી બારેબાર શેરના ઘટાડે દોઢ ટકાથી વધુ ખરડાયો હતો. રિયલ્ટી ઇન્ડેક્સ પણ બે ટકાની આસપાસ તરડાયો છે. લિબર્ટી શૂઝ રોજના સરેરાશ ૧૫,૦૦૦ શૅર સામે ગઈ કાલે સાત લાખથી વધુ શૅરના કામકાજમાં નવેક ટકા ઊછળી ૨૧૭ રૂપિયા, રિલેક્સો ફુટવેર ૧૨૨૭ શૅર સામે ૯૨,૦૦૦ શૅરના વૉલ્યુમમાં ૮૧૨ની વિક્રમી સપાટી બનાવી બે ટકા વધીને ૭૨૬ રૂપિયા તથા બાટા ઇન્ડિયા ૮૩૩ના બેસ્ટ લેવલ બાદ એક ટકો વધી ૮૨૪ રૂપિયા બંધ હતો. મહિન્દ્ર લાઇફ સ્પેસ રિયલ્ટી ક્ષેત્રે સામા પ્રવાહે સવાબાર ટકાના ઉછાળે ૬૪૨ રૂપિયા બંધ હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK