એક દિવસના વિરામ બાદ બજાર ફરીથી સુધારાના માર્ગે

વર્ષમાં ૩૮ ટકા વધેલો TCS હવે આટલો નહીં વધે : લાલચોળ તેજીમાં મેટલ ઇન્ડેક્સ ૬૩૨ પૉઇન્ટ અપ : ભાવની ઓપન ઑફર આવતાં મર્ક ૨૮૧ વધીને ૧૭૯૧ રૂપિયા બંધ

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

સળંગ ૯ દિવસની આગેકૂચ બાદ બુધવારે નજીવા ઘટાડા સાથે અલ્પ વિરામ લઈ શૅરબજાર ફરીથી પૉઝિટિવ ઝોનમાં આવી ગયું છે. ગઈ કાલે આરંભથી અંત સુધી પ્લસમાં રહી સેન્સેક્સ ૯૬ પૉઇન્ટ વધીને ૩૪,૪૨૭ બંધ રહ્યો છે. બજારમાં વધ-ઘટની રેન્જ માત્ર ૧૨૦ પૉઇન્ટની હતી. નિફ્ટી દિવસ દરમ્યાન ૨૬ પૉઇન્ટની રેન્જમાં અથડાતો રહી અંતે ૩૯ પૉઇન્ટ વધીને ૧૦,૫૬૫ જોવાયો છે. સેન્સેક્સના ૨૧માંથી ૧૬ તો નિફ્ટીના ૫૦માંથી ૩૦ શૅર વધ્યા હતા. માર્કેટ-બ્રેડ્થ નહીંવત પૉઝિટિવ હતી. નિફ્ટી ખાતે વધેલા શૅરમાં હિન્દાલ્કો, વેદાન્ત અને તાતા સ્ટીલ મોખરે હતા, જ્યારે ભારત પેટ્રો, હિન્દ પેટ્રો અને ઇન્ડિયન ઑઇલ ટૉપ લુઝર બન્યા હતા. ગુડ મૉન્સૂનના વરતારા પાછળ શરાબ શૅરોમાં વત્તા-ઓછા અંશે મસ્તી હજી ચાલુ છે. ફિલિપ્સ કાર્બનમાં ૧૦ રૂપિયાના શૅરના બે રૂપિયામાં વિભાજન માટેની રેકૉર્ડ-ડેટ ૨૦ એપ્રિલ હોવાથી શૅર ગઈ કાલે એક્સ-સ્પલીટ થતાં ભાવ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૨૩૬ રૂપિયા બંધ હતો. ગ્રેફાઇટ ઇન્ડિયા ૬૯૬ રૂપિયાના આગલા બંધ સામે ૬૯૨ રૂપિયા ખૂલી જોતજોતામાં નીચામાં ૬૧૬ રૂપિયાની અંદર ચાલી ગયો હતો અને ત્વરિત બાઉન્સબૅકમાં ૬૯૧ રૂપિયા બતાવી છેલ્લે સાડાચાર ટકા ગગડી ૬૬૫ રૂપિયા નજીક બંધ આવ્યો છે.

મર્કના ભાવમાં તેજી

પ્રૉક્ટર ઍન્ડ ગૅમ્બલ દ્વારા જર્મન ફાર્મા જાયન્ટ મર્કનો કન્ઝ્યુમર હેલ્થકૅર બિઝનેસ ૩૪૦ કરોડ યુરો કે ૪૨૦ કરોડ ડૉલરમાં ખરીદી લેવાની જાહેરાત થઈ છે. એના સંદર્ભમાં ઘરઆંગણે પણ પ્રૉક્ટર ઍન્ડ ગૅમ્બલ તરફથી મર્કમાં ૫૧.૮ ટકા હિસ્સો ૧૨૯૦ કરોડ રૂપિયામાં ખરીદવાનું નક્કી થયું છે. એના પગલે ટેકઓવર કોડના નિયમ મુજબ શૅરદીઠ ૧૫૦૦ રૂપિયાના ભાવે ૨૬ ટકા જેટલો હિસ્સો લેવાની ઓપન ઑફર આવશે. આ અહેવાલ પાછળ મર્કનો શૅર ગઈ કાલે ૧૮૧૨ રૂપિયાનું બેસ્ટ લેવલ હાંસલ કરી ૧૮.૭ ટકા કે ૨૮૧ રૂપિયાના ઉછાળામાં ૧૭૯૧ રૂપિયા બંધ રહ્યો છે. BSE ખાતે રોજના સરેરાશ ૧૦૧૭ શૅર સામે ગઈ કાલે એક લાખ શૅરનું કામકાજ થયું હતું. મર્કના ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૪૪૬ રૂપિયા છે. પ્રૉક્ટર ઍન્ડ ગૅમ્બલ હાઇજીનનો ભાવ સાધારણ ઘટી ૯૭૫૮ રૂપિયા આસપાસ બંધ હતો. ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૧૬૨ રૂપિયા છે. હાલમાં એ ઇન્ડસ્ટ્રીના ૬૬ના P/E સામે લગભગ ૭૫ના P/E ઉપર ચાલે છે. મર્કનો શૅર બુધવારે ૧૫૧૦ રૂપિયા બંધ હતો. આ સંદર્ભમાં ૧૫૦૦ રૂપિયાની ઓપન ઑફર કસ વગરની કહી શકાય.

ઑઇલ રિફાઇનરી શૅર લપસ્યા

વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડ બૅરલદીઠ ૭૫ ડૉલરની નજીક નવી મલ્ટિયર ટોચે પહોંચી ગયું છે. ભાવ હવે તો વર્ષાન્ત કરતાં ઘણો વહેલો ૮૦ ડૉલર થશે એમ લાગે છે. આજથી દસેક મહિના પૂર્વે ક્રૂડ ૪૫ ડૉલરની અંદર ચાલતું હતું. ક્રૂડ મોંઘું થતાં પેટ્રોલ-ડીઝલમાં ફ્રી-પ્રાઇસિંગ પૉલિસી પર મોટો સવાલ ખડો થયો છે. સરકાર નવા ભાવવધારાનો બોજ ગ્રાહકો પાસેથી વસૂલ કરવાના બદલે તેલ કંપનીઓ પર નાખશે એ વાત નક્કી છે. ગઈ કાલે ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ સવા ટકા ડાઉન થયો છે. ઇન્ડિયન ઑઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમના ભાવ ચારથી સાતેક ટકા જેવા તૂટીને વર્ષના તળિયે જોવાયા છે. MRPL બે ટકા અને ચેન્નઈ પેટ્રો દોઢેક ટકા નરમ હતા. ઑઇલ ઇન્ડિયા બમણા કામકાજમાં સાડાત્રણ ટકા વધ્યો છે. ૪થી ૫ ટકાના ભાવવધારાની અસરમાં ગુજરાત ગૅસ ૮૫૨ રૂપિયાની ઇન્ટ્રા-ડે બૉટમથી ઉપરમાં ૮૬૪ થઈ છેલ્લે સહેજ ઘટી ૮૫૭ રૂપિયા હતો. તો અદાણી ગૅસ તરફથી CNG-PNGના ભાવ ૫થી ૭ ટકા વધારાયાના અહેવાલમાં અદાણી એન્ટરપ્રાઇઝિસ વધીને ૧૪૧ રૂપિયા બંધ રહ્યો હતો.

મેટલ શૅરમાં સાડાચાર ટકાની તેજી

વિશ્વબજારમાં ઍલ્યુમિનિયમ, નિકલ, કૉપર સહિતની બેઝ મેટલના ભાવ મલ્ટિયર ટૉપમાં થઈ રહ્યા છે એની અસરમાં ઘરઆંગણે મેટલ શૅર વધ-ઘટે નવાં શિખર બનાવી રહ્યાં છે. ગઈ કાલે મેટલ ઇન્ડેક્સ ૧૦માંથી ૯ શૅરની આગેકૂચમાં ઉપરમાં ૧૪,૯૨૭ વટાવી છેલ્લે ૪.૫ ટકા કે ૬૩૨ પૉઇન્ટના જમ્પમાં ૧૪,૮૨૮ બંધ આવ્યો છે. હિન્દાલ્કો પોણાબે ગણા કામકાજમાં નવ ટકાની તેજીમાં ૨૬૫ રૂપિયા, નાલ્કો પોણાત્રણ ગણા કામકાજમાં ઉપરમાં ૯૦ રૂપિયા વટાવી છેલ્લે નવ ટકાના ઉછાળામાં ૮૭ રૂપિયા, વેદાન્ત બમણા વૉલ્યુમમાં ૬.૪ ટકાની મજબૂતીમાં ૩૧૦ રૂપિયા, હિન્દુસ્તાન કૉપર સાત ગણા વૉલ્યુમમાં ઉપરમાં ૮૨ રૂપિયા થઈ અંતે ૧૧.૫ ટકાની તેજીમાં ૮૦ રૂપિયા નજીક બંધ હતા. હિન્દુસ્તાન ઝિન્ક બે ટકા તથા ટીન પ્લેટ ૨.૭ ટકા અપ હતા. જિન્દાલ સ્ટીલ, સેઇલ, JSW સ્ટીલ, તાતા સ્ટીલ સવાત્રણથી સવાચાર ટકા ઊંચકાયા હતા. હિન્દ ઍલ્યુમિનિયમ ૧૩ ટકા વધ્યો હતો. માઇનિંગ સેક્ટરમાં મૉઇલ, NMDC, સાંડૂર મૅન્ગેનિઝ, ઓરિસ્સા મિનરલ્સ બેથી ત્રણ ટકા તો GMDC સવાછ ટકા વધીને બંધ રહ્યા છે.

TCS એકાદ ટકાના સુધારામાં

IT જાયન્ટ TCSનાં પરિણામ બજાર બંધ થયા પછી આવવાનાં હતાં. શૅર ગઈ કાલે નીચામાં ૩૧૬૬ રૂપિયા અને ઉપરમાં ૩૨૧૫ રૂપિયા થઈ છેલ્લે એકાદ ટકા જેવા સુધારામાં ૩૧૮૭ રૂપિયા બંધ રહ્યો છે. F&O સેગમેન્ટમાં જૂન વલણમાં ભાવ ૭૦ રૂપિયા જેવો નીચો હોવાથી કંપની તગડું ડિવિડન્ડ જાહેર કરશે એવી ગણતરી મુકાતી હતી. એક વર્ષમાં સેન્સેક્સ ૧૬ ટકા વધ્યો છે એની સામે આ શૅર ૩૮ ટકા ઊંચકાયો છે. હવે પછીના સમયમાં વાર્ષિક ધોરણે આટલું રિટર્ન મળવાનું નથી. દરમ્યાન ગઈ કાલે IT ઇન્ડેક્સ ૫૯માંથી ૪૫ શૅરના સુધારામાં ૦.૯ ટકા વધ્યો છે. ટ્રાઇજેન સવાઆઠ ટકા, ટેક સૉલ્યુશન્સ સાત ટકા, ઝેન્ટાક ક્વીક હીલ, તાતા ઍલેક્સી સવાચારથી સાડાચાર ટકા અપ હતા. ઇન્ફોસિસ પોણો ટકો વધીને ૧૧૩૩ રૂપિયા તો વિપ્રો પરચૂરણ ઘટાડામાં ૨૯૨ રૂપિયા બંધ હતા. જસ્ટ ડાયલ, ભારતી ઇન્ફ્રાટેલ, ભારતી ઍરટેલ, સન ટીવી જેવા શૅર પણ IT સાથે વધતાં ટેક્નૉલૉજી ઇન્ડેક્સ ૦.૯ ટકા વધ્યો હતો. ૧૭માંથી ૧૪ ઘટવા છતાં ભારતી ઍરટેલના જોરમાં ટેલિકૉમ ઇન્ડેકસ પોણો ટકો વધ્યો છે.

શિપિંગ કૉપોર્રેશનમાં મોટો ઉછાળો


શિપિંગ કૉર્પોરેશન ગઈ કાલે નવ ગણા વૉલ્યુમ સાથે પોણાબાર ટકાની તેજીમાં ૭૭ રૂપિયા નજીક બંધ આવ્યો છે. જેના મર્જરની ચર્ચા ચાલે છે એ સરકારી કંપની STC તથા MMTC પણ ચાર-ચાર ગણા કામકાજમાં સવાપાંચ ટકા વધ્યા હતા. ખાતર શૅરમાં ચંબલ ફર્ટિલાઇઝર તથા GNFC સારા કામકાજ વચ્ચે સાડાછ ટકાથી વધુ ઊંચકાયા હતા. અરવિંદ બમણા વૉલ્યુમમાં પોણાત્રણ ટકાની આગેકૂચમાં ૪૩૦ રૂપિયા બંધ હતો. તાતા સ્ટીલનો પાર્ટલી પેઇડઅપ શૅર સાડાત્રણ ગણા કામકાજમાં ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૭૬ રૂપિયા પ્લસની વિક્રમી સપાટીએ બંધ રહ્યો છે. ૨૩ માર્ચે મહિના પૂર્વે ભાવ ૧૨૧ રૂપિયાના તળિયે હતો. હોટેલ સેક્ટરમાં બે દિવસની ગરમી ગઈ કાલે ઠંડી પડવા લાગી હતી. ઉદ્યોગના ૩૬માંથી ૩૨ શૅર પ્લસ હતા. હોટેલ લીલા, વિક્ટરી હોટેલ, EIS, બ્લુકોસ્ટ, અડવાણી હોટેલ, જિન્દલ હોટેલ ઇત્યાદિ સહિત ૧૭ શૅર અઢીથી છ ટકા સુધી માઇનસમાં હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK