પ્રારંભિક સુધારા બાદ શૅરબજાર ફસડાઈને ૩૩,૦૦૦ની નીચે ગયું

તમામ બેન્ચમાર્ક ડાઉન, માર્કેટ-બ્રેડ્થમાં મોટી ખુવારી : શુગર શૅરમાં વધતી કડવાશ, ખાદ્ય તેલ શૅરમાં મંદીનો માહોલ : આયર્નઓરના ભાવઘટાડામાં મેટલ શૅરમાં ઑલરાઉન્ડ ખરાબી : સિમેન્ટ શૅરમાં વધી રહેલી તિરાડ, ટૂ-વ્હીલર્સ ઉદ્યોગના તમામ શૅર નરમ

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

આગલા બંધની તુલનાએ ૯૦ પૉઇન્ટ પ્લસમાં ખૂલીને ૩૩૨૭૬ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ સોમવારે શૅરબજાર ક્રમશ: ઘસાતું ગયું જેમાં ૩૨૮૫૬ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ સેન્સેક્સ છેવટે ૨૫૩ પૉઇન્ટ ફસડાઈને ૩૨૯૨૩ બંધ આવ્યો છે. નિફ્ટી ઉપરમાં ૧૦૨૨૫ નજીક અને નીચામાં ૧૦૦૭૫ થઈ અંતે ૧૦૧ પૉઇન્ટની ખરાબીમાં ૧૦૦૯૪ રહ્યો છે. બન્ને બજાર ખાતેના તમામ સેક્ટોરલ બેન્ચમાર્ક ગઈ કાલે સારા એવા ડૂલ થયા છે. રિયલ્ટી, ટેક્નૉલૉજીઝ, મેટલ, ઑઇલ-ગૅસ, ટેલિકૉમ, એનર્જી, PSU, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇત્યાદિ જેવા ઇન્ડાઇસિસ દોઢથી સાડાત્રણ ટકાની રેન્જમાં ખરડાયા હતા. ઈવન અત્યાર સુધી બજારને સારી હૂંફ આપતો અને સામા પ્રવાહે આગળ વધતો IT ઇન્ડેક્સ પણ ગઈ કાલે ૫૮માંથી ૫૪ શૅરની પીછેહઠમાં બે ટકા લૉગાઉટ થયો છે જેનાં પરિણામ ૧૩ એપ્રિલે આવવાનાં છે એ ઇન્ફોસિસ બે ટકા ગગડીને ૧૧૪૯ બંધ રહ્યો છે. TCS નજીવો વધી ૨૮૨૬ રૂપિયા હતો. વિપ્રોમાં ત્રણ ટકાની નબળાઈ હતી. ટેક મહિન્દ્ર પ્રૉફિટ બુકિંગમાં ચાર ટકા ખરડાયો છે.

સેન્સેક્સ ખાતે ૩૧માંથી ૨૫ તો નિફ્ટીના ૫૦માંથી ૪૧ શૅર માઇનસમાં હતા. તાતા સ્ટીલ ૪.૪ ટકા તૂટીને નિફ્ટી ખાતે સેકન્ડ વસ્ર્ટ લૂઝર બન્યો છે. ઑટો ઇન્ડેક્સ ૧૪માંથી ૧૩ શૅરની નરમાઈમાં પોણો ટકા ડાઉન હતો. મારુતિ સુઝુકીનો પોણો ટકાનો સુધારો એળે ગયો હતો. ટૂ-થ્રી વ્હીલર્સ ઉદ્યોગના તમામ ૧૧ શૅર કમજોર હતા. સિમેન્ટ ઉદ્યોગમાં એક શૅર વધ્યો તો સામે પાંચ જાતો તરડાઈ હતી. મિડકૅપ, સ્મૉલકૅપ તેમ જ બ્રૉડર માર્કેટ ખાતે સવા ટકાથી લઈને બે ટકા જેવી ખરાબી રહેતાં માર્કેટ-બ્રેડ્થમાં મોટી ખુવારી નોંધાઈ છે. NSE ખાતે તો ૧૭૮ શૅરમાં સુધારા સામે ૧૨૭૭ જાતો માઇનસમાં બંધ આવી છે.

PSU ઇન્ડેક્સ વર્ષના તળિયે ગયો


PSU બૅન્કોની સાથે અન્ય સેગમેન્ટની ખરાબી ભળતાં PSU ઇન્ડેક્સ ગઈ કાલે ૭૮૨૦ની વર્ષની બૉટમ બતાવી છેલ્લે પોણાબે ટકા ઘટીને ૭૮૪૪ બંધ રહ્યો છે. પાંચેક મહિના પૂર્વે ૨૬ ઑક્ટોબરે આ બેન્ચમાર્ક ૯૬૫૭ના વર્ષના શિખરે હતો. મતલબ કે આ ઇન્ડેક્સ હાલમાં એની તાજેતરની પીકથી ૧૯ ટકા ધોવાઈ ચૂક્યો છે. ધોવાણ જો ૨૦ ટકાથી વધે તો PSU ઇન્ડેક્સ બેરમાર્કેટનો કેસ બનશે. ગઈ કાલે આ ઇન્ડેક્સના ૫૩ શૅરમાંથી ૭ જાતો પ્લસ હતી. NLC ઇન્ડિયા ચાર ગણા કામકાજમાં ઉપરમાં ૯૬ થઈ અંતે પોણાત્રણ ટકાની મજબૂતીમાં ૯૪ રૂપિયા હતો. પાવર ગ્રિડ અને NTPC અનુક્રમે એક ટકો તથા પોણો ટકો વધ્યા હતા. PSU બૅન્ક ઇન્ડેક્સ તમામ ૧૨ શૅરના ઘટાડે અઢી ટકાથી વધુ કટ થયો હતો જેમાં બૅન્ક ઑફ બરોડા નીચામાં ૧૩૦ થઈ છેલ્લે સવાસાત ટકાના કડાકામાં ૧૩૩ રૂપિયા બંધ આપીને મોખરે હતો. વૉલ્યુમ લગભગ ત્રણેક ગણા હતા. બૅન્કેક્સ અને બૅન્ક નિફ્ટીમાં એક ટકાની નબળાઈ હતી. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગના ૪૦માંથી ૩૬ શૅર ગઈ કાલે ગગડ્યા છે. યુનાઇટેડ બૅન્ક સામા પ્રવાહે સાડાસાત ટકાના ઉછાળે ૧૪ રૂપિયા બંધ હતો. લગભગ બાવીસ બૅન્ક શૅર બે ટકાથી લઈને સાડાસાત ટકા સુધી ગઈ કાલે ડૂલ્યા હતા. IDBI બૅન્ક છેલ્લી ગણતરીની મિનિટોની વેચવાલીમાં સાડાસાત ટકા લથડ્યો હતો.

મેટલ શૅરમાં વ્યાપક નબળાઈ જોવા મળી

વિશ્વબજારમાં આયર્નઓરના ભાવમાં નબળાઈ પાછળ ઘરઆંગણે મેટલ શૅર સળંગ પાંચમા દિવસે પીગળ્યા છે. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ૧૫માંથી ૧૪ શૅરની નબળાઈમાં ૨.૭ ટકા તો ગ્લ્ચ્નો મેટલ ઇન્ડેક્સ ૧૦માંથી ૯ શૅરના ઘટાડે ૩૬૮ પૉઇન્ટ કે ૨.૭ ટકા ડૂલ થયો છે. સેઇલ ૫.૫ ટકા, NMDC ૬.૫ ટકા, તાતા સ્ટીલ સવાચાર ટકા, હિન્દાલ્કો સવાત્રણ ટકા, જિન્દલ સ્ટીલ ૨.૪ ટકા, JSW સ્ટીલ બે ટકા, હિન્દુસ્તાન ઝિન્ક અઢી ટકા, વેદાન્તા પોણો ટકો, વેલસ્પન કૉર્પ બે ટકા, હિન્દુસ્તાન કૉપર પોણાછ ટકા તૂટ્યા હતા. માઇનિંગ સેગમેન્ટના ૯ શૅરમાંથી એક પણ વધી શક્યો નહોતો. આશાપુરા માઇનકેમ ૪.૨ ટકા, સાંડૂર મૅન્ગેનીઝ ૫.૬ ટકા, ઓડિશા મિનરલ્સ પોણાબે ટકા ડૂલ થયા હતા. કોલ ઇન્ડિયા સળંગ બીજા દિવસની નરમાઈમાં પ્રમાણમાં પાંખા કામકાજ વચ્ચે ૨૬૯ રૂપિયાની ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી છેલ્લે પોણાત્રણ ટકાના ઘટાડે ૨૭૧ રૂપિયા રહ્યો છે. એકમાત્ર નૅશનલ ઍલ્યુમિનિયમ સામા પ્રવાહ જેવા તાલમાં પોણાબે ટકા વધીને ૬૭ રૂપિયા બંધ જોવા મળ્યો છે.

શુગર શૅરમાં આગળ વધતી વેચવાલી

મોટા ઉત્પાદન અને માલભરાવાના પગલે દેશ-વિદેશમાં ખાંડના ભાવ પર ભીંસ વધી રહી છે. એની સીધી અસરમાં શુગર શૅરમાં રોજેરોજ કડવાશ વધવા માંડી છે. ગઈ કાલે ખાંડ ઉદ્યોગની ૩૪ જાતોમાંથી માત્ર પાંચ પ્લસ હતી. ઉત્તમ શુગર સાત ટકાના સુધારામાં એમાં મોખરે હતો. ગાયત્રી શુગર ચાર ટકા વધ્યો હતો. સામે પક્ષે પીકાડેલી શુગર, મગધ શુગર, કેસર એન્ટરપ્રાઇઝિસ, દ્વારકેશ શુગર, બલરામપુર ચીની, મવાણા શુગર, રાવલગાંવ, અવધ શુગર, રીગા શુગર, ત્રિવેણી શુગર, થિરુઅરુણન શુગર, ઉગર શુગર, રાણા શુગર, દાલમિયા શુગર, DCM ઇન્ડસ્ટ્રીઝ જેવી જાતો પોણાત્રણ ટકાથી લઈને ૯ ટકાની નજીક તૂટી હતી. શુગર ઉદ્યોગ જેવી જ હાલત ખાદ્ય તેલ ઇન્ડસ્ટ્રીઝમાં છે. ઉદ્યોગના ૨૧ શૅરમાંથી ૧૬ શૅર ડાઉન હતા. એમાંથી ૧૩ કાઉન્ટર્સ ત્રણ ટકાથી લઈને પોણાછ ટકા સુધી તૂટી હતી. વેન્ગાર્ડ ગ્રુપ દ્વારા ગ્રેફાઇટ ઇન્ડિયામાં શૅરદીઠ ૭૭૬ રૂપિયાના ભાવે ૧૩.૬ લાખ શૅર તથા HEGમાં શૅરદીઠ ૩૧૫૨ રૂપિયાના ભાવે ૪.૭૩ લાખ શૅર લેવાયાના અહેવાલે ગ્રેફાઇટ ઇન્ડિયા ઉપરમાં ૮૨૦ થઈ છેલ્લે દોઢ ટકો વધી ૭૯૩ રૂપિયા તથા HEG ૩૫૧૪ રૂપિયાના બેસ્ટ લેવલ બાદ સાડાછ ટકાની તેજીમાં ૩૩૫૦ રૂપિયા બંધ હતા.

GSPLનું તગડા વૉલ્યુમ સાથે ડાઉન

ગુજરાત સરકારની ૩૭.૭ ટકા માલિકીની ગુજરાત સ્ટ્રેટ પેટ્રોનેટ લિમિટેડ (GSPLનું) રોજના સરેરાશ ૪૧૦૦૦ શૅર સામે ગઈ કાલે BSE ખાતે ૧૫.૨૩ લાખ શૅરના જંગી કામકાજમાં ૧૯૩ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૧૮૪ થઈ છેલ્લે બે ટકાના ઘટાડે ૧૮૮ રૂપિયા બંધ રહ્યો છે. ઑઇલ-ગૅસ સેગમેન્ટમાં ગઈ કાલે એકંદર વલણ ઢીલું હતું. ભારત પેટ્રોલિયમ ચાર ટકા, IOC પોણાચાર ટકા, હિન્દુસ્તાન પેટ્રો સાડાત્રણ ટકા, કૅસ્ટ્રોલ ઇન્ડિયા પોણાબે ટકા, ઇન્દ્રસ્થ ગૅસ દોઢ ટકા સહિત બેન્ચમાર્કના ૧૦માંથી ૯ શૅર નરમ બંધ રહેતાં ઇન્ડેક્સ પોણાબે ટકા ડાઉન હતો. હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નીચામાં ૮૯૨ થઈ છેલ્લે અડધો ટકો ઘટીને ૮૯૫ રૂપિયા હતો. IOC સળંગ ચોથા દિવસે નીચામાં ૧૭૬ રૂપિયા દેખાયો છે. મહાનગર ગૅસ ત્રણ ટકાની નબળાઈમાં ૯૮૦ રૂપિયા હતો. ગેઇલ સાધારણ સુધર્યો હતો. ગેઇલમાં કેન્દ્ર સરકારનું હોલ્ડિંગ ૫૪ ટકા જેવું છે. IOC તેમ જ ભારત પેટ્રોલિયમ બન્ને મળીને સમાન ભાગીદારીમાં કુલ ૫૨ ટકા હિસ્સો આશરે ૪૦,૦૦૦ કરોડ રૂપિયામાં હસ્તગત કરવા ત્તૈયાર હોવાના અહેવાલ પાછળ આ બન્ને કંપનીઓના શૅરમાં માનસ નબળું બન્યું છે. ગેઇલમાં હાલમાં બ્ફ્ઞ્ઘ્ ૪.૯ ટકા હોલ્ડિંગ ધરાવે છે. હિન્દુસ્તાન પેટ્રોને હસ્તગત કરવા ભંડોળ ઊભું કરવા એ આ હિસ્સો વેચવા માગે છે. IOC હાલમાં ગેઇલમાં ૨.૪ ટકા હિસ્સો ધરાવે છે.

શિલ્પા મેડીના પ્લાન્ટને અમેરિકન FDAની મંજૂરી

શિલ્પા મેડિકેરના તેલંગણ પ્લાન્ટને અમેરિકન FDA તરફથી પૉઝિટિવ એસ્ટૅબ્લિશમેન્ટ રિપોર્ટ જારી થયાના અહેવાલ પાછળ રોજના સરેરાશ માંડ ૭૦૦૦ શૅર સામે ગઈ કાલે ૯૭,૦૦૦ શૅરના કામકાજમાં ભાવ ઉપરમાં ૫૧૫ નજીક જઈ છેલ્લે સાડાસાત ટકાના ઉછાળે ૪૮૯ રૂપિયા બંધ આવ્યો છે. દસેક દિવસ પૂર્વે આઠ માર્ચે આ કાઉન્ટર ૪૦૧ના રૂપિયા વર્ષના તળિયે ગયું હતુ. એક રૂપિયાની ફેસવૅલ્યુ સામે ૧૧૨ રૂપિયાની બુકવૅલ્યુ ધરાવતો આ શૅર ઇન્ડસ્ટ્રીના ૨૮.૬ની સામે હાલ ૩૪.૫ના P/E પર મળે છે. કંપનીએ એકમાત્ર બોનસ મે ૨૦૧૩માં બે શૅરદીઠ એકના પ્રમાણમાં આપ્યું હતું. દરમ્યાન હેલ્થકૅર ઇન્ડેક્સ સોમવારે ૬૮માંથી ૫૬ શૅરની નરમાઈમાં એકાદ ટકો બીમાર હતો. FDC પાંચ ટકા, ઇપ્કાલૅબ દોઢ ટકો, જ્યુબિલન્ટ લાઇફ સાયન્સ ૬ ટકા, પેનેસિયા બાયોટેક પોણાછ ટકા, નેક્ટરલાઇફ સવાચાર ટકા, લિંકન ફાર્મા ૪.૭ ટકા, કૅપ્લિન પૉઇન્ટ ચાર ટકા, ઑપ્ટો સર્કિટ પાંચ ટકા ડાઉન હતા. સનફાર્મા, ડૉ. રેડ્ડીઝ લૅબ, બાયોકૉન, નાટકો ફાર્મા, કૅડિલા હેલ્થકૅર, ટૉરન્ટ ફાર્મા જેવી ફ્રન્ટલાઇન જાતો પણ એકથી ત્રણ ટકા નરમ હતી. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ ૧૦માંથી ૮ શૅરની પીછેહઠમાં અડધો ટકો વધ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK