સેન્સેક્સમાં ૧૭, નિફ્ટીમાં ૧૮ ટકાના વળતર સાથે સંવત ૨૦૭૩ની વિદાય

ઍક્સિસ બૅન્કના ધબડકામાં બૅન્કિંગ શૅરમાં માનસ વધુ ખરડાયું : રિલાયન્સની તેજીની હૂંફમાં સેન્સેક્સ ઇન્ટ્રા-ડે બૉટમથી ૨૦૮ પૉઇન્ટ ઉપર ગયો : ટેલિકૉમ શૅરોમાં ત્રણ દિવસનો તેજીનો ઊભરો શમ્યો : બજાર આજે સાંજે સાડાછથી સાડાસાત મુરતના સોદા માટે ચાલુ રહેશે


શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

વિક્રમ સંવત ૨૦૭૩ના કામકાજનો અંતિમ દિવસ શૅરબજાર માટે નહીંવત ઘટાડાનો નીવડ્યો છે. સેન્સેક્સ ૨૫ પૉઇન્ટ ઘટીને ૩૨,૫૮૪ તો નિફ્ટી ૨૩ પૉઇન્ટના ઘટાડે ૧૦,૨૧૧ બંધ રહ્યા છે. ટકાવારીની રીતે સેન્સેક્સ કરતાં નિફ્ટીનો ઘટાડો ત્રણ ગણો હતો એ સૂચક કહી શકાય. આ સાથે વિક્રમ સંવત ૨૦૭૩ સેન્સેક્સમાં ૧૭ ટકા અને નિફ્ટીમાં ૧૮ ટકાનું રિટર્ન આપીને વિદાય થયું છે. આજે સાંજે સાડાછથી સાડાસાત દરમ્યાન મુરતના સોદાથી માર્કેટ માટે સંવત ૨૦૭૪ શરૂ થશે. બજાર આગલા બંધથી ગૅપમાં નીચે ખૂલી ૩૨,૪૬૩ની નીચે ગયું હતું. પ્રથમ સત્ર નબળાઈનું હતું, પણ બીજું સેશન પ્રત્યાઘાતી સુધારાનું હતું જેમાં શૅર આંક ઉપરમાં ૩૨,૬૭૦ને વટાવી ગયો હતો. બજારની આ ચાલ બહુધા રિલાયન્સને આભારી છે. આ કાઉન્ટર તેજીમાં ન હોત તો સેન્સેક્સ કમસે કમ ૧૬૦ પૉઇન્ટ ઘટીને બંધ આવ્યો હોત. સેન્સેક્સ ખાતે ગઈ કાલે ૩૧માંથી ૧૨ તો નિફ્ટીના ૫૦માંથી ૧૪ શૅર પ્લસ હતા. ટેલિકૉમ ઇન્ડેક્સમાં નોંધપાત્ર ઉછાળાની હૅટ-ટ્રિક બાદ ગઈ કાલે ૧.૯ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જોકે તાતા ટેલિમાં ઉપલી સર્કિટનો શિરસ્તો જારી છે. ઍક્સિસ બૅન્કનો ધબડકો બજારને ૮૭ પૉઇન્ટ અને ICICI બૅન્કની ખરાબીમાં ૭૩ પૉઇન્ટ નડ્યા હતા.

અમેરિકન ડાઉ ૨૩,૦૦૦ દેખાયો

ઇન્ડિયા અને અમેરિકાની નામ-રાશિ એક જ છે. યોગાનુયોગ બન્ને દેશોનાં શૅરબજાર તેજીના તાલમાં નવા ઊંચા શિખર સર કરવા માંડ્યાં છે. અમેરિકન શૅરબજારનો ડાઉ ઇન્ડેક્સ મંગળવારની રાત્રે ઇન્ટ્રા-ડેમાં ૨૩,૦૦૨ની વિક્રમી સપાટી બતાવી છેલ્લે ૪૦ પૉઇન્ટની આગેકૂચમાં ૨૨,૯૯૭ બંધ રહ્યો છે. બીજી ઑગસ્ટે ડાઉમાં પ્રથમ વાર ૨૨,૦૦૦નું લેવલ જોવા મળ્યું હતું. બીજા હજાર પૉઇન્ટની સફર એણે ૭૬ દિવસમાં પૂરી કરી છે. આ સાથે ચાલુ કૅલેન્ડર વર્ષમાં અમેરિકન શૅરબજાર ૧૬.૪ ટકા અને વાર્ષિક ધોરણે ૨૯.૮ ટકા ઊંચકાયું છે. ગઈ કાલે ઇલેક્ટ્રૉનિક ટ્રેડિંગમાં રનિંગ ક્વોટમાં ડાઉ ફ્યુચર્સ ૨૩,૦૧૭ ચાલતો હતો. ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારથી લઈ અત્યાર સુધીના ૧૧ મહિનામાં ડાઉએ ૧૯,૦૦૦થી લઈ ૨૩,૦૦૦ થતાં ૧૦૦૦-૧૦૦૦ પૉઇન્ટના પાંચ માઇલસ્ટોન હાંસલ કર્યા છે. દરમ્યાન ગઈ કાલે જૅપનીઝ શૅરબજારનો નિક્કી ઇન્ડેક્સ ૨૧,૪૦૨ની નવી મલ્ટિયર ટૉપ બનાવી નહીંવત સુધારામાં ૨૧,૩૬૩ બંધ રહ્યો છે. જૅપનીઝ માર્કેટ વર્ષમાં ૨૮.૧ ટકા અને ૨૦૧૭માં ૧૧.૮ ટકા વધ્યું છે.

ઍક્સિસ બૅન્કમાં સાડાનવ ટકાનો કડાકો

ઍક્સિસ બૅન્ક દ્વારા સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નેટ પ્રૉફિટ ૩૮ ટકા વધીને ૪૩૨ કરોડ રૂપિયા દર્શાવાયો છે. જોકે જૂન ક્વૉર્ટરમાં ચોખ્ખો નફો ૧૩૦૫ કરોડ રૂપિયા હતો. ઍસેટ્સ ક્વૉલિટી કથળી છે. બૅડ લોન તથા પ્રોવિઝનિંગમાં નોંધપાત્ર વધારો થયો છે. એના પગલે શૅર ગઈ કાલે દસેક ગણા વૉલ્યુમમાં ૪૬૧ રૂપિયાનું ૯ મહિનાનું બૉટમ બતાવી છેલ્લે ૯.૫ ટકાના કડાકામાં ૪૬૪ રૂપિયા બંધ રહ્યો છે. ઍક્સિસ બૅન્કની પાછળ સમગ્ર બૅન્કિંગ સેક્ટરમાં માનસ બગડ્યું હતું. બૅન્કેક્સ નીચામાં ૨૭,૧૩૭ થઈ છેલ્લે ૪૯૫ પૉઇન્ટ કે ૧.૮ ટકા લથળી ૨૭,૧૮૨ હતો. બૅન્ક નિફ્ટી ૩૩૨ પૉઇન્ટ કે ૧.૪ ટકા ડાઉન હતો. PSU બૅન્ક નિફ્ટી તો બારેબાર શૅરની ખરાબીમાં અઢી ટકા ખરડાયો હતો. ICICI બૅન્ક ૩.૭ ટકા, સ્ટેટ બૅન્ક અઢી ટકા, યસ બૅન્ક અઢી ટકા અને બૅન્ક ઑફ બરોડા ૧.૭ ટકા ઢીલા હતા. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગના ૪૦માંથી ૧૦ શૅર પ્લસ હતા. લક્ષ્મી વિલાસ બૅન્ક, કોટક મહિન્દ્ર બૅન્ક, કર્ણાટક બૅન્ક, HDFC બૅન્ક એકથી બે ટકા નજીક અપ હતા. દેના બૅન્ક ૫.૮ ટકા ડૂલ્યો હતો.

રિલાયન્સ ફરીથી ઑલટાઇમ

હેવીવેઇટ અને માર્કેટ-લીડર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગઈ કાલે બમણાથી વધુના વૉલ્યુમમાં ૯૧૭ રૂપિયાની નવી વિક્રમી સપાટી હાંસલ કરી છેલ્લે ૪.૫ ટકાના જમ્પમાં ૯૧૪ રૂપિયા બંધ રહેતાં સેન્સેક્સને ૧૩૭ પૉઇન્ટનો લાભ થયો હતો. આ સાથે કંપનીનું માર્કેટ કૅપ ૫.૯૫ લાખ કરોડ રૂપિયાના નવા શિખરે પહોંચી ગયું છે. મુકેશ અંબાણી ગ્રુપની અન્ય કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ઉપરમાં ૫૪૧ રૂપિયા થઈ છેલ્લે બે ટકા વધીને ૫૨૨ રૂપિયા બંધ હતો. ટીવી-૧૮ બ્રૉડકાસ્ટ અને નેટવર્ક-૧૮ સાધારણ નરમ હતા. લઘુ બંધુ અનિલ અંબાણી ગ્રુપના શૅર મિશ્ર વલણમાં હતા. રિલાયન્સ હોમ સળંગ બીજા દિવસની આગેકૂચમાં બમણા કામકાજમાં ૯૨ રૂપિયા વટાવી અંતે સાડાચાર ટકાના ઉછાળે ૮૮ રૂપિયા પ્લસ બંધ હતો. રિલાયન્સ પાવર પોણાબે ટકા અને આરકૉમ, રિલાયન્સ કૅપિટલ તથા રિલાયન્સ નેવલ સાધારણ નરમ હતા. રિલાયન્સ ઇન્ફ્રા નહીંવત સુધર્યો હતો.

JBF અને ન્યુક્લિયસ ઊછળ્યા

JBF ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નાણાભીડ હળવી કરવા પ્રમોટર્સ દ્વારા વ્યૂહાત્મક સ્ટેક સેલની યોજના હાથ ધરાઈ હોવાની જાહેરાત આવતાં ભાવ બારગણા કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટ મારી છેલ્લે ૧૮.૮ ટકા ઊછળી ૨૩૫ રૂપિયા નજીક બંધ રહ્યો છે. બાવીસ જૂને ભાવ ૩૨૬ રૂપિયાના શિખરે હતો જે નેગેટિવ સમાચારની અસરમાં ગગડી ૧૦ ઑગસ્ટે ૧૩૬ રૂપિયા થઈ ગયો હતો. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૪૩.૨ ટકા છે જેમાંથી ૮૩ ટકા માલ ગીરવી પડ્યો છે.

ન્યુક્લિયસ સૉફ્ટવેર તરફથી જૂન ક્વૉર્ટરના મુકાબલે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૩૬ ટકાના વધારામાં ૧૫૬૬ લાખ રૂપિયા નેટ પ્રૉફિટ દર્શાવાતાં ભાવ ૩૫ ગણા કામકાજમાં ૨૦ ટકાની સર્કિટમાં ૩૯૨ રૂપિયા નજીક નવી ટોચે જઈ અંતે ૧૪ ટકાના જમ્પમાં ૩૭૩ રૂપિયા બંધ હતો. વર્ષ પૂર્વે ભાવ ૧૮૦ રૂપિયા આસપાસ હતો. સરકારી કંપની MOIL નવ ગણા વૉલ્યુમમાં સવાબાર ટકાની તેજીમાં ૨૩૧ રૂપિયા, ઇન્દ્રપ્રસ્થ ગૅસ ૧૫૮૨ રૂપિયાની ઑલટાઇમ હાઈ બનાવી પાંચ ટકાની મજબૂતીમાં ૧૫૭૩ રૂપિયા તથા GMDC છ ગણા કામકાજમાં ૧૬૧ રૂપિયાની વર્ષની ટૉપ બનાવી સવાછ ટકા વધી ૧૫૬ રૂપિયા બંધ હતા.

માસ ફાઇનૅન્સનું તગડું લિસ્ટિંગ

શૅરદીઠ ૪૫૯ રૂપિયાની ઇશ્યુ-પ્રાઇસવાળા માસ ફાઇનૅન્શિયલ સર્વિસિસનું લિસ્ટિંગ ધારણા મુજબ જોરદાર રહ્યું છે. ભાવ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ ખાતે ૬૬૦ ખૂલી ઉપરમાં ૬૮૧ નજીક જઈ નીચામાં ૬૨૫ બતાવી છેલ્લે ૨૮.૫૧ લાખ શૅરના કામકાજમાં ૬૫૫ રૂપિયા આસપાસ બંધ આવ્યો છે. નૅશનલ સ્ટૉક એક્સચેન્જ ખાતે ૧૭૯ લાખ શૅરના વૉલ્યુમમાં ભાવ ઉપરમાં ૬૮૧ વટાવી અંતે ૬૫૪ પ્લસ રૂપિયા બંધ હતો. ૪૬૦ કરોડ રૂપિયાનો આ IPO ૧૨૮ ગણો ભરાયો હતો. રીટેલ પોર્શનમાં ૧૬ ગણો તો હાઈ નેટવર્થમાં ૩૭૮ ગણો રિસ્પૉન્સ મળ્યો હતો. તાજેતરમાં લિસ્ટેડ થયેલા અન્ય IPOની વાત કરીએ તો ગોદરેજ ઍગ્રોવેટ ગઈ કાલે દોઢેક ટકો વધીને ૫૯૭ રૂપિયા, પ્રતાપ સ્નૅક્સ એક ટકો ઘટીને ૧૧૮૩ રૂપિયા, SBI લાઇફ ૬૬૪ રૂપિયાની નવી બૉટમ બતાવી પોણો ટકો ઘટીને ૬૬૬ રૂપિયા, ICICI લોમ્બાર્ડ સવા ટકાની નરમાઈમાં ૭૦૯ રૂપિયા બંધ હતા. 

વિદેશી હસ્તીઓ IFSC એક્સચેન્જિસમાં ટ્રેડિંગ-મેમ્બર્સ તરીકે કામ કરી શકશે

બજારનિયામક સેબીએ મંગળવારે જાહેર કર્યું હતું કે સ્ટૉક એક્સચેન્જિસના ટ્રેડિંગ-મેમ્બર્સ તરીકે કામ કરવા માટે ભારતીય અને વિદેશી હસ્તીઓ ઇન્ટરનૅશનલ ફાઇનૅન્શિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)માં કંપની સ્થાપી શકે છે. આ જ નિયમ IFSCમાં ક્લિયરિંગ કૉર્પોરેશનના મેમ્બર તરીકે કામ કરવા ઇચ્છતી હસ્તીઓને પણ લાગુ પડશે એમ સેબીએ એક સર્ક્યુલરમાં જણાવ્યું હતું.

આ નિર્ણય હિતધારકો સાથેની આંતરિક ચર્ચા અને સલાહ આધારિત છે જેનો હેતુ IFSCની કામગીરીને સુચારુ બનાવવાનો છે. ગુજરાતની ગિફ્ટ સિટીને દેશના પ્રથમ IFSC તરીકે વિકસાવાઈ રહ્યું છે જેથી ભારતીય હસ્તીઓ વિદેશસ્થિત ફાઇનૅન્શિયલ સેન્ટર્સ સાથે સ્પર્ધા કરી શકે.

ઇન્ફોસિસ ૨૪ ઑક્ટોબરે ટ્રેડિંગના કલાકો પછી પરિણામ જાહેર કરશે

દેશની બીજા ક્રમાંકની સૉફ્ટવેર સર્વિસિસ કંપની ઇન્ફોસિસે જણાવ્યા મુજબ વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વૉર્ટરનાં પરિણામ ૨૪ ઑક્ટોબરે જાહેર કરશે. આ વખતે પરિણામ બે દિવસ મોડું જાહેર કરવાનો અસાધારણ નિર્ણય લેવાયાની જાહેરાત કંપનીએ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જમાં નોંધાવેલા ફાઇલિંગમાં કરી છે એટલું જ નહીં, એ ટ્રેડિંગના કલાકો પૂરા થયા પછી બપોરે ૩.૪૫ વાગ્યે પરિણામ જાહેર કરશે. અત્યાર સુધી એણે ટ્રેડિંગના કલાકો દરમ્યાન પરિણામની જાહેરાત કરવાનું ચલણ રાખ્યું છે.

ઇન્ફોસિસની હરીફ તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ ગયા સપ્તાહે પરિણામ જાહેર કરી ચૂકી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK