નિફ્ટી સર્વોચ્ચ સપાટીએ બંધ, સેન્સેક્સ નવા શિખર ભણી

ડિક્સનનું ૧૧ર૭ રૂપિયાના તગડા પ્રીમિયમે લિસ્ટિંગ, ભારત રોડ ડિસ્કાઉન્ટમાં જઈને છેલ્લે જૈસે થે : ટાઇડ વૉટર ઑઇલમાં ચાર આંકડાની તેજી, ઍન્ડ્ર-યુલેને પણ ૧૦ ટકાની હૂંફ મળી : પ્રાઇવેટ બૅન્કોના સહારે બૅન્ક નિફ્ટી રપ,૦૦૦ ઉપર બંધ

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ડેલોઇટના અહેવાલ મુજબ ચાઇના તેમ જ એશિયન ટાઇગર્સ ખાતેની વસ્તીમાં વૃદ્ધોનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે અને સામે પક્ષે ભારતમાં યુવાધનમાં વૃદ્ધિ થઈ રહી છે એ જોતાં ઇન્ડિયા ર૦૩૦ સુધીમાં સુપરપાવર ચાઇનાને હડસેલી ત્રીજા ક્રમની વૈશ્વિક આર્થિક મહાસત્તા બની ગયું હશે. આ સારા સમાચારને વધામણાં આપવાનો મૂડમાં હોય એમ શૅરબજાર ગઈ કાલે આરંભથી અંત સુધી સારુંએવું પૉઝિટિવ ઝોનમાં રહીને ઉપરમાં ૩ર,પ૦૮ વટાવી છેલ્લે ૧પ૧ પૉઇન્ટ વધી ૩ર,૪ર૪ નજીક બંધ આવ્યું છે. નિફ્ટી ૧૦,૧૭ર નજીક નવી ઑલટાઇમ હાઈ બનાવી ૬૮ પૉઇન્ટ ઊંચકાઈને ૧૦,૧પ૩ની વિક્રમી સપાટીએ બંધ આવ્યો છે. સેન્સેક્સ ખાતે ૩૧માંથી ર૪ તો નિફ્ટીના પ૧માંથી ૩૯ કાઉન્ટર પ્લસ હતાં. સેન્સેક્સના મુકાબલે મિડ કૅપ, સ્મૉલ કૅપ તેમ જ બ્રૉડર માર્કેટ અર્થાત બીએસઈ-પ૦૦ આઉટ પર્ફોર્મર બન્યા હોવાથી માર્કેટ-બ્રેડ્થ સારીએવી હકારાત્મક હતી. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સના નહીંવત ઘટાડાને બાદ કરતાં ગઈ કાલે બજારના બાકીના તમામ ઇન્ડાઇસિસ પ્લસમાં હતા. એનએસઈ ખાતે નિફ્ટી ઉપરાંત નિફ્ટી-પ૦૦, નિફ્ટી-ર૦૦, નિફ્ટી-૧૦૦, મિડ કૅપ, ફાઇનૅન્શિયલ સર્વિસિસ, પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી, કન્ઝમ્પ્શન, એમએનસી ઇત્યાદિ જેવા નવ તો બીએસઈ ખાતે લગભગ અડધો ડઝન બેન્ચમાર્ક નવા ઊંચા શિખરે ગયા હતા. યુએસ ડાઉ આંતરે દિવસે નવાં સર્વોચ્ચ શિખર બનાવી રહ્યો છે. ગઈ કાલે હૉન્ગકૉન્ગ, સાઉથ કોરિયા, સિંગાપોર, થાઇલૅન્ડના એકથી દોઢેક ટકાના સુધારા સામે સમગ્ર એશિયન બજારો પૉઝિટિવ ઝોનમાં હતાં. મૉર્ગન સ્ટેનલી કમ્પોઝિટ ઇન્ડેક્સની રીતે એશિયન માર્કેટનો આંક ૧ર૭૮ની નવી ટોચે પહોંચ્યો છે. યુરોપ પણ રનિંગ ક્વોટમાં નહીંવત્થી સાધારણ પ્લસમાં જણાતું હતું. બીએસઈનું માર્કેટકૅપ ગઈ કાલે ૧૩૬.૭૬ લાખ કરોડ રૂપિયાની વિક્રમી સપાટીએ પહોંચ્યું છે. એનએસઈ ખાતે ગઈ કાલે ૧૭૮૧ શૅરમાં ટ્રેડિંગ થયુ હતું, જેમાંથી ૬૪૪ જાતો જ માઇનસ હતી.

ડિક્સનનું દમદાર, ભારતનું ફિક્કું લિસ્ટિંગ

શૅરદીઠ ૧૭૬૬ રૂપિયાની ઇશ્યુ-પ્રાઇસ સાથે મૂડીબજારમાં આવેલી ડિક્સન ટેક્નૉલૉજીઝનું લિસ્ટિંગ ધમાકેદાર રહ્યું છે. બીએસઈ ખાતે ભાવ ર૭રપ રૂપિયા ખૂલી ઉપરમાં ૩૦ર૦ રૂપિયા વટાવી અંતે ર૮૯૩ રૂપિયા બંધ આવ્યો છે જે ઇશ્યુ-પ્રાઇસના મુકાબલે ૧૧ર૭ રૂપિયા કે ૬૩.૮ ટકાનો ઉછાળો બતાવે છે. એનએસઈ ખાતે ભાવ ઉપરમાં ૩૦ર૪ રૂપિયા થયા બાદ અંતે ર૮૯૧ રૂપિયા બંધ રહ્યો છે. બન્ને બજાર ખાતે કુલ મળીને આશરે ૬૮ લાખ શૅરનું વૉલ્યુમ નોંધાયું હતું. મોટા ઘરના ખેલાડીનું છોરું છે. લિસ્ટિંગ તો જોરદાર થશે એ ગ્રે-માર્કેટના પ્રીમિયમ પરથી ક્યારનું નક્કી થઈ ગયું હતું. સવાલ એ છે કે આ લેવલ કેટલું ટકે છે? બીજી તરફ બીઓટી રોડ બિઝનેસમાં પ્રવૃત્ત ભારત રોડ નેટવર્ક્સનો આઇપીઓ શૅરદીઠ ર૦પ રૂપિયાના ભાવે આવ્યો હતો. એનું લિસ્ટિંગ ફિક્કું રહ્યું છે. ભાવ ર૦પ રૂપિયા નજીક ખૂલી તરત ડિસ્કાઉન્ટમાં સરી પડતાં ૧૯૭ રૂપિયાની અંદરની બૉટમ બની હતી. ત્યાંથી ઉપરમાં ર૧૮ રૂપિયા બતાવી છેલ્લે ર૦૮ રૂપિયા બંધ રહ્યો છે. બન્ને બજાર ખાતે કુલ મળીને લગભગ ૩૪૮ લાખ શૅરનાં કામકાજ હતાં.

બજાજ ઑટો સર્વોચ્ચ સપાટીએ

બજાજ ઑટો તાજેતરની મજબૂતી આગળ ધપાવતાં ગઈ કાલે ત્રણગણા કામકાજમાં ૩૧૪૩ રૂપિયા નજીકની ઑલટાઇમ હાઇ બતાવી અંતે ૩.૬ ટકા કે ૧૦૮ રૂપિયાની તેજીમાં ૩૧૩૦ રૂપિયા બંધ રહ્યો છે. આ સાથે એનું માર્કેટકૅપ વધીને ૯૦, પ૭ર કરોડ રૂપિયા પર પહોંચી જતાં આઇશર મોટર્સથી એ આગળ નીકળી ગઈ છે. આઇશર મોટર્સ ગઈ કાલે ઉપરમાં ૩ર,૭૯૭ રૂપિયા થઈ અંતે ર.૩ ટકા કે ૭૪૯ રૂપિયા વધીને ૩ર,૭૦પ રૂપિયા બંધ હતો. એનું માર્કેટકૅપ ૮૯,૦૩પ કરોડ રૂપિયા રહ્યું છે. ઑટો સેગમેન્ટનાં અન્ય કાઉન્ટર્સમાં મારુતિ સુઝુકી સરેરાશ કરતાં અડધા કામકાજમાં એકાદ ટકો વધી ૮૧૬ર રૂપિયા, તાતા મોટર્સ પોણા ટકાના સુધારામાં ૪૦૪ રૂપિયા, તાતા મોટર્સનો ડીવીઆર દોઢ ટકો વધી ર૩૩ રૂપિયા નજીક, હીરો મોટોકૉર્પ દોઢ ટકાની આગેકૂચમાં ૩૯પ૧ રૂપિયા, અશોક લેલૅન્ડ ૧૧૯ રૂપિયા પ્લસની નવી ઊંચી સપાટી બતાવી દોઢ ટકો ઊંચકાઈને ૧૧૮ રૂપિયા ઉપર બંધ હતાં. ટીવીએસ મોટર્સ ૬૬૬ રૂપિયાની બેસ્ટ સપાટી હાંસલ કરીને સવાબે ટકા જેવા ઉછાળે ૬૬પ રૂપિયા હતો. અતુલ ઑટો ત્રણ ટકા પ્લસમાં પ૦૦ રૂપિયા બંધ આવ્યો છે. સેન્સેક્સના અડધા ટકાના સુધારા સામે ગઈ કાલે ઑટો ઇન્ડેક્સ સવા ટકો વધ્યો હતો. મહિન્દ્ર નહીંવત નરમ હતો. બાકીની ૧૩ જાતો વધીને બંધ રહી હતી.

ટાઇડ વૉટર ઑઇલમાં જમ્પ


ઑઇલ માર્કેટિંગ - ડિસ્ટ્રિબ્યુશન સેગમેન્ટની ટાઇડ વૉટર ઑઇલ રોજના સરેરાશ ૩૦૮ શૅર સામે ગઈ કાલે બીએસઈ ખાતે પ૪,૦૦૦ શૅરના કામકાજમાં પ૬૦૯ રૂપિયાના આગલા બંધ સામે ઉપરમાં ૬૭૩૦ રૂપિયાના નવા ઊંચા શિખરે જઈ છેલ્લે પોણાસત્તર ટકા કે ૯૩૭ રૂપિયાના ઉછાળે ૬પ૪૬ રૂપિયા નજીક બંધ રહ્યો છે. આ કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ પ૬.૬ ટકા છે. એમાં સહ-પ્રમોટર્સની હેસિયતથી સરકારી કંપની ઍન્ડ્ર-યુલે ર૬.ર ટકા હોલ્ડિંગ ધરાવે છે. શૅરની ફેસવૅલ્યુ પાંચ રૂપિયા તથા બુકવૅલ્યુ ૧૮૩પ રૂપિયા છે. ટાઇડ વૉટરની તેજીની હૂંફમાં ઍન્ડ્ર-યુલે પણ ગઈ કાલે દસગણા વૉલ્યુમમાં ૩૪ રૂપિયા નજીકની ઇન્ટ્રા-ડે હાઈ બાદ પોણાદસ ટકાના જમ્પમાં ૩ર.પ૦ રૂપિયા બંધ રહ્યો હતો. શૅરની ફેસવૅલ્યુ બે રૂપિયા તથા બુકવૅલ્યુ પોણાસાત રૂપિયા જેવી છે. ગઈ કાલે ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૧૦માંથી ૭ શેરના સુધારા છતાં દસેક પૉઇન્ટના નજીવા ઘટાડામાં બંધ રહ્યો છે. ઓએનજીસી, હિન્દુસ્તાન પેટ્રો તથા કૅસ્ટ્રોલ પોણાથી એકાદ ટકો ડાઉન હતા. પેટ્રોનેટ એલએનજી સર્વાધિક સવા ટકા જેવા સુધારામાં ર૩૪ રૂપિયા હતો. હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નામકે વાસ્તે બે રૂપિયા વધીને ૮૪પ રૂપિયા બંધ હતો. ભારત પેટ્રો, ગેઇલ અને ઇન્ડિયન ઑઇલ નજીવા સુધારામાં હતા.

બૅન્ક નિફ્ટી રપ,૦૦૦ ઉપર બંધ રહ્યો


ગઈ કાલે બારમાંથી નવ શૅરના સુધારામાં બૅન્ક નિફ્ટી ર૦ર પૉઇન્ટ ઊંચકાઈને રપ,૦૪૭ બંધ આવ્યો છે. ઇન્ડસઇન્ડ બૅન્ક અઢી ટકાની આગેકૂચમાં અત્રે મોખરે હતો. યસ બૅન્ક તથા એચડીએફસી બૅન્કમાં નવી ઑલટાઇમ હાઈ બની હતી. બૅન્ક નિફ્ટીનો સુધારો માત્ર ખાનગી બૅન્ક શૅરોને આભારી છે, કેમ કે ગઈ કાલે પીએસયુ બૅન્ક નિફ્ટી સાતેક પૉઇન્ટ ઘટીને માઇનસ ઝોનમાં હતો, જ્યારે પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી તમામ નવ શૅરના સુધારામાં એક ટકાથી વધુ પ્લસ હતો. ઇન્ટ્રા-ડેમાં એમાં ૧૪,૧૩૩ની વિક્રમી સપાટી પણ બની હતી. બૅન્કેક્સ ૧૦માંથી ૯ શૅરના વધારામાં પોણા ટકાની નજીક કે ૧૯૭ પૉઇન્ટ વધીને ર૮,૧૭પ રહ્યો છે. અત્રે સ્ટેટ બૅન્ક પોણા ટકા જેવા ઘટાડે ર૭૦ રૂપિયા બંધ હતો. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગના ૪૦માંથી રપ શૅર પ્લસ હતા તો ત્રણ જાતો યથાવત હતી. વિજયા બૅન્ક, આઇઓબી, સેન્ટ્રલ બૅન્ક સવાથી પોણાબે ટકા ડાઉન હતા. ધનલક્ષ્મી બૅન્ક, જેકે બૅન્ક, ડીસીબી બૅન્ક, સિટી યુનિયન બૅન્ક, આંધ્ર બૅન્ક, ફેડરલ બૅન્ક દોઢથી ત્રણ ટકા પ્લસમાં બંધ રહ્યા હતા. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૦૧માંથી ૬૮ શૅરના સુધારામાં ૦.૭ ટકા અપ હતો. બીએફ ઇન્વેસ્ટમેન્ટ સવા દસ ટકાની તેજીમાં ર૪૧ રૂપિયાનો બંધ આપતાં પહેલાં ર૬ર રૂપિયાની વિક્રમી સપાટીએ ગયો હતો. દીવાન હાઉસિંગ પણ નવા શિખર સાથે સવાછ ટકા ઊછળી ૬૦૩ રૂપિયા રહ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK