બજાર ઘટવાનાં કારણોની સંખ્યા વધતી જ જાય છે

લાંબા ગાળાનો આશાવાદ સારો હોવા છતાં અત્યારે બજાર ઘટે એવી સંભાવના વધુ છે, હિંમત અને ધીરજ હોય તો શૅર જમા કરવામાં સાર, બાકી વેઇટ ઍન્ડ વૉચ!

BSE

શૅરબજારની સાદીવાત - જયેશ ચિતલિયા

ગયા સોમવારે શૅરબજારમાં ચમત્કાર થયો હતો એમ કહી શકાય. આગલાં સપ્તાહોમાં નેગેટિવ વલણ રાખનાર બજારે સોમવારે જાદુઈ કૂદકો માર્યો હતો, એ પણ સેન્સેક્સે ૬૦૦ પૉઇન્ટનો અને નિફ્ટીએ ૧૯૫ પૉઇન્ટનો. આ એક અણધાર્યો સુખદ આંચકો હતો. રોકાણકારોનો મોટો વર્ગ બજાર ઘટવાની ધારણા સાથે સ્થિર અને સ્થિતપ્રજ્ઞ બની ગયો છે ત્યારે આ એક પ્લેઝન્ટ સરપ્રાઇઝ હતી. અલબત્ત, આ માટેનાં કારણોમાં કેટલાંક પૉઝિટિવ પરિબળો નોંધાયાં હતાં. મોંઘવારીનો આંક નીચો આવવાની ધારણા પણ કામ કરી ગઈ હતી, જે સાંજ સુધીમાં જાહેર થયેલા આંકડામાં સાચી પુરવાર થઈ હતી. ઔદ્યોગિક ઉત્પાદનનો આંક પણ ઊંચો આવ્યો હતો. આમ, આર્થિક નિર્દેશાંક સારા રહ્યા હતા, જેને લીધે હવે પછી રિઝર્વ બૅન્ક ધિરાણ પરના વ્યાજદર ઘટાડે એવી આશા પણ વહેતી થઈ હતી. આ ઉપરાંત ભારતીય ઇકૉનૉમીનું કદ આગામી સાતેક વર્ષમાં જબ્બર વધી જવાના મુકાયેલા અંદાજે પણ ઉત્સાહ વધાર્યો હતો તેમ જ અમેરિકન માર્કેટના પણ સારા સંકેત હતા. એશિયન માર્કેટમાં સુધારાની અહીં સારી અસર થઈ હતી. આમ એક જ દિવસમાં સેન્સેક્સ ૩૪,૦૦૦ની નજીક અને નિફ્ટી ૧૦,૪૦૦ની ઉપર આવી ગયો હતો. જોકે મંગળવારે બજારે પૉઝિટિવ શરૂઆત કરીને સુધારો આગળ વધારવાના સંકેત આપી દીધા હતા, પરંતુ બજાર બંધ થતી વખતે આ સુધારો ધોવાઈને માર્કેટ સાધારણ ૬૦ પૉઇન્ટ જેવું માઇનસ બંધ રહ્યું હતું. આવું જ વલણ બુધવારે પણ રહ્યું, બજાર ઊંચે જઈને પાછું ફરી ગયું. જોકે એનો ઘટાડો સાવ નજીવો રહ્યો. અલબત્ત આમાં એશિયન માર્કેટ અને સ્થાનિકમાં TCSનું કારણ જવાબદાર બન્યું હતું. ગુરુવારે પણ બજાર નરમ ખૂલીને અંતે સેન્સેક્સ ૧૫૦ પૉઇન્ટ અને નિફટી ૫૦ પૉઇન્ટ નીચે ઊતરી ગયા હતા. શુક્રવારે તો હદ થઈ ગઈ હતી, બજારે ૫૦૦ પૉઇન્ટનો કડાકો બોલાવ્યો હતો.

ઇન શૉર્ટ, ગયા સોમવારે જે ૬૦૦ પૉઇન્ટનો ઉછાળો આવ્યો હતો એ બાકીના ચાર દિવસમાં ધોવાઈ ગયો અને ઉપરથી માર્કેટ ૧૨૫ પૉઇન્ટ નીચે ઊતરી ગયું જેમાં આ વખતે રાજકીય કારણ ભળી ગયું હતું. સ્થાનિક સ્તરે રાજકીય ઘટના અને માર્કેટ સ્તરે સેન્ટિમેન્ટની નબળાઈ તેમ જ ગ્લોબલ માર્કેટના વિપરીત મૂડની પણ અસર જોવા મળી હતી. તેલુગુ દેસમ પાર્ટી NDAથી છૂટી પડતાં અને ઉત્તર પ્રદેશમાં પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની પીછેહઠથી વિદેશી રોકાણકારો પણ એને નેગેટિવ પરિબળ માનવા લાગ્યા હતા.

માર્કેટ-ટ્રેન્ડ અને બ્રેડ્થ બન્ને નેગેટિવ


છેલ્લાં અમુક સપ્તાહોના માર્કેટ-ટ્રેન્ડને ધ્યાનમાં લઈએ તેમ જ ગ્લોબલ અને સ્થાનિક સ્તરે ઉદ્ભવેલી ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીએ તો બજાર ઘટવાની શક્યતા વધુ અને વધવાની ઓછી હોવાનો અંદાજ મૂકતા હતા ત્યારે સોમવારે અચાનક આવેલા ૬૦૦ પૉઇન્ટના ઉછાળાએ બજારને વિચારતા કરી દીધા હતા. જોકે બાકીના દિવસોમાં આ ઉછાળાનો આનંદ વીસરાઈ ગયો હતો. અલબત્ત બાકીના દિવસોમાં પહેલા ત્રણ દિવસમાં આવેલો ઘટાડો બહુ મોટો નહોતો, પરંતુ છેલ્લા દિવસે શુક્રવારે ૫૦૦ પૉઇન્ટનો ક્રૅશ ભારે હતો. માર્કેટ ઘટવાનું એક કારણ ૩૧ માર્ચ પહેલાં શૅર વેચી દેવામાં આવે તો લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સ ટાળી શકાતો હોવાથી પણ વેચવાલી આવી હતી. જોકે આ સ્તરે પણ બૉટમ ફિશિંગનો સમય આવ્યો નથી એવું માનવામાં આવે છે, જે બજાર હજી ઘટી શકે એવો નિર્દેશ આપે છે.

વેપારયુદ્ધ ચિંતાનો વિષય


આપણા બજાર પર બૅન્કોની અસર તો હજી ચાલુ છે ત્યાં વળી અમેરિકા તરફથી આયાત પર જકાત વધારીને છેડાયેલું વેપારયુદ્ધ વિશ્વના અનેક દેશોમાં ચિંતાનો વિષય બન્યું છે. આમાં વળી સ્થાનિક સ્તરે પૉલિટિકલ સ્તરે વર્તમાન સરકાર માટે ઊભી થયેલી સમસ્યા પણ નેગેટિવ પરિબળ બનીને સામે આવી છે. અમેરિકાના પગલાની અસર ભારતીય વેપાર-ઉદ્યોગ પર તો થશે, પરંતુ આની સાથે ચીન પર પણ થશે. અલબત્ત, આ અસર ભારત પર ઓછી થશે, પરંતુ ભારત અસરમુક્ત નહીં રહી શકે એ સ્પષ્ટ છે. 

IPOની કતાર


આમ શૅરબજારમાં એકંદરે મંદ માહોલ હોવા છતાં IPOની કતાર ચાલુ રહી છે. એક પછી એક કૅપિટલ ઇશ્યુ-ઑફર આવવાની ચાલુ છે. રોકાણકારોના રૂપિયા એ તરફ ખેંચાઈ રહ્યા છે. સરકારનાં સાહસોની ઑફર પણ આવી રહી છે. પરિણામે પ્રવાહિતા વહેંચાઈ જાય છે. લોકો રૂપિયા ક્યાં રોકવા એની મૂંઝવણમાં છે ત્યારે શૅરબજાર કરતાં IPO અથવા મ્યુચ્યુઅલ ફન્ડ તરફ ધ્યાન વધુ જાય એ સહજ છે. જોકે હવે પછી IPOને  કેવો પ્રતિભાવ મળે છે એ કહેવું કઠિન છે.

મ્યુચ્યુઅલ ફન્ડ્સની ખરીદી સતત ચાલુ


ફેબ્રુઆરી સુધીના મ્યુચ્યુઅલ ફન્ડના જાહેર થયેલા આંકડાએ એ સાબિત કરી આપ્યું હતું કે ઇક્વિટી માર્કેટ ડાઉન હોવા છતાં ઇક્વિટીમાં ફન્ડ્સ તરફથી રોકાણપ્રવાહ સતત આવતો રહ્યો હતો. મ્યુચ્યુઅલ ફન્ડ્સ તો નીચા ભાવે ખરીદી કરતાં જ રહ્યાં છે, પરંતુ આ સાથે રોકાણકારોની પણ ઇક્વિટી સ્કીમ્સમાં ખરીદી ચાલુ રહી હતી, જે તેમનો લાંબા ગાળાનો વિશ્વાસ બતાવતી હતી. બજાર માટે આ બહુ નોંધપાત્ર ટેકો બની રહ્યો હતો. અહીં એ નોંધવું મહત્વનું છે કે નાનાં શહેરોમાંથી મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણનો પ્રવાહ સતત વધી રહ્યો છે જેમાં મોટો હિસ્સો ઇક્વિટી સ્કીમ્સનો છે.

બૅન્ક શૅરો ખરીદવા કે નહીંï?

રોકાણકારો બૅન્ક શૅરોના તૂટેલા ભાવનો લાભ લેવા સજ્જ થઈ રહ્યા છે. ઘણી બૅન્કોના ભાવ નોંધપાત્ર નીચે આવી ગયા છે જેને ધ્યાનમાં રાખીને ચોક્કસ ખરીદી શરૂ થઈ હોવાનું જાણવા મળે છે. અલબત્ત, આમાં ગણતરીપૂર્વકનું જોખમ લેવામાં શાણપણ ખરું. આ સાથે અમુક અગ્રણી પ્રાઇવેટ બૅન્કોના શૅર પણ જમા કરવામાં માલ છે. અમુક બહાદુર ઇન્વેસ્ટરો પંજાબ નૅશનલ બૅન્કના શૅર તેમ જ પંજાબ ઍન્ડ સિંધ બૅન્કના શૅરો પણ ખરીદી રહ્યા હોવાનું જાણવા મળતું હતું. જ્યારે અન્ય સરકારી બૅન્કોના નીચે ગયેલા ભાવો પણ આકર્ષણનું કારણ બન્યા હતા. જોકે બૅન્કિંગ ઘટનાઓ વિશે સતત આવી રહેલા નકારાત્મક સમાચારો નવી ખરીદીને બ્રેક મારતા હતા. જોકે લૉન્ગ ટર્મ માટે અને રિસ્ક લેવાની ક્ષમતા ધરાવતા લોકો માટે સિલેક્ટિવ બૅન્કો સારી તક ગણાય. 

નીલેશ શાહ કહે છે કે આ વર્ષ વાસ્તવિકતાનું રહેશે


મૂડીબજાર-શૅરબજારના નિષ્ણાત નીલેશ શાહ માને છે કે ૨૦૧૭નું વર્ષ આશાનું રહ્યું, પરંતુ ૨૦૧૮નું વર્ષ વાસ્તવિકતાનું રહેશે. ૨૦૧૭માં GDP નીચે રહેવા છતાં બજાર વધતું હતું અને હવે ૨૦૧૮માં GDP ઊંચો મુકાઈ રહ્યો છે ત્યારે બજાર ડાઉન જઈ રહ્યું છે. આ સમય દરમ્યાન અર્થતંત્રમાં ઘણા માળખાકીય ફેરફાર અને આર્થિક સુધારા થઈ રહ્યા છે. આ સંજોગોમાં ધિરાણ ઉપલબ્ધિ કઠિન બની છે, રિયલ વ્યાજદર ઊંચા છે છતાં કંપનીઓ સારી કામગીરી બજાવી રહી છે. કંપનીઓ માટે પડકારનો સમય છે. ડિમાન્ડ નીકળવાની શરૂઆત થઈ ગઈ છે; ખાસ કરીને કૃષિ, ગ્રામ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં  સ્કોપ વધુ રહેશે. શાહના મત મુજબ આ વર્ષે સરકાર અને જાહેર સાહસો વધુ ખર્ચ કરશે, જ્યારે આવતા વર્ષે ખાનગી ક્ષેત્રનો ખર્ચ વધે એવી આશા છે. ૨૦૧૯ ચૂંટણીનું વર્ષ હોવાથી સરકાર આ સમયનો લાભ મળે એવાં પગલાં લેશે એમ માની શકાય. ૨૦૧૮માં બજારના મોમેન્ટમ કરતાં ઍસેટ અલોકેશન પર ધ્યાન આપવું વધુ જરૂરી બનશે. બજાર સતત વૉલેટાઇલ રહેવાની સંભાવના ઊંચી છે ત્યારે રોકાણકારો માટે સેક્ટર કરતાં સ્ટૉક સ્પેસિફિક રહેવામાં ડહાપણ રહેશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK