શૅરબજારમાં પરિવર્તન કે પુનરાવર્તન?: બજારની દિશાનો સંકેત આજે મળશે

યાદ રહે, જે પણ હશે ટૂંક સમય માટે હશે. શુક્રવારની બજારની ચાલે ચોક્કસ ઇશારા કરી દીધા છે, હવે આ સપ્તાહે દિશા બનાવશે

BSE

શૅરબજારની સાદીવાત - જયેશ ચિતલિયા

શૅરબજારે બૉટમ બનાવી લીધી હોય અને હવે રિકવરી તરફ પાછું ફર્યું હોય એમ ગયા સોમવારે ૨૦૦ પૉઇન્ટના સુધારા સાથે ગતિ આગળ વધારી હતી. જોકે બીજા દિવસે મંગળવારે બજારે ૨૨૭ પૉઇન્ટનું કરેક્શન આપી દીધું હતું. બુધવારે માર્કેટ પ્લસ અને માઇનસ થયા કરીને અંતે નેગેટિવ બંધ રહીને પોણાબસો પૉઇન્ટ નીચે ઊતરી ગયું હતું. માર્કેટમાં ગુજરાતનાં ચૂંટણીપરિણામની અનિશ્ચિતતા સામે સાવચેતી જણાતી હતી. અલબત્ત, ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારશે એવી હવા અને ક્રૂડના ઊંચા ભાવ પણ આ ઘટાડામાં નિમિત્ત બન્યાં હતાં. ગુરુવારે  ફેડરલ રિઝર્વ (અમેરિકાની સેન્ટ્રલ બૅન્ક)એ પા ટકો વ્યાજવધારો કર્યો અને આગામી વર્ષે વધુ ત્રણ વાર સમાન દરના વ્યાજવધારાના સંકેત સાથે ઊંચા ગ્રોથની પણ જાહેરાત કરી એને પરિણામે વિદેશી રોકાણપ્રવાહ કંઈક અંશે પાછો ખેંચાય અથવા અહીં એનો પ્રવાહ ઘટે એવી શક્યતા રહે ખરી, છતાં ભારતના આર્થિક સંજોગોની ગતિવિધિને ધ્યાનમાં લેતાં આમ બનવાની શક્યતા ઓછી જણાય છે. બુધવારે માર્કેટ ઘટવાનું એક કારણ એશિયન ડેવલપમેન્ટ બૅન્કે પણ ભારતનો આર્થિક વિકાસદર નીચો ૬.૭ ટકા અંદાજ્યો હોવાથી પણ એની સેન્ટિમેન્ટ પર અસર હતી. ગુરુવારે માર્કેટ સતત વૉલેટાઇલ રહ્યું હતું, જ્યારે શુક્રવારે માર્કેટે પૉઝિટિવ ટર્ન લઈને સવાબસો પૉઇન્ટનો વધારો દર્શાવીને નવો ઉત્સાહ ભરી દીધો હતો. જોકે આમ તો માર્કેટ સવાત્રણસો પૉઇન્ટ ઉપર જઈને પાછું ફર્યું હતું. હવે બજારની નજર એકમાત્ર સોમવાર પર છે. આજના સોમવારનું મહત્વ બજાર માટે અગાઉ ક્યારેય નહોતું એવું થઈ ગયું છે. હવે બજારની તેજીની ચાલ જોર પકડીને પુનરાવર્તન લાવે છે કે મંદ પડે છે કે પરિવર્તન પામીને  પીછેહઠ કરે છે એ જોવાનું રહે છે. 

મોંઘવારી વધી, ઉત્પાદન ઘટ્યું


ગયા સપ્તાહે બજાર માટે જે નબળા સમાચાર હતા એમાં રીટેલ મોંઘવારીનો આંક ફરી વધીને ૧૫ મહિનાની ઊંચી સપાટીએ ગયો છે, જ્યારે ઇન્ડેક્સ ઑફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન (IIP)ના ડેટા પણ ઘટીને નબળા આવ્યા છે. હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ પણ વધ્યો હતો.  ટ્રેડ બૅલૅન્સ પણ નબળી જાહેર થઈ હતી. આમ આર્થિક ફન્ડામેન્ટલ્સ કેટલીક બાબતોમાં નબળાઈ દર્શાવે છે, પરંતુ આ બાબત કામચલાઉ જણાય છે. આ સ્થિતિ આગામી બે ક્વૉર્ટરમાં સુધરવાની ઊંચી આશા છે જેથી આ આંકડાથી પૅનિકમાં કે નેગેટિવ બનવાની જરૂર રહેવી જોઈએ નહીં. માર્કેટ માત્ર ફન્ડામેન્ટલ્સ પર નહીં, બલકે પ્રવાહિતા અને સેન્ટિમેન્ટને પણ ધ્યાનમાં લે છે તેમ જ ફન્ડામેન્ટલ્સનાં કારણો પણ સમજે છે અને એ કેટલો સમય ટકી શકશે એ વિશેનું અનુમાન પણ લાંબા ગાળાના રોકાણકારો વિશેષ ધ્યાનમાં રાખે છે.

નાના રોકાણકારોનો પ્રવાહ વધશે

એક અભ્યાસ મુજબ ભારતમાં નાના બચતકારો-રોકાણકારોનું હજી બહુ મોટા પાયે બૅન્કોની ડિપોઝિટ્સમાં રોકાણ છે જે ધીમે-ધીમે મ્યુચ્યુઅલ ફન્ડ મારફત શૅરબજાર તેમ જ અન્ય સાધનો તરફ વળવા લાગ્યું છે. ડિપોઝિટ પરના ઘટતા જતા વ્યાજદર પણ એ માટે મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ (GDP)ના વિસ્તરણ સાથે માર્કેટ કૅપિટલાઇઝેશન પણ વધશે. સરકારે પ્રોવિડન્ટ ફન્ડ (PF) પરના વ્યાજદર ઘટાડ્યા હોવાથી આ ફન્ડનું તેમ જ નાના રોકાણકારોનું રોકાણ ઇક્વિટી અથવા મ્યુચ્યુઅલ ફન્ડ્સની યોજના તરફ ફંટાય એવી શક્યતા સતત વધતી જાય છે.

૨૦૧૭ની ખાસિયત


૨૦૧૭ના વર્ષના અત્યાર સુધીના સમયને ધ્યાનથી જોવામાં આવે તો ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) અને ડીમૉનેટાઇઝેશનની ગંભીર અસર છતાં બજાર પાંચ ટકાથી વધુ કરેક્શન લાવ્યું નથી. આ વર્ષે ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO)ની માર્કેટ પણ બુલિશ રહી છે. મ્યુચ્યુઅલ ફન્ડ્સ પણ જોરમાં રહ્યાં છે અર્થાત ગંભીર વિરોધ, વિવાદ અને સમસ્યા વચ્ચે પણ બજારની ચાલ-ટ્રેન્ડ મહત્તમ સકારાત્મક રહ્યાં છે. જ્યારે હવે પછી તો આ ગંભીર અસર-વિવાદ-વિરોધ ઘટી રહ્યાં છે. તેમની વિપરીત અસરો પણ ઓછી યા નહીંવત થઈ રહી છે ત્યારે ૨૦૧૮ વધુ ઝમકદાર રહે એવી આશા વધી રહી છે. આ નવા વર્ષમાં કૉર્પોરેટ અર્નિંગ્સ વધી શકે છે. ડિમાન્ડ, વપરાશ અને પ્રવાહિતા વધી શકે, વધુ રોકાણ આવી શકે. ઇન શૉર્ટ, ૨૦૧૮ વધુ તેજીમય બની રહેવાની આશા રાખી શકાય.

૨૦૧૮ માટે સર્વત્ર ઊંચા ગ્રોથની આશા

વિદેશી રોકાણકારો માને છે કે ૨૦૧૮માં ભારતનો ગ્રોથ વધુ વેગ પકડશે. ઇમર્જિંગ માર્કેટ્સમાં તેમનું સૌથી વધુ ધ્યાન ભારતીય માર્કેટ અને ઇકૉનૉમી પર છે અને રહેશે. મહત્વની વાત એ છે કે આ વખતે બુલ અને બુમ બસ્ટની રાબેતા મુજબની પરંપરા નહીં રહે, બલકે સતત તેજીની સાઇકલ ચાલશે. ભારતીય માર્કેટ વધુ પરિપક્વ થયું હોવાનું માનતા ગ્લોબલ ઇન્વેસ્ટરો કહે છે કે ‘ભારતની બજારમાં અમે બે મુખ્ય જોખમ જોઈ રહ્યા છીએ એ છે ક્રૂડ ઑઇલના ભાવ અને બીજું, પૉલિટિક્સ. બાકી ભારતના ગ્રોથની ગતિ સામે બહુ ઓછા અને કામચલાઉ અવરોધ જણાય છે. વૈશ્વિક સંસ્થાઓ તરફથી ભારતનો ગ્રોથ-રેટ બૉટમઆઉટ થઈ ગયો હોવાનો મત પણ વ્યક્ત થયો છે. ઇન શૉર્ટ, વર્તમાન સરકારની નીતિઓ અને વિઝન પર વિશ્વાસ અને આશા વધતી જાય છે.

ગુજરાતનાં પરિણામો દિશા નક્કી કરશે

ગુજરાતનાં પરિણામ આજે સોમવારે આવી જશે જેની બજાર પર અસર નિશ્ચિત છે. સંભવત: આવું પહેલી વાર બની રહ્યું છે કે કોઈ એક રાજ્યની ચૂંટણી રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો ગંભીર વિષય બનીને બજાર પર આટલી હદ સુધી છવાઈ ગઈ હોય. કહેવાય છે કે આમ થવાનું કારણ આ ચૂંટણી ગુજરાતની છે અને એ કેન્દ્ર સરકાર, ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ પ્રતિષ્ઠાનો મુદ્દો છે. આ પરિણામમાં BJPને કેટલી બેઠકો મળે છે એના આધારે બજાર ઉછાળો અથવા કડાકો બતાવશે. બજારના કેટલાય ખેલાડીઓ કે સટોડિયાઓ આના સંકેતના આધારે પોઝિશન લઈને બેઠા હોવાનું જાણવા મળે છે. જીત અને હારના પરિણામ બજારની દશા અને દિશા પર કામચલાઉ અસર તો અવશ્ય પાડશે. કંઈક અંશે ભાવિ આર્થિક સુધારા પર પણ પડી શકે. એક અંદાજ એવો મુકાય છે કે GST અને નોટબંધીથી ત્રસ્ત વેપારી ગુજરાતી વર્ગ સરકારથી નારાજ થયો હશે તો મતદાનમાં તેમણે પોતાનો આક્રોશ ઠાલવ્યો હશે. જોકે શુક્રવારે બજારે એક્ઝિટ પોલના આધારે જે ચાલ બતાવી હતી, જે ઉછાળા માર્યા હતા એણે માર્કેટ માટે સકારાત્મક સંદેશ આપ્યા હતા. BJPનું  પુનરાવર્તન દેખાય છે. હવે આજે હકીકત કયા સ્વરૂપે સામે આવે છે એ જોવાનું છે. એની અસર ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પર પણ પડી શકે છે.

જોકે ત્યાં સુધીમાં સરકાર ધરખમફેરફાર-સુધારા કરશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK