ઇન્ટ્રા-ડેમાં નવું સર્વોચ્ચ શિખર બતાવી શૅરબજાર છેલ્લે સુસ્ત

૧૬૮ શૅર ભાવની રીતે ઐતિહાસિક ટોચે : ટેલિકૉમ શૅરમાં તેજીનો રિંગટોન યથાવત્ : સ્મૉલ કૅપ ઇન્ડેક્સમાં નવી ઑલટાઇમ હાઈ

BSE

ધનતેરસ બજાર માટે ધમાલ વગરની, સુસ્ત પુરવાર થઈ છે. સેન્સેક્સ ૨૪ પૉઇન્ટ ઘટીને ૩૨,૬૦૯ તો નિફ્ટી સાડાત્રણ પૉઇન્ટની પરચૂરણ નરમાઈમાં ૧૦,૨૩૪ બંધ રહ્યા છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ ૩૨,૭૦૦ નજીક અને નિફ્ટી ૧૦,૨૫૨ નજીક નવી વિક્રમી સપાટીએ ગયા હતા. બજારના કામકાજમાં નિરસતા હતી. વધ-ઘટની રેન્જ ઘણી સાંકડી રહી હતી. ટેલિકૉમ ઇન્ડેક્સ આવા માહોલમાં પણ પોણાત્રણ ટકાથી વધુની તેજી સાથે ઑલટાઇમ હાઈ થયો છે. તાતા ટેલિ ઉપલી સર્કિટની હૅટ-ટ્રિકમાં અને ભારતી ઍરટેલ તેમ જ ભારતી ઇન્ફ્રાટેલ મલ્ટિયર ટૉપમાં બંધ રહ્યા છે. આઇડિયા સાડાઆઠેક ટકાના જમ્પમાં ૯૦ રૂપિયા હતો. ચાર દિવસમાં ભાવ ૨૯ ટકા ઊંચકાયો છે. આરકૉમ બહુ જાણીતા કારણસર તેજીમાં વેગળો છે. FII રાબેતા મુજબ નેટ સેલરની ભૂમિકામાં છે. છેલ્લા ૧૦માંથી ૯ દિવસ નેટ સેલર રહી એણે આશરે ૪૫,૦૦૦ કરોડ રૂપિયા ઘરભેગા કર્યા છે. ધનતેરસ જ્વેલરી શૅરને ફળી નથી. ગઈ કાલે ગીતાંજલિ જેમ્સ, TBZ, વૈભવ ગ્લોબલ, રાજેશ એક્સપોર્ટ્સ, થંગમયિલ જ્વેલરી, લિપ્સા જેમ્સ, ઝોડિયાક, થ્ય્D જેવાં કાઉન્ટર અડધાથી લઈ અઢી ટકા જેવા ડાઉન હતાં. તારા જ્વેલ્સ સવા ટકો તો રેનેસા સાધારણ સુધારામાં અપવાદ હતા. સ્મૉલ કૅપ ઇન્ડેક્સ અડધો ટકો વધી નવી વિક્રમી સપાટીએ પહોંચ્યો છે. હાલમાં આ બેન્ચમાર્ક ૮૧ પ્લસના અતિ ઊંચા P/E પર ચાલે છે.

બજાજ ઑટોની ગાડી પરિણામ પાછળ દોડી

બજાજ ઑટોએ સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૧૯.૭ ટકાના ઑપરેટિંગ માર્જિન સાથે ૧૨૯૭ કરોડ રૂપિયાનો કાર્યકારી નફો તથા ૧૧૯૩ કરોડ રૂપિયાનો નેટ પ્રૉફિટ કર્યો છે. બજારની ધારણા ૧૮.૭ ટકાના પ્રૉફિટ-માર્જિન સાથે ૧૨૨૮ કરોડ રૂપિયાના ઑપરેટિંગ પ્રૉફિટની અને ૧૦૮૨ કરોડ રૂપિયાના નેટ પ્રૉફિટની હતી. સારાં પરિણામની અસરમાં શૅર ગઈ કાલે બમણા કામકાજમાં ૩૩૧૦ રૂપિયાની વિક્રમી સપાટી બનાવી છેલ્લે એક ટકો વધીને ૩૨૫૭ રૂપિયા બંધ રહ્યો છે.

ટૂ-થ્રી વ્હીલર્સ ઉદ્યોગના ૭ શૅર ગઈ કાલે વધ્યા હતા, ૪ જાતો નરમ હતી. સ્કૂટર્સ ઇન્ડિયા, મૅજેસ્ટિક ઑટો તથા TVS મોટર્સ બે ટકાની અંદર ડાઉન હતા. અતુલ ઑટો, ઍટલાસ સાઇકલ સવાબે ટકા પ્લસ હતા. હિરો મોટોકૉર્પ પોણાપાંચ ટકા આસપાસ વધીને ૩૮૦૬ રૂપિયા હતો. તાતા મોટર્સ એક ટકો ઘટીને ૪૩૨ રૂપિયા તો મારુતિ સુઝુકી નહીંવત્ વધારે ૭૮૬૪ રૂપિયા હતા. ટાયર-શૅરમાં મિશ્ર વલણ હતું. મોદી રબર, MRF, અપોલો ટાયર્સ, સીએટ, બાલક્રિષ્ન ઇન્ડ., TVS શ્રીચક્ર, JK ટાયર્સ જેવી ચલણી જાતો સાંકડી રેન્જમાં અથડાયેલી હતી.

એરિસ ઍગ્રોમાં ૪ દિવસમાં ૬૮ ટકાનો જમ્પ

ફર્ટિલાઇઝર્સ બિઝનેસમાં પ્રવૃત્ત એરીસ ઍગ્રો હાઈ નેટવર્થ ઇન્વેસ્ટર વિજય કેડિયા દ્વારા બે ટકા શૅર લેવાયાના પગલે તેજી બળુકી બની છે. ભાવ ગઈ કાલે પાંચ ગણા કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૨૫૦ રૂપિયા નજીક નવા શિખરે જઈ અંતે ૨૦ ટકાના જમ્પમાં ૨૪૯ રૂપિયા બંધ હતો. સળંગ ૪ દિવસની આગેકૂચ પહેલાં આ કાઉન્ટર ૧૬૦ રૂપિયા આસપાસ હતું. ગઈ કાલે ફર્ટિલાઇઝર્સ સેગમેન્ટમાં એકંદર સુધારાનો ટ્રેન્ડ હતો. અત્રે ૨૦માંથી ૧૩ જાતો વધી હતી. શિવા ઍગ્રો સાડાછ ટકા, ઝુઆરી ઍગ્રો સાડાચાર ટકા, રામા ફોસ્ફેટ સાડાત્રણ ટકા, ભારત ઍગ્રી ત્રણ ટકા, સ્પીક અડધા ટકા અપ હતા. PSU ફર્ટિલાઇઝર્સ કંપની સવાબે ટકા ડાઉન હતી. ઍગ્રો કેમિકલ્સ સેક્ટરમાં ભારત રસાયણ રોજના માંડ ૨૦૦ શૅર સામે ગઈ કાલે ૧૯૦૦ શૅરના કામકાજમાં ૩૨૯૯ રૂપિયા પ્લસ થઈ અંતે સાડાઆઠ ટકા કે ૨૪૯ રૂપિયાના ઉછાળે ૩૨૦૭ રૂપિયા હતો. અતુલ છ ગણા વૉલ્યુમમાં ૨૫૫૦ રૂપિયાની ઇન્ટ્રા-ડે ટૉપ બનાવી ૨૪૬૫ રૂપિયા કે સાડાચાર ટકાની મજબૂતીમાં ૨૪૭૩ રૂપિયા હતો, જ્યારે શિવાલિક રસાયણ નીચામાં ૬૦૦ રૂપિયા થઈ છેલ્લે પાંચ ટકા ગગડી ૬૦૦ રૂપિયા હતો.

MCXમાં સુધારો ખાસ જળવાયો નહીં

કૉમોડિટી એક્સચેન્જ MCX દ્વારા ગોલ્ડ વાયદામાં ઑપ્શન ટ્રેડિંગ સાથે દેશમાં પ્રથમ કૉમોડિટી ઑપ્શન્સના આજથી શ્રી ગણેશ કરાયા છે. ઑપ્શન્સ હેઠળ બાયર્સને કૉન્ટ્રૅક્ટની પાકતી તારીખે નિયત કરેલા ભાવે જે-તે કૉમોડિટી કે અંડરપ્લેઇંગના ખરીદ-વેચાણનો હક્ક મળે છે. જોકે એ સ્વૈચ્છિક છે. MCXનો શૅર ગઈ કાલે ગૅપમાં ૧૧૩૫ રૂપિયા ખૂલી ઉપરમાં ૧૧૫૭ રૂપિયા થયો હતો. જોકે આ પ્રારંભિક સુધારો ટકી શક્યો ન હતો. ભાવ નીચામાં ૧૧૨૪ રૂપિયા થઈ છેલ્લે નજીવા ઘટાડે ૧૧૨૮ રૂપિયા બંધ રહ્યો છે. બાય ધ વે, ૬૩ મૂન્સ ટેક્નૉલૉજીઝ એટલે કે અગાઉની ફાઇનૅન્શિયલ ટેક્નૉલૉજીઝ ગઈ કાલે લગભગ અઢી ગણા કામકાજમાં ૧૨૬ રૂપિયા નજીક નવી મલ્ટિયર ટૉપ બતાવી છેલ્લે ૧૦ ટકાની ઉપલી સર્કિટે ત્યાં જ બંધ હતો. આજથી બેએક મહિના પૂર્વે આ કાઉન્ટર ૫૪ રૂપિયાની અંદર ઐતિહાસિક તળિયે ગયું હતું.

વિપ્રો પરિણામ પહેલાં નીરસ ચાલમાં

IT અગ્રણી વિપ્રોનાં સપ્ટેમ્બર ક્વૉર્ટરનાં પરિણામ બજાર બંધ થયાં પછી આવવાનાં હતાં. શૅર ગઈ કાલે સરેરાશ કરતાં અડધા કામકાજમાં સુસ્ત હતો. ભાવ ઉપરમાં ૨૯૨ રૂપિયા વટાવી નીચામાં ૨૮૭ રૂપિયાની અંદર જઈ છેલ્લે નજીવા ઘટાડે ૨૮૯ રૂપિયા બંધ આવ્યો છે. બજારની ધારણા પ્રમાણે કંપની સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં અગાઉના ત્રિમાસિક ગાળાના મુકાબલે ૨.૪ ટકાના વધારામાં ૨૦૨ કરોડ બતાવશે. અન્ય IT શૅરમાં TCS ઉપરમાં ૨૬૧૩ રૂપિયા નજીક જઈ અંતે સાધારણ વધારામાં ૨૫૯૫ રૂપિયા હતો. ઇન્ફીનાં પરિણામ ૨૪ ઑક્ટોબરે છે. શૅર ગઈ કાલે આરંભથી અંત સુધી ઘટાડામાં રહી છેલ્લે એક ટકાની આસપાસ કમજોરીમાં ૯૩૧ રૂપિયા રહ્યો છે. સાસ્કેન કમ્યુનિકેશન્સ સારાં પરિણામની અસરમાં ગઈ કાલે ૫૯૫ રૂપિયાની વિક્રમી સપાટી બનાવી છેલ્લે સાડાઆઠ ટકા વધીને ૫૭૨ રૂપિયા હતો. ઑનવર્ડ ટેક્નૉલૉજીઝ તગડા નફાના લીધે ૧૬૯ રૂપિયાના નવા શિખર બાદ ભારે પ્રૉફિટ-બુકિંગમાં એક ટકો ઘટીને ૧૫૫ રૂપિયા નજીક હતો.

૧૬૮ શૅર નવા ઊંચા શિખરે ગયા

BSE ખાતે ગઈ કાલે ભાવની રીતે ૧૬૮ શૅર એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નવી ઊંચી સપાટીએ ગયા હતા જેમાં કેટલાંક જાણીતાં નામ નીચે મુજબ છે. ૬૩ મૂન્સ ટેક્નૉલૉજીઝ, અદાણી ટ્રાન્સમિશન, એઇમ્કો પેસ્ટિસાઇડ્સ, APL, અપોલો ટ્યુબ્સ, અશોક લેલૅન્ડ, ઍસ્ટ્રલ પોલી, અવન્તી ફીડ્સ, બજાજ ઑટો, બાસ્ફ, બજાજ ઇલેક્ટિÿકલ્સ, બૉમ્બે બર્મા, ભારતી ઍરટેલ, એલ્ડર હાઉસિંગ, દિલીપ બિલ્ડકૉન, ફેડરલ બૅન્ક, ગરવારે પોલી, ગુજરાત બોરોસિલ, ગોવા કાર્બન, હૅવેલ્સ ઇન્ડિયા, હાઇકલ, હિન્દાલ્કો, ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ, ICICI લોમ્બાર્ડ, ભારતી ઇન્ફ્રાટેલ, જ્હોનસન કન્ટ્રોલ્સ, જ્યુબિલન્ટ ફૂડ્સ, LG બાલક્રિષ્ણન, મેઘમણિ ઑગેર્નિક્સ, એમ્ફાસીસ, NBCC, નીટ ટેક્નૉલૉજીઝ, નિર્લોન, નોસિલ, ઑનવર્ડ ટેક્નૉલૉજીઝ, પોલી પ્લેક્સ, રેડીકો ખૈતાન, રામા સ્ટીલ, રામકી ઇન્ફ્રા, રામકો ઇન્ડસ્ટ્રીઝ, સારેગમા, સાસ્કેન, સયાજી ઇન્ડ., તાતા કેમિક્લ્સ, વીટુ રિટેલ, ટ્રેન્ટ, યુ લેક્સ, વેદાન્ત, વ્હર્લપૂલ વગેરે વગેરે...

અરવિંદ લિમિટેડ અને ગુજરાત સરકાર વચ્ચે MoU

ટેક્સટાઇલ અગ્રણી અરવિંદ લિમિટેડે અમદાવાદના દહેગામમાં ૩૦૦ કરોડ રૂપિયાના રોકાણ સાથે વિશાળ અપેરલ પાર્કના નિર્માણ માટે ગુજરાત સરકાર સાથે MoU (મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ) કર્યો છે. સરકારે એક દિવસ અગાઉ જ નવી ગાર્મેન્ટ્સ ઍન્ડ અપેરલ પૉલિસી ૨૦૧૭ની જાહેરાત કરી હતી. આ મેગા અપેરલ ફૅસિલિટી એનામાં એક આગવું કેન્દ્ર હશે જેમાં ૧૦,૦૦૦ જેટલા લોકોને રોજગારી મળશે. સરકારની કાપડથી વસ્ત્ર સુધીની પ્રક્રિયાની નીતિ ફાર્મ, ફાઇબર, ફૅબ્રિક, ફૅશન અને ફૉરેન માર્કેટ્સ એ પાંચ ‘F’ની સાંકળ પર ભાર મૂકે છે. આ નવો પાર્ક ૨૦૧૮-’૧૯ના નાણાકીય વર્ષના ચોથા ક્વૉર્ટર સુધીમાં કાર્યરત થવાનું અનુમાન છે જે આશરે ૨૪ મિલ્યન જેટલા ગાર્મેન્ટ્સ તૈયાર કરી શકશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને અરવિંદ લિમિટેડના કુલિન લાલભાઈ તથા પુનિત લાલભાઈ વચ્ચે આ MoU સહી થયા હતા. સરકારની નવી કાપડનીતિ આશરે ૧ લાખ જેટલી રોજગારી નિર્માણનું લક્ષ્ય રાખી રહી છે. અરવિંદ લિમિટેડનું ૨૦૧૬-’૧૭નું ટર્નઓવર આશરે ૧.૫ બિલ્યન ડૉલર જેટલું રહ્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK