ક્રૂડની નરમાઈ બજારમાં સુધારાનું કારણ બની

ટેલિકૉમ શૅર પ્રત્યાઘાતી સુધારામાં, પરંતુ ભારતીમાં નવું નીચું તળિયું : પરિણામની અસરમાં ફેડરલ બૅન્કમાં ૨૦ ટકાનો જમ્પ : નેસ્લે તગડા વૉલ્યુમ સાથે ૩૨૯ના ઉછાળે નવા શિખરે

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ખેલાડીઓનો ઇન્ડેક્સ મૅનેજમેન્ટની રમતમાં સર્વોચ્ચ સપાટીએ ગયા બાદ બે દિવસની સાધારણ પીછેહઠ બાદ ગઈ કાલે બજાર દિવસનો મોટો ભાગ પૉઝિટિવ ઝોનમાં રહી બીજા સેશનના સેકન્ડ હાફમાં ઝડપથી વધી ૩૬,૫૪૯ વટાવ્યા બાદ ૧૯૬ પૉઇન્ટ ઊંચકાઈને ૩૬,૫૨૦ બંધ આવ્યું છે. નિફ્ટી ૭૧ પૉઇન્ટના સુધારામાં ૧૧,૦૦૮ થયો છે વિશ્વબજારમાં ક્રૂડની પીછેહઠ પાછળ ત્રણેય સરકારી રિફાઇનરી શૅર ત્રણથી સાત ટકાની તેજીમાં નિફ્ટીમાં ટૉપ ગેઇનર બન્યા હતા. બૅન્કિંગ અને મેટલ શૅરમાં બાઉન્સબૅકની બજારને સારી હૂંફ મળી ગઈ હતી. સેન્સેક્સના ૩૧માંથી ૨૨ અને નિફ્ટીના ૫૦માંથી ૩૯ કાઉન્ટર વધ્યાં છે. સારા પરિણામ પછી પણ હિન્દુસ્તાન યુનિલીવર ચારેક ટકાના કડાકામાં અત્રે ટૉપ લૂઝર જોવાયો છે. દરમ્યાન સરકાર તરફથી ટ્રક-લૉડિંગ સંબંધી ૩૫ વર્ષ જૂનાં ધારાધોરણોને બદલવાની જાહેરાત કરાઈ છે. એના પગલે વિવિધ કૅટેગરીના સંદર્ભમાં ટ્રકની લોડિંગ ક્ષમતામાં ૧૫થી ૨૫ ટકા સુધીનો વધારો થશે. સેફ એક્સેલ વેઇટ તરીકેના આ નવા ધોરણ ટૂંકમાં નોટિફાય કરાશે. ઑલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કૉન્ગ્રેસના નેજા હેઠળ ટ્રાન્સપોટ્સર્‍ દ્વારા ૨૦ જુલાઈથી તેમની વિવિધ માગણીઓ માટે દેશવ્યાપી બે-મુદત હડતાળ કરવાનું નક્કી કરાયું છે. સરકારનું આ પગલું તેમને કેટલું રીઝવી શકે છે એ જોવું રહ્યું. ગઈ કાલે અશોક લેલૅન્ડ સારા પરિણામ પાછળ ૧૩૪ નજીક જઈ અંતે સવાબે ટકા વધીને ૧૨૮ રૂપિયા, તાતા મોટર્સ અઢી ટકા વધીને ૨૫૮ રૂપિયા નજીક, મહિન્દ્ર સવાબે ટકાથી વધુની મજબૂતીમાં ૯૨૧ રૂપિયા બંધ હતા. VST ટેઇલર્સ દોઢ ટકો અપ હતો. છેલ્લા કેટલાક દિવસના ધોવાણ પછી મિડ કૅપ અને સ્મૉલ કૅપમાં સિલેક્ટિવ આકર્ષણ જામતાં માર્કેટ-બ્રેડ્થ પૉઝિટિવ બની છે. TCS અને વિપ્રોના સાધારણ સુધારા સામે ઇન્ફી ટેક મહિન્દ્ર, તાતા ઍલેક્સી ઇત્યાદિની પીછેહઠમાં IT ઇન્ડેક્સ ફ્લૅટ હતો. FMCGને બાદ કરતાં બજારના બાકીના ઇન્ડાઇસિસ વધીને બંધ આવ્યા છે.

અવન્તિ અને એપેક્સ ઘટ્યા પછી સુધારામાં

અમેરિકન કૉમર્સ મિનિસ્ટ્રી દ્વારા ભારત ખાતેથી આયાત થતા શ્રીમ્પ્સ ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટીનો રેટ નક્કી થતાં ગઈ કાલે એપેક્સ ફ્રોઝન ફૂડ્સ પ્રારંભિક નરમાઈમાં ૩૫૦ થયા બાદ બાઉન્સબૅકમાં ૩૭૫ બતાવી અંતે પોણો ટકો ઘટી ૩૬૦ રૂપિયા બંધ રહ્યો છે. અવન્તિ ફીડ્સ બમણા કામકાજમાં ૩૯૦ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ ઉપરમાં ૪૨૭ થઈ છેલ્લે સાધારણ વધી ૪૨૦ રૂપિયો હતો. વલૉર બેઝમાં ૪.૮ ટકા તથા SKM ઍગ્સ પ્રોડક્ટ્સમાં એક ટકાની નરમાઈ રહી હતી. ડેરી સેગમેન્ટની જાતોમાં પરાગ મિલ્ક પોણાબે ગણા વૉલ્યુમમાં ૩૧૩ની ઇન્ટ્રા-ડે હાઈથી ૨૭૭ થઈ ૪.૮ ટકાના વધારામાં ૩૦૪ રૂપિયા બંધ હતો. નેસ્લે તેજીની ચાલમાં પોણાચાર ગણા વૉલ્યુમ સાથે ૧૦,૫૭૪ની લાઇફટાઇમ હાઈ બનાવી ૩.૨ ટકા કે ૩૨૯ રૂપિયા ઊંચકાઈને ૧૦,૫૪૦ રૂપિયા રહ્યો છે. ક્વૉલિટીમાં મૅનેજમેન્ટની બદમાશી પછી વિશ્વાસની ક્ટોકટીમાં રોજ નવાં નીચાં બોટમ બનતાં જાય છે. ભાવ ગઈ કાલે પાંચ ટકા તૂટી મંદીની સર્કિટમાં પોણા પંદર રૂપિયાની અંદર આવી ગયો છે. ૨૯ ઑગસ્ત ૨૦૧૭ના રોજ શૅર ૧૫૫ પ્લસના શિખરે ગયો હતો. આગલા દિવસે ૬૫૬૬ની વિક્રમી સપાટી હાંસલ કરનાર બ્રિટાનિયા હળવા પ્રૉફિટ-બુકિંગમાં દોઢ ટકા ઘટીને ૬૪૩૮ રૂપિયા બંધ હતો. વેન્કીઝ ૪.૮ ટકા ડાઉન હતો.

HUL નવા શિખર બાદ ઘટાડામાં

FMCG જાયન્ટ HUL દ્વારા જૂન ક્વૉર્ટરમાં સવાઅગિયાર ટકાના વધારામાં ૯૪૮૭ કરોડની આવક પર ૧૯ ટકાના વૃદ્ધિદરથી ૧૫૨૯ કરોડ રૂપિયાના નેટ પ્રૉફિટ સાથે અપેક્ષા મુજબના પરિણામ જારી થયા છે. શૅર ગઈ કાલે ખૂલતાની સાથે ૧૭૮૦ નજીકની નવી વિક્રમી સપાટી બનાવી પ્રૉફિટ-બુકિંગ શરૂ થતાં ૧૬૭૫ની ઇન્ટ્રા-ડે બૉટમ બતાવી અંતે ૪ ટકા ગગડીને ૧૬૮૪ રૂપિયા બંધ આવ્યો છે. એના ભારના લીધે FMCG ઇન્ડેક્સ ૮૦માંથી ૪૧ શૅર વધવા છતાં પોણા ટકાની નરમાઈમાં ગઈકાલે જોવાયો છે. આઈટીસીમાં અડધા ટકાની પીછેહઠ હતી. FMCGને બાદ કરતાં મંગળવારે BSE ખાતેના ૧૯માંથી ૧૭ બેન્ચમાર્ક પૉઝિટિવ ઝોનમાં બંધ હતા. બે-ત્રણ દિવસની નોંધપાત્ર ખરાબી બાદ મેટલ ઇન્ડેક્સ ગઈકાલે દસેદસ શૅરના પ્રત્યાઘાતી સુધારમાં બે ટકા ઊચકાયો હતો. નાલ્કો ૫.૩ ટકાની તેજીમાં અત્રે મોખરે હતો. હિન્દાલ્કો, સેઇલ, જિન્દલ સ્ટીલ, તાતા સ્ટીલ, વેદાન્ત દોઢથી પોણા ચાર ટકા અપ હતા. ઑઇલ ગૅસ ઇન્ડેક્સમાંય દસેદસ શૅરના સથવારે સવાબે ટકાની મજબૂતી નોંધાઈ છે. હિન્દુસ્તાન પેટ્રો, ભારત પેટ્રો તથા IOC ત્રણથી સવાછ ટકાના જોરમાં અગ્રક્રમે હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આગલા દિવસની પીછેહઠ બાદ પાંખા કામકાજમાં ૧૦૯૫ નજીક જઈ દોઢ ટકા વધીને ૧૦૯૨ રૂપિયા હતો.

સરકારી બૅન્કોના શૅરમાં આકર્ષણ

તાજેતરની નબળાઈ બાદ ગઈ કાલે બૅન્ક નિફ્ટી બારમાંથી ૧૦ શૅરની મજબૂતીમાં સવા ટકા અને બૅન્કેક્સ ૧૦માંથી ૮ શૅરના સુધારામાં દોઢ ટકા પ્લસ હતા, પરંતુ PSU બૅન્ક નિફ્ટી બારમાંથી બાર શૅરની તેજીમાં ૩.૯ ટકા ઊંચકાયો હતો. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગમાંના ૪૧માંથી પાંચ કાઉન્ટર ડાઉન હતા. ફેડરલ બૅન્ક ૭૪ની નીચે વર્ષનું નવું બૉટમ બનાવી જૂન ક્વૉર્ટરમાં ૨૫ ટકાના વધારા સાથે ૨૬૩ કરોડ રૂપિયાના ચોખ્ખા નફામાં બહેતર પરિણામ જાહેર થતાં નવ ગણા તગડા કામકાજમાં ઉપરમાં ૨૦ ટકા ઊછળી છેલ્લે ૧૯ ટકાના જમ્પમાં ૮૮ રૂપિયા બંધ રહ્યો છે. યુનિયન બૅન્ક, કૉર્પોરેશન બૅન્ક, પંજાબ નૅશનલ બૅન્ક, અલાહાબાદ બૅન્ક, સાઉથ ઇન્ડિયન બૅન્ક, OBC, કૅનેરા બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, ઇન્ડિયન બૅન્ક, સિન્ડિકેટ બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, IDFC બૅન્ક, આંધ્ર બૅન્ક જેવી જાતો ૪ ટકાથી લઈને દસ ટકા સુધી ઊછળી હતી. ICICI બૅન્ક ૨.૭ ટકા, સ્ટેટ બૅન્ક ૩ ટકા, ઍક્સિસ બૅન્ક ૨.૭ ટકા, HDFC બૅન્ક ૦.૩ ટકા, યસ બૅન્ક અડધો ટકો વધીને બંધ રહેતાં ગઈ કાલે સેન્સેક્સને ૧૧૯ પૉઇન્ટનો લાભ થયો હતો, કોટક મહિન્દ્ર બૅન્ક અડધો ટકો તથા ઇન્ડસઇન્ડ બૅન્કમાં એક ટકાની નરમાઈ હતી.

ભારતી ઍરટેલમાં સવા વર્ષનું બૉટમ

ભારતી ઍરટેલનો શૅર ઘટાડાની આગેકૂચમાં ગઈ કાલે સારા વૉલ્યુમ સાથે ૩૪૦ની સવા વર્ષની બૉટમ બનાવી છેલ્લે એક ટકા ઘટીને ૩૪૨ રૂપિયા બંધ હતો. ૩ નવેમ્બર ૨૦૧૭ના રોજ શૅરમાં ૫૬૫ રૂપિયાની મલ્ટિયર ટૉપ બની હતી. કંપની પર માર્ચ સુધીમાં આ વર્ષે ૭૧,૪૬૦ કરોડ રૂપિયાની જવાબદારી પાકી રહી છે જેની સામે ઍવરેજ કૅશફલો ૨૦,૭૧૯ કરોડથી વધુ નથી. જીઓનો કટ્ટર હરીફાઈમાં કમાણી અને નફા શક્તિ ઉપર પ્રેશર વધી રહ્યા છે. આગલા દિવસના ધબડકા બાદ R.કૉમ ગઈ કાલે પોણાઆઠ ટકા, MTNL ૨.૭ ટકા, આઇડિયા સેલ્યુલર અડધો ટકો, તાતા કમ્યુનિકેશન્સ એક ટકો તથા તાતા ટેલિસર્વિસિસ ૫.૮ ટકા વધીને બંધ રહ્યા છે. મલ્ટિપ્લેક્સમાં આઇનૉક્સ લિઝર નબળાઈની હૅટ-ટ્રિકમાં ૨૧૭ થઈ અંતે ૨.૮ ટકાના ઘટાડે ૨૨૦ રૂપિયા તો PVR નીચામાં ૧૧૫૦ અને ઉપરમાં ૧૧૮૭ બતાવી પોણો ટકો વધીને ૧૧૬૨ રૂપિયા બંધ હતા. મુક્તા આર્ટ્સ ખરાબીમાં ૪૦ની વર્ષની નીચી સપાટીએ આવી છેલ્લે ૩.૩ ટકાની નરમાઈમાં ૪૧ હતો. સિન્ટેક્સ પ્લાસ્ટિક્સ નબળા પરિણામના પગલે ૩૩ની અંદર નવું નીચું તળિયું દેખાડી ૬.૭ ટકાના કડાકામાં ૩૪ રૂપિયા બંધ હતો. સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ પરિણામપૂર્વે ૧૫ રૂપિયા નજીક જઈ ૨.૮ ટકાના સુધારામાં ૧૪.૭૦ રૂપિયા હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK