TDP દ્વારા NDAને છૂટાછેડા રોકાણકારોને ૧.૮૩ લાખ કરોડ રૂપિયામાં પડ્યા

HEG લિમિટેડમાં એક વર્ષમાં રોકાણકારોને ૧૪૦૦ ટકાનું રિટર્ન: સિમેન્ટ, ખાતર અને શુગર શૅરમાં વ્યાપક ઘટાડાની ચાલ: ખાસ્સી નબળી માર્કેટ-બ્રેડ્થ સાથે સેન્સેક્સ ૫૦૯ પૉઇન્ટ ડૂલ

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

તેલુગુ દેસમ પાર્ટ (TDP) દ્વારા કેન્દ્રમાં શાસક પક્ષ NDA સાથે છેડો ફાડવાની અને મોદી સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાની જાહેરાત પાછળ શૅરબજાર શુક્રવારે ૫૦૯ પૉઇન્ટ લથડીને ૩૩૧૭૬ તો નિફ્ટી ૧૬૫ પૉઇન્ટના ધોવાણમાં ૧૦૧૯૫ બંધ રહ્યા છે. માર્કેટ કૅપની રીતે રોકાણકારોને આ તલાક ૧.૮૩ લાખ કરોડ રૂપિયામાં પડ્યા છે. મતલબ કે માર્કેટ કૅપ ગઈ કાલે આટલું ઘટ્યું છે. આરંભથી અંત સુધી નેગેટિવ ઝોનમાં રહેલું શૅરબજાર ગઈ કાલે ક્રમશ: વધુ ને વધુ ઘસાયું હતું. બજારના તમામ સેક્ટરલ બેન્ચમાર્ક રેડ ઝોનમાં બંધ હતા. માર્કેટ બ્રેડ્થ ખાસ્સી નબળી હતી. NSE ખાતે તો વધેલા ૪૨૧ શૅરની સામે ઘટેલા શૅરની સંખ્યા ૧૦૮૮ની જોવાઈ છે. સેન્સેક્સ ખાતેના ૩૧ શૅરમાંથી ૨૭ શૅર માઇનસ ઝોનમાં હતા. મહિન્દ્ર સર્વાધિક પોણા ટકાની આસપાસ વધ્યો હતો. IOC નબળાઈની હૅટ-ટ્રિકમાં સવાચાર ટકા તૂટી રૂ.૧૮૪ નીચેના બંધમાં નિફ્ટી ખાતેના ૫૦માંથી નરમ રહેલા ૪૧ શૅરની યાદીમાં ટૉપ લૂઝર બન્યો છે. બૅન્કેક્સ અને બૅન્ક નિફ્ટી સવા ટકાની આસપાસ ઢીલા હતા. ભ્લ્શ્ બૅન્ક નિફ્ટીમાં ૦.૩ ટકા જેવી સાધારણ નબળાઈ સામે પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી ૧.૩ ટકા ડાઉન હતો. સેઇલ, વેદાન્તા, જિન્દલ સ્ટીલ, તાતા સ્ટીલ, હિન્દાલ્કો ઇત્યાદિના દોઢથી સવાત્રણ ટકાના ઘટાડાને પગલે મેટલ ઇન્ડેક્સ ગઈ કાલે સવાબે ટકાથી પણ વધુ પીગળ્યો હતો. વેલસ્પન કૉર્પ સવાપાંચ ટકા તૂટ્યો હતો. બૅન્કિંગ ક્ષેત્રના ૪૦ શૅરમાંથી ૧૫ શૅર વધ્યા હતા. યુનાઇટેડ બૅન્ક પોણાનવ ટકાની તેજીમાં એમાં મોખરે હતો. ૬૩ મૂન્સ આગલા દિવસની તેજીની ઇનિંગ્સ આગળ ધપાવતાં ગઈ કાલે સાતેક ગણા કામકાજ વચ્ચે ઉપરમાં ૧૧૪ રૂપિયા વટાવી અંતે આઠ ટકાના જમ્પમાં ૧૦૮ રૂપિયા બંધ આવ્યો છે. સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ ચાર ગણા વૉલ્યુમમાં નવેક ટકાની મજબૂતીમાં ૨૦ રૂપિયા બંધ હતો.

દરમ્યાન ડિસેમ્બરના મધ્યમાં ૨૦ હજાર ડૉલરની નજીક ગયેલો બિટકૉઇન અત્યારે ૮૧૧૮ ડૉલરે આવી ગયો છે. ચાર્ટ પર એમાં ડેથ ક્રૉસ પૅટર્ન બની હોવાના સંકેત મળે છે. મતલબ કે ૫૦ દિવસની મૂવિંગ ઍવરેજ પ્રમાણે બિટકૉઇનના ભાવ એની ૨૦૦ દિવસની મૂવિંગ ઍવરેજને તોડવાની તૈયારીમાં છે. આના પગલે બિટકૉઇનમાં હવે પછી વધ-ઘટે ઘટાડાનો ટ્રેન્ડ આગળ ધપવાની અને એમાં ૨૮૦૦ ડૉલર સુધીનો ભાવ થવાની દહેશત જાગી છે! અર્થાત ભારતીય કરન્સીમાં બિટકૉઇનનો રેટ છ લાખ રૂપિયાની આસપાસ છે. એ બે લાખ રૂપિયાની અંદર જઈ શકે છે!

JP અસોસિએટ્સમાં RZની એન્ટ્રી


ઇન્વેસ્ટર્સ બ્રોકર્સ રાકેશ ઝુનઝુનવાલા તરફથી તેમની કંપની રૅર ઇન્વેસ્ટમેન્ટ મારફત JP અસોસિએટ્સના લગભગ ત્રણ કરોડ શૅરની શૅરદીઠ ૧૮.૩૭ રૂપિયાના ભાવે ખરીદી કરાઈ હોવાના અહેવાલ પાછળ JP અસોસિએટ્સનો શૅર ગઈ કાલે ત્રણ ગણા કામકાજમાં ઉપરમાં ૨૨ રૂપિયા થઈ છેલ્લે નવ ટકાની તેજીમાં ૨૧ રૂપિયા બંધ રહ્યો છે. બે રૂપિયાની ફેસવૅલ્યુવાળા આ શૅરની બુકવૅલ્યુ ૨૧.૭૦ રૂપિયા જેવી છે. ત્રણ દિવસ પૂર્વે ભાવ ૧૪.૭૦ રૂપિયા બંધ હતો. કંપનીમાં મોટર્સ હોલ્ડિંગ ૩૯.૨ ટકા છે. એમાંથી ૨૦ ટકા માલ ગિરવી છે. JP ગ્રુપના અન્ય શૅરમાં જયપી ઇન્ફ્રાટેક સાતેક ગણા કામકાજમાં પાંચ ટકાની ઉપલી સર્કિટે પોણાઅગિયાર રૂપિયા બંધ હતો. જયપ્રકાશ પાવર વેન્ચર્સ ૬.૩૧ રૂપિયાના આગલા લેવલે ફ્લૅટ હતો.

દરમ્યાન એડલવાઇસ દ્વારા સિંહબ્રધર્સની રેલિગર એન્ટરપ્રાઇઝિસના સિક્યૉરિટી બિઝનેસને હસ્તગત કરવાની યોજના પડતી મૂકવામાં આવી છે. આના પગલે રેલિગેરનો શૅર નીચામાં પંચાવન રૂપિયા થઈ છેલ્લે પોણાબે ટકા ઘટીને ૫૭ રૂપિયા બંધ હતો. સિંહબ્રધર્સની અન્ય કંપની ફોર્ટિસ હેલ્થકૅરમાં પ્રમોટર્સનો ગિરવી પડેલો માલ પોતાના નામે કરી ૧૭ ટકાનું હોલ્ડિંગ ધરાવતી યસ બૅન્ક તરફથી આ માલ વેચવાની તજવીજ શરૂ થઈ છે. શૅર ગઈ કાલે પોણાત્રણ ટકા તૂટીને ૧૫૬ રૂપિયા બંધ હતો.

સર્વેશ્વર ફૂડ્સનું ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ

શૅરદીઠ ૮૫ રૂપિયાની ઇશ્યુપ્રાઇસ સાથે મૂડીબજારમાં આવેલી સર્વેશ્વર ફૂડ્સનું ગઈ કાલે NSE ખાતેના SME પ્લૅટફૉર્મ પર લિસ્ટિંગ થયું છે. ભાવ ૭૦ રૂપિયા ખૂલી ઉપરમાં ૭૮ રૂપિયા નજીક તથા નીચામાં ૬૮ રૂપિયાની અંદર જઈ છેલ્લે ૭૩ રૂપિયા બંધ આવ્યો છે. વૉલ્યુમ ૩.૨૦ લાખ શૅરનાં હતાં. બાસમતી તેમ જ નૉન-બાસમતી રાઇસ તેમ જ અન્ય પ્રોડક્ટ્સના બિઝનેસમાં પ્રવૃત્ત આ કંપની જમ્મુ-કાશ્મીર ખાતેની છે. ઇશ્યુની સાઇઝ પંચાવન કરોડ રૂપિયાની હતી. મજાની વાત એ છે કે જમ્મુ-કાશ્મીર ખાતેની કોઈ કંપની મૂડીબજારમાં આવી હોય તએી આ છેલ્લાં ૨૦ વષર્નીએ પ્રથમ ઘટના હતી. દરમ્યાન તાજેતરમાં લિસ્ટેડ થયેલા અન્ય IPOમાં ૨૭૦ રૂપિયાની ઇશ્યુપ્રાઇસવાળો HG ઇન્ફ્રા એન્જિનિયરિંગ ગઈ કાલે ૩૦૪ રૂપિયાનું બેસ્ટ લેવલ બનાવી છેલ્લે અઢી ટકા વધીને ૨૯૬ રૂપિયા બંધ હતો. ૧૯૦ રૂપિયાની ઇશ્યુપ્રાઇસવાળો ઍસ્ટર DM હેલ્થકૅર અડધો ટકો ઘટીને ૧૫૨ રૂપિયા તો ૮૫૯ રૂપિયાની ઇશ્યુપ્રાઇસવાળો અંબેર એન્ટરપ્રાઇઝિસ પોણાબે ટકાની નરમાઈમાં ૧૧૬૦ રૂપિયા બંધ હતા.

HEG લિમિટેડ વર્ષમાં ૩૨૪૫ રૂપિયા થયો


ગ્રૅફાઇટ ઇલેક્ટ્રૉડ્સના ઉત્પાદનમાં પ્રવૃત્ત HEG લિમિટેડ આગઝરતી તેજીમાં ગઈ કાલે ત્રણ ગણા કામકાજમાં ૩૨૪૫ રૂપિયાની વિક્રમી સપાટી બનાવી છેલ્લે ચાર ટકા કે ૧૨૫ રૂપિયાના જમ્પમાં ૩૧૪૪ રૂપિયા બંધ રહ્યો છે. લગભગ વર્ષ પૂર્વે, બાવીસ માર્ચે‍ શૅરનો ભાવ ૨૧૪ રૂપિયા હતો. મતલબ કે એક વર્ષમાં અહીં રોકાણકારોને ૧૪૧૬ ટકાનું જંગી રિટર્ન મળ્યું છે. ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૨૩૮ રૂપિયા પર છે. કંપનીએ એકમાત્ર બોનસ જુલાઈ-૧૯૯૪માં શૅરદીઠ એકના પ્રમાણમાં આપ્યું હતું. જ્યારે સપ્ટેમ્બર-૧૯૯૨માં આઠ શૅરદીઠ પાંચના પ્રમાણમાં શૅરદીઠ ૪૦ રૂપિયાના ભાવે રાઇટ કર્યો હતો. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૬૧ ટકા છે. આ જ બિઝનેસમાં પ્રવૃત્ત અન્ય કંપનીઓમાં ગ્રૅફાઇટ ઇન્ડિયા ગઈ કાલે અઢી ગણા વૉલ્યુમમાં પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૭૯૦ રૂપિયા બંધ હતો. ઇસબ ઇન્ડિયા ૮૦૮ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બાદ પ્રૉફિટ-બુકિંગમાં સવા ટકા ઘટીને ૭૭૫ રૂપિયા, અડૂર વેલ્ડિંગ્સ ૪૪૮ રૂપિયાની ટૉપ બનાવી બે ટકાની નરમાઈમાં ૪૧૫ રૂપિયા તથા પૅનસૉનિક કાર્બન ૬૧૧ રૂપિયા થઈ છેલ્લે પોણાબે ટકાની પીછેહઠમાં ૫૯૩ રૂપિયા બંધ હતા.

દરમ્યાન બોનસ માટે ૧૯મીએ બોર્ડમીટિંગની જાહેરાત પાછળ આગલા દિવસે ૨૦ ટકાની ઉપલી સર્કિટ મારનાર MMTC ગઈ કાલે પણ સાત ગણા કામકાજમાં સવાઆઠ ટકા ઊછળી ૬૭ રૂપિયા બંધ હતો. ૨૦ ટકાની તેજીની સર્કિટ મારનાર ITDC ૪૦ ગણા કામકાજમાં ૫૨૮ રૂપિયા થઈ છેલ્લે ૧૦ ટકાના ઉછાળે ૪૯૪ રૂપિયા હતો.

ખાતર શૅરમાં ઊભરો ઝડપી શમી ગયો

યુરિયા ખાતરની સબસિડી માર્ચ-૨૦૨૦ સુધી ચાલુ રાખવાની સરકારી જાહેરાત પાછળ આગલા દિવસે જોરદાર વૉલ્યુમ સાથે તગડા ઉછાળા બાદ ખાતર શૅર ગઈ કાલે પ્રૉફિટ-બુકિંગમાં હતા. ઉદ્યોગની ૧૯માંથી માત્ર ચાર જાતો વધી હતી. ખૈતાન કેમિકલ્સ, રામા ફૉસ્ફેટ તથા ઝુઆરી એમાં એકથી પોણા ત્રણ ટકાની મજબૂતીમાં મોખરે હતા. સામે નાગાર્જુન ફર્ટિલાઇઝર્સ, GNFC, ફેક્ટ, મદ્રાસ ફર્ટિલાઇઝર્સ, શિવા ઍગ્રો, એરિસ ઍગ્રો, નૅશનલ ફર્ટિલાઇઝર્સ, GSFC અને RCF જેવાં કાઉન્ટર અઢીથી સાડાપાંચ ટકા ખરડાયા હતા. મોટા ઉત્પાદનના બોજ પાછળ શુગર શૅરમાંય એકંદર માનસ નબળું છે. ગઈ કાલે ઉદ્યોગના ૩૩ શૅરમાંથી વધેલા શૅરની સંખ્યા ફક્ત ૧૦ની હતી. પિકાડેલી શુગર સાડાબાર ટકા અને સિમ્ભાવલી શુગર નવેક ટકા ઊંચકાયા હતા. બાકીના ૧૫ શૅર બે ટકાથી લઈને નવ ટકા સુધીની કડવાશમાં બંધ હતા. સિમેન્ટઉદ્યોગ ખાતે વધેલા આઠ શૅર સામે ૩૬ જાતો નરમ હતી. JK લક્ષ્મી, બિરલા કૉર્પ, અંબુજા સિમેન્ટ, અલ્ટ્રાટેક, ઇન્ડિયા સિમેન્ટ, ACC, મંગલમ સિમેન્ટ, શ્રી સિમેન્ટ જેવી ચલણી સ્ક્રિપ્સ સવાબેથી ચાર ટકા સુધી તરડાઈ હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK