બજાર ઇન્ટ્રા-ડે ટોચથી ૫૫૧ પૉઇન્ટ ખાબક્યું

ગીતાંજલિ જેમ્સમાં ત્રણ દિવસમાં ૧૦૦ના ૬૦નો ઘાટ : ફોર્ટિસમાં ગીરવી પડેલો માલ બજારમાં વેચાશે : ગ્લેનમાર્ક ફાર્મામાં વર્ષની નીચી સપાટી

bse

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

નિમો સ્કૅમથી બૅન્કિંગ અને જ્વેલરી સ્ટૉકમાં ભારે ગભરાટ વચ્ચે શૅરબજારનું માનસ ફરી ખરડાયું છે જેના પગલે સેન્સેક્સ ઇન્ટ્રા-ડે ૩૪૫૦૮ની ટોચથી ૫૫૧ પૉઇન્ટ ખાબકી ૩૩૯૫૭ના તળિયે ઊતરી જઈ સેશનના અંતે ૨૮૭ પૉઇન્ટની હાનિમાં ૩૪૦૧૧ના મથાળે બંધ રહ્યું હતું. તો નિફ્ટી ૯૩ પૉઇન્ટના ઘટાડામાં ૧૦૪૫૨ બંધ હતો. સેન્સેક્સના ૩૧માંથી ૨૬ અને નિફ્ટીના ૫૦માંથી ૪૧ હેવીવેઇટ્સ ડાઉન હતા; જેમાં SBI, યસ બૅન્ક, ICICI બૅન્કમાં અઢી ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. ભારતી ઍરટેલ, મારુતિ સુઝુકી બે ટકા, અદાણી પોર્ટ્સ ૧.૭ ટકા, ટાટા સ્ટીલ, લાર્સન, ઇન્ડસઇન્ડ બૅન્ક ૧.૬ ટકા, તાતા મોટર્સ, કોલ ઇન્ડિયા, પાવર ગ્રિડ અને રિલાયન્સના શૅરમાં સવાથી દોઢ ટકા સુધીની નરમાઈ હતી. ભારે વેચવાલીના પગલે માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ હતી. એમાં ગ્લ્ચ્ ખાતે ૬૬૭ શૅરમાં સુધારા સામે ૨૧૪૫ જાતો રેડ ઝોનમાં બંધ હતી. BSEની માર્કેટકૅપ ૧૪૬.૮૫ લાખ કરોડ રૂપિયાએ આવી ગઈ છે. 

આજની નરમાઈમાં તમામ ઇન્ડેક્સ ડાઉન હતા જેમાં મિડકૅપ અને સ્મૉલકૅપ ઇન્ડેક્સ સવા ટકા જેટલા ડૂલ્યા હતા. તો સેક્ટોરિયલ ઇન્ડાઇસિસમાં પણ તમામ ઇન્ડેક્સ રેડ હતા જેમાં રિયલ્ટી દોઢ ટકા, ઑઇલ-ગૅસ ૧.૨ ટકા, મેટલ-ઑટો ૧.૬ ટકા, કૅપિટલ ગુડ્સ ૧.૩ ટકા, બૅન્કેક્સ ૧.૨ ટકા, ટેલિકૉમ દોઢ ટકા જેટલા ખરડાયા છે.

ફોર્ટિસ હેલ્થકૅરમાં ગીરવી માલનો ભાર

ફોર્ટિસ હેલ્થકૅરમાં પ્રમોટર્સ સિંઘ બ્રધર્સ દ્વારા ગીરવી મુકાયેલા શૅરનું લેન્ડર્સને વેચાણ કરવાની સુપ્રીમ કોર્ટ તરફથી લીલીઝંડી મળતાં ભાવ ગઈ કાલે ૧૧૫ રૂપિયાના તળિયે જઈ છેવટે સવાચાર ટકા આસપાસ તૂટીને ૧૩૭ રૂપિયા બંધ હતો. બન્ને બજારમાં કુલ મળીને ૧૧.૩૧ લાખ શૅરનું ટ્રેડિંગ થયું હતું. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૩૪.૪ ટકા છે એમાંથી સવાઅઠ્ઠાણું ટકા માલ ગીરવી છે! ગ્રુપ-કંપની ફોર્ટિસ મલબારમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૬૩ ટકા જેવું છે. એનો ભાવ ગઈ કાલે નીચામાં ૫૯ રૂપિયા થઈ છેલ્લે દોઢ ટકો ઘટીને ૬૨ રૂપિયા હતો. રેલિગર એન્ટરપ્રાઇઝિસમાં પ્રમોટર્સ સિંઘ બ્રધર્સ ૧૩ ટકા હોલ્ડિંગ ધરાવે છે. એમાંથી ૮૪ ટકા માલ ગીરવી છે. શૅર શુક્રવારે ૫૫ રૂપિયાની અંદર જઈ અંતે સાડાચાર ટકાના વધારામાં ૬૦ રૂપિયા હતો. હિન્દુસ્તાન ટીન વક્ર્સા ૬ ગણા કામકાજમાં ૧૦૭ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૧૪ ટકાના ઉછાળે ૧૦૭ રૂપિયા બંધ હતો. TTK હેલ્થકૅર ૧૪૫૭ રૂપિયાની નવી ટૉપ બનાવી પ્રૉફિટ-બુકિંગમાં સાડાત્રણ ટકાના ઘટાડે ૧૨૯૧ રૂપિયા બંધ આવ્યો છે. કામકાજ અઢી ગણાં હતાં. ગ્લેનમાર્ક ફાર્માએ ૫૨૦ રૂપિયાની વર્ષની બૉટમ બનાવી છે. ભાવ અંતે દોઢ ટકાના ઘટાડે ૫૨૨ રૂપિયા હતો. પંજાબ નૅશનલ બૅન્ક ઉપરાંત કૉર્પોરેશન બૅન્ક, દેના બૅન્ક, સિન્ડિકેટ બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર અને યુનિયન બૅન્ક ગઈ કાલે એક વર્ષ કે એથી વધુ સમયગાળાની નીચી સપાટીએ ગયા હતા.

PNBમાં ૧૩ મહિનાનું બૉટમ

નિમો-ફ્રૉડગ્રસ્ત પંજાબ નૅશનલ બૅન્ક (PNB)નો શૅર ઘટાડાની હૅટ-ટ્રિકમાં ગઈ કાલે તગડા કામકાજ સાથે ૧૨૦ રૂપિયાની ૧૩ મહિનાની નવી સપાટી બનાવીને અંતે બે ટકાની ખરાબીમાં ૧૨૫ રૂપિયા બંધ રહ્યો છે. ત્રણ દિવસ પૂર્વે ભાવ ૧૬૪ રૂપિયાના નજીકના શિખરે હતો. ૧૧૪૦૦ કરોડના PNB ફ્રૉડમાં ૩૦ કરોડ ડૉલર અર્થાત આશરે ૨૦૦૦ કરોડ રૂપિયા જેવું એક્સપોઝર ધરાવતી યુનિયન બૅન્કનો શૅર પણ ગઈ કાલે ૧૧૬ રૂપિયાની વર્ષની બૉટમ બનાવી છેલ્લે દોઢ ટકા ઘટીને ૧૧૮ રૂપિયા રહ્યો છે. PNB દ્વારા નીરવ મોદીને ઇશ્યુ કરાયેલા લેટર ઑફ અન્ડરટેકિંગ સામે એક યા બીજી રીતે ધિરાણ આપનારી અન્ય બૅન્કોમાં કૅનેરા બૅન્ક, ઍક્સિસ બૅન્ક, અલાહાબાદ બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા તથા સ્ટેટ બૅન્કની વિદેશી બ્રાન્ચનાં નામ બહાર આવ્યાં છે. ઍક્સિસ બૅન્ક ગઈ કાલે એક ટકો, બૅન્ક ઑફ ઇન્ડિયા અઢી ટકા, કૅનેરા બૅન્ક એક ટકાની અંદર, અલાહાબાદ બૅન્ક સાધારણ તથા સ્ટેટ બૅન્ક અઢી ટકા ડાઉન હતા.

બૅન્ક નિફ્ટી ગઈ કાલે પણ ૧૨માંથી ૧૦ શૅરની નરમાઈમાં એક ટકો ડાઉન હતો, પરંતુ PSU બૅન્ક નિફ્ટી તો ૧૧ શૅરના વધુ ધોવાણમાં અઢી ટકા તૂટ્યો હતો. પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી ૧૦માંથી ૮ શૅરના ઘટાડે એક ટકો ઢીલો હતો. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગના ૪૦માંથી ૩૩ શૅર પ્લસ હતા. સિટી યુનિયન બૅન્ક, ફેડરલ બૅન્ક, કોટક મહિન્દ્ર બૅન્ક એકથી પોણાત્રણ ટકા વધ્યા હતા. ડઝનથી વધુ બૅન્કો બેથી ચાર ટકા સુધી ધોવાઈ હતી.

ગીતાંજલિ જેમ્સમાં ખુવારી વધી

PNBમાં ૧૧૪૦૦ કરોડ રૂપિયાના ફ્રૉડમાં નીરવ મોદીના પારિવારિક તેમ જ બિઝનેસ-પાર્ટનર મેહુલ ચોકસી પણ સંડોવાયા હોવાના અહેવાલ પાછળ ગીતાંજલિ જેમ્સમાં ખરાબી વધી રહી છે. શૅર ગઈ કાલે ૨૦ ટકાની મંદીની સર્કિટમાં ૩૭.૫૫ રૂપિયા બંધ રહ્યો છે જે જૂન ૨૦૧૬ પછીનું બૉટમ છે. અઢી મહિના પૂર્વે ૨૮ નવેમ્બરે ભાવ ૧૦૫ રૂપિયા નજીકની મલ્ટિયર ટોચે હતો. નિમો-ફ્રૉડને કારણે ત્રણ દિવસમાં શૅર ૬૫થી ગગડીને ૩૭ રૂપિયા થઈ ગયો છે. બાય ધ વે માર્ચ ૨૦૦૯માં જેનો ભાવ ૪૨ હતો એ ગીતાંજલિ જેમ્સ ઑપરેટર્સના જોરમાં વધતો રહીને એપ્રિલ ૨૦૧૩માં ૬૨૬ રૂપિયાની વિક્રમી સપાટીએ પહોંચી ગયો હતો અને ત્યાંથી માંડ ચાર મહિનાના ગાળામાં પટકાઈને ઑગસ્ટ ૨૦૧૩માં ૫૮ રૂપિયા થઈ ગયો હતો. ૨૦૧૬ની ૧ માર્ચે ભાવ ૩૦ રૂપિયાની નીચે ઑલટાઇમ તળિયે ગયો હતો.

૨૦૧૬-’૧૭ના સરવૈયા પ્રમાણે કન્સોલિડેટેડ ધોરણે ૩૯૦ કરોડ રૂપિયાના લૉન્ગ ટર્મ ડેટ સહિત કંપનીનું કુલ દેવું ૧૬૯૩૩ કરોડ રૂપિયાનું છે જેમાં ૭૬૭ કરોડ રૂપિયાની કન્ટિન્જન્ટ લાયબિલિટીઝનો સમાવેશ કરીએ તો આંકડો ૧૭,૭૦૦ કરોડ રૂપિયાએ પહોંચે છે. આની સામે કંપનીનું હાલનું માર્કેટકૅપ ૪૪૫ કરોડ રૂપિયા છે. કંપની દર વર્ષે ૬૯૪ કરોડ રૂપિયા વ્યાજ ભરે છે. મતલબ કે હાલમાં આખી કંપની વેચવા કઢાય તો એમાંથી વ્યાજનો ખર્ચ પણ નીકળી શકે એેમ નથી. દેવાની મૂળ રકમની તો વાત જ જવા દો.

કંપનીની ઇક્વિટી ૧૧૮ કરોડ પ્લસ છે તો સામે રિઝવર્‍ ૬૪૪૪ કરોડ રૂપિયા બોલે છે. ૧૦ રૂપિયાના શૅર સામે બુકવૅલ્યુ ૫૫૬ રૂપિયાની બેસે છે. જોકે આ બધું કાગળના ઘોડા જેવું છે. કંપનીમાં પ્રમોટર્સ મેહુલ ચોકસી આણિ મંડળીનું હોલ્ડિંગ ફક્ત ૨૭.૮ ટકા છે. એમાંથી ૭૮.૬ ટકા શૅર ગીરવી મૂકેલા છે! LIC પાસે ૪૫ લાખ શૅર કે ૩.૮ ટકા હિસ્સો છે. મૉર્ગન સ્ટૅનલીનું હોલ્ડિંગ પોણાચાર ટકા કે ૪૪.૧૭ લાખ શૅરનું છે. મેક્વાયર ફાઇનૅન્સ ઇન્ડિયા પાસે ૫૦ લાખ શૅર છે. મેહુલ ચોકસીએ વેતન કે રેમ્યુનરેશન પેટે ૨૦૧૬-’૧૭માં ૧૧૦ લાખ રૂપિયા લીધા હતા જે અગાઉના વર્ષ કરતાં ૧૨૯ ટકાનો વધારો સૂચવે છે.

નિમો- ફ્રૉડ પાછળ જ્વેલરી શૅર ગઈ કાલે વધુ ઝાંખા પડ્યા હતા. થંગમયિલ જ્વેલરી પાંચ ટકાની એક વધુ નીચલી સર્કિટમાં ૫૧૪ રૂપિયા બંધ હતો. બે દિવસ પૂર્વે ભાવ ૫૯૦ નજીક હતો. TBZ ઘટાડાની હૅટ-ટ્રિકમાં ગઈ કાલે ૧૦૮ રૂપિયાની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ સવાત્રણ ટકા ઘટીને ૧૦૯ રૂપિયા બંધ હતો. તારા જ્વેલર્સ ચાર ટકા આસપાસ, રેનેસાં જ્વેલરી ચાર ટકા, રાજેશ એક્સપોર્ટ્સ સાધારણ ટકા, લિપ્સા જેમ્સ ત્રણ ટકા, ગોલ્ડિયમ ઇન્ટરનૅશનલ સવાચાર ટકા ડાઉન હતા. પીસી જ્વેલર્સ નીચામાં ૩૫૩ રૂપિયા થઈ છેલ્લે સાડાછ ટકાના વધારામાં ૩૭૯ રૂપિયા હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK