બજારમાં નરમાઈની હૅટ-ટ્રિક, નિફટી ૧૦,૦૦૦ની નીચે જવાનાં એંધાણ

દેના બૅન્ક ૧૧ વર્ષના તળિયે :  ૧૫૦ જાતોમાં નેગેટિવ બ્રેકઆઉટ : ફોર્ટિસમાં રીસ્ટ્રક્ચરિંગનો કરન્ટ : R.કૉમ સિંગલ ટિજિટ સાથે ઑલટાઇમ તળિયે પહોંચ્યો

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ઇન્ટરનૅશનલ એનર્જી એજન્સી દ્વારા અંદાજિત માગણીમાં ઘટાડાની સાથે ઓવર સપ્લાયની સ્થિતિ જળવાઈ રહેવાના વરતારા પાછળ વિશ્વબજારમાં ક્રૂડ એકાદ ટકો ઘટ્યું છે. બ્લુમબર્ગના કૉમોડિટી ઇન્ડેક્સમાં પીછેહઠ જારી છે. સરવાળે એશિયન શૅરબજારો ગઈ કાલે ઑલરાઉન્ડ ઘટાડામાં હતાં. હૉન્ગકૉન્ગ, ચાઇના, જપાન અને સિંગાપોર પોણાથી દોઢ ટકો ડાઉન હતાં. એશિયા પાછળ યુરોપ પણ નરમ ઑપનિંગ બાદ અડધા ટકા કરતાં વધુ ઢીલું દેખાતું હતું. યુરોપિયન શૅરબજારોનો બેન્ચમાર્ક સ્ટૉક્સ યુરોપ-૬૦૦ સાત દિવસથી માઇનસ ઝોનમાં ચાલી રહ્યો છે. GSTના મામલે પણ નોટબંધીવાળી થઈ રહી છે. અર્થતંત્રના ફાયદા થવાના સરકારી દાવા સાચા ઠરે ત્યારે વાત, હાલમાં તો હાલત કથળી રહી છે. નિકાસ ક્ષેત્રે નબળા આંકડા એનો એેક વધુ પુરાવો છે. ગુજરાતના ઇલેક્શનમાં BJPનો લક્ષ્યાંક ૧૫૦ પ્લસનો છે અને એ પાર પડશે એવી વાતો એના નેતાઓ કરે છે, પણ આ ૧૫૦ પ્લસનો આંકડો કોને ફળે છે એ જોવું રહ્યું.

ઍની વે, શૅરબજાર નરમાઈની હૅટ-ટ્રિકમાં ગઈ કાલે ૧૮૧ પૉઇન્ટ ઘટીને ૩૨,૭૬૦ તથા નિફ્ટી ૬૯ પૉઇન્ટની કમજોરીમાં ૧૦,૧૧૮ બંધ રહ્યો છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ નીચામાં ૩૨,૬૮૩ તથા નિફ્ટી ૧૦,૦૯૪ ગયો હતો. સેન્સેક્સના ૩૧માંથી ૬ અને નિફ્ટીના ૫૦માંથી ૧૩ શૅર પ્લસ હતા. નબળા પરિણામ પાછળ સનફાર્મા બન્ને બજારમાં પ્રથમ હરોળમાં જોવા મળે છે. ક્રૂડની નરમાઈ ONGCને અઢી ટકા નડી છે. અનિલ અંબાણી ગ્રુપમાં સાર્વત્રિક અને તગડું ધોવાણ જોવાયું છે. R.કૉમ ૧૨.૧૨ ટકા, રિલાયન્સ કૅપિટલ ૧૦.૨ ટકા, રિલાયન્સ હોમ ૭.૧ ટકા , રિલાયન્સ ઇન્ફ્રા ૯.૨ ટકા, રિલાયન્સ નેવલ ૮.૨ ટકા, રિલાયન્સ પાવર ૮.૫ ટકા તથા રિલાયન્સ નિપ્પૉન ૬.૯ ટકા લથડ્યા છે. સાતમાંથી છ જાતો તો ઐતિહાસિક તળિયે પહોંચી છે. મુકેશભાઈની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં આંતરપ્રવાહ નબળો થઈ રહ્યો છે. શૅર એક દિવસ વધે છે અને બે દિવસ પાછો પડે છે. ગઈ કાલે ભાવ અડધો ટકો ઘટીને ૮૮૨ રૂપિયા હતો. 

બજારમાં માર્કેટ-બ્રેડ્થની કમજોરી વ્યાપક બની છે. NSE ખાતે કુલ ૧૯૮૧ શૅરમાં કામકાજ થયા હતા જેમાંથી વધેલા શૅરની સંખ્યા ૩૭૧ જ હતી. નિફ્ટી બહુ ઝડપથી હવે પાંચ આંકડાની અંદર જશે એમ લાગે છે. સ્મોલ કૅપ, મિડ કૅપ અને બ્રૉડર માર્કેટ ગઈ કાલે એકથી દોઢેક ટકાની નજીક ખરડાયા હતા. સેન્સેક્સ અને નિફ્ટી ખાતે એક પણ ઇન્ડાઇસિસ વધેલો ન હતો. મેટલ ઇન્ડેક્સ તમામ દસ શૅરની બરાબરીમાં સર્વાધિક ત્રણ ટકા પીગળ્યો હતો. બૅન્કિંગ ઉદ્યોગના ૪૦માંથી કેવળ પાંચ શૅર પ્લસ હતા. કૉર્પોરેશન બૅન્ક સવાસાત ટકા તૂટ્યો હતો.

ફોર્ટિસ અને રેલિગેરમાં વૉલ્યુમ સાથે તેજી

ફોર્ટિસ હેલ્થકૅર દ્વારા સિંગાપોર ખાતે લિસ્ટેડ RHT હેલ્થ ટ્રસ્ટની તમામ ઍસેટ્સના પોર્ટફોલિયોને ૪૬૫૦ કરોડ રૂપિયાની એન્ટરપ્રાઇસ વૅલ્યુથી ખરીદી લેવાનું નક્કી થયું હોવાના પગલે ફોર્ટિસ હેલ્થકૅરનો શૅર ગઈ કાલે ઉપરમાં ૧૪૫ રૂપિયા વટાવી છેલ્લે આઠ ટકાના જમ્પમાં ૧૪૦ રૂપિયા બંધ હતો. બન્ને બજાર ખાતે બે કરોડ શૅરના કામકાજ થયા હતા. ગ્રુપ કંપની રેલિગેર એન્ટરપ્રાઇસ પણ અઢી ગણા કામકાજમાં ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૪૬ રૂપિયા બંધ હતો. તો ફોર્ટિસ મલબાર ૬૫ રૂપિયાને વટાવી બન્ને બજારમાં ૧.૪૯ ટકા વધીને ૬૧ રૂપિયા હતો.

ઉક્ત ડીલના પગલે RHTની તમામ ભારતીય સબસિડિયરી ફોર્ટિસ હેલ્થકૅરના કબજામાં આવશે જેમાં ૧૨ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ, ૪ ગ્રીનફીલ્ડ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ, બે હૉસ્પિટલ્સ તથા ફોર્ટિસ હૉસ્પિટલનો ૪૯ ટકા હિસ્સો સામેલ છે. RHTના ૧૧૫૨ કરોડ રૂપિયાના દેવાની જવાબદારી પણ હવે ફોર્ટિસ હેલ્થકૅરની રહેશે. ફોર્ટિસ હેલ્થકૅર હાલમાં RHTમાં પરોક્ષ રીતે ૨૮.૮ ટકા હિસ્સો ધરાવે છે. પ્રમોટર્સ સિંઘ બ્રધર્સ રેલિગેરમાં ૨૫.૩ ટકા હોલ્ડિંગ ધરાવે છે જેમાંથી ૭૮.૪ ટકા માલ ગિરવે છે, જ્યારે ફોર્ટિસમાં તેમનું હોલ્ડિંગ ૩૪.૪ ટકા છે એમાંથી ૯૮ ટકા કરતાંય વધુ માલ ગિરવે પડ્યો છે. સિંઘ બ્રધર્સ આ ગિરવે પડેલા શૅરને વેચીને કંપનીમાંથી એક્ઝિટ લેવા માગે છે, પરંતુ કોર્ટ દ્વારા હજી સુધી લીલી ઝંડી અપાઈ નથી. વિદેશી ઇક્વિટી ફન્ડ TPGને ગિરવે પડેલા શૅર ખરીદી કંપની હસ્તગત કરવામાં રસ હોવાની ચર્ચા ક્યારની ય સંભળાય છે. તોફાની છાપ ધરાવતા સિંઘ બ્રધર્સ ખરેખર આઉટ થાય તો ફોર્ટિસ અને રેલિગેરના શૅરમાં જબરી ફૅન્સી જોવા મળશે.

સનફાર્મામાં નબળાï પરિણામની અસર

સનફાર્મા દ્વારા એકંદર ધારણા મુજબ સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૫૯ ટકાના ધોવાણમાં ૯૧૨ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો દર્શાવતાં શૅર ગઈ કાલે દોઢા કામકાજમાં ઇન્ટ્રા-ડેમાં ૫૦૧ રૂપિયાની બૉટમ બતાવી છેલ્લે ચાર ટકાની નરમાઈમાં પ૦પ રૂપિયા બંધ રહ્યો છે. ગ્રુપ કંપની સ્પાર્ક પણ ૩૯૬ રૂપિયા થઈ અંતે ત્રણ ટકાને ઘટાડે ૩૯પ રૂપિયા રહી છે. તો પેનેસિયા બાયોટેકની ત્રિમાસિક નેટ લૉસ ૪૮ કરોડ રૂપિયાથી ઘટીને ૫.૬ કરોડ રૂપિયા રહેતાં ભાવ ઉપરમાં ૨૭૨ રૂપિયા નજીક જઈ છેલ્લે ૧૦ ટકાના જમ્પમાં રપ૪ રૂપિયા હતો. અન્ય ફાર્મા કાઉન્ટર્સમાં બાયોકૉનમાં ઍનૅલિસ્ટ મીટના પગલે શૉર્ટ કવરિંગ કામે લાગતાં ભાવ દોઢા કામકાજમાં ૩૯૬ રૂપિયાને વટાવી બન્ને ખાતે છ ટકા વધીને ૩૯ર રૂપિયા જોવાયો છે. ગઈ કાલે સમગ્ર ફાર્મા ઉદ્યોગમાં ર૦ શૅર વધ્યા હતા સામે પ૦ જાતો નરમ હતી. સનોફી ઇન્ડિયા રોજના સરેરાશ માંડ ૧૧૫૦ શૅર સામે ગઈ કાલે પપ,૦૦૦ શૅરના વૉલ્યુમમાં નીચા મથાળેથી ૨૨૩ રૂપિયાના જમ્પમાં ૪૬૩૮ રૂપિયા બતાવી અંતે બે ટકાના સુધારામાં ૪૩પ૧ રૂપિયા હતો. બાય ધ વે, નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ ૧૦ શૅરની નરમાઈમાં ગઈ કાલે બે ટકા ઘટ્યો છે. હેલ્થકૅર ઇન્ડેક્સ ૭૦માંથી પ૦ શૅરની નબળાઈમાં ૧.૩૧ ટકા ડાઉન હતો.

૧૫૦ શૅરમાં નેગેટિવ બ્રેકઆઉટ

બજારમાં હાલમાં લગભગ દોઢસો જેટલા શૅરના ભાવ ૩૦ દિવસની સિમ્પલ મૂવિંગ ઍવરેજથી નીચે આવી ગયા છે. સાદી ભાષામાં કહીએ તો આ જાતોમાં નબળાઈ દેખાવા લાગી છે. નેગેટિવ બ્રેકઆઉટ દાખવનાર કેટલાક જાણીતા શૅરનાં નામ આ પ્રમાણે છે : ક્રિસિલ, ઝાયડ્સ વેલનેસ, ટૉરન્ટ પાવર, અદાણી ટ્રાન્સમિશન, ONGC, યુનિયન હોટેલ્સ, મૉન્સૅન્ટો, JSW સ્ટીલ, એજીસ લૉજિસ્ટિક્સ, શ્રી પુકર કેમિકલ્સ, અબાન ઑફશૉર, સુજિત એન્જિનિયરિંગ, કૉફી ડે, ફિલિપ્સ કાર્બન, મેઘાણી ઑગેર્નિક્સ, NMDC, ઇકરા, વિમતા લૅબ, રાણે મદ્રાસ, એસિઅન ગ્રેનિટો, ટ્રેન્ટ, ગોકુલ રેફોઇલ્સ, બન્નારી ખમાન, હૅવેલ્સ ઇન્ડિયા, રામકો સિસ્ટમ્સ, મધરસન સુમિ, ઇંગર ઑલ રેન્ડ, એરિસ લાઇફ, રોહો હોમ, યુકો બૅન્ક, ઝી લર્ન, ABB ઇન્ડિયા, કૉર્પોરેશન બૅન્ક, તાતા કમ્યુનિકેશન, શારદા ક્રૉપ, ગ્રાસિમ, ટીવી ટુડે, ભેલ, ઓરિયેન્ટલ કાર્બન, ગુજરાત મિનરલ્સ, ગોકુલ ઍગ્રો, અવન્તિ ફીડ્સ, મહારાષ્ટ્ર સ્કૂટર્સ, જિન્દલ સ્ટેનલેસ, ઇન્ડિયા બુલ્સ રિયલ્ટી, ક્રેબ્સ બાયો, માન્ટે કાર્લો, બાટા ઇન્ડિયા વગેરે... વગેરે...

દેના બૅન્કમાં ૫૦ ટકાનું ધોવાણ

દેના બૅન્કના શૅર નબળા પરિણામના પગલે નરમાઈની હૅટ-ટ્રિકમાં ગઈ કાલે નીચામાં ર૪ રૂપિયા થયો હતો જે ઑગસ્ટ ૨૦૦૬ પછીની બૉટમ છે. શૅર અંતે ત્રણ ટકાની નબળાઈમાં ર૪ રૂપિયા બંધ હતો. છ મહિના પહેલાં ૯ મેએ આ શૅરમાં ૫૦ રૂપિયાનું ૨૬ મહિનાનું ટૉપ બન્યું હતું. દરમ્યાન ગઈ કાલે BSE ખાતે ભાવની રીતે આશરે છ ડઝન જેટલી જાતો વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નવાં નીચાં તળિયે ગઈ હતી જેમાં સિન્ટેક્સ પ્લાસ્ટ, બેકસેલ્ય-કાલે, આલ્બર્ટ ડેવિડ, ડીએસ કુલકર્ણી, ડાયનામેટિક ટેક્નૉલૉજીઝ, દિશમાન કાર્બોજેન, ફોર્સ મોટર્સ, હિન્દુસ્તાન મિલ્સ, લુપિન, લિપ્સા જેમ્સ, પિનકોન, સ્પિરિટ્સ, R.કૉમ, રિલાયન્સ પાવર, રિલાયન્સ હોમ, રિલાયન્સ ઇન્ફ્રા, રિલાયન્સ નેવલ, શ્રી અધિકારી બ્રધર્સ, વીબી ઇન્ડસ્ટ્રીઝ, શિલ્પી કેબલ, IFGL રિફેક્ટરીઝ, ઇનાની માર્બલ્સ, કૅમ્બ્રિજ ટેક્નૉલૉજીઝ, ક્રિષ્ના વેન્ચર્સ ઇત્યાદિ સામેલ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK