સળંગ ત્રીજા દિવસે માર્કેટ પરચૂરણ સુધારામાં બંધ

ડિક્સન ટેક્નૉલૉજીઝનું ગ્રે માર્કેટમાં તગડું પ્રીમિયમ, ભારત રોડમાં સેલર્સના ભાવ : મર્ક ઇલેક્ટ્રૉનિક્સ સતત બીજા દિવસે ૨૦ ટકાની તેજીની સર્કિટમાં મલ્ટિયર ટોચે બંધ : ઍસ્ટ્રલ પૉલી ઑલટાઇમ હાઈ, ૧૬ દિવસમાં ૧૦૨ રૂપિયાનો ઉછાળો

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

નૉર્થ કોરિયા દ્વારા જપાન ભણી વધુ બે મિસાઇલ છોડવામાં આવતાં એશિયન બજારોનો પ્રારંભ ગઈ કાલે નર્વસ હતો, પરંતુ પછીથી નિરાશાને ખંખેરીને જેવા પડશે એવા દેવાશેના મૂડમાં મોટા ભાગનાં શૅરબજાર સુધારામાં બંધ રહ્યાં છે. જૅપનીઝ નિક્કી અડધો ટકો ઊંચકાયો હતો. ઈવન, સાઉથ કોરિયન કૉસ્પી ઇન્ડેક્સ પણ ૦.૪ ટકા વધીને બંધ રહ્યો છે. ચાઇનીઝ માર્કેટ જોકે અડધો ટકો ડાઉન હતું. સોનું શરૂની મજબૂતીમાં હાજરમાં સાધારણ વધ્યા પછી રનિંગ ક્વોટમાં સવાપાંચ ડૉલરના ઘટાડે ૧૩૨૪ ડૉલર આસપાસ તો વાયદામાં એકાદ ડૉલરની પીછેહઠમાં ૧૩૨૮ ડૉલર દેખાતું હતું. બ્રેન્ટ-ક્રૂડ બૅરલદીઠ ૫૬ ડૉલર નજીક જઈ રનિંગમાં સાધારણ સુધારામાં ૫૫.૬ ડૉલર મુકાતું હતું. એશિયાથી વિપરીત ટ્રેન્ડ યુરોપિયન બજારોમાં જોવા મળતો હતો. ત્યાંનાં બજારો પૉઝિટિવ ઓપનિંગ બાદ સાધારણથી લઈ સવા ટકો નીચે દેખાતાં હતાં. બ્રિટિશ બજારનો લંડન ફુત્સી સવા ટકો નીચામાં ૭૨૦૫ આસપાસ ચાલતો હતો. ઘરઆંગણે શૅરબજાર આગલા બંધથી સાધારણ નરમ ખૂલ્યા બાદ નીચામાં ૩૨,૧૩૮ થયું હતું અને અઢી વાગ્યા સુધી માર્કેટ માઇનસ ઝોનમાં જ જોવાયું હતું. છેલ્લો કલાક બેતરફી અને પ્રમાણમાં શાર્પ વધ-ઘટનો હતો. સેન્સેક્સ એમાં ૩૨,૩૫૬ વટાવીને છેલ્લે ત્રીસેક પૉઇન્ટના સુધારામાં ૩૨,૨૭૨ પ્લસ બંધ આવ્યો છે. નિફ્ટી ૧૦,૦૪૩ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઉપરમાં ૧૦,૧૧૫ બતાવી અંતે સવા પૉઇન્ટના ઘટાડે ૧૦,૦૮૫ રïહ્યો છે.

સેન્સેક્સના ૩૧માંથી ૧૫ તો નિફ્ટીના ૫૧માંથી ૨૧ શૅર વધેલા હતા. ઓએનજીસી નિફ્ટી ખાતે ૪.૩ ટકા તો સેન્સેક્સ ખાતે પોણાપાંચેક ટકાના જમ્પમાં ટૉપ ગેઇનર બન્યો હતો. સામે ડૉ. રેડ્ડીઝ લૅબ બે ટકા જેવી નબળાઈમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર હતો. માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ રહી છે.

એનએસઈ ખાતે ૧૭૬૦ શૅરમાં કામકાજ થયાં હતાં. એમાંથી વધેલા શેરની સંખ્યા ૬૮૯ હતી. બીએસઈમાં કુલ ૨૭૨૫ શૅરમાં ટ્રેડિંગ થયું હતું. ૧૧૧૨ જાતો પ્લસ હતી. મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૩ ટકા નરમ હતો. સામે સ્મૉલ કૅપ બેન્ચમાર્ક ૦.૪ ટકા વધ્યો હતો. જોકે અત્રે ૭૬૧ કાઉન્ટરમાંથી ૩૨૩ શૅર જ સુધર્યા હતા.

આઇટી શૅરની બજારને સારી હૂંફ રહી

ગઈ કાલે એકંદર નબળા આંતરપ્રવાહ વચ્ચે આઇટી શૅર લાઇમલાઇટમાં હતા. આઇટી ઇન્ડેક્સ ૫૮માંથી ૨૯ શૅરની આગેકૂચમાં એક ટકો ઊંચકાયો હતો. ઇન્ફોસિસ પોણાબે ટકાથી વધુના સુધારામાં ૯૦૮ રૂપિયા બંધ આપી સેન્સેક્સ માટે સૌથી વધુ ૩૪ પૉઇન્ટ લાભદાયી નીવડ્યો હતો. ટીસીએસ તથા વિપ્રોની અડધા ટકા જેવી હૂંફથી બજારને બીજા ૧૧ પૉઇન્ટ મળ્યા હતા. ઓરેકલ, એચસીએલ ટેક્નૉલૉજી, માઇન્ડ ટ્રી, ટેક મહિન્દ્ર જેવી અન્ય ફ્રન્ટલાઇન જાતો અડધાથી અઢી ટકા વધી હતી. ટીવીએસ ઇલેક્ટ્રૉનિક્સ ૨૪ ગણા વૉલ્યુમમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટ મારીને છેલ્લે ૧૭.૯ ટકાના જમ્પમાં ૨૨૧ રૂપિયા બંધ હતો. પાવર ઇન્ડેક્સ ૧૮માંથી ૧૬ શૅરના ઘટાડામાં એક ટકાની નજીક કટ થયો હતો. બુલેટ ટ્રેનના કરન્ટમાં આગલા દિવસનો ઊભરો ભેલમાં શમી ગયો છે. ભાવ ગઈ કાલે ચારેક ટકા ઘટીને ૧૩૨ રૂપિયા બંધ રહ્યો છે. અદાણી પાવર, પીટીસી, ટૉરન્ટ પાવર રિલાયન્સ પાવર ઇત્યાદિ સવાથી અઢી ટકા ડાઉન હતા.

ઍસ્ટ્રલ પૉલીમાં ઍનૅલિસ્ટ મીટના પગલે ભાવ બજાર બંધ થવાના ટાંકણે જોરદાર ઉછાળામાં ૭૩૮ રૂપિયાની વિક્રમી સપાટી મેળવી છેલ્લે સવા ટકો વધીને ૭૨૦ રૂપિયા બંધ આવ્યો છે. ૨૨ ઑગસ્ટથી અત્યાર સુધીમાં કામકાજના ૧૬ દિવસમાં આ શૅરમાં ૧૦૨ રૂપિયાનો વધારો જોવાયો છે. ગ્રેફાઇટ ઇન્ડિયા સુધારાને જાળવી રાખતાં ગઈ કાલે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૩૨૪ રૂપિયાની નવી ટૉપે બંધ રહ્યો હતો. વૉલ્યુમ નવ ગણું હતું. અડૂર વેલ્ડિંગ પણ ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૪૫૧ રૂપિયાના નવા શિખરે બંધ આવ્યો છે. ગઈ કાલે બૅન્કિંગ સેક્ટરમાં મિશ્ર વલણ હતું. ૪૦માંથી ૨૦ શૅર ઘટ્યા હતા. જે.કે બૅન્ક સર્વાધિક ૫.૬ ટકા ગગડ્યો હતો. સેન્ટ્રલ બૅન્ક સવાચાર ટકા અને કૉર્પોરેશન બૅન્ક ત્રણ ટકા નરમ હતા. સામે આંધ્ર બૅન્ક સાડાઅગિયાર ટકાની તેજીમાં ૫૯ રૂપિયા નજીક બંધ રહ્યો હતો. હેવી વેઇટ્સ આઇસીઆઇસીઆઇ બૅન્ક, સ્ટેટ બૅન્ક તથા ઍક્સિસ બૅન્ક ૧૮૫૧ રૂપિયાની નવી વિક્રમી સપાટી બનાવી સહેજ વધીને ૧૮૪૯ રૂપિયા હતી.

સિન્ટેક્સ પ્લાસ્ટિક્સમાં નવાં બૉટમ

ગઈ કાલે બીએસઈ ખાતે ભાવની રીતે ૬૪ શૅર એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નવી નીચી સપાટીએ ગયા હતા જેમાં કેટલાંક જાણીતાં નામ નીચે મુજબ છે : ઍલેમ્બિક ફાર્મા, એક્રો ઇન્ડિયા, બંસવાડા સિન્ટેક્સ, બ્લુ બ્લેન્ડ્સ, સી.એલ. એજ્યુકેટ, દિપક સ્પિનર્સ, ઇ-ક્લેરેક્સ, જીઆરપી, આઇએલ ઍન્ડ એફએસ એન્જિનિંયરિંગ, મરાઠવાડા રિફૅક્ટરીઝ, માઇન્ડ ટેક, ઑર્ચિડ ફાર્મા, પેરામાઉન્ટ કોસ્મેટિક્સ, સહારા વન, સંગમ ઇન્ડિયા, શ્રી અધિકારી બ્રધર્સ, સૂર્યલક્ષ્મી કૉટન, વિમલ ઑઇલ, ઝેનસાર ટેક્નૉ, ઍડ્વાન્સ એન્ઝાઇમ, મહાનિવેશ ઇન્ડિયા, સિન્ટેક્સ પ્લાસ્ટિક્સ વગેરે વગેરે... બીજી તરફ ટીવીએસ મોટર્સ, ટીન પ્લેટ, ટાઇમ ટેક્નૉ, તિરુમલાઈ કેમિકલ્સ, બૉમ્બે બર્મા, ઍપ્કોટેક્સ, અડૂર વેલ્ડિંગ, બજાજ ઇલેક્ટ્રિકલ્સ, ઍસ્ટ્રલ પૉલી, બૉમ્બે ડાઇંગ, જેબીએમ ઑટો, બ્રિટાનિયા ઇન્ડ, દીવાન હાઉસિંગ, એડલવાઇસ, એમ્કે ગ્લોબલ, ડી-માર્ટ, જિલેટ, ગૃહ ફાઇનૅન્સ, ગુજરાત આલ્કલીઝ, મનપસંદ બેવરેજિસ ઇત્યાદિ સહિત ૧૦૬ શૅરમાં ઐતિહાસિક ઊંચી સપાટી બની હતી. 

ડિક્સન ને ભારત રોડનું સોમવારે લિસ્ટિંગ


કન્ઝ્યુમર ઇલેક્ટ્રૉનિક્સ ક્ષેત્રની ડિક્સન ટેક્નૉલૉજીઝ તથા રોડ કન્સ્ટ્રક્શન બીઓટી સેગમેન્ટની ભારત રોડ નેટવર્ક્સનું લિસ્ટિંગ સોમવારે થશે. ડિક્સનના શૅરની ઇશ્યુ-પ્રાઇસ ૧૭૬૬ રૂપિયા હતી. ૬૦૦ કરોડ રૂપિયાનો આ ઇશ્યુ લગભગ ૧૧૮ ગણો છલકાયો હતો. હાઈ નેટવર્થ પોર્શન ૩૪૫ ગણો તથા રીટેલ પોર્શન સાડાદસ ગણો ભરાયો હતો. શ્રેઇ ઇન્ફ્રાની સબસિડિયરી ભારત રોડ નેટવર્ક્સનો ઇશ્યુ પોણાબે ગણાથી થોડોક વધુ ભરાયો હતો. ઇશ્યુ-પ્રાઇસ ૨૦૫ રૂપિયા હતી. ૬૦૦ કરોડ રૂપિયાનો આ ઇશ્યુ રીટેલમાં ૫.૭ ગણો તથા હાઈ નેટવર્થ પોર્શનમાં ૧.૬ ગણો ભરાયો હતો. ડિક્સનમાં હાલ ગ્રે માર્કેટમાં ૭૨૦-૭૨૫ રૂપિયાના પ્રીમિયમ છે. એ જોતાં લિસ્ટિંગ ૨૪૫૦-૨૫૦૦ રૂપિયા થાય તો નવાઈ નહીં. જોકે આ ભાવ પછી કેટલો ટકશે એ જોવું રહ્યું. ઇશ્યુને મળેલો જબરો રિસ્પૉન્સ ગ્રે માર્કેટના ઊંચા પ્રીમિયમ માટે કારણભૂત છે. ભારત રોડમાં અત્યારે ૨-૩ રૂપિયાના સેલર બોલાય છે. અહીં પ્રીમિયમ એક તબક્કે ઉપરમાં ૧૨-૧૩ રૂપિયા થયું હતું. શુગર બજારનો રંગ જોતાં ભારત રોડ લિસ્ટિંગના દિવસે બિલો-પાર થવાની આશંકા છે.

મર્ક ઇલેક્ટ્રૉનિક્સ મલ્ટિયર ટોચે બંધ


ઇલેક્ટ્રૉનિક્સ પ્રોડક્ટ્સ બિઝનેસમાં પ્રવૃત્ત મર્ક ઇલેક્ટ્રૉનિક્સ દ્વારા જૂન ક્વૉર્ટરમાં ૧૩.૭ ટકાના ઘટાડા સાથે ૨૦૭ કરોડ રૂપિયાની આવક પર ૨૮૮ ટકાના વધારામાં ૪૫૦ લાખ રૂપિયાનો ચોખ્ખો નફો દર્શાવતા શૅર બૅક-ટુ-બૅક ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ગઈ કાલે બાર ગણા કામકાજમાં ૨૪ રૂપિયા પ્લસ બંધ રહ્યો છે જે જૂન ૨૦૧૧ પછીની ઊંચી સપાટી કહી શકાય. ૨૨ ડિસેમ્બર ૨૦૦૩માં ભાવ ૪૧.૫૬ રૂપિયાની વિક્રમી સપાટીએ હતો, જ્યારે ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૩માં ૩.૭૮ રૂપિયાની ઑલટાઇમ બૉટમ બની હતી. ફેસવૅલ્યુ એક રૂપિયો અને બુકવૅલ્યુ ૬.૩૦ રૂપિયા છે. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૫૭.૭ ટકા છે જેમાંથી ૩૪.૮ ટકા શૅર ગિરવે છે. બેનેટ કોલમૅન પાસે ૭.૩ ટકા માલ છે. પિઅર ગ્રુપમાં ગઈ કાલે વિડિયોકૉન ઇન્ડસ્ટ્રીઝ પોણાપાંચ ટકા તૂટીને ૧૮.૩૦ રૂપિયા બંધ હતો. બીપીએલ લિમિટેડ અઢી ટકાના ઘટાડે ૭૨ રૂપિયા, પીજી ઇલેક્ટ્રૉપ્લાસ્ટ બે ટકા ઘટીને ૩૫૭ રૂપિયા તો સલોરા ઇન્ટરનૅશનલ પોણા ટકા જેવા સુધારામાં ૪૭ રૂપિયા બંધ હતા. બાય ધ વે, મર્ક ઇલેક્ટ્રૉનિક્સમાં ગઈ કાલે બન્ને બજાર ખાતે કુલ મળીને લગભગ બે કરોડ શૅરના કામકાજ થયાં હતાં. પોણાદસેક લાખ શૅરના બાયર લાઇનમાં હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK