બજારને ગ્લોબલ કિક: હવે લક્ષ્ય ૧૨ હજાર

ક્રૂડ ને કરન્સીના ચિંતાયુક્ત માહોલમાં બજારને મળી રહી છે કિક: એક સપ્તાહમાં તો નિફ્ટી ૧૧ હજારની ઉપર ને સેન્સેક્સ ૩૬,૫૦૦ની ઉપર પહોંચી ગયા : કૉર્પોરેટ ક્વૉર્ટરલી અર્નિંગ્સ બજારને નવી કિક આપશે એવી આશા વચ્ચે સાવચેતીનો અને સિલેક્ટિવ અભિગમ રાખવો

BSE

શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા

એક તરફ વિશ્વમાં વેપારયુદ્ધનો આરંભ થઈ ગયો છે, જેમાં અત્યારે તો અમેરિકા અને ચીન આમને-સામને છે, પણ આ યુદ્ધની અસર ભારત સહિત અન્ય દેશો પર જરાય ન થાય એવું બની ન શકે. આવા તંગ વાતાવરણ વચ્ચે પણ એક જ સપ્તાહમાં આપણું બજાર એક હજાર પૉઇન્ટ જેટલું વધી ગયું અને સેન્સેક્સે ૩૬,૫૦૦નું અને નિફ્ટીએ ૧૧ હજારનું લેવલ ક્રૉસ કરી બજારને પ્લેઝન્ટ સરપ્રાઇઝ આપી છે. માર્કેટમાં મંદી તો નહોતી, પણ તેજીને વેગ પ્રાપ્ત થયો હોય એવો માહોલ બન્યો કહી શકાય.

શૅરબજારના ટ્રેન્ડ અને તાજેતરમાં એને અસરકર્તા પરિબળોને ધ્યાનમાં રાખતાં વર્તમાન સંજોગોમાં રોકાણકારવર્ગ એનાથી મહદંશે દૂર રહેતો હોય છે, જેમાં પણ ખાસ કરીને ગ્લોબલ સંજોગો, રૂપી કરન્સીની હાલત તેમ જ ભાવિ રાજકીય અનિશ્ચિતતાને લક્ષ્યમાં લેતાં વિદેશી રોકાણકારો ૨૦૧૯ના ચૂંટણીપરિણામ સુધી બજારથી દૂર રહે અથવા અહીં સક્રિય ન રહે એવી ધારણા વ્યાપક અને નક્કર બની રહી છે. આપણે ગયા વખતે પણ વાત કરી હતી કે અત્યારે બજાર સામે પૉઝિટિવ કરતાં નેગેટિવ પરિબળો વધુ છે, જેમાં રાજકીય અને ગ્લોબલ અનિશ્ચિતતા ભળેલી હોવાથી નકારાત્મક અસર વધુ થાય છે. એમ છતાં ગયા સપ્તાહમાં ગ્લોબલ અસરને પરિણામે બજાર સુધારાતરફી રહ્યું હતું.

ગયા સોમવારે બજારે પૉઝિટિવ શરૂઆત કરી સડસડાટ વધતાં રહી સેન્સેક્સમાં પોણાત્રણસો પૉઇન્ટ અને નિફ્ટીમાં ૮૦ પૉઇન્ટનો વધારો નોંધાવ્યો હતો. આ માટે અમેરિકાના મજબૂત જૉબડેટા અને જપાન તરફથી હળવી નાણાનીતિના સંકેત જવાબદાર હતા. જોકે ગયા સપ્તાહથી ટ્રેડ-વૉરનો આરંભ થઈ ગયો છે. ચીન અને અમેરિકા આમને-સામને છે, જેણે ગ્લોબલ સ્તરે ચિંતા જરૂર જગાવી છે, પણ આ સાથે વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિ પર વિશ્વાસ પણ વધી રહ્યો છે. મંગળવારે આ જ આશા સાથે અને ગ્લોબલ માર્કેટ્સના સુધારાને પગલે સેન્સેક્સ ૩૦૦ પૉઇન્ટ ઉપર અને નિફ્ટી ૯૦ પૉઇન્ટ ઉપર વધીને બંધ રહ્યા હતા, જેમાં સેન્સેક્સ ૩૬ હજારનું લેવલ ક્રૉસ કરી ઉપર બંધ આવ્યો અને નિફ્ટી ૧૧ હજારના લેવલ નજીક પહોંચી ગયો હતો. બજારના ઉછાળામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને HDFC તેમ જ HDFC બૅન્કનો ફાળો ઊંચો હતો. બુધવારે બજાર આમ તો પૉઝિટિવ રહીને ૧૦૦ પૉઇન્ટ ઉપર પણ ગયું હતું, પણ આખરમાં એ ૨૬ પૉઇન્ટ જેટલું સાધારણ ઊંચું બંધ રહ્યું હતું. મહત્વનું એ કે બજારે સુધારો ચાલુ રાખ્યો હતો. ગુરુવારે બજારે ફરી નવો વેગ ધારણ કરી સેન્સેક્સમાં ૨૮૨ અને નિફ્ટીમાં ૭૫ પૉઇન્ટનો ઉછાળો નોંધાવ્યો હતો. આમ લાંબા સમય બાદ નિફ્ટીએ ૧૧ હજારનું લેવલ વટાવ્યું હતું. એકંદરે બજારમાં બુલની બોલબાલા હતી. ગુરુવારનો બજારનો ઉછાળો ગ્લોબલ સારા સંકેત ઉપરાંત ક્રૂડના ભાવને પણ આભારી હતો. શુક્રવારે બજારે સુધારો ચાલુ રાખ્યો હતો, પણ બંધ થતાં પહેલાં નફો બુક થવાનું ચલણ વધતાં સેન્સેક્સ અને નિફ્ટી બન્ને નગણ્ય ઘટીને બંધ રહ્યા હતા.

વ્યાજદર અને મોંઘવારી

મોંઘવારીનો વધેલો દર ચિંતાનો વિષય છે, જેને પરિણામે ઑગસ્ટમાં જાહેર થનારી નાણાનીતિમાં પણ રિઝર્વ બૅન્ક પરના વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવે એવી શક્યતા ઘટી ગઈ છે, જ્યારે વ્યાજદર વધે એવી સંભાવના વધી છે. આ ઉપરાંત જૂનમાં ઔદ્યોગિક ઉત્પાદનની વૃદ્ધિનો દર પણ નીચે ગયો છે. જોકે એની સામે હાલ ક્રૂડના વધતા અટકેલા અને ઘટવા લાગેલા ભાવ એક મોટું આશ્વાસન છે. એમ છતાં ક્રૂડની અનિશ્ચિતતા ઊભેલી ગણાય તેમ જ રૂપિયાની સ્થિતિ પણ અધ્ધર કહી શકાય.

ઇન્ડેક્સનો વધારો મોટો

સ્માર્ટ ઇન્વેસ્ટરો આ તેજીથી અંજાઈ ગયા નથી અને જશે પણ નહીં. તેઓ આ તબક્કાનો વ્યૂહાત્મક ઉપયોગ કરશે, કેમ કે આ તેજીમાં બે બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે, એક આ તેજી મહદંશે ઇન્ડેક્સ આધારિત તેજી છે, એટલે કે ઇન્ડેક્સમાં રહેલા અને એમાં વધુ વેઇટેજ ધરાવતા ચોક્કસ શૅરોના ભાવ વધવાને કારણે છે. બીજું, આમાં ઓવરબૉટ સિચુએશન પણ છે. આખું ને આખું બજાર વધ્યું નથી. માર્કેટ ફન્ડામેન્ટલ્સમાં સુધારો ઓછો છે, જ્યારે સેન્ટિમેન્ટમાં સુધારો વધુ છે.

ફૉરેન ઇન્વેસ્ટરોનાં ટ્રેન્ડ-સેન્ટિમેન્ટ

જોકે નોંધનીય વાત એ છે કે ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરોએ એપ્રિલથી જૂનમાં ભારે વેચવાલી કર્યા બાદ છેલ્લા અમુક દિવસોથી ભારતીય બજારમાં ૩૦૦૦ કરોડ રૂપિયાની ખરીદી કરી છે. આ પહેલાંના ત્રણ મહિનામાં તેઓ ૬૧,૦૦૦ કરોડ રૂપિયા પાછા લઈ ગયા છે. હવે પછી તેમની મોટી અને સાતત્યપૂર્ણ ખરીદી ૨૦૧૯ના પરિણામ બાદ આવશે એવી શક્યતા છે, સિવાય કે અત્યારના લેવલથી બજાર ૮થી ૧૦ ટકા કરેક્શન પામે તો વાત જુદી થઈ શકે, તેમની ખરીદી આવી શકે. બાકી અત્યારે તો તેમને વર્તમાન વૅલ્યુએશન ઊંચાં લાગે છે અને ભાવ નીચા જવાની શક્યતા પણ દેખાય છે. અમેરિકન ઇકૉનૉમીના ફેરફાર સાથે તેમ જ વ્યાજદરના વધારા સાથે વિદેશી રોકાણકારો ઇમર્જિંગ માર્કેટમાંથી રૂપિયા પાછા ખેંચવા લાગ્યા હોવાનું અનુમાન છે. છેલ્લા ૨૧ મહિનામાંથી (ઑક્ટોબર ૨૦૧૬થી જૂન ૨૦૧૮) વિદેશી રોકાણકારોએ ૧૬ મહિનામાં નેટ સેલ કર્યું છે.

ક્વૉર્ટરલી પરિણામની કિક

ચાલુ નાણાકીય વરસના પ્રથમ ક્વૅાર્ટરનાં પરિણામની મોસમ શરૂ થઈ છે, જે માટે બજારમાં સારો આશાવાદ છે. આ પરિણામ સારાં અને પૉઝિટિવ રહેવાની આશાએ બજારને બૂસ્ટ મળશે, જોકે સિલેક્ટિવ રહેવું પડશે. બજાર આ કૉર્પોરેટ્સ પરિણામ-અર્નિંગ્સને ધ્યાનમાં રાખી વધ-ઘટ કરે તો નવાઈ નહીં. મંગળવારે TCSનાં પરિણામ એકંદરે સારાં રહ્યાં હતાં. ઇન્ડસઇન્ડ બૅન્કે પણ સારી કામગીરી નોંધાવી છે. હવે ક્વૉર્ટરલી પરિણામ પર જ બજારની નજર અને ચાલ રહેશે. આ ક્વૉર્ટરમાં બજાર યા ચોક્કસ શૅરો કંપનીઓનાં ક્વૉર્ટરલી પરિણામને આધારે ચાલશે. આ પરિણામ સારાં રહેવાની આશા ઊંચી છે. આ સારાં પરિણામ જે-તે ãસ્ક્રપને વધવાની કિક આપશે એવું કહી શકાય.

આગામી ટ્રેન્ડની ધારણા

નિષ્ણાત વર્ગ એક ધારણા એવી બાંધી રહ્યો છે કે જૂન ક્વૉર્ટરનાં કૉર્પોરેટ અર્નિંગ્સ સારાં રહેશે અને તેને પરિણામે નિફ્ટી આ વરસના અંત સુધીમાં ૧૧,૫૦૦ સુધી પણ જઈ શકે, જોકે એ પહેલાં ટેક્નિકલ દૃષ્ટિએ નિફ્ટી ૧૧,૧૭૧નું લેવલ હાંસલ કરશે, ત્યાંથી આગળ જઈ શક્યો તો ઉપરનું નવું લેવલ બનાવશે. જોકે સાવચેતી ખાતર આ વર્ગ કહે છે કે વર્તમાન કરન્સી, ક્રૂડ અને ટ્રેડ-વૉરનાં પરિબળોને કારણે નિફ્ટી ૧૦૦થી ૧૫૦ પૉઇન્ટ કરેક્શન પણ બતાવી શકે છે. આ સંજોગોમાં રોકાણકારો લાર્જ કૅપ શૅરો ડાઉન માર્કેટ વખતે જમા કરે અને જાળવી રાખે એ જરૂરી છે. અમુક મિડ કૅપ શૅરો પણ રિકવર થશે, જે અત્યારે નોંધપાત્ર ઘટી ગયા છે, એને વધુ સમય આપવો પડે એવું બની શકે. આશાવાદીઓ આ વરસના અંત સુધીમાં ૧૨ હજારના નિફ્ટીની પણ અપેક્ષા રાખી રહ્યા છે.

નાની ખાસ વાત

૨૦૧૮ના બાકીના સમયગાળામાં રોકાણકારો ડિફેન્સિવ અભિગમ રાખે એવો અંદાજ છે, કારણ કે ૨૦૧૯ના જનરલ ઇલેક્શનનું ચિત્ર આ તબક્કે સ્પષ્ટ થતું નથી. પરિણામે રોકાણકારો તેલ અને તેલની ધાર જોઈ આગળ વધવામાં માને છે, જ્યારે સ્માર્ટ ઇન્વેસ્ટરો શૅર અને શૅરની ચાલ જોઈ આગળ વધવામાં માને છે, પરિણામે તેઓ સિલેક્ટિવ ધોરણે ખરીદી કરતા જઈ શૅર જમા કરી રહ્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK