ફુગાવો અને ક્રૂડના વધતા ભાવ જોતાં રેટ-કટ પર પ્રશ્નાર્થ, બજાર ૩૩,૦૦૦ નીચે

કૅડિલા હેલ્થકૅરમાં સારા પરિણામ બાદ પ્રૉફિટ-બુકિંગ : વકરાંગીમાં શૅરદીઠ એકના ધોરણે બીજી વખતનું બોનસ : ખાદિમ ઇન્ડિયાનું લિસ્ટિંગ, ભાવ આખો દિવસ ડિસ્કાઉન્ટમાં રહ્યો

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ઑક્ટોબર મહિનામાં જથ્થાબંધ ભાવાંકની રીતે ફુગાવાનો દર ૩.પ૯ ટકાની સાત મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. વિશ્વબજારમાં ક્રૂડના ભાવમાં મક્કમ ગતિએ તેજીની ચાલ કામે લાગી છે. આથી હવે પછીના ગાળામાં મોંઘવારીના મોરચે ચિંતા વધવાની છે. આ સંજોગોમાં રિઝર્વ બૅન્ક દ્વારા રેપો-રેટમાં ઘટાડો આવે એવી શક્યતા ધૂંધળી બની છે. રાજ્યોનાં ખાસ કરીને ગુજરાતનાં ચૂંટણીપરિણામોને લઈને પણ શાસક પક્ષ માટે વત્તે- ઓછે અંશે ચડાણ કપરાં હોવાની લાગણી થોડી વ્યાપક બનવા માંડી છે. આગામી ચાર-છ મહિનામાં મીનિંગફુલ કરેક્શન આવે તો નવાઈ નહીં. જે લોકો જેન્યુઇન ઇન્વેસ્ટર છે તેમણે હાલમાં ૩પ,૦૦૦ના સેન્સેક્સ અને ૧૧,પ૦૦ના નિફ્ટીની વાતો માણવી પણ ત્યાં સુધી નવું મોટું રોકાણ કરવાથી દૂર રહેવું ડહાપણભર્યું પુરવાર થશે. મોટું કરેક્શન આવે ત્યારે રોકાણની બહેતરીન તક મળશે એ વાત નક્કી છે. એની વે, શૅરબજાર ગઈ કાલે સહેજ નરમ ખૂલ્યા બાદ ઉપરમાં ૩૩,૧ર૬ અને નીચામાં ૩ર,૯૦૭ બતાવી છેલ્લે ૯ર પૉઇન્ટ જેવી વધુ પીછહેઠમાં ૩ર,૯૪ર નજીક બંધ રહ્યું છે. નિફ્ટી ૧૦,૧૭પની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ ૩૮ પૉઇન્ટની નરમાઈમાં ૧૦,૧૮૬ દેખાયો છે. સેન્સેક્સ ખાતે ૩૧માંથી ૧૧ તો નિફ્ટીના પ૦માંથી ૧૬ કાઉન્ટર પ્લસ હતાં. હીરો મોટોકૉર્પ બે ટકા જેવી મજબૂતીમાં બન્ને બેન્ચમાર્ક ખાતે ટૉપ ગેઇનર બન્યો હતો. BPCL, ઓરોબિંદો ફાર્મા, લાર્સન, વેદાન્ત, TCS, સનફાર્મા, IOC સહિત ડઝન જેટલા શૅર નિફ્ટીમાં દોઢથી પાંચ ટકા ડાઉન હતા. માર્કેટ-બ્રેડ્થ સારી એવી નેગેટિવ રહી છે. NSEમાં ૧૮૦૪ શૅરના સોદા પડ્યા હતા જેમાંથી ૬૯૯ શૅર પ્લસ હતા.

બૅન્કેક્સ તથા બૅન્ક નિફ્ટી આમ તો સાધારણ ઘટાડામાં હતા, પણ ભ્લ્શ્ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅરની નરમાઈમાં પોણા ટકાની નજીક માઇનસ હતો. વળી સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગના ૪૦માંથી માત્ર ૭ કાઉન્ટર સુધારામાં બંધ રહી શક્યાં હતાં જેમાં જે કે બૅન્ક અઢી ટકા સાથે મોખરે હતો. સામે ધનલક્ષ્મી બૅન્ક, યુનાઇટેડ બૅન્ક, કરુર વૈશ્ય બૅન્ક, વિજયા બૅન્ક, ફેડરલ બૅન્ક, દેના બૅન્ક, યુનિયન બૅન્ક, સ્ટૅન્ચાર્ટ બૅન્ક, PNB, કૅનેરા બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, IOB ઇત્યાદી દોઢથી સાડાચાર ટકા તૂટ્યા હતા. તાતા ગ્રુપની ટિન પ્લેટ કંપની નરમ બજારમાં નવ ગણા વૉલ્યુમમાં ર૦ ટકાની ઉપલી સર્કિટે ર૮૮ રૂપિયા બંધ હતી. વેન્ડીઝ ઇન્ડિયા સાત ગણા વૉલ્યુમમાં ર૩૧૩ રૂપિયાના આગલા બંધ સામે ઉપરમાં ર૬ર૬ રૂપિયા બતાવી અંતે ૧૧.૬ ટકા કે ર૬૯ રૂપિયાની તેજીમાં રપ૮૩ રૂપિયા નજીક હતો.

ખાદિમ ઇન્ડિયાનું ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ

બજારમાં IPOમાં નબળા લિસ્ટિંગનો સિલસિલો શરૂ થયો હોય એમ લાગે છે. શૅરદીઠ ૭પ૦ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસવાળા ખાદિમ ઇન્ડિયાનો IPO ગઈ કાલે BSE ખાતે ૭ર૭ રૂપિયા ખૂલી નીચામાં ૬૭૭ રૂપિયા થઈ છેલ્લે ૬૮૮ રૂપિયા બંધ હતો. વૉલ્યુમ પ.૩૦ લાખ શૅરનું હતું. NSE ખાતે ભાવ ૭૩૦ રૂપિયા ખૂલી નીચામાં ૬૮૦ રૂપિયા બતાવી અંતે ૬૮૯ રૂપિયા હતો. કામકાજ ર૯ લાખ શૅરના હતા. ફુટવેર રીટેલર આ કંપનીનો પ૪૩ કરોડ રૂપિયાનો IPO ૧.૯ ગણો ભરાયો હતો. આગલા દિવસે ડિસ્કાઉન્ટમાં લિસ્ટેડ થયેલો ન્યુ ઇન્ડિયા ઍશ્યૉરન્સ ગઈ કાલે વધુ ઘટાડામાં ૬૯૩ રૂપિયા થઈ છેલ્લે ત્રણ ટકાની નરમાઈમાં ૭૦ર રૂપિયા હતો. મહિન્દ્ર લૉજિસ્ટિક્સ નીચામાં ૪૧૯ રૂપિયા થયા બાદ અંતે સાધારણ ઘટી ૪રપ રૂપિયા હતો. જનરલ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન ઉપરમાં ૮૩૩ રૂપિયા થયા બાદ દોઢેક ટકાના સુધારામાં ૮ર૩ રૂપિયા હતો. તો ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ બે ટકાની નબળાઈમાં ૧પ૩૮ રૂપિયા અને ગોદરેજ ઍગ્રોવેટ બે ટકા ઘટીને પર૯ રૂપિયા, SBI લાઇફ પોણા ટકાના ઘટાડે ૬૬૦ રૂપિયા બંધ હતા.

રેપ્કો હોમમાં સારા પરિણામની તેજી


રેપ્કો હોમ ફાઇનૅન્સનો ત્રિમાસિક નેટ પ્રૉફિટ બાવીસ ટકા વધીને પ૬ કરોડ રૂપિયા આવતાં શૅર ગઈ કાલે ઉપરમાં ૬૭૧ રૂપિયા નજીક જઈ અંતે નવ ગણા કામકાજમાં સાતેક ટકા ઊછળીને ૬૩૧ રૂપિયા બંધ આવ્યો છે તો વકરાંગી દ્વારા પ૦ ટકાના વધારામાં ૧૯૦ કરોડ રૂપિયાના ત્રિમાસિક ચોખ્ખા નફા સાથે શૅરદીઠ એક બોનસ જાહેર થતાં ભાવ ૬પ૯ રૂપિયાની વિક્રમી સપાટી બનાવી અંતે સાડાપાંચ ટકાના જમ્પમાં ૬૪૯ રૂપિયા હતો. ફેસવૅલ્યુ એક રૂપિયો છે. કંપનીએ છેલ્લું અને મેઇડન બોનસ ફેબ્રુઆરી ર૦૧રમાં આપ્યું હતું એ પણ શૅરદીઠ એકના ધોરણે હતું અને ત્યારે ૧૦ રૂપિયાના શૅરનું એક રૂપિયામાં વિભાજન પણ જાહેર કરાયું હતું. ભારતી ઇન્ફ્રાટેલમાં જંગી બ્લૉક ડીલના કારણે બન્ને બજાર ખાતે ૧૩૭૧ લાખ શૅરના કામકાજ થયાં હતાં. ભાવ BSE ખાતે ચાર ટકાથી વધુ નરમાઈમાં ૩૯૪ રૂપિયા તો NSE ખાતે સાડાચાર ટકાની ખરાબીમાં ૩૯૭ રૂપિયા નજીક બંધ હતો. બૅન્ક ઑફ બરોડા તરફથી પ્રોવિઝનના ભારમાં ૩૬ ટકા ઘટાડામાં ૩પપ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો દર્શાવાયો છે. જોકે નેટ અને ગ્રોસ NPAમાં સાધારણ ઘટાડાની સ્થિતિ ઍસેટ્સ ક્વૉલિટીમાં સુધારો સૂચવે છે. ભાવ ગઈ કાલે દોઢ ટકો વધીને ૧૭૪ રૂપિયા બંધ આવ્યો છે. રૉયલ એન્ફીલ્ડ ફેમ આઇશર મોટર્સે પર૬ કરોડ રૂપિયાની એકંદર ધારણા સામે ર૩ ટકા જેવા વધારામાં ૪૮૬ કરોડ રૂપિયાનો નેટ પ્રૉફિટ કર્યો છે. સળંગ બીજા ત્રિમાસિક ગાળામાં નફો ધારણાથી ઓછો આવ્યો છે. શૅર દોઢ ટકા કે ૪૭૯ રૂપિયાના ઘટાડે ૩૦,૦૮૩ રૂપિયા બંધ રહ્યો હતો.

કૅડિલાના પરિણામ બાદ સુધારો ધોવાયો

કૅડિલા હેલ્થકૅર દ્વારા સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૩૭ ટકાના વધારામાં ૩ર૩૪ કરોડ રૂપિયાની આવક પર ૩૩ ટકાના વૃદ્ધિદરથી પ૦૩ કરોડ રૂપિયાનો નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. બજારની એકંદર ધારણા ૪૯પ કરોડ રૂપિયાના ચોખ્ખા નફાની હતી. પરિણામ બાદ શૅર સુધારામાં ઉપરમાં ૪૬૯ રૂપિયા નજીક ગયા બાદ ભારે પ્રૉફિટ-બુકિંગ શરૂ થતાં નીચામાં ૪૪૩ રૂપિયા થઈ અંતે અડધા ટકાના ઘટાડે ૪૪૮ રૂપિયા બંધ રહ્યો છે. વૉલ્યુમ ત્રણ ગણાથી વધુ હતું. તો જેના રિઝલ્ટ બજાર બંધ થયા પછી આવવાના હતા એ સનફાર્મા ૬૪ ટકાના ઘટાડામાં ૮૦ર કરોડ રૂપિયાનો ત્રિમાસિક બતાવશે એવી એકંદર ધારણા હેઠળ ગઈ કાલે ઉપરમાં પ૩૭ રૂપિયા અને નીચામાં પ૧૭ રૂપિયા થઈ અંતે એક ટકાના ઘટાડે પર૬ રૂપિયા હતો. ઇન્ડોકો રેમડિઝમાં ૧પ અને ૧૬ નવેમ્બરે ઍનૅલિસ્ટા / ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર -મીટની નોટિસ જારી થતાં ભાવ ગઈ કાલે ત્રણ ગણા કામકાજમાં ઉપરમાં ર૮૭ રૂપિયા બતાવી અંતે ૯.૪ ટકાના ઉછાળે ર૭૯ રૂપિયા રહ્યો હતો. હેસ્ટર બાયો સાયન્સ અઢી ગણા વૉલ્યુમમાં ઉપરમાં ૧ર૬૧ રૂપિયા વટાવી છેલ્લે ૭ ટકાની તેજીમાં ૧૧૭૮ રૂપિયા હતો. ટૉરન્ટ ફાર્મા, ડિવીઝ લૅબ, ડૉ. લાલ પેથલૅબ્સ, FDC, કૅપ્લિન પૉઇન્ટ, SMS ફાર્મા ઇત્યાદી બેથી ત્રણ ટકા અપ હતા. 

અનિલ ગ્રુપના શૅરમાં વધી રહેલો મંદવાડ

રિલાયન્સ કમ્યુનિકેશન દ્વારા ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં કન્સોલિડેટેડ ધોરણે ૧પર કરોડ રૂપિયાના ચોખ્ખા નફા સામે આ વખતે ૩૯૧૯ કરોડ રૂપિયાની નેટ ખોટ દર્શાવાઈ છે. કંપની ર૦ર૦માં પાકતા અમેરિકન બૉન્ડ પરના વ્યાજની ચુકવણીમાં ગ્રેસ પિરિયડ પછી પણ ડિફૉલ્ટ થઈ ચૂકી છે. ઇન્ટરનૅશનલ ડેટ-માર્કેટમાં આ હાઈ પ્રોફાઇલ ડિફૉલ્ટના પગલે અનિલ ગ્રુપને લઈ વિશ્વાસની કટોકટી વધુ ઘેરી બની છે. આગલા દિવસના ૧૪ ટકાના કડાકાને આગળ ધપાવતાં ય્.કૉમનો શૅર ગઈ કાલે બમણા કામકાજમાં ૧૧.૩પ રૂપિયાનું નવુ ઑલટાઇમ બૉટમ બતાવી છેલ્લે પાંચ ટકાની નરમાઈમાં ૧૧.પપ રૂપિયા બંધ હતો. રિલાયન્સ નેવલ ૪પ રૂપિયાના નવા નીચા તળિયે જઈ છેલ્લે પોણા ટકો ઘટી ૪૭ રૂપિયા રહ્યો છે. તો તાજેતરમાં લિસ્ટેડ થનાર રિલાયન્સ નિપ્પૉન ર૭૦ રૂપિયાના ઐતિહાસિક તળિયે જઈ અંતે સાડાચાર ટકાની ખરાબીમાં ર૭૩ રૂપિયા હતો. એ જ પ્રમાણે રિલાયન્સ હોમમાં પણ ૭૧ રૂપિયાનું ઓલટાઈમ બૉટમ બન્યા બાદ ભાવ ૩.૭ ટકા ગગડીને ૭૧ રૂપિયા પ્લસ જોવાયો છે. રિલાયન્સ કૅપિટલ અડધો ટકો વધ્યો હતો. રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઇન્ફ્રા આગલા લેવલે ફ્લેટ બંધ હતા. મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક કદમ આગે દો કદમ પીછેના તાલમાં ગઈ કાલે સવા ટકો વધીને ૮૮૬ રૂપિયા બંધ રહ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK