ફુગાવાની ફિકર જાગતાં બજાર બીજા દિવસે પણ સુધારો જાળવવામાં નિષ્ફળ

એચડીએફસી બૅન્ક પ્રથમ વાર ટીસીએસથી આગળ નીકળી ગઈ : ભેલમાં બુલેટ ટ્રેનનો મોટા ભાગનો ઉછાળો શમી ગયો : જૅપનીઝ ટેકઓવરની હવાને રદિયો અપાતાં અસાહી ઇન્ડિયા ગ્લાસમાં કડાકો : અનુષ્કા શર્મા સાથે સંયુક્ત સાહસની જાહેરાતનો કરન્ટ સુદિતિમાં જળવાયો નહીં


શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

વિશ્વબજારોના મિશ્ર વલણ વચ્ચે ઘરઆંગણે શૅરબજાર આગલા બંધથી ગઈ કાલે ૧૦૩ પૉઇન્ટના ગૅપમાં ઉપર ખૂલીને ઇન્ટ્રા-ડેમાં ૩૨,૩૨૮ થયું હતું. જોકે પ્રારંભિક દોઢેક કલાકનું આ મજબૂત વલણ જથ્થાબંધ ભાવાંકની રીતે ફુગાવો વધીને ચાર મહિનાની ટોચે ગયાના આંકડા આવવાની સાથે કમજોરીમાં ફેરવાઈ ગયું હતું. બજાર નીચામાં આગલા લેવલની સાવ નજીક જઈ અંતે ૫૫ પૉઇન્ટના સામાન્ય સુધારામાં ૩૨,૨૪૨ નજીક બંધ રહ્યું છે. નિફ્ટી ૧૦,૧૨૬ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ છેલ્લે સાત પૉઇન્ટ વધીને ૧૦,૦૮૬ આવ્યો છે. માર્કેટ-બ્રેડ્થમાં ફિફ્ટી-ફિફ્ટીનો રંગ હતો. ગઈ કાલની મહત્વની ઘટના માર્કેટ કૅપની રીતે એચડીએફસી બૅન્ક સત્તાવાર રીતે ટીસીએસથી આગળ નીકળી ગઈ એ છે. એચડીએફસી બૅન્કના ૪,૭૫,૮૦૨ કરોડ રૂપિયાના માર્કેટ કૅપ સામે ટીસીએસનું માર્કેટ કૅપ ૪,૭૪,૮૨૦ કરોડ રૂપિયા જેવું નોંધાયું છે. દરમ્યાન બૅન્ક ઑફ અમેરિકા મેરિલ લિન્ચ તરફથી જીઓ-પૉલિટિકલ ટેન્શન વકરે નહીં અને વિશ્વસ્તરે મંદીની સ્થિતિ ઊભી ન થાય એવા સંજોગોમાં આગામી બે વર્ષમાં ઇમર્જિંગ શૅરબજારો કમસે કમ બમણાં થવાની આગાહી કરાઈ છે. એના મતે ભૂતકાળના તમામ બુલરનનો ઇતિહાસ પુરવાર કરે છે કે આવા બુલરનમાં ઇમર્જિંગ બજારો સરેરાશ ૨૩૦ ટકા વધ્યાં છે અને કોઈ પણ બુલરન કમસે કમ ૪૨ મહિના પહેલાં પૂરો થયો નથી. આની સામે હાલની તેજીને માંડ ૧૮ મહિના થયા છે જેમાં ઇમર્જિંગ બજારોનો આંક એકંદર ૬૦ ટકા જ વધ્યો છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ-નિર્ધારણની નીતિમાં યુ-ટર્નની ધારણાને સરકાર દ્વારા રદિયો અપાયો છતાં ગઈ કાલે ઑઇલ-ગૅસ ૧૦માંથી છ શૅરના ઘટાડામાં પ્રારંભિક ઉછાળાને ધોઈ છેવટે માઇનસ ઝોનમાં બંધ રહ્યો છે. સામે હેલ્થકૅર ઇન્ડેક્સ ૧૧ ઑગસ્ટે ૧૨,૫૧૩ના ઑલટાઇમ તળિયે ગયા બાદ ધીમા સુધારાની આગેકૂચમાં ગઈ કાલે બે ટકા વધીને ૧૩,૭૯૦ નજીક જોવાયો છે. ફાર્મા નિફ્ટી તો અઢી ટકાથી વધુ ઊંચકાયો હતો.

ભેલમાં બુલેટ ટ્રેનની ફૅન્સી

પીએસયુ ભારત હેવી ઇલેક્ટિÿકલ્સ (ભેલ)નો શૅર ગઈ કાલે તગડા કામકાજમાં ઇન્ટ્રા-ડેમાં ૧૦ ટકા પ્લસની તેજીમાં ૧૪૬ રૂપિયા નજીક જઈ છેલ્લે ૩.૫ ટકાની મજબૂતીમાં ૧૩૭ રૂપિયા બંધ રહ્યો છે. અમદાવાદ અને મુંબઈ વચ્ચે મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ખાતમુરત થયાની આ અસર હતી કેમ કે બુલેટ ટ્રેન માટે સ્ટેનલેસ સ્ટીલના કોચ તેમ જ અન્ય સેલિંગ સ્ટૉક્સના ઉત્પાદન માટે કંપનીએ જૅપનીઝ કાવાસાકી હેવી ઇન્ડસ્ટ્રીઝ સાથે ટેક્નૉલૉજી અંગેના સહયોગ કરાર કરેલા છે જે આ પ્રોજેક્ટમાં લેવાશે. બે રૂપિયાની ફેસવૅલ્યુવાળા ભેલની બુકવૅલ્યુ ૧૩૨ રૂપિયા કરતાં વધુની છે. પ્રમોટર્સ કેન્દ્ર સરકાર પાસે ૬૩ ટકા પ્લસનું હોલ્ડિંગ છે. એફઆઇઆઇનો હિસ્સો ૧૫.૯ ટકા છે. એલઆઇસી પાસે ૪.૯ ટકા માલ છે. કંપની દ્વારા ગયે મહિને બે શૅરદીઠ એકના પ્રમાણમાં બોનસ જાહેર થયું હતું. એની રેકૉર્ડ ડેટ ૩૦ સપ્ટેમ્બર હોવાથી શૅર ૨૮ સપ્ટેમ્બરે એક્સ-બોનસ થવાનો છે. ગઈ કાલે બન્ને બજાર ખાતે કુલ મળીને ૬.૨૦ કરોડ શૅરનું કામકાજ થયું હતું.

અસાહી ઇન્ડિયામાં બેતરફી તોફાન


 ઑટો પાર્ટ્સ-ઇક્વિપમેન્ટ્સ બિઝનેસમાં પ્રવૃત્ત અસાહી ઇન્ડિયા ગ્લાસમાં ગઈ કાલે પાંચેક ગણા કામકાજ સાથે બેતરફી મોટી વધ-ઘટ જોવા મળી હતી. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૫૪.૩ ટકા છે જેમાં જૅપનીઝ અસાહી ગ્લાસ પણ ૨૨.૨ ટકાનો હિસ્સો, જ્યારે મારુતિ સુઝુકી ૧૧.૧ ટકા હિસ્સો સહપ્રમોટર્સ તરીકે ધરાવે છે અને બ્રિજમોહન લાબ્રુ ફૅમિલી પાસે ૧૭.૮ ટકા માલ છે. એમાંથી ૨૨ ટકા શેર ગિરવી છે. જૅપનીઝ અસાહી ગ્લાસ આ કંપનીમાં પોતાનો હિસ્સો વધારવા ઉત્સુક છે જેના ભાગરૂપે લાબ્રુ ફૅમિલી તથા અન્ય પાસેથી તેમનો ૨૦ ટકા હિસ્સો ખરીદવાની વાતચીત ચાલુ છે એવા અહેવાલ પાછળ ૪૧૫ રૂપિયાના આગલા બંધ સામે ગઈ કાલે ભાવ ઉપરમાં ૪૩૫ રૂપિયા થઈ નીચામાં ૩૯૭ રૂપિયા થઈ ગયો હતો. છેલ્લે ૪.૩ ટકાના ઘટાડે ૩૯૮ રૂપિયા બંધ આવ્યો છે. એક રૂપિયાની ફેસવૅલ્યુ સામે બુકવૅલ્યુ ૧૯ રૂપિયા આસપાસ છે. અગાઉ લોસ કરતી રહેલી આ કંપની છેલ્લાં ત્રણ વર્ષથી પૉઝિટિવ ટર્નઅરાઉન્ડમાં નફો કરતી થઈ છે. ગયા વર્ષે ૨૩૯૩ કરોડ રૂપિયાની આવક પર ૧૩૧ કરોડ રૂપિયા ચોખ્ખો નફો કર્યો હતો. ચારેક વર્ષ પૂર્વે ભાવ ૩૪ રૂપિયા આસપાસ હતો જે ક્રમશ: વધતો રહી બુધવારે ૪૩૯ રૂપિયા નજીકની સર્વોચ્ચ સપાટીએ જોવા મળ્યો હતો. ગઈ કાલે નોંધપાત્ર ઉછાળા બાદનું ધોવાણ કંપની મૅનેજમેન્ટ તરફથી જૅપનીઝ અસાહીને પ્રમોટર્સ ૨૦ ટકા માલ વેચશે એવા અહેવાલને રદિયો અપાયો એને આભારી છે.

એક્સ-બાયબૅક થતાં વિપ્રોનો ભાવ ગગડ્યો

એક રૂપિયાના શૅરને મહત્તમ ૩૨૦ રૂપિયા સુધીના ભાવે બાયબૅક કરવાની યોજના સંદર્ભમાં વિપ્રોનો શૅર ગઈ કાલે એક્સ-બાયબૅક થવાના પગલે ૨૯૬ રૂપિયા પ્લસના આગલા બંધ સામે સીધો ૨૮૧ રૂપિયા ખૂલ્યો હતો. પછીથી ઉપરમાં ૨૮૯ રૂપિયા આસપાસ જઈ અંતે ૪ ટકાની નરમાઈમાં ૨૮૪ રૂપિયા બંધ રહ્યો છે. જોકે સામા પક્ષે ઇન્ફોસિસ ઉપરમાં ૮૯૬ રૂપિયા વટાવી અંતે એક ટકો વધીને ૮૭૯ રૂપિયા બંધ હતો. ટીસીએસ સાધારણ ઘટાડે ૨૪૮૦ રૂપિયા હતો. ગઈ કાલે આઇટી ઇન્ડેક્સના ૫૮માંથી ૩૨ શૅર વધેલા હતા. એરિક્શન ઇન્ડિયા દ્વારા ૧૧૫૬ કરોડ રૂપિયાના લેણાના મામલે અનિલ અંબાણી ગ્રુપની રિલાયન્સ કમ્યુનિકેશન્સને નાદારીની કોર્ટમાં લઈ જવાયાના પગલે આરકોમ ૧.૨ ટકાના ઘટાડે ૨૧.૫૫ રૂપિયા હતો. રિલાયન્સ કૅપિટલ, રિલાયન્સ ઇન્ફ્રા તથા રિલાયન્સ ડિફેન્સ જેવી અનિલ ગ્રુપની અન્ય જાતો સાધારણથી લઈને દોઢેક ટકા ડાઉન હતી. રિલાયન્સ પાવર ત્રણ ગણા કામકાજમાં ૪૨.૭૦ રૂપિયાની ઇન્ટ્રા-ડે ટૉપ બનાવી ૫.૩ ટકાની મજબૂતીમાં ૪૨.૫૦ રૂપિયા હતો. મુકેશ ગ્રુપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૮૬૧ રૂપિયાની નવી વિક્રમી સપાટી બતાવી અડધો ટકો ઘટી ૮૪૪ રૂપિયા હતો.

સુદિતિને અનુષ્કા શર્માનો સહારો


સુદિતિ ઇન્ડસ્ટ્રીઝ અને અનુષ્કા શર્મા લાઇફ સ્ટાઇલ્સ વચ્ચે ફૅશન ગાર્મેન્ટ્સ તેમ જ વુમન સેગમેન્ટમાં ક્લોધિંગ્સ ઍમેરલ્સના બિઝનેસ માટે એસએએ ઍન્ડ સુદિતિ રીટેલ પ્રાઇવેટ લિમિટેડ નામનું સંયુક્ત સાહસ સ્થપાવાની જાહેરાતના પગલે સુદિતિનો શૅર ગઈ કાલે ઉપરમાં ૮૩ રૂપિયા નજીક જઈ છેલ્લે પોણાબે ટકા વધીને ૭૬ રૂપિયા બંધ આવ્યો છે. ૧૬૭૬ લાખ રૂપિયાની ઇક્વિટી સામે ૧૨૬૨ લાખ રૂપિયાની નાનકડી રિઝર્વ ધરાવતી સુદિતિમાં આમ ફન્ડામેન્ટલ્સ જેવું બહુ ખાસ નથી. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૭૩.૩ ટકા છે. કંપનીએ ગયા વર્ષે ૧૦૫ કરોડ રૂપિયા જેવી આવક પર ૨૧૮ લાખ રૂપિયા ચોખ્ખો નફો કરીને ૧૩૦ પૈસાની ઈપીએસ દર્શાવી છે. શૅર માત્ર બીએસઈમાં લિસ્ટેડ છે. પાંચ ટકા ડિવિડન્ડ આપે છે. ઇન્ડસ્ટ્રીના ૩૯ના પી/ઈ સામે આ શૅર હાલમાં ૬૦ પ્લસના પી/ઈ પર ચાલે છે. ઍક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથેનો સહયોગ કંપનીને ક્યારે અને કેટલો આગળ લઈ જાય છે એ જોવું રહ્યું. સપ્ટેમ્બર ૨૦૧૨માં ભાવ ૬ રૂપિયાના તળિયે હતો. છેલ્લા સવા વર્ષથી ક્રમશ: મજબૂતીમાં ૨૫ રૂપિયાથી ઊંચકાઈને ૮૬ રૂપિયા સુધી જઈ આવ્યો છે.

સનફાર્મા સુધારાની હૅટ-ટ્રિકમાં સવાચાર ટકા અપ

સનફાર્મામાં વિદી બ્રોકરેજ હાઉસ ક્રેડિટ સ્વિસ દ્વારા ટાગેર્ટ પ્રાઇસ વધારીને ૫૯૫ રૂપિયા કરવાની સાથે બુલિશ-વ્યુ જારી થતાં શૅર સળંગ ત્રીજા દિવસની આગેકૂચમાં ગઈ કાલે બમણા કામકાજમાં ઉપરમાં ૫૨૭ રૂપિયા થઈ છેલ્લે સવાચાર ટકાની મજબૂતીમાં ૫૨૪ રૂપિયા બંધ રહ્યો છે. મહિના પૂર્વે ભાવ ૪૩૩ રૂપિયાના મલ્ટિ યર તળિયે ગયો હતો. તો બ્રોકરેજ હાઉસ જેફરાઇસ તરફથી ૧૦૫૦ રૂપિયાના ટાગેર્ટ સાથે એચઈજીમાં અને ૩૪૨ રૂપિયાના ટાગેર્ટ સાથે ગ્રેફાઇટ ઇન્ડિયામાં બાયનું રેટિંગ અપાયું છે. એની અસરમાં એચઈજી બમણા વૉલ્યુમમાં ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૭૪૪ રૂપિયાની વિક્રમી સપાટીએ બંધ હતો. ગ્રેફાઇટ ઇન્ડિયા ત્રણ ગણા વૉલ્યુમમાં ૨૭૫ રૂપિયા થઈ અંતે ૬.૬ ટકાના જમ્પમાં ૨૭૦ રૂપિયા હતો. પિરામલ એન્ટરપ્રાઇઝિસ ૧૫ ગણા કામકાજમાં ૨૯૨૫ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી ૧૫૪ રૂપિયા કે ૫.૬ ટકાની તેજીમાં ૨૯૦૯ રૂપિયા હતો. સનફાર્મા ગ્રુપની સ્પાર્ક ૫.૫ ટકા વધીને ૪૦૭ રૂપિયા બંધ હતો. નીટ લિમિટેડમાં ત્રણ ગણા વૉલ્યુમમાં ૧૧૭ રૂપિયાના નવા શિખર બાદ સાડાછ ટકાની આગેકૂચમાં ૧૧૪ રૂપિયા નજીકનો ભાવ આવ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK