હેલ્થકૅર અને ફાર્મા ઇન્ડેક્સ સતત સાતમા દિવસે અપ, માર્કેટ ડાઉન

રિલાયન્સ ઑલટાઇમ હાઈ, TCS બેસ્ટ લેવલ બતાવી નરમ પડ્યો : PSU બૅન્ક નિફ્ટીની આગેકૂચ અટકી : મોટું સરકારી હોલ્ડિંગ ધરાવતી કંપનીઓના શૅરમાં સિલેક્ટિવ તેજી

market

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

સળંગ ત્રણ દિવસના સુધારામાં ચારેક મહિનાની ટોચે ગયેલું શૅરબજાર ગઈ કાલે સાધારણ નરમાઈની ચાલમાં નીચામાં ૩૫,૪૮૮ થઈ અંતે ૧૩૯ પૉઇન્ટના ઘટાડે ૩૫,૬૦૦ની નજીક તો નિફ્ટી ૪૮ પૉઇન્ટની પીછેહઠમાં ૧૦,૮૦૮ બંધ રહ્યા છે. લગભગ કામકાજનો પૂરો સમય નેગેટિવ ઝોનમાં રહેલા માર્કેટની પીછેહઠ માટે અમેરિકન મધ્યસ્થ બૅન્ક ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજદરમાં કરાયેલો ૦.૨૫ ટકાનો વધારો કારણભૂત કહેવાય છે. બાય ધ વે, આપણે ત્યાં રિઝર્વ બૅન્કે વ્યાજદર ચાર વર્ષે વધાર્યા તો બજાર ઘટવાના બદલે વધીને બંધ આવ્યું, પણ ફેડ-રેટ વધે એટલે બજાર અહીં ઘટે એ કેવું? હકીકત એ છે કે માર્કેટ ત્રણ દિવસ સતત વધ્યું એમાં કોઈ જ મહત્વનું કારણ ન હતું. આથી પ્રત્યાઘાતી સુધારો અનિવાર્ય હતો જે કોઈ પણ નામથી આવી શકે છે. ગઈ કાલે સેન્સેક્સના ૩૧માંથી ૧૪ અને નિફ્ટીના ૫૦માંથી ૨૦ શૅર પ્લસ હતા. અઢી ટકાના સુધારામાં સન ફાર્મા સેન્સેક્સ ખાતે તો લુપિન સાડાત્રણ ટકાની તેજીમાં નિફ્ટી ખાતે મોખરે હતો. ICICI બૅન્ક બે ટકાથી વધુ, સ્ટેટ બૅન્ક પોણાબે ટકા અને ઍક્સિસ બૅન્ક દોઢ ટકો ડાઉન હતા. વિદેશી રોકાણકારોની તરફેણમાં ઇક્વિટી ઇશ્યુ મારફત ૨૪,૦૦૦ કરોડ ઊભા કરવાની સરકારી મંજૂરી છતાં HDFC બૅન્ક માંડ બે રૂપિયાના પરચૂરણ સુધારામાં ૨૦૩૭ રૂપિયા બંધ હતો. બૅન્કેક્સ અને બૅન્ક નિફ્ટીની સાધારણ નરમાઈ સામે PSU બૅન્ક નિફ્ટી ઘણા દિવસ બાદ દોઢ ટકો નરમ હતો. સામે હેલ્થકૅર અને ફાર્મા નિફ્ટી સળંગ સાતમા દિવસની મજબૂતીમાં દોઢથી પોણાબે ટકા પ્લસ હતા. માર્કેટ-બ્રેડ્થમાં થોડીક નબળાઈ યથાવત છે. દરમ્યાન, અમેરિકન ફેડ દ્વારા ચાલુ કૅલેન્ડર વર્ષમાં આ બીજી વખતનો વ્યાજદરમાં વધારો જાહેર થયો છે અને હજી બીજા બે આવી શકે છે એવો સ્પક્ટ નિર્દેશ અપાયો છે. હવે નજર યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની બેઠક પર છે. સ્ટીમ્યુસ-પૅકેજમાં કાપ અગર તો એના વાઇન્ડિંગ- અપનો રોડમૅપ જો જાહેર કરાયો તો વિશ્વબજારો, ખાસ કરીને ઇમર્જિંગ શૅરબજારો માટે એ નેગેટિવ બનશે. ગઈ કાલે બજારના ૧૯માંથી ૧૫ બેન્ચમાર્ક રેડ ઝોનમાં બંધ હતા. માર્ચ ક્વૉર્ટરનાં પરિણામ પહેલાં વકરાંગી સળંગ છઠ્ઠા દિવસે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૪૩ રૂપિયા પર બંધ હતો.

કૉઇનબેઝ ઇન્ડેક્સ ફન્ડના શ્રીગણેશ

સાઉથ કોરિયન હૅકર્સના કારણે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં વ્યાપક વેચવાલીનો માહોલ છે ત્યાં અમેરિકન માર્કેટમાં ક્રિપ્ટોકરન્સી આધારિત ઇન્ડેક્સ ફન્ડનો આરંભ થયાના સમાચાર છે. કૉઇનબેઝ ઇન્ડેક્સ ફન્ડમાં હાલમાં માત્ર મોટા ગજાના અમેરિકન ઇન્વેસ્ટર્સ સહભાગી થઈ શકશે. રોકાણની ન્યૂનત્તમ મર્યાદા બે કરોડ ડૉલરની છે. મૅનેજમેન્ટ-ફી વાર્ષિક બે ટકાની છે. આ ઇન્ડેક્સ ફન્ડમાં કૉઇનબેઝ એક્સચેન્જ GDAX પર લિસ્ટેડ તમામ ક્રિપ્ટોકરન્સી ઓવરઑલ પર્ફોર્મન્સ આધારિત ઇન્ડેક્સની વધ-ઘટ ધ્યાનમાં લેવાશે. ઇન્ડેક્સમાં બિટકૉઇનનું વેઇટેજ ૬૧.૪૭ ટકા, ઇથરનું ૨૭.૧૭ ટકા, બિટકૉઇન કૅશનું ૮.૨૨ ટકા અને લાઇટકૉઇનનું વેઇટેજ ૩.૧૪ ટકા રખાયું છે. કૉઇનબેઝ ઉપરાંત ક્રિપ્ટો ઇન્ડેક્સ ફન્ડ છે એમાં રોકાણ કમસે કમ ૫૦,૦૦૦ ડૉલરનું જરૂરી છે. ક્રિપ્ટો ટ્રેડિંગમાં જાયન્ટ ઓકે એક્સચેન્જ પણ OK૦૬ETT નામથી ઇન્ડેક્સ ફન્ડ લૉન્ચ કરવાનું છે જેમાં માત્ર ૧૦૦ ડૉલરથી પણ રોકાણ કરી શકાશે. આ ઇન્ડેક્સ ફન્ડમાં બિટકૉઇન, ઇથર, બિટકૉઇન કૅશ, ઇઓસ સહિતની છ ક્રિપ્ટોકરન્સીને વેઇટેજ મળશે. તાજેતરમાં સિંગાપોરસ્થિત ક્રિપ્ટો એક્સચેન્જ દુબઈ દ્વારા ૧૦ ક્રિપ્ટોકરન્સીને આવરી લેતા HB-૧૦ નામના ક્રિપ્ટો એકસચેન્જ ટ્રેડેડ ફન્ડ (ETF)ના શ્રીગણેશ કરાયા છે. એમાં પણ રીટેલ ઇન્વેસ્ટર ૧૦૦ ડૉલરથી ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરી શકે છે. મતલબ કે ક્રિપ્ટોકરન્સીમાં ભલે મંદીનો માહોલ હોય પણ એના પર આધારિત ઇન્ડેક્સ ફન્ડ અને ETF લૉન્ચ કરવાનો ધંધો જોરમાં છે.

દરમ્યાન બિટકૉઇન છેલ્લા ૨૪ કલાકમાં નીચામાં ૬૨૨૭ ડૉલરની ચાર મહિનાની નવી બૉટમ બનાવી સાધારણ સુધારામાં ૬૫૨૧ ડૉલર આસપાસ ચાલતો હતો. કારડેનો, સ્ટેલર, ઇઓટા જેવી અન્ય કરન્સી પણ દોઢથી છ ટકા ઉપર ચાલતી હતી. માર્કેટકૅપ રનિંગ ક્વૉટ પ્રમાણે થોડુંક વધીને ૨૮૦ ડૉલરે દેખાતું હતું.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નવા ઊંચા શિખરે

મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દોઢ વાગ્યા પછીના સુધારાની ચાલમાં ગઈ કાલે ૧૦૧૨ રૂપિયા નજીકની નવી વિક્રમી સપાટી બનાવી અંતે અડધો ટકો વધીને ૧૦૦૭ રૂપિયા બંધ રહી છે. ૩૦ મેએ ભાવ ૯૧૬ રૂપિયા બંધ હતો ત્યાર પછી કામકાજના ૧૧માંથી ૧૦ દિવસ આ કાઉન્ટર પૉઝિટિવ ઝોનમાં બંધ આવ્યું છે. શૅર સપ્તાહમાં છ ટકા જેવો અને બે અઠવાડિયાંમાં દસ ટકાથી વધુ ઊંચકાયો છે. વર્ષ પૂર્વે ભાવ ૬૫૮ રૂપિયા નજીક હતો. રિલાયન્સની તેજી ચાલુ મહિનામાં નિફ્ટીને ઉપર ટકાવી રાખવામાં ઘણો ભાગ ભજવી ગઈ છે. ચાર્ટવાળા કહે છે કે ૧૦૪૦નું લેવલ બંધની રીતે વટાવાય તો વધ-ઘટે ૧૨૦૦ રૂપિયા સુધીનો ભાવ આવી શકે છે. કંપનીની EGM ૪ જુલાઈએ છે જેમાં મુકેશ અંબાણી ફ્યુચર પ્લાનને લઈ કંઈક સારી જાહેરાત કરશે એવી હવા છે. ઇન્ડસ્ટ્રીના ૨૨ પ્લસની સામે આ શૅર હાલમાં ૧૭.૭ના P/E પર ચાલી રહ્યો છે. કુલ કામકાજમાં ડિલિવરીનું ઍવરેજ પ્રમાણ છેલ્લા આઠ દિવસ દરમ્યાન ૬૪ ટકાથી વધુનું જોવા મળ્યું છે. ગઈ કાલે અન્ય હેવીવેઇટ TCSનો શૅર સવારના કામકાજમાં ૧૮૪૦ રૂપિયાની ઑલટાઇમ હાઈ બનાવી તરત માઇનસ ઝોનમાં સરી પડ્યો હતો. ભાવ છેલ્લે ૧.૮ ટકા ઘટીને ૧૭૯૨ રૂપિયા બંધ આવ્યો છે. કંપનીમાં શૅરના બાયબૅક માટે ૧૫ જૂને એટલે કે આજે બોર્ડ-મીટિંગ છે. જાણકારો માને છે કે બાયબૅકની પ્રાઇસ અગાઉની જેમ અગ્રેસિવ કે નોંધપાત્ર ઊંચા પ્રીમિયમે હોવાની શક્યતા ઓછી છે.

જ્યુબિલન્ટમાં તગડા વૉલ્યુમે તેજી જારી

ઍગ્રો કેમિકલ્સ સેગમેન્ટની જ્યુબિલન્ટ ઇન્ડસ્ટ્રીઝ આગલા દિવસની ૨૦ ટકાની ઉપલી સર્કિટ બાદ ગઈ કાલે ઉપરમાં ૨૦૪ રૂપિયા નજીક જઈ અંતે ૧૫ ટકાની તેજીમાં ૧૯૬ રૂપિયા બંધ હતો. વૉલ્યુમ સરેરાશ કરતાં ૧૦૦ ગણું હતું. ૬ જૂને ભાવ ૧૩૨ રૂપિયાના વર્ષના તળિયે ગયો હતો. હિન્દુસ્તાન ઑઇલ એકસ્પ્લોરેશન આઠ ગણા કામકાજમાં ૨૦ ટકાની સર્કિટમાં ૧૪૭ નજીક જઈ છેલ્લે એટલા જ ઉછાળે ૧૪૭ વટાવી અંતે ૧૪.૭ ટકાના જમ્પમાં ૧૪૧ રૂપિયા બંધ હતો. MM ફોર્જમાં શૅરદીઠ એક બોનસ માટેની રેકૉર્ડ ડેટ ૧૯ જુલાઈ છે. ભાવ ગઈ કાલે ૭૨ ગણા વૉલ્યુમમાં ૧૪૬૭ની લાઇફટાઇમ હાઈ બનાવી છેલ્લે ૮.૮ ટકાની મજબૂતીમાં ૧૪૪૬ રૂપિયા હતો. સરકારી કંપની MMTC સાડાછ ગણા વૉલ્યુમમાં વધીને ૩૯ રૂપિયા, ભૂષણ સ્ટીલ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૩૮ રૂપિયા, ક્વૉલિટી સતત બીજા દિવસની ઉપલી સર્કિટમાં પાંચ ટકા વધી ૪૪ રૂપિયાની નજીક તો ડિવીઝ લૅબ અઢી ગણા કામકાજમાં ચાર ટકાના ઉછાળે ૧૦૮૧ રૂપિયા બંધ હતા. બાયબૅક ઑફર પૂરી થતાં જાગરણ પ્રકાશન સવાછ ટકા ડાઉન હતો. સરકારની ૮૭ ટકા માલિકીની ઇન્ડિયન ટૂરિઝમ કે ITDC ત્રણ ગણા વૉલ્યુમમાં ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૪૬૫ રૂપિયા બંધ હતો. ઉષા માર્ટિનના સ્ટીલ બિઝનેસને ખરીદવાની રેસમાં બે વધુ મૂરતિયા સામેલ થતાં ભાવ નવ ટકા વધીને ૩૧ રૂપિયા નજીક ગયો છે. સરકારનું ૯૦ ટકા હોલ્ડિંગ ધરાવતી સ્ટેટ ટ્રેડિંગ કૉર્પોરેશન પણ ગઈ કાલે સાત ગણા કામકાજમાં આઠ ટકા ઊછળીને ૧૬૧ રૂપિયા નજીક બંધ રહ્યો છે. ICICI પ્રૂમાં પ્રમોટર્સ દ્વારા બે ટકા હોલ્ડિંગ ૩૯૦ રૂપિયાની ફ્લોર પ્રાઇસથી ઑફલોડ કરવાની શરૂઆત થતાં ભાવ બીજા દિવસે ઘટી ૧.૭ ટકાની નરમાઈમાં ૪૦૩ રૂપિયા રહ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK