કર્ણાટકના પરિણામ પહેલાં બજારમાં સાવચેતી, આંતરપ્રવાહ સાવ ઢીલો

સરકારી બૅન્કોની બૅડ લોન અને ખોટના આંકડા વધુ બિહામણા બન્યા : તાતા મોટર્સ વર્ષના તળિયે, તાતા ગ્રુપમાં નરમ વલણ : ખાસ્સી નબળી માર્કેટ-બ્રેડ્થ સાથે બજારના મોટા ભાગના ઇન્ડાઇસિસ રેડ ઝોનમાં બંધ

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

કર્ણાટક રાજ્ય વિધાનસભાની ચૂંટણીના પરિણામની પૂર્વ સંધ્યાએ શૅરબજાર માંડ ૨૦૦ પૉઇન્ટની રેન્જમાં ઉપર-નીચે થઈને ગઈ કાલે ૨૧ પૉઇન્ટ વધી ૩૫,૫૫૭ નજીક તો નિફ્ટી આગલા લેવલે જૈસેથે ૧૦,૮૦૭ નજીક બંધ આવ્યો છે. સેન્સેક્સ ખાતે ૩૧માંથી ૧૬ અને નિફ્ટીના ૫૦માંથી ૨૨ શૅર પ્લસ હતા. જોકે બજારનો એકંદર આંતરપ્રવાહ ઘણો કમજોર હતો. વધેલા પ્રત્યેક શૅર સામે બે કરતાં વધુ જાતો માઇનસ ઝોનમાં બંધ રહી છે. ‘બી’ ગ્રુપ ખાતે એક શૅર વધ્યો તો સામે ત્રણ કાઉન્ટર ડાઉન હતાં. માર્કેટના મોટા ભાગના ઇન્ડાઇસિસ રેડ ઝોનમાં બંધ હતા. લોકો માટે હમદર્દીની વાતો માંડી પેટ્રોલ-ડીઝલના ભાવ ૧૯ દિવસ સુધી યથાવત્ રાખનારી સરકારી તેલ કંપનીઓએ કર્ણાટકની ચૂંટણી પૂરી થતાં જ રાબેતા મુજબ ભાવ વધારવાનું શરૂ કરી દીધું હોવાથી ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ સાધારણ વધીને બંધ આવ્યો છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ ગઈ કાલે સર્વાધિક અઢી ટકા કે ૫૪૯ પૉઇન્ટ તૂટ્યો હતો. BSE ખાતે ૧૩૦ શૅર તેજીની સર્કિટમાં તો ૨૫૭ કાઉન્ટર મંદીની સર્કિટમાં બંધ રહ્યાં છે. સિમેન્ટ, શુગર, ઑટો પાર્ટ્સ, ટાયર્સ, કન્સ્ટ્રક્શન, ડિપાર્ટમેન્ટલ સ્ર્ટોસ, પાવર, હોટેલ, માઇનિંગ, રિયલ્ટી, ટી-કૉફી, ટેક્સટાઇલ્સ, ટેલિકૉમ ઇત્યાદિ સેક્ટર સવિશેષ નરમ જોવાયાં છે. BSE ખાતે ગઈ કાલે ભાવની રીતે ૨૬૫ શૅર એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નીચે ગયા હતા.

પાંચ બૅન્કોની ત્રિમાસિક ખોટ બે અબજ ડૉલર


બૅન્કોની હાલત સુધારવાના તનતોડ પ્રયાસ વચ્ચે સ્થિતિ દિવસે-દિવસે વધુ બગડતી જાય છે. તાજેતરમાં દેના બૅન્ક, અલાહાબાદ બૅન્ક, યુકો બૅન્ક, કૅનેરા બૅન્ક તથા OBC દ્વારા જંગી ખોટ સાથે બદતર ત્રિમાસિક પરિણામ જાહેર થયાં છે. એમાંય સરકારી બૅન્કોએ કુલ મળીને માર્ચ ક્વૉર્ટરમાં ૧૩,૩૮૦ કરોડ રૂપિયા કે લગભગ બે અબજ ડૉલરની ચોખ્ખી ખોટ કરી છે. દેના બૅન્કને તો રિઝર્વ બૅન્કે પ્રૉમ્પ્ટ કરેક્ટિવ ઍક્શન (PCA) હેઠળ મૂકી દીધી છે. એને લીધે બૅન્ક નવું ધિરાણ આપી નહીં શકે, સ્ટાફની નવી ભરતી પણ નહીં કરી શકે. રિઝર્વ બૅન્કે NPA અને બૅડ લોનના વધતા બોજ તથા વધી રહેલી ખોટને અનુલક્ષી ૨૧ સરકારી બૅન્કોમાંથી ૧૧ પર PCA પ્લાન હેઠળ અંકુશ મૂક્યા છે જેમાં અલાહાબાદ બૅન્ક, યુનાઇટેડ બૅન્ક, યુકો બૅન્ક, કૉર્પોરેશન બૅન્ક, IDBI બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બૅન્ક, IOB, OBC તેમ જ દેના બૅન્ક સામેલ છે. આ યાદીમાં હજી બીજી બે-ત્રણ બૅન્કો ટૂંકમાં ઉમેરાશે. સરકારી બૅન્કોની બૅડ લોન સાત લાખ કરોડ રૂપિયા પહોંચવા આવી છે.

PSU બૅન્ક નિફ્ટી સુધારામાંï

ગઈ કાલે બૅન્કેક્સ દસમાંથી ૪ શૅર નરમ રહેવા છતાં ૦.૩ ટકા અને બૅન્ક નિફ્ટી બારમાંથી ૮ શૅરની પીછેહઠ વચ્ચે ૦.૨ ટકા પ્લસ હતા. પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી દસમાંથી ૭ શૅરની નરમાઈમાં નહીંવત્ પ્લસ હતો, પણ PSU બૅન્ક નિફ્ટી બારમાંથી આઠ શૅર ઘટવા છતાં પોણો ટકો વધીને બંધ આવ્યો છે. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગની ૪૧માંથી ૧૧ સ્ક્રીપ્સ પ્લસ હતી. સાઉથ ઇન્ડિયન બૅન્ક સવાત્રણ ટકાની આગેકૂચમાં મોખરે હતો. જેના પરિણામ ૨૨ મેએ છે એ સ્ટેટ બૅન્ક ઉપરમાં ૨૫૬ રૂપિયા નજીક જઈ અને એક ટકો વધી ૨૫૩ રૂપિયા હતો. સામે પક્ષે દેના બૅન્ક ત્રણ ગણા કામકાજમાં ૧૬ રૂપિયાની ૧૪ વર્ષની નીચી સપાટીએ જઈ છેલ્લે છ ટકાની ખરાબીમાં ૧૭.૩૫ રૂપિયા બંધ રહ્યો છે. કૅનેરા બૅન્ક ૪૮૬૦ કરોડ રૂપિયાની જંગી ત્રિમાસિક ખોટ પછી સાડાત્રણ ગણા કામકાજમાં નીચામાં ૨૩૬ રૂપિયા થઈ અંતે દોઢ ટકો વધી ૨૫૦ રૂપિયા રહ્યો છે. અહીં વિદેશી બ્રોકરેજ હાઉસ CLSA તરફથી સેલનું રેટિંગ આવ્યું છે. ૨૧૩૪ કરોડ રૂપિયાની નેટ લૉસ કરનાર યુકો બૅન્ક તથા ૩૧૫૦ કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ બતાવનાર અલાહાબાદ બૅન્ક અનુક્રમે બે ટકા અને ૩.૨ ટકા ડાઉન હતી. દરમ્યાન ગઈ કાલે દેના બૅન્ક ઉપરાંત બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, IDFC બૅન્ક, IOB, યુકો બૅન્ક તથા OBC બૅન્ક નવાં નીચાં ઐતિહાસિક તળિયે ગયાં હતાં.

અનિલ અંબાણી ગ્રુપના શૅરો વધુ ખરડાયા

રિલાયન્સ નેવલને આપેલી ૯૦૦૦ કરોડ રૂપિયાની લોન બૅન્કો માટે NPA થઈ રહી છે. વિજયા બૅન્ક તરફથી તો વિધિવત્ આ જાહેરાત કરી દેવાઈ છે. અન્ય બૅન્કો ટૂંકમાં એને અનુસરશે. રિલાયન્સ નેવલનો શૅર ગઈ કાલે પોણાબે ગણા કામકાજમાં ૧૪ રૂપિયાના નવા નીચા તળિયે જઈ છેલ્લે સાડાતેર ટકાના કડાકામાં ૧૪.૫૦ રૂપિયા બંધ હતો. અનિલ અંબાણી ગ્રુપ એની કૉર્પોરેટ ઑફિસ બદલી રહ્યું છે. આ પાછળનું કારણ પણ નાણાભીડ મનાય છે. ગઈ કાલે ગ્રુપના અન્ય શૅરમાં R.કૉમ દોઢ ટકા, રિલાયન્સ હોમ અઢી ટકા, રિલાયન્સ ઇન્ફ્રા ૪.૫ ટકા, રિલાયન્સ કૅપિટલ સવાચાર ટકા, રિલાયન્સ પાવર ૫.૭ ટકા ધોવાયા હતા. રિલાયન્સ નિપ્પોન એક ટકો વધીને ૨૪૭ રૂપિયા બંધ હતો. રિલાયન્સ કૅપિટલ, રિલાયન્સ નેવલ તથા રિલાયન્સ પાવર ગઈ કાલે એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નવી નીચી સપાટીએ ગયા છે. બાય ધ વે, અદાણી પાવરમાં પણ સોમવારે ૨૦.૯૦નું બૉટમ બન્યું છે. ભાવ છેલ્લે નવ ટકા તૂટી ૨૧.૯૦ હતો. અદાણી એન્ટરપ્રાઇઝિસ ત્રણ ટકા, અદાણી ટ્રાન્સમિશન ચાર ટકા તથા અદાણી મોટર્સ એક ટકો ડાઉન હતા. મુકેશ અંબાણી ગ્રુપ ખાતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં ૯૯૪ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૯૭૬ રૂપિયા થઈ છેલ્લે ૦.૪ ટકાની પીછેહઠમાં ૯૮૫ રૂપિયા બંધ હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રા ૨.૮ ટકા અને TV-૧૮ બ્રૉડકાસ્ટ ચાર ટકા ઢીલા હતા. મુકેશ અંબાણીના પરમ સખા આનંદ જૈનની જય કોચ પાંચ ટકા કમજોર હતી અને ઑફકોર્સ, આપણા મેહુલભાઈની ગીતાંજલિ જેમ્સ એક વધુ ઉપલી સર્કિટમાં પાંચ ટકા ઊંચકાઈ ચાર રૂપિયા પ્લસ બંધ આવી છે. છેલ્લે ત્રીસેક લાખ શૅરના બાયર ઊભા દેખાતા હતા.

તાતા મોટર્સમાં નવું નીચું બૉટમ

તાતા મોટર્સના પરિણામ ૨૩ મેએ છે. શૅર સળંગ ત્રીજા દિવસની નબળાઈમાં ગઈ કાલે ૩૨૩ રૂપિયાનું નવું નીચું બૉટમ બતાવી છેલ્લે બે ટકા ઘટીને ૩૨૪ રૂપિયા બંધ રહ્યો છે. લગભગ વર્ષ પૂર્વે, ૨૬ મેએ ભાવ ૪૮૭ રૂપિયાના શિખરે હતો. તાતા મોટર્સનો DVR ગઈ કાલે બે ટકા નરમ હતો. તાતા ગ્લોબલ અપેક્ષા કરતાં નબળા દેખાવ પાછળ સાત ગણા વૉલ્યુમમાં નીચામાં ૨૫૨ રૂપિયા થઈ અંતે ૧૧ ટકાના ધબડકામાં ૨૫૫ રૂપિયા હતો. તાતા ગ્રુપના અન્ય ઘટેલા શૅરમાં તાતા ઍલેક્સી અઢી ટકા, તાતા ઇન્વેસ્ટમેન્ટ્સ સવા ટકો, TCS પોણો ટકો, તાતા સ્પોન્જ ૧.૪ ટકા, તાતા ટેલિ ૨.૩ ટકા, રાલીઝ ઇન્ડિયા ૧.૭ ટકા, વૉલ્ટાસ ૩.૩ ટકા, ટાઇટન ૩.૭ ટકા, ઑટો મોબાઇલ કૉર્પોરેશન ઑફ ગોવા એક ટકો, ટીન પ્લેટ ૫.૨ ટકા, નેલ્કો બે ટકા, તાતા કૉફી એક ટકો મુખ્ય હતા.

સનટીવી સારા પરિણામ પાછળ રીરેટિંગ કામે લાગતાં નવ ગણા વૉલ્યુમમાં ૯૭૭ રૂપિયા થઈ છેલ્લે ૧૧ ટકાના જમ્પમાં ૯૬૪ રૂપિયા બંધ રહ્યો છે. સૂઝલોનમાં મોટા વૉલ્યુમ સાથે ઘટાડાની ચાલ જળવાઈ રહેતાં ભાવ સાડાઆઠ રૂપિયાના નવા ઐતિહાસિક તળિયે જઈ અંતે ૯.૪ ટકા તૂટીને ૮.૮૩ રૂપિયા હતો. પરાગ મિલ્ક છ ગણા કામકાજમાં સળંગ બીજા દિવસની આગેકૂચમાં ૩૪૫ રૂપિયા વટાવી અંતે ૯.૫ ટકા ઊછળીને ૩૩૬ રૂપિયા બંધ આવ્યો છે. પ્રભાત ડેરી ૧૮૬ રૂપિયા બતાવી પાંચ ટકાની મજબૂતીમાં ૧૭૯ રૂપિયા અને ઉમંગ ડેરી પાંચ ટકા વધીને બંધ હતા. ટેસ્ટી બાઇટ ઇટેબલ્સ ઉપરમાં ૯૧૬૫ રૂપિયા બતાવી અંતે ૩.૫ ટકા કે ૨૯૪ રૂપિયાની તેજીમાં ૮૭૩૭ રૂપિયા હતો. નાઇલ લિમિટેડનો ત્રિમાસિક નેટ પ્રૉફિટ ૧૧૨૪ લાખ રૂપિયાથી ઘટીને ૪૦૦ લાખ રૂપિયા આવતાં શૅર આઠ ગણા કામકાજમાં ૮૪૯ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈથી તૂટી ૬૬૦ રૂપિયાની ૨૦ ટકાની નીચલી સર્કિટે બંધ હતો. PC જ્વેલર્સ નરમાઈની આગેકૂચમાં ૧૭૨ રૂપિયા થઈ ૧.૬ ટકા ગગડીને ૧૭૮ રૂપિયા હતો. રુચિ સોયા ઇન્ડસ્ટ્રીઝ ૧૧ રૂપિયાની અંદર વર્ષનું બૉટમ બનાવી ૧૧ ટકાની ખરાબીમાં ૧૧ રૂપિયા પર જોવાયો છે. MTNL દોઢા કામકાજ સાથે સાડાસોળ રૂપિયાની મલ્ટિયર બૉટમ બતાવી પાંચેક ટકા ઘટી ૧૬.૬૫ રૂપિયા બંધ હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK