છેલ્લા એક કલાકની વેચવાલીમાં બજાર ઉપરથી ૪૪૫ પૉઇન્ટ ગગડ્યું

સનફાર્મા પરિણામ પહેલાં અઢી ટકા ઘટીને બંધ, હેલ્થકૅર ઇન્ડેક્સ નરમ : શુગર શૅરમાં ડ્યુટીનો કરન્ટ ઓસર્યો : PNB ફ્રૉડના છાંટા ઊડતાં ગીતાંજલિ જેમ્સ ખરડાયો

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

રિઝર્વ બૅન્ક દ્વારા NPA બાબતે નવા કડક ધોરણ જાહેર થવાથી બૅન્કોની બૅડ લોન અને પ્રોવિઝનિંગમાં નવો મોટો વધારો થશે. નફાશક્તિ આગામી બે-ત્રણ ક્વૉર્ટરમાં વધુ કથળશે એવી ગણતરી પાછળ બૅન્કિંગ શૅરોની નબળાઈ છતાં શૅરબજાર આગલા બંધથી ગઈ કાલે ૧૩૭ પૉઇન્ટના ગૅપમાં ઉપર ખૂલ્યા બાદ આશરે પોણાબસ્સો પૉઇન્ટ ઊંચકાઈને ૩૪,૩૭૩ની ઇન્ટ્રા-ડે ટોચે ગયું હતું. દિવસનો મોટો ભાગ પૉઝિટિવ ઝોનમાં રહ્યા બાદ છેલ્લા કલાકની વ્યાપક વેચવાલીના પ્રેશરમાં માર્કેટમાં ૩૪,૦૨૮ની બૉટમ દેખાઈ હતી. સેન્સેક્સ છેલ્લે ૧૪૪ પૉઇન્ટના ઘટાડે ૩૪,૧૫૬ બંધ રહ્યો છે. નિફ્ટી ઉપરમાં ૧૦,૫૯૦ અને નીચામાં ૧૦,૪૫૬ થઈ અંતે ૩૯ પૉઇન્ટ જેવી પીછેહઠમાં ૧૦,૫૦૧ આસપાસ રહ્યો છે. નિફ્ટીના ૫૦માંથી ૩૬ તો સેન્સેક્સના ૩૧માંથી ૧૮ કાઉન્ટર ડાઉન હતાં. યસ બૅન્ક સાડાચારથી પોણાપાંચ ટકાના કડાકામાં બન્ને બેન્ચમાર્ક ખાતે ટૉપ લુઝર બન્યો હતો. તો સ્ટેટ બૅન્ક અને ઍક્સિસ બૅન્ક ત્યાર પછીના ક્રમે હતા. મતલબ કે ગઈ કાલે સેન્સેક્સ નિફ્ટી ખાતે ટૉપ-૩ લુઝર્સની યાદી બૅન્ક શેરના નામે હતી. દિવસ દરમ્યાન માર્કેટ આઉટ પર્ફોર્મર રહેલા મિડ કૅપ અને સ્મૉલ કૅપ ઇન્ડાઇસિસ પાછળથી સારા એવા ઘસાયા હોઈ માર્કેટ-બ્રેડ્થમાં રસાકસી જોવાઈ છે. NSE ખાતે તો એ નેગેટિવ બની છે.

સનફાર્માનાં પરિણામ બજાર બંધ થયાં પછી આવ્યાં છે. નેટ પ્રૉફિટ ૭૫ ટકા ગગડી ૩૬૫ કરોડ રૂપિયા થયો છે. બજારની એકંદર ધારણા ૮૭૮ કરોડ રૂપિયાની હતી. ગુરુવારે એટલે કે આજે સનફાર્મા ખૂલતા બજારે ભીંસમાં રહેવા સંભવ છે. ગઈ કાલે પરિણામ પહેલાં શૅર અઢી ટકા ઘટીને ૫૭૪ રૂપિયા બંધ હતો. બાય ધ વે, સ્મૉલ કૅપ ફાર્મા કંપની સમ્રાટ ફાર્માનાં તગડાં પરિણામ પાછળ ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૩૭ રૂપિયા બંધ આવ્યો છે. સનફાર્મા ઉપરાંત નાટકો, લુપિન, સિપ્લા, ડૉ. રેડ્ડીઝ લૅબ, ઑરોબિંદો, બાયોકોન જેવી જાતો નરમ રહેતાં હેલ્થકૅર ઇન્ડેક્સ પોણો ટકો ઘટીને બંધ હતો. રિયલ્ટી કંપની DLશ્નો ચોખ્ખો નફો ૪૨ ગણો વધી ૪૧૧૦ કરોડ રૂપિયા આવવા છતાં શૅર સવા ટકો ઘટી ૨૩૧ રૂપિયા બંધ રહ્યો છે.

PNBમાં ૧૧,૦૦૦ કરોડના સ્કૅમની અસર


દેશની અગ્રણી સરકારી બૅન્ક PNBની મુંબઈ ખાતેની બ્રાન્ચમાં ઉચ્ચ પદાધિકારીઓ તેમ જ બિઝનેસ ટાઇકૂન નીરવ મોદી અને તેમના પાર્ટનર ગીતાંજલિ જેમ્સ ફેમ મેહુલ ચોકસી વચ્ચેની સાઠગાંઠથી ૧૧,૦૦૦ કરોડ રૂપિયાનો ફ્રૉડ થયો હોવાના અહેવાલ પાછળ શૅરનો ભાવ ચાર ગણા કામકાજમાં નીચામાં ૧૪૪ રૂપિયા થઈ છેલ્લે પોણાદસ ટકા તૂટીને ૧૪૬ રૂપિયા નજીક બંધ આવ્યો છે. PNBની ૩૩ ટકા માલિકીની સબસિડિયરી PNB હાઉસિંગ ફાઇનૅન્સ ૧૨૬૯ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૧૨૩૪ રૂપિયા થઈ અંતે અડધો ટકો વધી ૧૨૫૩ રૂપિયા તથા બૅન્કની ૭૪ ટકા માલિકીની PNB ગીલ્ટ નીચામાં ૩૮ રૂપિયા થઈ છેલ્લે સવાબે ટકાના ઘટાડે ૩૮ રૂપિયા ઉપર બંધ હતા. મેહુલ ચોકસીની ગીતાંજલિ જેમ્સ લગભગ પોણાબે ગણા કામકાજમાં ૫૮ રૂપિયાની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ પોણાસાત ટકાની ખુવારીમાં ૫૮.૬૦ રૂપિયા બંધ હતો. આ કંપનીમાં પ્રમોટર મેહુલ ચોકસી આણી મંડળીનું હોલ્ડિંગ ૪૪ ટકા છે એમાંથી ૭૮ ટકા કરતાં વધુ માલ ગિરવી પડેલો છે. PNB દ્વારા ગયા વર્ષે કન્સોલિડેટેડ ધોરણે ૧૧૮૭ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો દર્શાવાયો હતો. ફ્રૉડની રકમ એના કરતાં લગભગ દસ ગણી છે! બૅડ લોન તથા NPA પેટે બૅન્કને ગયા વર્ષે ૧૪,૦૬૭ કરોડ રૂપિયાનું પ્રોવિઝનિંગ કરવાની ફરજ પડી હતી. ચાલુ વર્ષના નવ મહિનાના અંતે બૅન્કની ગ્રોસ NPA ૧૨.૧ ટકા કે ૫૭,૫૧૯ કરોડ રૂપિયા અને નેટ NPA ૭.૬ ટકા કે ૩૪,૦૭૬ કરોડ રૂપિયા પહોંચી છે. ૧૧,૦૦૦ કરોડ રૂપિયાના ફ્રૉડને પગલે આ આંકડા વધુ બિહામણા બનવાના છે.

બૅન્ક નિફ્ટીમાં પૉઇન્ટનો ધબડકો

PNBનો ફ્રૉડ તથા NPA સંબંધી રિઝર્વ બૅન્કના નવા નિયમના પગલે ગઈ કાલે બૅન્કિંગ શૅરમાં વ્યાપક અને મોટા પાયે બગાડ જોવાયો હતો. બૅન્કેક્સ ૪૭૧ પૉઇન્ટ કે ૧.૬ ટકા તો બૅન્ક નિફ્ટી ૧.૪ ટકા કે ૩૬૦ પૉઇન્ટ ડાઉન હતા. PSU બૅન્ક નિફ્ટી તો બારેબાર શૅરની બુરાઈમાં ૪.૮ ટકા તૂટ્યો હતો, જ્યારે પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી ૧૦માંથી ૬ શૅરના ઘટાડામાં ૧.૨ ટકા માઇનસ હતો. ICICI બૅન્ક સવાબે ટકા, સ્ટેટ બૅન્ક ચાર ટકા, ઍક્સિસ બૅન્ક ૩.૮ ટકા, યસ બૅન્ક ૪.૪ ટકા, કોટક મહિન્દ્ર બૅન્ક અડધો ટકો ઘટતાં સેન્સેક્સને કુલ મળીને ૧૬૬ પૉઇન્ટની હાનિ ગઈ કાલે થઇ છે. અત્રે HDFC બૅન્ક અડઘો ટકો સુધર્યો હતો. સમગ્ર બૅન્કિંગ ક્ષેત્રના ૪૦માંથી ૩૫ શૅર ડાઉન હતા. આંધ્ર બૅન્ક, વિજયા બૅન્ક, IDBI બૅન્ક, સિન્ડિકેટ બૅન્ક, યુનિયન બૅન્ક, કૉર્પોરેશન બૅન્ક, કૅનેરા બૅન્ક, OBC, બૅન્ક ઑફ ઇન્ડિયા, અલાહાબાદ બૅન્ક જેવી ડઝન જાતો ચારથી દસ ટકા લથડી હતી. ધનલક્ષ્મી બૅન્ક સામા પ્રવાહે લગભગ પોણાચાર ટકા વધ્યો હતો. PSU સેગમેન્ટની તમામ બે ડઝન બૅન્ક ગઈ કાલે રેડ ઝોનમાં બંધ રહી છે.

બિનાની ઇન્ડસ્ટ્રીઝમાં ઉપલી સર્કિટ લાગી


મુંબઈસ્થિત સિમેન્ટ ઉત્પાદક કંપની બિનાની ઇન્ડસ્ટ્રીઝમાં બિનાની સિમેન્ટ્સને હસ્તગત કરવા કુમાર મંગલમ બિરલા તથા દાલમિયા ભારત ટોચના બિડર હોવાના અહેવાલ પાછળ ભાવ ગઈ કાલે સવાયા કામકાજમાં પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૧૩ રૂપિયા પ્લસ બંધ હતો. અલ્ટ્રાટેક સિમેન્ટ અને દાલમિયા ભારતના કન્સોર્સિયમ દ્વારા ૬૦૦૦ કરોડ રૂપિયાની બિડ કરાઈ હોવાની ચર્ચા છે. આ કંપનીને હસ્તગત કરવા રાકેશ ઝુનઝુનવાલા તથા રાધાકિશન દામાણી, હેડલબર્ગ, JSW ગ્રુપ, રામકો સિમેન્ટ ઇત્યાદિ મેદાનમાં હતા. સીઝન કેમશાટને ફોર્ડ, મહિન્દ્ર, જનરલ મોટર્સ ઇત્યાદિ તરફથી ૨૭૫ કરોડ રૂપિયાના ઑર્ડર મળ્યાના અહેવાલમાં શૅર આરંભે ૧૨૩ રૂપિયા નજીક જઈ એકધારી પીછેહઠમાં ઘસાઈને એક ટકાની નરમાઈમાં ૧૧૬ રૂપિયા નજીક બંધ આવ્યો છે. તાતા ગ્રુપની નેલ્કો બાર ગણા કામકાજમાં ૧૭૫ રૂપિયા પ્લસનું નવું શિખર બતાવી અંતે પોણાવીસ ટકાની તેજીમાં ૧૭૫ રૂપિયા નજીક બંધ હતો. વૉલ્યુમ સાથે તગડો જમ્પ લેનારી અન્ય જાતોમાં HCL ઇન્ફો બાર ટકા, સોનાટા સૉફ્ટવેર સાડાપંદર ટકા, નિટકો સવાદસ ટકા, ગાલા ગ્લોબલ પ્રોડક્ટ્સ સાડાચૌદ ટકા, માસ્ટેક પાંચ ટકા, KEC પોણાઆઠ ટકા, કેનફીન હોમ્સ સાડાપાંચ ટકા, પટેલ એન્જિનિયરિંગ પોણાનવ ટકા આસપાસ ઊંચકાયા હતા.

બાસમતી રાઇસ શૅરમાં તેજીની સોડમ


બાસમતી રાઇસ બિઝનેસમાં પ્રવૃત્ત KRBLમાં વિદેશી ફન્ડ પબ્રાઇ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા વિવિધ તબક્કે બલ્ક ડિલમાં શૅરદીઠ ૫૯૪ રૂપિયાના ભાવે આશરે ૬૪ લાખ શૅર લેવાયાના અહેવાલ પાછળ ભાવ ગઈ કાલે ઉપરમાં ૬૪૬ રૂપિયા વટાવી છેલ્લે ૬.૪ ટકાની મજબૂતીમાં ૬૩૭ રૂપિયા બંધ આવ્યો છે. કોહિનૂર ફૂડ્સ ૧૦ ગણા વૉલ્યુમમાં ૮૦ રૂપિયા નજીક જઈને અંતે લગભગ સવાદસ ટકાની તેજીમાં ૭૬ રૂપિયા ઉપર તો LT ફૂડ્સ બમણા વૉલ્યુમમાં ૧૦૦ રૂપિયા નજીકની ઇન્ટ્રા-ડે હાઈ બાદ સાડાછ ટકાના જમ્પમાં ૯૮ રૂપિયા પ્લસ બંધ હતા. ફૂડ પ્રોસેસિંગ સેગમેન્ટમાં પ્રવૃત્ત મલ્ટિનૅશનલ GSK કન્ઝ્યુમર ૬૪૯૦ રૂપિયા થઈ અંતે સાડાસાત ટકા કે ૪૪૧ રૂપિયાના ઉછાળામાં ૬૪૨૧ રૂપિયા હતો. નેસ્લે પોણાબે ટકા વધ્યો હતો. DFM ફૂડ્સ, લક્ષ્મી એનર્જી, ઉમંગ ડેરી, વરુણ બિવરેજીસમાં એકથી અઢી ટકાનો સુધારો જોવાયો છે. વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ, પ્રભાત ડેરી, મનપસંદ બિવરેજીસ, ક્વૉલિટી, હેરિટેજ ફૂડ્સ, કૉફી ડે, ADF ફૂડ્સ એકથી બે ટકા તો ઍપેક્સ ફ્રૉઝન સવાછ ટકા તૂટીને ૭૩૨ રૂપિયા બંધ હતો. ૧૦૦ ટકા જકાતવધારાના પગલે શુગર શૅરમાં શરૂ થયેલી તેજી ગઈ કાલે એકંદરે પ્રૉફિટ બુકિંગમાં ફેરવાતાં ઉદ્યોગના ૧૩ શૅર વધ્યા હતા. સામે ૨૧ કાઉન્ટર નરમ હતાં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK