ચલ મન બજારમાં જઈએ કે ચલ મન બજેટની રાહ જોઈએ!

સતત નવું ઊંચું લેવલ બનાવતું જતું બજાર અને આવી રહેલું બજેટ તેમ જ વર્તમાન સંજોગો રોકાણકારોને કન્ફ્યુઝ કરે એ નવાઈની વાત નથી : ઇન્વેસ્ટરોના મનમાં મૂંઝવણ વધી રહી છે, સાવચેતી જરૂરી છે અને હિંમત પણ આવશ્યક છે. જીતવા માટે સાહસ અને ધીરજ જોઈશે

BSE

શૅરબજારની સાદીવાત - જયેશ ચિતલિયા

આપણે ગયા વખતે કરેલી વાત મુજબ બજારનું નવું અને મોટું ટ્રિગર હવે બજેટ હશે જેની જાહેરાતનો દિવસ નજીક આવી રહ્યો હોવાથી બજાર આ સમયમાં કોઈ મોટા ધમપછાડા કરે એમ લાગતું નથી. ગયા સોમવારે બજારે તેજીના મૂડ સાથે જ આરંભ કરીને બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીનું નવું લેવલ બનાવ્યું હતું. સેન્સેક્સ ૩૪,૩૩૦ ઉપર અને નિફ્ટી ૧૦,૬૦૦ ઉપર બંધ રહ્યા હતા. મંગળવારે બજાર વધુ આગળ ગયું અને હવે જ્યારે બજાર વધે છે ત્યારે દર વખતે નવી ટોચ બને એવો માહોલ બન્યો છે. જોકે બુધવારે તેજીની ગાડી અટકી હતી, પરંતુ માત્ર નજીવી ધીમી પડી એમ કહી શકાય, કારણ કે સેન્સેક્સ દસ પૉઇન્ટ જેવો નજીવો ઘટ્યો હતો. ગુરુવારે બજારે ફરી પૉઝિટિવ કરન્ટ સાથે વધારો નોંધાવ્યો હતો જે માટે સીધા વિદેશી રોકાણ (ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ - FDI)નાં ધોરણો સરકારે ઉદાર બનાવ્યાં હોવાનું કારણ નિમિત્ત બન્યું હતું. શુક્રવારે પણ બજારનો સુધારો આગળ વધ્યો હતો. વિદેશી રોકાણકારો છેલ્લા અમુક દિવસોથી સક્રિય લેવાલ બન્યા હોવાનું જાણવા મળે છે. ચીનનું માર્કેટ પણ તેજીમય હતું. ગ્લોબલ માર્કેટ્સની પણ સારી અસર કામ કરી રહી છે. અગાઉના સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે GDP ડેટાનો અંદાજ નીચો મુકાયો હોવા છતાં સોમવારે બજારે બુલિશ ટ્રેન્ડ સાથે ૨૦૦ પૉઇન્ટનો, મંગળવારે ૯૦ પૉઇન્ટનો અને ગુરુવારે ૭૦ પૉઇન્ટ તથા શુક્રવારે વધુ ૮૮ પૉઇન્ટનો વધારો દર્શાવ્યો હતો. આમ બન્ને બેન્ચમાર્ક ઇન્ડેક્સે સપ્તાહના અંતે નવી ટૉપ બનાવી હતી. હવે નવા સપ્તાહમાં શું બની શકે એનીચર્ચા કરીએ.

બજારની બજેટ પાસે આશા

પહેલી વાત તો એ કે અત્યારે બજેટ પહેલાંના દિવસો ચાલી રહ્યા છે ત્યારે માર્કેટની અને બચતકારો-રોકાણકારો સૌની નજર બજેટ પર હોય એ સ્વાભાવિક છે અને બજેટના સંકેતો પણ સતત બહાર આવી રહ્યા હોવાનું પણ સહજ છે. બજાર જેની વધુ ચિંતા અને ચર્ચા કરી રહ્યું છે એ લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સનો લાભ હેમખેમ રહેવાની આશા વધી છે. જોકે શૉર્ટ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સ માટે ફેરફારની ધારણા પાકી હોવાના સંકેત છે. બજેટના સંકેતમાં અત્યાર સુધી નેગેટિવ પરિબળો ઓછાં જણાયાં છે. મૂડીબજારને વેગ મળે એ માટે સરકાર નવાં પ્રોત્સાહનો જાહેર કરે એવી આશા વધી છે. મ્યુચ્યુઅલ ફન્ડ્સ માટે પણ સમાન આશા છે. જોકે આ માર્ગે સરકારને રેવન્યુ પણ વધારવી છે એથી આમાં નાણાપ્રધાન કઈ રીતે બૅલૅન્સ માર્ગ કાઢે છે એ જોવાનું રહેશે. જોકે ગ્રામ્ય અને કૃષિક્ષેત્ર માટે કંઈક નક્કર કરવું સરકાર માટે અનિવાર્ય બની ગયું હોવાથી ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ સેક્ટર જોમમાં આવી ગયું છે. ઑટો-સેક્ટર પણ આ જ દોરમાં છે. ડિજિટલના વધતા પ્રવાહ અને પ્રમાણને કારણે IT કંપનીઓ પણ સક્રિય ભૂમિકા ભજવશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઉસિંગ માટે સરકારના લક્ષ્યને ધ્યાનમાં રાખતાં આ મામલે બજેટે કંઈક વિશેષ કરવું પડશે. બજેટ મધ્યમ વર્ગને પણ ખાસ ધ્યાનમાં રાખીને તેમને ઇન્કમ-ટૅક્સની રાહત આપશે એવી ધારણા મુકાય છે.

બૅન્કોની સમસ્યા કે સમાધાન?

બૅન્કોમાંથી ડિપોઝિટ ખાલી થવા માંડતાં હવે પછી અમુક મહિનામાં જ બૅન્કો ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજદર વધારે એવા શુભ સંકેત છે. આમ કરવાની જરૂર છે અને આમ  ખરેખર થાય તો સારું. બીજી બાજુ નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલમાં કંપનીઓના નાદારીના કેસો જવા લાગવાથી અને કંપનીઓના મર્જર કે ઍસેટ્સ વેચાણની શક્યતા વધતી જતાં બૅન્કોની બૅડ લોન્સની સમસ્યા પણ કંઈક અંશે હળવી થવાની આશા છે. જોકે રિઝર્વ બૅન્ક પોતાની મૉનિટરી પૉલિસી ટાઇટ રાખશે, કારણ કે એ ફુગાવા ઉર્ફે મોંઘવારીને નિયંત્રણમાં રાખવાનું લક્ષ્ય ધરાવે છે. આ સાથે એનું લક્ષ્ય ગ્રોથનું પણ છે. 

વિકાસદરની ગતિ


૨૦૧૮માં GDP ઊંચે જવાની શક્યતા છે જે બજારને પણ ઊંચે લઈ જવામાં કારણભૂત બનશે. વિવિધ એજન્સીઓ એમના ભિન્ન મત વ્યક્ત કરી રહી છે, પરંતુ હકીકતમાં ગ્રોથ ઊંચો જશે. વર્લ્ડ બૅન્કે એના રિપોર્ટમાં ભારતના વિકાસદર માટે બહુ જ સારો આશાવાદ બતાવ્યો છે જે વિદેશી રોકાણકારોને ભારતમાં વધુ રોકાણ કરવા માટે પ્રેરશે. અત્યારે તો બજેટની આશા પણ બજારમાં રોકાણકારોને ખેંચી રહી છે. ત્રીજા ક્વૉર્ટરનાં પરિણામ આવવાનું શરૂ થયું છે, જ્યારે ચોથા ક્વૉર્ટરથી સારાં પરિણામની આશા વધુ છે. ત્યાં સુધીમાં બજેટ આવી ગયું હશે અને GSTની અસર વધુ સ્પષ્ટ થઈ ગઈ હશે. અલબત્ત, આગામી સપ્તાહમાં પણ GST કાઉન્સિલની બેઠકમાં ચોક્કસ રાહતના નિર્ણયોની અપેક્ષા છે. ફેબ્રુઆરીમાં રિઝર્વ બૅન્કની પૉલિસી પણ આવશે. આની અસર પણ જોવા મળશે.

મ્યુચ્યુઅલ ફન્ડની ઇક્વિટી સ્કીમ્સ

આ વર્ષે પણ મ્યુચ્યુઅલ ફન્ડ્સ વધુ ને વધુ નાણાં ઊભાં કરી ઇક્વિટીઝને વેગ આપશે એવી આશા રાખવી યોગ્ય અને સમયસરની છે. ૨૦૧૭માં મ્યુચ્યુઅલ ફન્ડ્સની ઇક્વિટી યોજનાઓમાં જેટલું ફન્ડ આવ્યું છે એ છેલ્લાં ૧૦ વર્ષમાં સૌથી ઊંચું છે. મોટા ભાગના રોકાણકારો પાસે મ્યુચ્યુઅલ ફન્ડ્સ સિવાય બહેતર વિકલ્પ હોવાનું જણાતું નથી, પરિણામે દિવસ-રાત મ્યુચ્યુઅલ ફન્ડ્સની યોજનાઓ તરફ નાણાપ્રવાહ વહેતો રહે છે જે આખરે કૅપિટલ માર્કેટને વધુ તેજી તરફ લઈ જાય છે. આ વર્ષે એમાં ધરખમ પરિવર્તન આવવાની આશા છે જે એના રોકાણકારો અને બજારને વધુ ફળશે એમ કહેવાય છે. 

બજેટનાં લક્ષ્ય શું હશે?

બજેટ લોકપ્રિય અથવા લોકોને રાજી કરવાના લક્ષ્ય સાથે રજૂ થશે એ વિશે નિષ્ણાતો ભિન્ન મત ધરાવતાં કહે છે કે ‘મોદી સરકાર કડક પગલાંનો દોર પણ ચાલુ રાખશે છતાં લોકો પર ભાર કે બોજ ન વધે એની કાળજી પણ લેશે. કૃષિ અને ગ્રામ્ય ક્ષેત્રને રાહતો આપી તેમ જ  કલ્યાણકારી યોજનાઓ જાહેર કરી સરકાર પોતાનો હેતુ બર કરશે એમ નક્કી મનાય છે. આ વર્ષની આઠ રાજ્યોની ચૂંટણી આ માટે રાજકીય દબાણ લાવે એ સ્વાભાવિક છે. ૨૦૧૯માં સામાન્ય ચૂંટણીને લીધે પૂર્ણ બજેટ રજૂ થઈ શકશે નહીં જેથી આ બજેટને મોદી સરકાર માટે આખરી બજેટ કહી શકાય. પરિણામે આ બજેટને બહુ જ બૅલૅન્સ રાખવું પડશે. 

રોકાણકારોનું મન મૂંઝવણમાં

રોકાણકારો શૅરોના વધતા જતા ભાવો જોઈને રાજી થવા કરતાં ચિંતામાં વધુ મુકાઈ રહ્યા છે, કારણ કે આવા ઊંચા ભાવો સાથે ફન્ડામેન્ટલ્સનું મૅચિંગ નથી થઈ રહ્યું. બીજું, બજેટમાં આશા રાખવી એક વાત હોય છે અને એની વાસ્તવિકતા બીજી વાત હોય છે જેથી બજેટની આશાના આધારે ખરીદી પણ કરી શકાય નહીં. બજાર સતત ટૉપ બનાવી રહ્યું હોવાથી હાલમાં નહીં ખરીદવાના અભિગમમાં પણ રહી જવાનો રંજ રહ્યા કરે છે. ઘણાનાં મન કહે છે કે બજેટ પહેલાં સારા શૅર લઈને રાખી મૂકીએ અને ઘણાનાં મન માને છે કે બજેટની રાહ જોઈએ. મન બજાર અને બજેટની દિશા વચ્ચે મૂંઝવણમાં છે ત્યારે મન બજાર કરતાં મ્યુચ્યુઅલ ફન્ડ્સ તરફ વળે એ વધુ સલાહભર્યું છે. રોકાણકારોનાં મને એક વાત સમજી લેવી પડશે કે એ જે પણ કરે એ લાંબા ગાળા માટે કરે અને સિલેક્ટિવ બનીને વિવેક સાથે કરે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK