બપોર પછી બે વાગ્યાના શોમાં બજાર ઉપરથી ૪૧૫ પૉઇન્ટ નીચે ગયું

PSU બૅન્ક શૅરમાં નરમાઈનો ટ્રેન્ડ આગળ વધ્યો : યુનિટેકની આગેવાનીમાં રિયલ્ટી ઇન્ડેક્સ ૨.૩ ટકા તરડાયો : લાર્જ કૅપના મુકાબલે રોકડું વધુ ઢીલું થયું

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ઑક્ટોબર માસના ઔદ્યોગિક ઉત્પાદનમાં ધબડકો નોંધાયો છે. નવેમ્બર માસમાં રીટેલ ફુગાવો પંદર મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. એશિયન ડેવલપમેન્ટ બૅન્ક તરફથી ભારતના સંભવિત આર્થિક વિકાસદરને ફરી એક વાર ડાઉનગ્રેડ કરવામાં આવ્યો છે. ક્રૂડ ધીમી રાહમાં તેજીની દિશામાં આગળ વધતાં અઢી વર્ષનું નવું ઊંચું શિખર બનાવી ચૂક્યું છે. ૨૦૧૮માં ક્રૂડ કમસે કમ ૭૦ ડૉલર પ્લસ થવાની, કેટલાકને તો ભાવ ૮૦ ડૉલરે જવાની આશંકા કામે લાગી છે.

અમેરિકા ખાતે ફેડ-રેટમાં વધારો તેમ જ ટૅક્સ-રેટમાં તગડો ઘટાડો આવી રહ્યો છે. ગુજરાતનું ઇલેક્શન ભર્યા નારિયેળની સ્થિતિમાં છે. આ બધાની વચ્ચે શૅરબજાર ગઈ કાલે ઊંટના ઢેકા જેવી ચાલમાં બેતરફી વધ-ઘટ દાખવી છેલ્લે ૧૭૫ પૉઇન્ટના ઘટાડે ૩૩,૦૫૩ અને નિફ્ટી ૪૭ પૉઇન્ટની કમજોરીમાં ૧૦,૧૯૩ નજીક બંધ રહ્યાં છે. બજાર ગઈ કાલે બપોરના ૧૧થી બે દરમ્યાન પૉઝિટિવ ઝોનમાં રહી ઉપરમાં ૩૩,૪૦૪ને વટાવી ગયું હતું, પરંતુ બે વાગ્યાના શોમાં બધું બદલાઈ ગયું. માર્કેટ ઇન્ટ્રા-ડે હાઈથી ૪૧૫ પૉઇન્ટ પટકાઈ નીચામાં ૩૨,૯૮૯ની અંદર ઊતરી ગયું હતું. નિફ્ટી આ ગાળામાં ૧૦,૨૯૬ની ટૉપથી ૧૦,૧૭૦ની નીચે ચાલી ગયો હતો.

સેન્સેક્સ અને લાર્જ કૅપના મુકાબલે

મિડ-કૅપ, સ્મૉલ કૅપ તેમ જ બ્રૉડર માર્કેટ પ્રમાણમાં વધુ કટ થયા હતા. સરવાળે વધેલા પ્રત્યેક શૅર સામે લગભગ બે શૅરની નરમાઈનો ટ્રેન્ડ રિપીટ થયો હતો. સેન્સેક્સમાંના ૩૧માંથી પચીસ તો નિફ્ટીના ૫૦માંથી ૩૪ શૅર માઇનસ હતા. વૈશ્વિક ક્રૂડના ભાવમાં ખાસ મોટા ઘટાડાની ગેરહાજરી છતાં PSU રિફાઇનરી શૅર ગઈ કાલે દોઢથી બે ટકા ઊંચકાયા હતા.

ઇન્ટરગ્લોબમાં પ્રમોટર્સ દ્વારા શૅરનું વેચાણ


ઇન્ડિગો ફેમ ઇન્ટરગ્લોબ એવિયેશનમાં પબ્લિક હોલ્ડિંગ વિશે સેબીનાં ધોરણોનું પાલન કરવાની નેમથી પ્રમોટર્સ દ્વારા શૅરદીઠ ૧૧૩૦ રૂપિયાની ફ્લોર-પ્રાઇસ સાથે લગભગ ચાર કરોડ શૅર વેચવાનું નક્કી થતાં શૅર ગઈ કાલે નીચામાં ૧૧૩૨ રૂપિયા થઈ છેલ્લે ૩.૯ ટકાની નરમાઈમાં ૧૧૩૬ રૂપિયા બંધ હતો. ઉક્ત ફ્લોર-પ્રાઇસના ધોરણે શૅરના વેચાણમાંથી પ્રમોટર્સ કમસે કમ ૧૨૪૫ કરોડ રૂપિયા મેળવશે. ભારતી ગ્રુપની ભારતી ટેલીમીડિયામાં અમેરિકાસ્થિત પ્રાઇવેટ ઇક્વિટી ફન્ડ પિનકુશ વૉરબર્ગ દ્વારા વીસ ટકા હિસ્સો ૩૫ કરોડ ડૉલરમાં હસ્તગત કરાયાના અહેવાલ પાછળ ભારતી ઍરટેલનો ભાવ ૨૩ ગણા કામકાજમાં ૫૩૩ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બાદ છેલ્લે સવા ટકો ઘટીને ૫૧૭ રૂપિયા હતો. ભારતી ટેલિમીડિયા ઍરટેલ ટીવી બ્રૅન્ડ સાથે DTH બિઝનેસમાં ૧૪૦ લાખ સબસ્ક્રાઇબર્સ અને વર્ષે પંચાવન કરોડ ડૉલરની આવક ધરાવે છે. આ ડીલ બાદ કંપનીમાં ભારતી ગ્રુપનું હોલ્ડિંગ ૮૦ ટકા રહેશે. એક અન્ય અહેવાલમાં પૂંજ લૉઇડને ગેઇલ તથા નૅશનલ હાઇવે ઑથોરિટી તરફથી ૧૪૫૩ કરોડ રૂપિયાના ઑર્ડર મળતાં શૅર ગઈ કાલે છગણા કામકાજમાં ઉપરમાં ૨૩ રૂપિયા વટાવી અંતે સાડાછ ટકાના ઉછાળે બાવીસ રૂપિયા બંધ હતો.

એેમ્ફાસિસમાં બુલિશ વ્યુના કારણે આકર્ષણ

IT કંપની એમ્ફાસિસમાં ગોલ્ડમૅન સાક્સ તરફથી ૮૨૬ રૂપિયાના ટાગેર્ટ સાથે બાયની ભલામણ બાદ એક અન્ય બ્રોકરેજ હાઉસ IIFL દ્વારા ૮૧૦ રૂપિયાના ટાગેર્ટ સાથે બુલિશ વ્યુ જારી થયો છે. ભાવ સરેરાશ રોજના ૩૨૦૦ની સામે ગઈ કાલે ૩૬,૦૦૦ શૅરના કામકાજમાં ઉપરમાં ૭૩૪ રૂપિયા થઈ છેલ્લે સવા ટકાની નજીક વધીને ૭૧૮ રૂપિયા હતો. અન્ય IT કાઉન્ટરમાં લાર્સન ગ્રુપની લાર્સન ઇન્ફોટેક બુલ-રનની આગેકૂચમાં ચારગણા વૉલ્યુમમાં ૧૦૭૮ રૂપિયાની નવી વિક્રમી સપાટી બનાવી અંતે સાડાછ ટકાની મજબૂતીમાં ૧૦૬૪ રૂપિયા તથા લાર્સન ટેક્નૉલૉજીઝ સર્વિસિસ ૧૦૩૭ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બાદ એક ટકો ઘટીને ૯૯૦ રૂપિયા બંધ હતા. લાર્સન ઇન્ફોટેક વર્ષ પહેલાં ૬૫૦ રૂપિયાની નીચે હતો. સપ્તાહમાં આ શૅર ૯૬૧ રૂપિયાથી વધીને ૧૦૭૮ રૂપિયાને વટાવી ગયો છે. હેવીવેઇટ TCS સવાયા કામકાજમાં ૨૬૪૭ રૂપિયાને વટાવીને છેલ્લે પોણા ટકાના સુધારામાં ૨૬૩૨ રૂપિયા હતો.

યુનિટેકમાં સુપ્રીમ કોર્ટનો મનાઈહુકમ

મોટા પાયે મિસમૅનેજમેન્ટ તથા ભંડોળને અનુચિત રીતે અન્યત્ર વાળવાની વૃત્તિને લીધે ૨૦,૦૦૦ જેટલા હોમ બાયર્સ ઉપરાંત ડિબેન્ચર્સ અને ફિક્સ્ડ ડિપોઝિટધારકોનું હિત જોખમાયું છે. એને પગલે સરકાર દ્વારા એક અભૂતપૂર્વ નિર્ણયના ભાગરૂપ કંપનીનું મૅનેજમેન્ટ હસ્તગત કરવાનો નિર્ણય લેવાયો હતો જેને નાદારીની કોર્ટે લીલી ઝંડી આપી હતી. કંપની આ સામે સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. એમાં સુપ્રીમ કોર્ટ તરફથી સરકારના આ પગલા સામે સ્ટે અપાયો છે. આ સમાચારને કારણે શૅર તગડા કામકાજમાં ૭.૯૦ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૬.૩૯ રૂપિયા થઈ છેલ્લે ૧૩.૮ ટકાની ખરાબીમાં ૬.૬૩ રૂપિયા બંધ આવ્યો છે. દરમ્યાન ગઈ કાલે રિયલ્ટી સેગમેન્ટમાં એકંદર નરમાઈ હતી. ઉદ્યોગના ૯૨ શૅરમાંથી ૨૭ શૅર વધ્યા હતા. કોલ્ટે-પાટીલ ડેવલપર્સ, પૂર્વાંકારા, બંસલ હાઉસિંગ, TCI ડેવલપર્સ, નીતેશ એસ્ટેટ્સ, અજમેરા રિયલ્ટી, DLF, શોભા, HDIL, પ્રેસ્ટિજ એસ્ટેટ્સ જેવી જાતો ત્રણથી પોણાસાત ટકા સુધી ડાઉન હતી. રિયલ્ટી ઇન્ડેક્સ દસમાંથી નવ શૅરની પીછેહઠમાં સવાબે ટકા તરડાયો હતો. એકમાત્ર ઑબેરૉય રિયલ્ટી અડધો ટકો વધીને ૪૫૫ રૂપિયા નજીક બંધ આવ્યો છે.

PSU બૅન્ક શૅર રાબેતા મુજબ ડાઉન

ગઈ કાલે બૅન્કેક્સ તથા બૅન્ક નિફ્ટી અડધા ટકા જેવા નરમ હતા, પરંતુ PSU શૅરમાં સારીએવી મોટી કમજોરી જોવાઈ છે. PSU બૅન્ક નિફ્ટી બારેબાર શૅરની પીછેહઠમાં ૧.૮ ટકા ડાઉન હતો. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગના ૪૦માંથી ફક્ત ત્રણ શૅર વધી શક્યા હતા. એમાં કોટક મહિન્દ્ર બૅન્ક ૯૯૩ રૂપિયાની ઇન્ટ્રા-ડે બૉટમથી ઉપરમાં ૧૦૨૭ રૂપિયા વટાવી છેલ્લે દોઢ ટકો વધીને ૧૦૧૪ રૂપિયા હતો. ICICI બૅન્ક દોઢેક ટકા અને ઍક્સિસ બૅન્ક અડધો તથા સ્ટેટ બૅન્ક ૧.૬ ટકા જેવા નરમ રહેતાં સેન્સેક્સને કુલ મળીને ૫૮ પૉઇન્ટની હાનિ થઈ હતી. HDFC બૅન્ક નહીંવત નરમ બંધ હતો. કૅનેરા બૅન્ક, પંજાબ નૅશનલ બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, અલાહાબાદ બૅન્ક, JK બૅન્ક, AU બૅન્ક, DCB, યુનિયન બૅન્ક, IDBI બૅન્ક, OBC, IOB, સાઉથ ઇન્ડિયન બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક, કર્ણાટક બૅન્ક, કૉર્પોરેશન બૅન્ક, આંધ્ર બૅન્ક, યસ બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, ફેડરલ બૅન્ક, IDFC બૅન્ક ઇત્યાદિ જેવા દોઢ ડઝનથી વધુ બૅન્ક શૅર દોઢથી સવાત્રણ ટકા ઢીલા હતા.

લિકર શૅરમાં મસ્તીની મહેફિલ જામી


નોટબંધી, ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ, નબળો ગ્રોથ-રેટ, નિકાસક્ષેત્રે પીછેહઠ જેવાં વિવિધ કારણોને લઈને લગભગ બધા વેપારધંધામાં વત્તેઓછે અંશે મંદીની બુમરાણ સંભળાય છે, પરંતુ લિકર કંપનીઓનાં સરવૈયાં સારાં છે. સપ્ટેમ્બર ક્વૉર્ટર દરમ્યાન બ્રુઅરીઝ/ડિસ્ટિલરી સેગમેન્ટની ૧૩ કંપનીઓએ અગાઉના ૧૫૩ કરોડ રૂપિયા સામે આ વખતે બમણાથીયે વધુ એવો ૩૨૨ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો છે. બૅલૅન્સશીટમાંની આ લાલીની અસર લિકર શૅરના ભાવમાં પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. છેલ્લા એક માસમાં GM બ્રુઅરીઝ, અસોસિએટેડ આલ્કોહૉલ, ચંબલ બ્રુઅરીઝ, જગતજિત ઇન્ડસ્ટ્રીઝ, રેડિકો ખૈતાન, રવિકુમાર ડિસ્ટિલરીઝ, તિલકનગર ઇન્ડસ્ટ્રીઝ જેવી જાતો ૧૭ ટકાથી લઈને ૪૩ ટકા સુધી વધી ગઈ છે. ગઈ કાલે GM બ્રુઅરીઝ ૯૨૪ રૂપિયાની ઑલટાઇમ હાઈ બનાવી સાડાનવ ટકાની તેજીમાં ૮૮૭ રૂપિયા બંધ હતો. આ શૅર ત્રણ મહિનામાં ૧૦૭ ટકા વધી ગયો છે! તો મહિનામાં ૪૩ ટકાનો ઉછાળો દાખવનાર અસોસિએટેડ આલ્કોહૉલ ૨૬૦ રૂપિયાની નવી ટૉપ બનાવી ગઈ કાલે સવા આઠ ટકાના જમ્પમાં ૨૪૭ રૂપિયા, ગ્લોબસ સ્પિરિટ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૩૪ રૂપિયા, પિનકોન સ્પિરિટ્સ સવાપાંચ ટકા વધીને ૩૫ રૂપિયા પ્લસ, યુનાઇટેડ બ્રુઅરીઝ પોણાબે ટકા વધીને ૧૦૨૮ રૂપિયા બંધ હતા. યુનાઇટેડ સ્પિરિટ્સ ૩૪૩૧ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બાદ પ્રૉફિટ-બુકિંગમાં દોઢ ટકાના ઘટાડે ૩૩૩૬ રૂપિયા હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK