બે વાગ્યા પછીના બગાડમાં બજારનો મોટા ભાગનો સુધારો ધોવાઈ ગયો

મિડ કૅપ, સ્મૉલ કૅપ ને બ્રૉડર માર્કેટના ઇન્ડેક્સ નવાં શિખર બનાવીને રેડ ઝોનમાં આવી ગયાં :  રાણે ગ્રુપના શૅરમાં ફૅન્સી જામી, ૬૩ મૂન્સ વર્ષની ટોચે : ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ વિક્રમી સપાટીએ જઈ ૫૭૩ પૉઇન્ટ લથડ્યો

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

આગલા બંધથી સાધારણ ઉપર ખૂલ્યા બાદ શૅરબજાર ક્રમશ: મજબૂતીમાં ગઈ કાલે લગભગ સવાબે વાગ્યાની આસપાસ ૩૨,૩૪૮ની ઇન્ટ્રા-ડે ટોચ પર ગયું ત્યારે ૧૯૦ પૉઇન્ટની આ આગેકૂચ વધુ આગળ વધવાની ધારણા મુકાતી હતી અને ત્યાં જ પેટ્રોલ-ડીઝલના રોજેરોજ વધતા ભાવ સામે વધતા જનઆક્રોશને ધ્યાનમાં લઈ સરકાર ઑઇલ કંપનીઓને નવો ભાવવધારો કરતા અટકાવશે. હવે પછી વિશ્વબજારમાં થતા ભાવવધારાની અસર તેમને વેઠી લેવાની ફરજ પાડશે એવા અહેવાલ આવતાં બજાર સડસડાટ ઘટવા માંડ્યું એમાં એક કલાકમાં સેન્સેક્સ ૩૨,૧૨૬ની ઇન્ટ્રા-ડે બૉટમમાં જોવાયો હતો. છેલ્લે આંક ૨૮ પૉઇન્ટ જેવા નહીંવત સુધારામાં ૩૨,૧૮૬ રહ્યો છે. નિફ્ટી ઇન્ટ્રા-ડેમાં ૧૦,૧૩૨ નજીક ગયો હતો ત્યારે એની ૧૦,૧૩૮ આસપાસની વિક્રમી સપાટી આજે તો તૂટશે એવું મનાતું હતું, પરંતુ છેલ્લા કલાકની નબળાઈમાં એ ૧૪ પૉઇન્ટ જેવી નરમાઈમાં ૧૦,૦૭૯ બંધ આવ્યો છે. નિફ્ટી-૫૦ના ૫૧ શૅરમાંથી ૩૨ તો સેન્સેક્સના ૩૧માંથી ૨૧ શૅર ગઈ કાલે માઇનસ હતા. સનફાર્મા ચાર ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ત્રણ ટકા તથા ડૉ. રેડ્ડીઝ લૅબ બે ટકાની આસપાસની મજબૂતીમાં મોખરે રહીને બજારને કુલ મળીને ૧૧૮ પૉઇન્ટનો ફાયદો થયો હતો. રોકડું એટલે કે મિડ કૅપ, સ્મૉલ કૅપ તેમ જ બીએસઈ-૫૦૦ છેલ્લા કલાકની ઑલરાઉન્ડ વેચવાલીમાં ખરડાયું હતું. આ ત્રણેય ઇન્ડેક્સ ઇન્ટ્રા-ડેમાં ઑલટાઇમ હાઈ થયા બાદ અંતે લાલ નિશાનમાં સરી પડ્યા હતા. એના પગલે માર્કેટ-બ્રેડ્થ નોંધપાત્ર રીતે ખરડાઈ હતી.

પેટ્રોલ-ડીઝલના ભાવ સંબંધે ડીરેગ્યુલેશનની નીતિમાંથી સરકાર દ્વારા યુ-ટર્ન લેવાશે એવી આશંકાના પગલે બુધવારે ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૧૦માંથી આઠ શૅરની ખરાબીમાં પોણાબે ટકા લપસ્યો હતો. ઇન્ટ્રા-ડેમાં આ ઇન્ડેક્સે ૧૫,૬૨૯ની સર્વોચ્ય સપાટી હાંસલ કરી હતી, પરંતુ પ્રતિકૂળ અહેવાલ પાછળ ૫૭૩ પૉઇન્ટના કડાકામાં નીચામાં ૧૫,૦૫૫ થઈ ગયો હતો. અત્રે એક માત્ર રિલાયન્સ સામા પ્રવાહે ત્રણ ટકાથી વધુની મજબૂતીમાં ૮૪૯ રૂપિયાના નવા શિખરે બંધ રહી શક્યો હતો, જ્યારે ભારત પેટ્રોલિયમ સવાછ ટકા, હિન્દુસ્તાન પેટ્રોલિયમ પાંચ ટકા, આઇઓસી સવાચાર ટકા, ઑઇલ ઇન્ડિયા સવાબે ટકા, એમઆરપીએલ અઢી ટકા, ચેન્નઈ પેટ્રોલિયમ ચાર ટકા, ઓએનજીસી અડધો ટકો, ઇન્દ્રપ્રસ્થ ગૅસ બે ટકા, જીએસપીએલ પોણો ટકો, ગેઇલ અડધો ટકો, હિન્દુસ્તાન ઑઇલ એક્સ્પ્લોરેશન ૫.૪ ટકા, મહાનગર ગૅસ અઢી ટકા ઘટ્યા હતા. સનફાર્મા, લુપિન, ડૉ. રેડ્ડીઝ લૅબ, ડિવીઝ લૅબ, ગ્લેનમાર્ક, નાટ્કો ફાર્મા, વૉકહાર્ટ, કેપ્લીન પૉઇન્ટ ઇત્યાદિ જેવી ફ્રન્ટલાઇન ફાર્મા જાતો બેથી સવાપાંચ ટકા વધીને બંધ આવતાં હેલ્થકૅર ઇન્ડેક્સ સર્વાધિક ૧.૨ ટકા નજીક ઊંચકાયો હતો. આઠ દિવસની એકધારી આગેકૂચમાં મંગળવારે ૧૪,૨૯૬ની મલ્ટિયર ટૉપ હાંસલ કર્યા બાદ ગઈ કાલે મેટલ શૅરમાં પ્રૉફિટ-બુકિંગ જામ્યું હતું. નાલ્કો સિવાય ૧૦માંથી નવ શૅરના ઘટાડામાં મેટલ ઇન્ડેક્સ એક ટકાથી વધુ ડાઉન હતો.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સર્વોચ્ચ સપાટી

માર્કેટ લીડર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગઈ કાલે ૮૫૯ રૂપિયાની ટોચે જઈ છેલ્લે ૩.૯ ટકાની મજબૂતીમાં ૮૫૫ રૂપિયા બંધ રહ્યો છે જે એની સર્વોચ્ચ સપાટી છે. આ સાથે એનું માર્કેટ કૅપ ૫.૫૬ લાખ કરોડ રૂપિયાની વિક્રમી સપાટીને વટાવી ગયું છે. આ શૅરના લીધે સેન્સેક્સને બુધવારે ૯૦ પૉઇન્ટનો લાભ થયો હતો. રિલાયન્સનો ભાવ મહિનામાં આઠ ટકા, ત્રણ મહિનામાં ૨૯ ટકા, છ મહિનામાં ૩૨ ટકા અને એક વર્ષમાં સાડાબાસઠ ટકા ઊંચકાયો છે. જાણકારો વધ-ઘટે વર્ષાંરત સુધીમાં અહીં ચાર આંકડાનો ભાવ લાવ્યા છે. મુકેશ ગ્રુપની અન્ય કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ઉપરમાં ૫૧૨ રૂપિયા બતાવી અંતે સાધારણ ઘટાડે ૪૮૭ રૂપિયા હતો. નેટવર્ક-૧૮ મીડિયા બમણા કામકાજમાં સવા ટકો વધીને ૪૯ રૂપિયા તથા ટીવી-૧૮ બ્રૉડકાસ્ટ સવાત્રણ ટકાના ઉછાળે ૪૩ રૂપિયા હતો. અનિલ અંબાણી ગ્રુપમાં મિશ્ર વલણ હતું. રિલાયન્સ કૅપિટલ પાંખા કામકાજમાં નીચામાં ૭૫૦ રૂપિયા થઈ છેલ્લે પોણાત્રણ ટકા ઘટીને ૭૫૪ રૂપિયા તો આરકૉમ પોણાબે ગણા વૉલ્યુમમાં પોણાચાર ટકાની પીછેહઠમાં ૨૨ રૂપિયા નીચે બંધ હતા. રિલાયન્સ ડિફેન્સ ત્રણ ગણા કામકાજમાં ૬૧ રૂપિયા થઈ અંતે ૫.૫ ટકાના ઉછાળે ૫૯ રૂપિયા પર હતો. રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઇન્ફ્રા નજીવા વધ-ઘટમાં હતા.

રાણે ગ્રુપના શૅરમાં તેજીની આગેકૂચ


બહુધા ઑટો પાર્ટ્સ તેમ જ ઇક્વિપમેન્ટ બિઝનેસમાં પ્રવૃત્ત રાણે ગ્રુપના શૅરમાં વાહનોના વેચાણના આંકડાની સીધી અસરમાં તેજી આગળ વધવા લાગી છે. ગઈ કાલે રાણે મદ્રાસ ૧૫ ગણા વૉલ્યુમમાં ઉપરમાં ૫૮૦ રૂપિયા નજીક જઈ છેલ્લે ૧૦.૫ ટકાના જમ્પમાં ૫૪૧ રૂપિયા બંધ હતો. રાણે બ્રેકલાઇનિંગ આઠ ગણા વૉલ્યુમમાં ઉપરમાં ૧૩૫૦ રૂપિયા થઈ અંતે સાતેક ટકાની મજબૂતીમાં ૧૨૬૯ રૂપિયા, રાણે એન્જિન વાલ્વ છ ગણા કામકાજમાં ૬૭૯ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૧૦.૪ ટકાના ઉછાળે ૬૪૦ રૂપિયા તથા રાણે હોલ્ડિંગ્સ ૨૨ ગણા વૉલ્યુમમાં ૨૦૧૯ રૂપિયાની વિક્રમી સપાટી મેળવી છેલ્લે આઠ ટકાની તેજીમાં ૧૯૪૮ રૂપિયા બંધ હતા. બાય ધ વે, ઑટો પાર્ટ્સ ઉદ્યોગમાં ગઈ કાલે થોડુંક નરમ વલણ હતું. ઉદ્યોગના ૩૬ શૅર વધ્યા હતા. સામે ૫૬ જાતો ઘટેલી હતી. જેબીએમ ઑટો, હિન્દુસ્તાન હાર્ડી, સિમોન્ડ માર્શલ, પોરવાલ ઇન્ડસ્ટ્રીઝ, સુંદરમ ફાસ્ટનર્સ, સેટકો, ઑટોલાઇન ઇન્ડસ્ટ્રીઝ, સુજિત એન્જિ., રેમસન્સ ઇન્ડસ્ટ્રીઝ, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ ઇત્યાદિ ત્રણેક ટકાથી લઈને પાંચ ટકા સુધી ડાઉન હતા. રિકો ઑટો સાડાઆઠેક ટકા અપ હતો.

૬૩ મૂન્સમાં તગડા વૉલ્યુમ સાથે તેજી

અગાઉની ફાઇનૅન્શિયલ ટેક્નૉલૉજીઝ અને હાલની ૬૩ મૂન્સ ટેક્નૉલૉજીઝમાં વૉલ્યુમ સાથે ભારે સળવળાટ શરૂ થયો છે. શૅર ગïઈ કાલે પોણાત્રણ ગણા કામકાજમાં ૯૧ રૂપિયા નજીક વર્ષની ટૉપ બતાવી છેલ્લે પોણાપાંચ ટકાના ઉછાળે ૮૭.૪૦ રૂપિયા બંધ હતો. બે રૂપિયાની ફેસવૅલ્યુવાળો આ શૅર હમણાં લગભગ મહિના પૂર્વે ૧૦ ઑગસ્ટે ૫૩ રૂપિયાના ઐતિહાસિક તળિયે પહોંચ્યો હતો. શૅરની બુકવૅલ્યુ ૬૮૨ રૂપિયા આસપાસ છે. આ ઉપરાંત ગઈ કાલે એસીસી, અદાણી ટ્રાન્સમીશન, અંબુજા સિમેન્ટ, અસાહી ઇન્ડિયા, અશોક લેલૅન્ડ, એસિયન પેઇન્ટ્સ, અવધ શુગર, બજાજ સ્ટીલ, બલરામપુર ચીની, ભારત ઇલેક્ટ્રૉનિક્સ, ભારત ફોર્જ, બ્રિટાનિયા, બર્ગર પેઇન્ટ્સ, કોલગેટ, દીવાન હાઉસિંગ, ડિ-માર્ટ, એમ્કે ગ્લોબલ, ગારનેટ ઇન્ટર., ગૃહ ફાઇનૅન્સ, એચડીએફસી બૅન્ક, હિન્દુસ્તાન યુનિલીવર, મન્નપૂરમ મારીકો,  મનપસંદ બેવરેજિસ, નાલ્કો, મુથૂટ ફાઇનૅન્સ, નોસીલ, રિકો ઑટો, શ્રેયસ શિપિંગ, સોલર ઇન્ડસ્ટ્રીઝ, સ્પાઇસજેટ, સુંદરમ ફાસ્ટનર્સ, તાતા ઍલેક્સી, તાતા ગ્લોબલ, તિરુમલાઈ કેમિકલ્સ, ટીવીએસ મોટર્સ, વૉલ્ટાસ સહિત ૧૪૪ જાતોમાં નવાં ઐતિહાસિક શિખર બન્યાં હતાં.

એઇટ કે માઇલ્સમાં વધી રહેલી ખરાબી

કમ્પ્યુટર સૉફ્ટવેર ક્ષેત્રે પ્રવૃત્ત એઇટ કે માઇલ્સમાં શૅરદીઠ સાત રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરીને બોર્ડ-મીટિંગમાં એને એક રૂપિયામાં કરી દેવાયાના ડિવિડન્ડ ફિયાસ્કોની સાથે ગીરવે મુકાયેલા શૅરનો વિવાદ ચર્ચાતાં ખરાબી શરૂ થઈ છે. ભાવ ગઈ કાલે ૧૦ ગણાથી વધુના કામકાજમાં ૩૮૨ રૂપિયાના બે વર્ષના તળિયે જઈ છેલ્લે સવાનવ ટકાના કડાકામાં ૪૦૨ રૂપિયા બંધ આવ્યો છે. દસેક દિવસ પૂર્વે ભાવ ૫૧૦ રૂપિયા હતો, જ્યારે ૨૦૧૬ની ૧૪ જૂને શૅરમાં ૯૫૬ રૂપિયાની વિક્રમી સપાટી બની હતી. પાંચ રૂપિયાની ફેસવૅલ્યુ અને ૬૭ રૂપિયાની બુકવૅલ્યુવાળી આ કંપનીની ૧૦૮૯ લાખ રૂપિયાની ઇક્વિટીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૬૦ ટકા છે. ડીએસપી બ્લૅકરૉક માઇક્રો કૅપ ફન્ડ પાસે લગભગ સવાબે ટકા તથા ઇન્ડિયા ઇન્ફોલાઇન પાસે બે ટકાથી વધુ માલ છે. આ કંપનીનું નામ વર્ષો પહેલાં રોઝબડ કમર્શિયલ હતું જે બદલીને પીએમ સ્ટ્રીપ્સ થયું અને ત્યાર પછી ૨૦૧૧માં એઇટ કે માઇલ્સ નામ રખાયું. ગઈ કાલે એક અન્ય શૅર હિન્દુસ્તાન પેટ્રોલિયમ પ્રમાણમાં મોટા કામકાજ વચ્ચે નીચામાં ૪૪૩ રૂપિયા થઈ અંતે પાંચ ટકાની ખુવારીમાં ૪૫૭ રૂપિયા બંધ હતો. ભારત પેટ્રોલિયમ અઢી ગણા વૉલ્યુમમાં સવાછ ટકા તૂટીને ૫૦૦ રૂપિયા તથા આઇઓસી સવાચાર ટકા તૂટીને ૪૧૬ રૂપિયા બંધ હતા. એમઆરપીએલમાં અઢી ટકા અને ચેન્નઈ પેટ્રોમાં ચાર ટકાની નબળાઈ આવી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK