બજાર ભલે ઉપર-નીચે થયા કરે, રોકાણકારો નૉટ આઉટ રહે

તેમ છતાં હાલના સંજોગોમાં કરેક્શન અને રિકવરી ચાલ્યા કરશે, હાલતરત બજારની નજર હવે કર્ણાટકના પરિણામ પર રહેશે. શૉર્ટ ટર્મવાળા સાવચેત રહો, લૉન્ગ ટર્મવાળા સિલેક્ટિવલી નિશ્ચિંત રહો અને નૉટ આઉટ રહો

BSE

શૅરબજારની સાદીવાત - જયેશ ચિતલિયા

વધુ એક વીતેલા સોમવારે (લગભગ સાતમી વાર) બજારની શરૂઆત પૉઝિટિવ થઈ હતી. એની અગાઉના શુક્રવારે નેગેટિવ બંધ રહ્યા બાદ ગયા સોમવારે સેન્સેક્સે ૨૯૨ પૉઇન્ટ અને નિફ્ટીએ  ૯૭ પૉઇન્ટ પ્લસથી સપ્તાહનો આરંભ કર્યો હતો, જેનો ઇશારો કર્ણાટકની ચૂંટણીના માહોલમાંથી અને ગ્લોબલ સ્તરે સારા સંકેતથી આવ્યો હોવાની ચર્ચા હતી. જોકે મંગળવારે બજાર વધીને પાછું ફરી નજીવું પ્લસ બંધ રહ્યું હતું. બુધવારે ફરી બજારે પૉઝિટિવ બનીને સેન્સેક્સે ૧૦૩ પૉઇન્ટ અને નિફ્ટીએ ૨૪ પૉઇન્ટની વદ્ધિ નોંધાવી હતી. ગુરુવારે વળી બજારે સારા ઉછાળા સાથે શરૂઆત કરી  છેવટે સેન્સેક્સનો ૭૩ પૉઇન્ટ માઇનસ બંધ આપ્યો હતો. જોકે શુક્રવારે બજારે જબ્બર ટર્ન લઈ ત્રણસો પૉઇન્ટ જેટલો કૂદકો માર્યો હતો, જેમાં સેન્સેક્સ ૩૫,૫૦૦ પર અને નિફ્ટી ૧૦,૮૦૦ પર પહોંચી બંધ રહ્યો હતો. શુક્રવારના આ વળાંકે કર્ણાટકના સંભવિત પરિણામના સંકેત આપ્યા હોય એમ જણાતું હતું. એમાં વળી ગ્લોબલ ટ્રેડ વૉરનો મામલો હળવો થવાના નિર્દેશ પણ કામ કરી ગયા હતા. આમ પણ ગયા વખતે કરેલી ચર્ચા મુજબ બજાર હાલના સજોગોમાં કભી રિકવરી, કભી કરેક્શનના તાલમાં રહેવાની શકયતા વધુ છે, જેમાં પ્રૉફિટ-બુકિંગ પણ થયા કરશે. જોકે મહદ્ અંશે માત્ર ઇન્ડેક્સ ગતિ ઊંચાઈ તરફ જઈ રહી છે. ઓવરઑલ બજાર વધી રહ્યું નથી. તેમ છતાં  ચોક્કસ ભાવિ પરિબળો અને આશાને ધ્યાનમાં રાખી નિફટી ૧૧ હજાર તરફ કૂચ કરી રહ્યો હોવાનો અંદાજ વધતો જાય છે. જોકે આ સંજોગોમાં રોકાણકારો તેલ અને તેલની ધાર જોઈ રહ્યા હોવાથી વચ્ચે-વચ્ચે કરેક્શન નિશ્ચિત છે. કર્ણાટકની ચૂંટણીના પરિણામ બાદ બજારની ચાલને  નવી ગતિ મળી શકે છે. બજારની ભાષામાં કહેવાય છે એમ સ્ટે ઇન્વેસ્ટેડ! અર્થાત્ નૉટ આઉટ રહો!

સિલેક્ટેડ સ્ટૉક્સ પર ધ્યાન

વર્તમાન સમયમાં બજાર માટે સારાં પરિબળોમાં નૉર્મલ ચોમાસાની આગાહી, ફુગાવાનું નિયંત્રણ, ધિરાણ પરના વ્યાજદર વધશે નહીં બલકે ઘટે એવી આશાને ગણવામાં આવે છે. આ સાથે કૉર્પોરેટ અર્નિંગ્સ (પરિણામ)માં જોવાઈ રહેલો સુધારો યા રિકવરી પણ એક મહત્વનું પરિબળ છે. બૅન્કોના ધિરાણનું પ્રમાણ પણ વધેલું નોંધાયું  છે. હાલ બૅન્કોના પરિણામને NPA માટેની રિઝર્વ બૅન્કની કડક  જોગવાઈઓને ધ્યાનમાં રાખી જોવામાં આવે છે, જેના સંદર્ભમાં ICICI બૅન્કે પણ ખોટ નોંધાવી હોવા પછી પણ એના ભાવમાં વધારો જોવાયો હતો. અલબત્ત, આ બૅન્ક ચોક્કસ વિવાદમાં હોવાથી પણ તેની ચાલની અનિશ્ચિતતા ઊભી રહે છે. આ ઉપરાંત GSTના કલેક્શનને પૉઝિટિવ નિશાની માનવામાં આવે છે અને હવે એમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાની બાબત પણ લાંબે ગાળે સારું પરિણામ આપશે એવી અપેક્ષા છે. તેમ છતાં ઓવરઑલ બજાર પર આધાર રાખવા કરતાં સિલેક્ટેડ શૅરો (કંપનીઓ પર) ભરોસો રાખી આગળ વધવામાં વધુ શાણપણ છે.  

મ્યુચ્યુઅલ ફન્ડ્સની ઇક્વિટી ખરીદી

તાજેતરમાં અસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફન્ડ્સ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા રસપ્રદ છે. એક તો આ એપ્રિલમાં મ્યુચ્યુઅલ ફન્ડ્સનું ઇક્વિટી રોકાણ આઠ લાખ કરોડ પર પહોંચી ગયું છે. આ ઇક્વિટી રોકાણ આર્બિટ્રેજ ફન્ડ્સ તેમ જ ઇક્વિટી લિન્ક્ડ સેવિંગ સ્કીમ્સ મારફત આવ્યું છે. છેલ્લા એક જ વરસમાં આ રોકાણમાં ૪૦ ટકા જેવો જબ્બર ઉછાળો જોવાયો છે, જે ઇક્વિટી પ્રત્યે વધી રહેલું આકર્ષણ દર્શાવે છે. જ્યારે કે આ એક વરસમાં મ્યુચ્યુઅલ ફન્ડ્સની કુલ ઍસેટ્સ અન્ડર મૅનેજમેન્ટ ૨૩ લાખ કરોડ રૂપિયાથી વધી ગઈ છે, જે વીસ ટકાનો વધારો બતાવે છે. આમાં નોંધનીય એ છે કે ઇક્વિટીમાં થયેલી વૃદ્ધિ ડબલ છે. આમ છેલ્લા એક વરસમાં દર મહિને મ્યુચ્યુઅલ ફન્ડ મારફત સરેરાશ ૧૪૦ અબજ રૂપિયા ઇક્વિટીમાં આવ્યા છે. આ જ બાબતનું એક જોખમ પણ ધ્યાનમાં લેવું જોઈએ, જેમાં માર્કેટના તૂટવાના ગાળામાં આ જ ફન્ડ્સ તરફથી વેચાણ પણ આવી શકે છે. જો રોકાણકારો રિડમ્પ્શન માટે આક્રમક બને તો આ જોખમ ઊભું થાય. અલબત્ત, વર્તમાન સંજોગોમાં આવી શકયતા બહુ ઓછી ગણાય. રોકાણકારો ઉપરથી મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં સતત નાણાં ઠાલવી રહ્યા છે. બજાર માટે આ બહુ મજબૂત નિશાની કહી શકાય, જે વિદેશી રોકાણકારોના વેચાણનો સામનો કરવા સક્ષમ બની રહે છે.

આર્થિક પરિબળો

આ ઉપરાંત દેશના આર્થિક સંજોગોમાં મેક્રો ઇકૉનૉમિક પૅરામીટર જોઈએ તો ફિસ્કલ ડેફિસિટ, કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ, ઇન્ફ્લેશન, સીધું વિદેશી રોકાણ (FDI)ની સ્થિતિ તંદુરસ્ત છે. જેને લીધે વિકાસ માટે વધુ અવકાશ જણાય છે. કંપનીઓની આવકમાં હવે પછી વૃદ્ધિ જોવાશે. ચોક્કસ સેક્ટર્સમાં આ ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. આની સામે ક્રૂડના ભાવ, ગ્લોબલ અનિશ્ચિતતા  જેવાં પરિબળો જોખમ દર્શાવે છે. આ સાથે ગ્લોબલ ટ્રેડ વૉર અને કોરિયા સંબંધિત તનાવ પણ હળવા થવાના સંજોગો જણાઈ રહ્યા છે. આ બધા વચ્ચે જોકે લાંબા ગાળા માટે જેમણે શૅરબજારમાં રોકાણ કરવું છે તેમના માટે આ સમય યોગ્ય છે, બાકી શૉર્ટ ટર્મવાળાઓએ વધઘટ કે વૉલેટિલિટીનો અને લૉસના જોખમનો સામનો કરવાનો આવી શકે. 

FPIનું વેચાણ

એપ્રિલમાં ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPI) દ્વારા ભારતીય બજારમાં ઇક્વિટી અને ડેટ મળીને ૧૫,૫૦૦ કરોડ રૂપિયાનું વેચાણ થયું હતું, જે છેલ્લા ૧૬ મહિનામાં સૌથી વધુ હતું. સરકારી સિક્યૉરિટીઝના યિલ્ડમાં વધારો અને ક્રૂડના ભાવમાં વૃદ્ધિ થવાને કારણે આ વિદેશી રોકાણકારોએ વેચવાલી કરી હતી. જોકે મે મહિનામાં અત્યાર સુધીમાં તેમણે ઇક્વિટીમાં ૭૧૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કયુર્ંર છે અને ડેટમાંથી ૯૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ છૂટું કર્યું છે. સરકારી સિક્યૉરિટીઝમાં યિલ્ડ વધતા તેમણે અહીં ડેટ માર્કેટમાં વેચાણ કર્યું છે અને ક્રૂડના ભાવ વધવાને લીધે ઇક્વિટીમાં પણ વેચાણ કર્યું છે. જોકે એકંદરે ઇક્વિટીમાં FPIનું રોકાણ બહુ ઘટ્યું નથી.

ડિલિવરીના કામકાજમાં ધરખમ ઘટાડો

શૅરબજારમાં તાજેતરમાં એક અભ્યાસમાં જાણવા મળેલી એક બાબત વિચારપ્રેરક છે. છેલ્લા કેટલાક સમયથી બજારમાં ડિલિવરીના કામકાજનું પ્રમાણ સતત ઘટતું રહ્યું છે. આ એપ્રિલમાં BSE અને NSE પર ઍવરેજ મન્થલી ડિલિવરી વૉલ્યુમ ઘટીને ૩૫ ટકા આસપાસ પહોંચી ગયું હતું. ૨૦૦૯ના નવેમ્બરથી લઈને અત્યાર સુધીમાં એ સૌથી નીચું છે. ૨૦૧૭ના માર્ચમાં જેટલા સોદા થતા હતા એમાંથી પચાસ ટકા સોદામાં ડિલિવરી થતી હતી. વાસ્તવમાં આ નિશાની સારી ન ગણાય. આનો અર્થ એ થાય કે લોકો ટ્રેડિંગ વધુ અને રોકાણ ઓછું કરે છે. એનો બીજો અર્થ એ થાય કે બજારમાં શૅરો જાળવી રાખવાનો વિશ્વાસ હાલ ઘટ્યો છે. આ સંજોગો બજારના ટ્રેન્ડની અનિશ્ચિતતાનો નિર્દેશ કરે છે.

નાની સાદી વાત

બજારમાં અત્યારે જે વૃદ્ધિ થઈ રહેલી જોવા મળે છે એમાં વાસ્તવમાં બેન્ચમાર્ક ઇન્ડેક્સ વધી રહ્યો છે, બાકી બજારમાં હાલ માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહે છે. અર્થાત્ વધનાર શૅરો કરતાં ઘટનાર શૅરોની સંખ્યા વધુ રહે છે. ખાસ કરીને મિડ કૅપ અને સ્મૉલ કૅપ શૅરો વધુ નીચા ગયા છે. લાર્જ કૅપમાં આવો ઘટાડો સિલેક્ટેડ રહ્યો છે. નેગેટિવ માર્કેટ બ્રેડ્થ બજાર માટે તંદુરસ્ત નિશાની ગણાય નહીં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK