ઇન્ફોસિસનાં પરિણામ પૂર્વે બેતરફી વધ-ઘટ, બજાર સાતમા દિવસે વધ્યું

IT શૅરમાં ઉપલા મથાળેથી પીછેહઠનો માહોલ : ફોર્ટિસમાં ડાબરના બર્મન અને હીરોના મુંજાલને પણ રસ જાગ્યો, શૅર સવા ટકો નરમ : PSU બૅન્ક શૅરમાં નરમાઈનો ટ્રેન્ડ આગળ વધ્યો

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

શૅરબજાર આગલા બંધથી પૉઝિટિવ ઝોનમાં ખૂલી શુક્રવારે ૨૦૦ પૉઇન્ટ પ્લસની આગેકૂચમાં ઉપરમાં ૩૪૩૧૩ વટાવી ગયું હતું. બજારમાં કામકાજનું બીજું સેશન બેતરફી સારી એવી ઊથલપાથલનું રહેતાં ૩૪૧૦૩ની ઇન્ટ્રા-ડે બૉટમ બની અને અંતે સેન્સેક્સ ૯૧ પૉઇન્ટ વધીને ૩૪૧૯૨ બંધ આવ્યો છે. નિફ્ટી ૧૦૫૨૦ નજીક ગયા બાદ છેલ્લે ૨૨ પૉઇન્ટના સુધારામાં ૧૦૪૮૦ રહ્યો છે. માર્કેટનો આ સળંગ સાતમા દિવસનો સુધારો છે. સેન્સેક્સના ૩૧માંથી ૧૮ તો નિફ્ટીના ૫૦માંથી ૨૬ શૅર વધ્યા છે.

અદાણી પોર્ટ પોણાત્રણ ટકા જેવી મજબૂતીમાં બન્ને બેન્ચમાર્ક ખાતે ટૉપ ગેઇનર બન્યો હતો. માર્કેટ-બ્રેડ્થમાં નેગેટિવિટી જળવાઈ રહી છે. ફોર્ટિસ હેલ્થકૅરના હૉસ્પિટલ-બિઝનેસને હસ્તગત કરવાની રેસમાં ડાબરના બર્મન અને હીરો ગ્રુપના મુંજાલ પણ મેદાનમાં ઊતર્યા છે, શૅર ગઈ કાલે ૧૫૮ની ટોચે જઈ પ્રૉફિટ-બુકિંગમાં સવા ટકો ઘટીને ૧૫૨ રૂપિયાની અંદર બંધ આવ્યો છે.

બૅન્કેક્સ તથા બૅન્ક નિફ્ટી નામ કે વાસ્તે કે પરચૂરણ સુધારામાં વધીને બંધ હતા. જોકે PSU બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૭ શૅરની નબળાઈમાં અડધો ટકો વધુ નીચે ઊતર્યો છે. બૅન્કિંગ સેક્ટરના ૪૧માંથી ૧૬ શૅર વધ્યા હતા. કૅનેરા બૅન્ક, કોટક મહિન્દ્ર બૅન્ક, કરુર વૈશ્ય, ઇન્ડિયન બૅન્ક તથા DCB બૅન્ક દોઢથી બે ટકા અપ હતા. શુગર સેક્ટરમાં પીછેહઠ જારી છે. ઉદ્યોગના ૩૩ શૅરમાંથી ગઈ કાલે માત્ર પાંચ જાતો વધી શકી હતી. મેટલ શૅર પ્રત્યાઘાતી ઘટાડાનો અલ્પ દોર પચાવી ગઈ કાલે સુધારામાં હતા. મેટલ ઇન્ડેક્સ ૧૦માંથી પાંચ શૅર પ્લસમાં રહેતાં એક ટકો વધ્યો છે. સેઇલ સર્વાધિક સાડાત્રણ ટકા ઊંચકાયો હતો. ગ્લેનમાર્ક ફાર્મા ત્રણ ગણા કામકાજમાં સાડાચાર ટકાના ઉછાળે ૫૮૨ રૂપિયા બંધ આવ્યો છે. રૂપા ઍન્ડ કંપની રોજના સરેરાશ ૫૬૦૦ શૅર સામે ગઈ કાલે ૧.૧૪ લાખ શૅરના વૉલ્યુમમાં પોણાતેર ટકાની તેજીમાં ૪૪૭ રૂપિયા રહ્યો છે. શૅરની ફેસવૅલ્યુ એક રૂપિયો છે. ચંબલ ફર્ટિલાઇઝર્સ ૧૮૯ પ્લસનું નવું શિખર મેળવી સાડાબાર ટકાના જમ્પમાં ૧૮૭ રૂપિયા નજીક બંધ હતો. ખાતર ઉદ્યોગમાં એક શૅર નરમ તો બે શૅર વધ્યાનો ઘાટ હતો. મદ્રાસ ફર્ટિલાઇઝર્સ, ફેકર, ઝુઆરી, ગ્લોબલ, ઝુઆરી જેવી જાતો પાંચથી સાડાનવ ટકા ઊંચકાઈ હતી.

મૉર્ગન બુલિશ મૂડમાં

૨૦૧૭માં સેન્સેક્સ તથા નિફ્ટીના ૨૯ ટકાના વધારા પછી સૌકોઈ એક વાતે સહમત હતા કે ૨૦૧૮માં આવું તગડું રિટર્ન જોવા મળવાનું નથી અને વર્ષ જેમ-જેમ આગળ વધતું ગયું તેમ-તેમ ટ્રેડ-વૉર, ફૂડ, ફેડ રેટ સહિત જિયોપૉલિટિકલ તનાવ અને ઘરઆંગણે બૅન્કોની બૅડ લોન તથા NPAની વકરતી હાલત, નિમો-ફ્રૉડ, રાજ્યો તથા ત્યાર પછી લોકસભાની આવી રહેલી ચૂંટણીઓ, કૃષિ અને ગ્રામીણ સમુદાયમાં સરકાર તરફ વધી રહેલો આક્રોશ, રાજકોષીય ખાધમાં વધારો, મંદ માગણી, ઉદ્યોગોની નીચી ક્ષમતા વપરાશ વગેરેને લઈ કૉર્પોરેટ કમાણીનો વૃદ્ધિદર કમજોર રહેશે એવો ખ્યાલ આવતાં ૨૦૧૮ના વર્ષે શૅરબજાર માંડ ડબલ ડિજિટનું રિટર્ન આપશે એવો અભિપ્રાય વ્યાપક બનવા માંડ્યો હતો. વિદેશી બ્રોકરેજ હાઉસ સિટી ગ્રુપ તરફથી વષાર઼્તે સેન્સેક્સ ૩૬૯૦૦ રહેવાનો અંદાજ ડાઉનગ્રેડ કરીને ૩૫૭૦૦ કરવામાં આવ્યો તો CLSA દ્વારા ૧૧૪૦૦ની નિફ્ટીનું અપેક્ષિત લેવલ ઘટાડાયું છે અને ૨૦૧૮માં હવે ૧૧૦૦૦ પ્લસનો નિફ્ટી મુશ્કેલ ગણાવાયો છે. UBSનો ટાર્ગેટ ૧૦૫૦૦ના નિફ્ટીનો છે. વિદેશી બ્રોકરેજ હાઉસના આ બેરિશ વ્યુ સામે આર્યજનક રીતે મૉર્ગન સ્ટૅનલી દ્વારા તાજેતરમાં જબરો બુલિશ વ્યુ જારી થયો છે.

૨૦૧૮-’૧૯માં કૉર્પોરેટ કમાણી ૨૯ ટકાના દરે વધવાની ધારણા સાથે એણે બજારમાં તેજીની સ્થિતિ બરકરાર રહેવાની પૂર્વશરતે ડિસેમ્બર સુધીમાં ૪૧૫૦૦ના સેન્સેક્સની આગાહી કરી છે. જોકે આ શક્યતા ૩૦ ટકા જ છે, જ્યારે ૫૦ ટકા શક્યતા ૩૫૭૦૦ના સેન્સેક્સની છે અને ૨૦ ટકા સંભાવના ૨૫૦૦૦ના સેન્સેક્સ માટેય મોજૂદ હોવાની મૉર્ગન સ્ટૅનલીએ કબૂલાત કરી છે. મતલબ કે મૉર્ગન ભારતને લઈને ભારે બુલિશ હોવાની વાત અર્ધ સત્યથી વિશેષ કંઈ નથી.

રિલાયન્સમાં સુધારાતરફી વલણ જારી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) બેઝ્ડ એજ્યુકેશન પ્લૅટફૉર્મ એમ્બાઇબનો ૭૨.૭ ટકા હિસ્સો હસ્તગત કરવાના કરાર થયા છે. આના પગલે કંપની દેશની ૧૯ લાખ સ્કૂલો તથા ૫૮૦૦૦ જેટલી યુનિવર્સિટી AI બેઝ્ડ ટેક્નૉલૉજીથી સાંકળી લેવાનું વિચારે છે. રિલાયન્સ આ કંપનીમાં ૧૮ કરોડ ડૉલર એટલે કે લગભગ ૧૨૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. એજ્યુકેશન ક્ષેત્રે રિલાયન્સનો પગપેસારો વધુ મજબૂત બનશે.

ગઈ કાલે રિલાયન્સનો શૅર બમણા કામકાજમાં ઉપરમાં ૯૪૧ થઈ છેલ્લે સવા ટકો વધીને ૯૩૯ રૂપિયા બંધ હતો. બે સપ્તાહમાં ભાવ ૮૮૧ રૂપિયાની બૉટમથી સાડાછ ટકા જેવો વધી ગયો છે. દરમ્યાન રિલાયન્સ ગ્રુપની અન્ય કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સનો ચોખ્ખો ત્રિમાસિક નફો અગાઉના ૭૩૦ લાખથી ગગડીને ૨૫૩ લાખ રૂપિયા આવ્યો છે. શૅર ગઈ કાલે સરેરાશ કરતાં અડધા કામકાજમાં નીચામાં ૪૫૫ થઈ અંતે બે ટકા ઘટીને ૪૫૮ રૂપિયા બંધ આવ્યો છે. નેટવર્ક-૧૮ મીડિયા અડધા ટકા જેવા તો ટીવી-૧૮ બ્રૉડકાસ્ટ એક ટકાથી વધુના ઘટાડામાં હતા. JM ફાઇનૅન્સ ઍસેટ્સ કંપનીના સથવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જેની ઍસેટ્સ ટેકઓવર કરવા નાદારીની કોર્ટમાં બિડ કરવામાં આવી છે એ આલોક ઇન્ડસ્ટ્રીઝનો ભાવ શુક્રવારે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ચાર રૂપિયા બંધ હતો.

પરિણામ પૂર્વે ઇન્ફી ઉપલા મથાળેથી ઘટuો


IT જાયન્ટ ઇન્ફોસિસનાં માર્ચ ક્વૉર્ટરનાં પરિણામ બજાર બંધ થયા પછી આવવાનાં હોવાથી શૅર ૧૧૬૨ રૂપિયાના આગલા બંધ સામે પ્રારંભિક નરમાઈમાં નીચામાં ૧૧૫૦ રૂપિયા થયો હતો. ત્યાર બાદ વધ-ઘટે સુધારાની ચાલમાં બે વાગ્યાની આસપાસ ૧૧૮૪ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બની હતી. ત્યાર પછીનો સમય ધીમા ઘટાડાનો હતો. ભાવ અંતે અડધો ટકો વધીને ૧૧૬૯ રૂપિયા બંધ રહ્યો છે. કામકાજ સરેરાશ કરતાં પોણાબે ગણા હતા. TCS ઉપરમાં ૩૨૩૮ થઈ છેલ્લે ૦.૪ ટકા વધીને ૩૧૫૧ રૂપિયા, તો વિપ્રો ૨૯૪ પ્લસની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૨.૩ ટકાની મજબૂતીમાં ૨૯૩ રૂપિયા રહ્યો છે. આગલા દિવસના ત્રણ ટકાના તગડા ઉછાળા પછી IT ઇન્ડેક્સ શુક્રવારે ઉપરમાં ૧૨૯૨૮ વટાવી છેલ્લે અડધો ટકો વધીને ૧૨૭૮૧ હતો. એના ૫૯માંથી ૩૩ શૅર વધેલા હતા. મેજેસ્કો, ટેક મહિન્દ્ર, ઝેન્ટેક, રામકો સિસ્ટમ્સ જેવી જાતો અઢીથી આઠેક ટકા સુધી ઊંચકાઈ હતી. IT હેવીવેઇટ્સની હૂંફ સાથે સન ટીવી, તેજસ નેટ, ઝી એન્ટરટેઇનમેન્ટ પોણા ટકાથી લઈ પોણાબે ટકા વધતાં ટેક્નૉલૉજી ઇન્ડેક્સ સાધારણ સુધારામાં જોવા મળ્યો છે. ભારતી ઍરટેલ, તાતા ટેલિ, આઇડિયા સેલ્યુલર, ઑન મોબાઇલ, GTL ઇન્ફ્રા, MTNL, ITI સહિતના ૧૭માંથી ૧૩ શૅર ઘટાડામાં બંધ રહેતાં ટેલિકૉમ ઇન્ડેક્સ પોણો ટકો ડાઉન હતો.

બિટકૉઇનમાં ૧૫ ટકાથી વધુનો ઉછાળો


છેલ્લા ૨૪ કલાક દરમ્યાન બિટકૉઇન સહિતની ક્રિપ્ટોકરન્સીમાં જબરી તેજી જોવા મળી છે. બિટકૉઇન ૬૯૩૯ ડૉલરથી વધીને ૮૧૭૯ ડૉલરે જઈ સ્વિંગ ક્વોટમાં ૮૧૧૦ ડૉલર આસપાસ દેખાતો હતો. એક જ દિવસમાં આ ૧૨૦૦ ડૉલર જેવા ઉછાળાના પગલે, જાણકારો હવે બે-ચાર દિવસમાં બિટકૉઇન પાંચ આંકડે એટલે કે ૧૦,૦૦૦ ડૉલર થવાની વાત લાવ્યા છે. અન્ય ક્રિપ્ટોકરન્સીની વાત કરીએ તો આ લખાય છે ત્યારે ઇથર ૨૨ ટકાની તેજીમાં ૫૧૭ ડૉલર, રિપ્પલ ૨૪ ટકાના જમ્પમાં ૬૪ સેન્ટ, બિટકૉઇન કૅશ ૧૪ ટકા વધીને ૭૬૧ ડૉલર, લાઇટ ર્કાઇન ૧૪ ટકાની મજબૂતીમાં ૧૩૦ ડૉલર, ઇઓટા ૩૫ ટકાના ઉછાળે ૧૪૧ સેન્ટ, ડેશ ૨૨ ટકા ઊછળી ૩૭૬ ડૉલર, મોનેરો ૧૭ ટકા વધીને ૧૯૭ ડૉલર ચાલતા હતા. ગઈ કાલે ક્રિપ્ટોકરન્સી સેગમેન્ટનું માર્કેટકૅપ ૨૦ ટકા વધીને ૩૨૪ અબજ ડૉલરને વટાવી ગયું છે. ભારતીય વલણમાં બિટકૉઇનનો ભાવ ૪.૪૦ લાખ રૂપિયાથી ઊંચકાઈને ૫.૩૦ લાખ થઈ રનિંગમાં સવાપાંચ લાખ રૂપિયાની આજુબાજુ બોલતો હતો. કેટલાંક વતુર્ળોઊ ગુરુવાર સુધીમાં ઘરઆંગણે બિટકૉઇનનો ભાવ સાડાછ લાખ રૂપિયાએ જવાની વાત લાવ્યા છે. જોકે વધ-ઘટે ભાવ ઘટાડાતરફી જોવા મળશે. મહિનામાં રેટ પાંચ લાખની નીચેના હશે એવુંય તેઓ કહે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK