TCSમાં થયેલા ૩ વર્ષના મોટા ધબડકા પાછળ બજાર નરમ

ફ્યુચર ગ્રુપના શૅરમાં વૉલ્યુમ સાથે તગડો જમ્પ : TCSમાં તાતા સન્સ દ્વારા દોઢ ટકા માલ વેચી ૯૦૦૦ કરોડ ઊભા કરાયા : માગવૃદ્ધિના વરતારામાં ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડ કંપનીઓ જોરમાં

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

આગલા દિવસના ૬૧૧ પૉઇન્ટના તગડા જમ્પ બાદ શૅરબજાર ગઈ કાલે ૬૧ પૉઇન્ટ જેવા સાધારણ ઘટાડામાં ૩૩,૮૫૭ નજીક બંધ આવ્યું છે. જોકે નિફ્ટી સાડાપાંચ પૉઇન્ટ વધીને ૧૦,૪૨૭ નજીક જોવાયો છે. TCSમાં આંચકાના પગલે સેન્સેક્સ આગલા બંધથી ગૅપમાં ૧૦૧ પૉઇન્ટ નીચે ખૂલી બાઉન્સબૅકમાં ૩૪,૦૭૭ થયો હતો, પરંતુ પોણાબેથી પોણાત્રણ સુધીનો એક કલાકનો ગાળો શાર્પ ડાઉનવર્ડ ટ્રેન્ડનો રહેતાં ૩૩,૭૨૩ની અંદરની ઇન્ટ્રા-ડે બૉટમ બની હતી. નિફ્ટી ઉપરમાં ૧૦,૪૭૮ અને નીચામાં ૧૦,૩૭૮ થયો હતો. ગઈ કાલે સેન્સેક્સ ખાતે ૩૧માંથી ૧૬ તો નિફ્ટીના ૫૦માંથી ૨૯ શૅર વધ્યા હતા. TCS સવાપાંચ ટકા પ્લસના કડાકામાં બન્ને મેઇન બેન્ચમાર્ક ખાતે ટૉપ લૂઝર બન્યો હતો. હિન્દુસ્તાન પેટ્રોલિયમ સવાચાર ટકા પ્લસની તેજીમાં ૩૮૨ રૂપિયા બંધ આપીને નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર હતો. હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઉપરાંત ભારત પેટ્રોલિયમ ચાર ટકા, પેટ્રોનેટ LNG સાડાત્રણેક ટકા, ગેઇલ બે ટકા અને IOC પોણાબે ટકા ઉપર જતાં ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૨૫૦ પૉઇન્ટ કે ૧.૬ ટકા મજબૂત હતો. અત્રે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સવા રૂપિયાના પરચૂરણ સુધારામાં ૯૩૦ રૂપિયા બંધ આવ્યો છે.

ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડ્સમાં આગામી બે-ત્રણ વર્ષમાં મજબૂત માગણીના સથવારે ભાવ વધતા રહેવાના રિપોર્ટ પાછળ ગ્રેફાઇટ ઇન્ડિયા પાંચ ટકાની ઉપલી સર્કિટમાં બમણા વૉલ્યુમ સાથે ૭૦૯ રૂપિયા તો HEG લિમિટેડ પોણાબે ગણા કામકાજમાં સાત ટકા ઊછળી ૨૮૭૦ રૂપિયા બંધ રહ્યા છે. અડૂર વેલ્ડિંગ એક ટકો તો ઇસબ ઇન્ડિયા નહીંવત સુધર્યા હતા. PC જ્વેલર્સ સાડાસાત ટકા, બજાજ ઇલેક્ટ્રિકલ્સ સવાછ ટકા અને ટાઇટન અઢી ટકા પ્લસ રહેતાં કન્ઝ્યુમર ડ્યુરેબલ ઇન્ડેક્સ ૨૮૩ પૉઇન્ટ કે ૧.૩ ટકા વધ્યા છે. સનફાર્મા, ડિવીઝ લૅબ, પિરામલ એન્ટરપ્રાઇઝિસ, જ્યુબિલન્ટ લાઇફ, ઍલેમ્બિક, સનોફી, નાટકો ફાર્મા, લુપિન ઇત્યાદિ દોઢથી સાડાત્રણ ટકા તો ઇન્ડોકો રૅમેડીઝ સાડાસાત ટકા ઊંચકાતાં હેલ્થકૅર ઇન્ડેક્સ ઘણા દિવસ બાદ એક ટકાથી વધુના સુધારામાં બંધ રહ્યો છે. સ્મૉલ કૅપ તેમ જ મિડ કૅપ બેન્ચમાર્ક એક ટકાથી વધુ પ્લસમાં રહેતાં માર્કેટ-બ્રેડ્થ સારી એવી પૉઝિટિવ બની છે. ગીતાંજલિ જેમ્સ પાંચ ટકાની નીચલી સર્કિટના સિલસિલાને જાળવી રાખતાં ગઈ કાલે ૧૪.૩૦ રૂપિયાના નવા ઑલટાઇમ તળિયે બંધ હતો. વકરાંગી સળંગ ચોથા દિવસની આગેકૂચમાં પાંચ ટકાની ઉપલી સર્કિટે ૨૧૫ રૂપિયા ઉપર ગયો છે. ગઈ કાલે BSE ખાતે ૧૮૮ શૅર તેજીની સર્કિટમાં તો ૧૯૬ જાતો નીચલી સર્કિટમાં બંધ હતી. 

તાતા સન્સની રોકડી પાછળ TCS તૂટ્યો


TCSમાં ૭૩.૫ ટકા હિસ્સો ધરાવતા પ્રમોટર્સ તાતા સન્સ દ્વારા ૨૮૭૨થી ૨૯૨૫ રૂપિયા સુધીના ભાવે આશરે દોઢ ટકા કે ૩૧૩ લાખ શૅર બ્લૉકડીલ મારફત વેચીને લગભગ ૧૩૮ કરોડ ડૉલર અર્થાત ૯૦૦૦ કરોડ રૂપિયા જેવી રોકડી કરાયાના અહેવાલ પાછળ ગઈ કાલે TCSમાં ૩૬ મહિનાનો મોટો કડાકો બોલાયો હતો. શૅર ૩૦૫૨ રૂપિયાના આગલા બંધ સામે ૨૮૮૪ રૂપિયાની ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી છેલ્લે સવાપાંચ ટકા કે રૂપિયા ૧૫૯ ખરડાઈને ૨૮૯૨ રૂપિયા બંધ રહ્યો છે. બન્ને બજાર ખાતે કુલ મળીને ૪૬૨ લાખ શૅરનું જંગી વૉલ્યુમ નોંધાયું હતું. TCS તૂટવાથી સેન્સેક્સને ગઈ કાલે ૮૧ પૉઇન્ટની હાનિ થઈ હતી. તાતા સન્સ આ ભંડોળનો ઉપયોગ એના વાયરલેસ ડિવિઝનના દેવાની ચુકવણી તેમ જ અમુક ગ્રુપ કંપનીઓમાં હોલ્ડિંગ વધારવા માટે કરશે એમ મનાય છે. 

TCSના કડાકાની અસરમાં IT ઇન્ડેક્સ ૫૮માંથી ૩૩ શૅર વધવા છતાં દોઢ ટકા ઘટ્યો છે. અન્ય IT હેવીવેઇટ્સમાં HCL ટેક્નૉલૉજીઝ એક ટકો, માઇન્ડ ટ્રી પોણાબે ટકા, સોનાટા સૉફ્ટવેર ૧.૮ ટકા, રામકો સિસ્ટમ્સ એક ટકો, તાતા ઍલેક્સી અડધો ટકો ડાઉન હતા. ઇન્ફી અડધો ટકો નરમ હતો સામે વિપ્રો ૧.૭ ટકા વધીને ૨૯૫ રૂપિયા બંધ આવ્યો છે. ઍપ્ટેક ૫.૭ ટકાના ઉછાળે ૩૦૯ રૂપિયા હતો. નિફ્ટી IT ઇન્ડેક્સ ૧૦માંથી આઠ શૅરની નરમાઈમાં દોઢ ટકા માઇનસ હતો. TCSમાં તાતા સન્સની રોકડીની આડઅસરમાં તાતા ટેલિ સર્વિસિસ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં પોણાછ રૂપિયા પ્લસ બંધ હતો. બે લાખ શૅરના બાયર BSE ખાતે ઊભા હતા. ભારતી ઇન્ફ્રાટેલ, આઇડિયા, ભારતી ઍરટેલ, વિન્ધ્ય ટેલિ સવાથી અઢી ટકા અપ હતા. ટેલિકૉમ ઇન્ડેક્સ ૧૬માંથી ૧૩ શૅરના સુધારામાં પોણાબે ટકા વધ્યો હતો, જ્યારે ટેક્નૉલૉજી બેન્ચમાર્ક ૨૮માંથી ૧૫ શૅર વધવા છતાં એક ટકા નરમ રહ્યો છે જે કેવળ વ્ઘ્લ્ના કડાકાને આભારી છે.

PSU બૅન્ક શૅર પ્રત્યાઘાતી સુધારામાં

નીમો-ફ્રૉડના પગલે PSU બૅન્ક શૅર છેલ્લા એક મહિનાથી ધોવાણમાં મલ્ટિયર તળિયે આવી ગયા છે. PSU બૅન્ક નિફ્ટી ૧૯ મહિનાની નીચી સપાટીએ પટકાયો છે. ત્યાં બૅન્ક ઑફ ઇન્ડિયા તરફથી છેલ્લા બે મહિનામાં ૭૦૦૦ કરોડ રૂપિયાના સ્ટૅન્ડબાય લેટર્સ ઑફ ક્રેડિટની અન્ય બૅન્કો પાસેથી રિકવરી થયાના અને ૨૦૦૦ કરોડ રૂપિયાની વધુ આવી રિકવરી આગામી બેએક મહિનામાં થવાના અહેવાલ આવતાં PSU બૅન્કોમાં ઘટાડે લેવાલીનો સપોર્ટ ગઈ કાલે જોવાયો છે જેમાં PSU બૅન્ક નિફ્ટી બારેબાર શૅરની મજબૂતીમાં સવાબે ટકા ઊંચકાયો હતો. જોકે બૅન્ક નિફ્ટી અને બૅન્કેક્સ નજીવી વધ-ઘટે ફ્લેટ હતા. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગના ૪૦માંથી ૩૬ શૅર વધ્યા હતા. બૅન્ક ઑફ ઇન્ડિયા સાતેક ગણા કામકાજમાં ઉપરમાં ૧૦૯ રૂપિયા વટાવી છેલ્લે સાડાસાત ટકાના ઉછાળે ૧૦૨ રૂપિયા બંધ આવી અત્રે મોખરે હતો. આંધ્ર બૅન્ક, OBC, યુનિયન બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, અલાહાબાદ બૅન્ક, કૅનેરા બૅન્ક, સિન્ડિકેટ બૅન્ક, કૉર્પોરેશન બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, દેના બૅન્ક, કર્ણાટકા બૅન્ક જેવી જાતો ૪થી ૧૦ ટકા ઊંચકાઈ હતી. ઘટેલા ચાર શૅરમાં સેન્ટ્રલ બૅન્ક અને કોટક મહિન્દ્ર બૅન્ક અનુક્રમે પોણાબે અને દોઢ ટકા ડાઉન હતા. ICICI બૅન્ક એક ટકો, ઍક્સિસ બૅન્ક સવાબે ટકા, સ્ટેટ બૅન્ક પોણો ટકો, યસ બૅન્ક અડધો ટકો વધીને બંધ રહેતાં બજારને ૫૪ પૉઇન્ટનો ફાયદો થયો હતો.

દરમ્યાન HDFC દ્વારા એની સબસિડિયરી HDFC ઍસેટ્સ મૅનેજમેન્ટ કંપનીમાં પાંચ રૂપિયાનો એક એવા આશરે ૮૬ લાખ શૅર કે ૪ ટકા હોલ્ડિંગ IPO મારફત ઘટાડવાની યોજના પાછળ શૅર ઉપરમાં ૧૮૮૦ રૂપિયા નજીક જઈ અંતે અડધો ટકો વધીને ૧૮૬૩ રૂપિયા બંધ આવ્યો છે.

ફ્યુચર કન્ઝ્યુમરમાં બાયનું રેટિંગ

ફ્યુચર કન્ઝ્યુમરમાં ૫૦ રૂપિયાના આગલા બંધ સામે બ્રોકિંગ ફર્મ મોતીલાલ ઓસવાલ દ્વારા ૫૦ ટકાથી વધુ એવા ૭૬ રૂપિયાના ટાગેર્ટ સાથે બાયનું રેટિંગ આવતાં શૅર ગઈ કાલે છ ગણા કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૬૦ રૂપિયાને વટાવી છેલ્લે ૧૯ ટકાના જમ્પમાં ૬૦ રૂપિયા બંધ રહ્યો છે. છ રૂપિયાની ફેસવૅલ્યુવાળા શૅરની બુકવૅલ્યુ સાડાપાંચ રૂપિયાની આસપાસ છે. ફ્યુચર ગ્રુપના અન્ય શૅરમાં પણ ગઈ કાલે વૉલ્યુમ સાથે સારી ઝમક દેખાઈ છે. ફ્યુચર એન્ટરપ્રાઇઝિસ ચાર ગણા કામકાજમાં ઉપરમાં ૪૧ રૂપિયા નજીક જઈને અંતે ૧૬ ટકાના ઉછાળે ૪૦ રૂપિયા, ફ્યુચર એન્ટરનો DVR અઢી ગણા કામકાજમાં ૧૧ ટકાની તેજીમાં ૩૮ રૂપિયા, ફ્યુચર લાઇફ સ્ટાઇલ ૪૦૪ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૦.૧ ટકાના સુધારામાં ૩૮૮ રૂપિયા, ફ્યુચર માર્કેટ નેટવર્ક્સ રોજના સરેરાશ ૬૨૦૦ શૅર સામે ૧.૦૪ લાખ શૅરના વૉલ્યુમમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૯૬ રૂપિયા નજીક, ફ્યુચર રીટેલ ૫૧૪ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બાદ પોણાબે ટકાની મજબૂતીમાં ૫૦૮ રૂપિયા તથા ફ્યુચર સપ્લાય ચેઇન સૉલ્યુશન્સ સાધારણ ઘટી ૬૭૭ રૂપિયા બંધ હતા. દરમ્યાન ઑગેર્નાઇઝ્ડ રીટેલ સેક્ટરની અન્ય જાણીતી જાતોમાં D-માર્ટ ફેમ ઍવન્યુ સુપરમાર્ટ પોણાબે ટકા, V-માર્ટ રીટેલ અડધો ટકો, આદિત્ય બિરલા ફૅશન્સ ચાર ટકા, ટ્રેન્ટ ચાર ટકા, V૨ રીટેલ સાડાત્રણ ટકા અપ હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK