વૈશ્વિક ક્રૂડ અઢી વર્ષની ટોચે જતાં બજાર બગડ્યું, રોકડામાં ખરાબી

નબળાં પરિણામ છતાં પૂર્વાંકારા તગડા ઉછાળે સાડાનવ વર્ષની ટોચે : ફોર્ટિસ અને મૅક્સ ઇન્ડિયામાં આગળ વધતી ખરાબી : શુગર શૅરમાં વધતી નરમાઈ

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

છેલ્લા ત્રણ દિવસમાં ડબલ અને ટ્રિપલ સેન્ચુરી સાથે લગભગ ૧૦૦૦ પૉઇન્ટના બાઉન્સબૅક બાદ શૅરબજાર ગઈ કાલે વિશ્વબજારમાં ક્રૂડના ઉછાળા પાછળ ઢીલું થયું છે. સેન્સેક્સ આરંભથી અંત સુધી માઇનસ ઝોનમાં રહીને અંતે ૨૨૮ પૉઇન્ટની પીછેહઠમાં ૩૩૨૨૮ અને નિફ્ટી ૮૨ પૉઇન્ટના ઘટાડે ૧૦૨૪૦ બંધ આવ્યા છે. સેન્સેક્સ ખાતે ૩૧માંથી ૮ તો નિફ્ટીના ૫૦માંથી ૧૨ શૅર વધી શક્યા હતા. USFDA દ્વારા ક્લિયરન્સના પગલે ડૉ. રેડ્ડીઝ લૅબ ત્રણથી સાડાત્રણ ટકાની મજબૂતીમાં બન્ને બેન્ચમાર્ક ખાતે ટૉપ ગેઇનર બન્યો હતો. મેઇન આંકની તુલનાએ મિડકૅપ, સ્મૉલકૅપ અને બ્રૉડર માર્કેટમાં પ્રમાણમાં મોટા ઘટાડાની અસરથી માર્કેટ-બ્રેડ્થ ખાસ્સું નેગેટિવ બન્યું છે. NSE ખાતે કુલ ૧૫૯૦ શૅરમાં ટ્રેડિંગ થયું હતું જેમાંથી વધેલા શૅરની સંખ્યા ૪૭૬ નોંધાઈ છે. નવેમ્બરમાં ગ્રાહક ભાવાંકની રીતે ફુગાવો ૦.૭ ટકાના વધારામાં ૪.૨૮ ટકાએ પહોંચી ગયો છે. સપ્ટેમ્બર ૨૦૧૬ પછી આટલો મોટો મન્થ્લી ધોરણે વધારો પ્રથમ વાર જોવા મળ્યો છે. બજારના તમામ ઇન્ડાઇસિસ રેડ ઝોનમાં બંધ આવ્યા છે. ટેલિકૉમ ઇન્ડેક્સ ૧૬માંથી ૧૩ શૅરની નબળાઈમાં બે ટકાથી વધુ કટ થયો છે.

દરમ્યાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એની સબસિડિયરી રિલાયન્સ જીઓનો એક-દોઢ વર્ષમાં IPO લાવવાનું વિચારી રહી હોવાના અહેવાલ વહેતા થયા છે. શૅર ગઈ કાલે સવાયા કામકાજમાં ઉપરમાં ૯૨૯ થયા બાદ છેલ્લે ૮૫ પૈસાના પરચૂરણ ઘટાડે ૯૧૫ રૂપિયા બંધ હતો. અનિલ અંબાણી ગ્રુપમાં રિલાયન્સ કૅપિટલ, રિલાયન્સ પાવર તથા રિલાયન્સ ઇન્ફ્રા દોઢથી પોણાબે ટકા,  રિલાયન્સ નેવલ અને રિલાયન્સ નિપ્પોન અડધો ટકો ડાઉન હતા. રિલાયન્સ હોમ ચાર ગણા વૉલ્યુમમાં ઉપરમાં ૯૩ રૂપિયા થઈ અંતે પોણાસાત ટકાના જમ્પમાં ૮૭ રૂપિયા રહ્યો છે. વિડિયોકૉન ઇન્ડસ્ટ્રીઝ સળંગ બીજા દિવસે પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૧૮ રૂપિયા પ્લસ બંધ હતો. એપેક્સ ફ્રોઝનમાં સળંગ ચોથા દિવસે નીચલી સર્કિટ લાગી છે.

રિફાઇનરી શૅરમાં નરમાઈનું વલણ


વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડ બૅરલદીઠ ૬૬ ડૉલર નજીક અઢી વર્ષના નવા શિખરે પહોંચી જતાં ઑઇલ-ગૅસ સેગમેન્ટના શૅરોમાં ત્વરિત નોંધપાત્ર અસર જોવા મળી છે. સપ્તાહ પૂર્વે બ્રેન્ટ ક્રૂડ ૬૧.૨૨ ડૉલરે હતું. PSU ઑઇલ રિફાઇનરી શૅર ગઈ કાલે નરમ હતા. હિન્દુસ્તાન પેટ્રોલિયમ નીચામાં ૪૧૩ થઈ ચાર ટકાના ઘટાડે ૪૧૫ રૂપિયા, ભારત પેટ્રોલિયમ ૪૯૮ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ અઢી ટકા ઘટીને ૫૦૦ રૂપિયા, IOC નીચામાં ૩૯૨ રૂપિયા બતાવી અંતે બે ટકાની પીછેહઠમાં ૩૯૬ રૂપિયા બંધ રહ્યા છે. MRPL અઢી ટકા તથા ચેન્નઈ પેટ્રોલિયમ પોણો ટકો ડાઉન હતા. બીજી તરફ ONGC તેમ જ ગેઇલમાં અઢી ટકા જેવો સુધારો નોંધાયો છે. ઑઇલ એક્સપ્લોરેશન ઉદ્યોગ ક્રૂડના ઊંચા ભાવથી લાભ આપશે એવી ગણતરી પાછળ સંબંધિત શૅર આકર્ષણમાં હતા. સેલન એક્સપ્લોરેશન અઢી ગણા કામકાજમાં પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૨૩૪ રૂપિયા નજીક બંધ હતો. હિન્દુસ્તાન ઑઇલ એક્સપ્લોરેશન ૧૩૮ની મલ્ટિયર ટૉપ નજીક ગયા બાદ સાડાસાત ટકાની મજબૂતીમાં ૧૩૭ રૂપિયા નજીક, અબાન ઑફશૉર ૨૦૮ રૂપિયા નજીક જઈ અંતે સાડાછ ટકા વધીને ૨૦૪ રૂપિયા, ડૉલ્ફિન ઑફશૉર ૧૩૦ વટાવ્યા બાદ ૩ ટકાના ઉછાળે ૧૨૮ રૂપિયા, તો જિન્દલ ડ્રિલિંગ ત્રણ ટકા વધીને ૧૬૨ રૂપિયા બંધ હતા. ઑઇલ ઇન્ડિયા સવા ટકો ડાઉન હતો. ક્રૂડ મોંઘું થતાં જેટ ફ્યુઅલના ભાવ ઊંચા જશે એવી આશંકામાં એવિયેશન સેક્ટરના જેટ ઍરવેઝ અઢી ટકા, સ્પાઇસ જેટ ત્રણ ટકા અને ઇન્ડિગો ફેમ ઇન્ટરગ્લોબ એવિયેશન સવા ટકા ઢીલા થયા હતા.

પાકિસ્તાન શૅરબજાર ૧૮ મહિનાના તળિયે


પાકિસ્તાન શૅરબજાર તેજીનાં વળતાં પાણીમાં છે. કરાચી શૅરબજારનો ઇન્ડેક્સ ૩૮૪૮૨ના આગલા બંધ સામે ગઈ કાલે ૩૮૫૦૪ ખૂલીને ઉપરમાં ૩૮૫૮૦ થયા બાદ પટકાઈને ૩૭૭૩૬ થયો હતો જે લગભગ દોઢ વર્ષની બૉટમ છે. રનિંગ ક્વોટમાં પાકિસ્તાન શૅરબજાર ૨૭૦ પૉઇન્ટની ખરાબીમાં ૩૮૨૧૨ દેખાતુ હતું. ૨૫ મેએ ચાલુ વર્ષે અહીં ૫૩૧૨૭ની ઑલટાઇમ હાઈ બની હતી. ત્યાર બાદ બજાર અત્યાર સુધીમાં ૨૯ ટકા તૂટી ચૂક્યું છે. ટેક્નિકલી કોઈ પણ માર્કેટ એના છેલ્લા ટૉપથી ૨૦ ટકા ઘટે એટલે મંદીના ઑર્બિટમાં પ્રવેશ્યું હોવાનું કહેવાય છે. આ મંદી કમસે કમ વન-થર્ડ પોર્શન એટલે કે છેલ્લા ટૉપથી આશરે ૩૩ ટકા નીચે ઇન્ડેક્સ ન આવે ત્યાં સુધી ચાલુ રહે એવી સામાન્ય સમજ છે. ઇન શૉર્ટ કરાચી શૅરબજાર હજી ઘટતું રહેશે. દરમ્યાન ગઈ કાલે તમામ અગ્રણી વિશ્વબજારો વત્તે-ઓછે અંશે નરમ હતાં. એશિયામાં ચાઇના સવા ટકાની નબળાઈમાં મોખરે હતું. યુરોપ નેગેટિવ બાયસ સાથે સાંકડી રેન્જમાં ઉપર-નીચે થતું દેખાતું હતું.

પૂર્વાંકારા જૂન ૨૦૦૮ પછીના ઊંચા શિખરે

પૂર્વાંકારા લિમિટેડ દ્વારા કન્સોલિડેટેડ ધોરણે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં અગાઉના ૩૪૬૨ લાખ સામે ૨૧૧૪ લાખ રૂપિયાના ચોખ્ખા નફા સાથે નબળો દેખાવ કરવામાં આવ્યો હોવા છતાં શૅર ગઈ કાલે પાંચ ગણા કામકાજમાં ઉપરમાં ૧૭૫ રૂપિયા નજીક ગયો હતો. જે જૂન ૨૦૦૮ પછીની સૌથી ઊંચી સપાટી છે. ભાવ છેલ્લે પોણાનવ ટકાના ઉછાળામાં ૧૬૬ રૂપિયા બંધ રહ્યો છે. ૨૦૧૬ની ૨૭ ડિસેમ્બરે આ ãસ્ક્રપ્સમાં ૪૩ રૂપિયાનું મલ્ટિયર બૉટમ બન્યું હતું. પાંચ રૂપિયાની ફેસવૅલ્યુવાળા શૅરની બુકવૅલ્યુ ૧૦૦ રૂપિયા છે. બીજી તરફ સરકાર દ્વારા કંપની મૅનેજમેન્ટ ટેકઓવર કરવાની તજવીજમાં બે દિવસ ૨૦-૨૦ ટકાની તેજીની સર્કિટ માર્યા બાદ યુનિટેકમાં પ્રત્યાઘાતી ઘટાડો શરૂ થયો છે. ભાવ ગઈ કાલે અઢી ગણા કામકાજમાં નીચામાં ૭.૫૯ રૂપિયા થઈને અંતે સાડાચાર ટકાના ઘટાડે ૭.૭૦ રૂપિયા બંધ હતો. ગઈ કાલે રિયલ્ટી સેક્ટરમાં બહુધા નરમાઈ હતી. ઉદ્યોગના ૯૩માંથી ૬૫ શૅર માઇનસ હતા. અજમેરા રિયલ્ટી, ઇમામી ઇન્ફ્રા, હબટાઉન, ઇન્ડિયા બુલ્સ રિયલ્ટી, કોલ્તે-પાટીલ, પાર્શ્વનાથ, પ્રેસ્ટિજ એસ્ટેટ્સ શોભા જેવી જાતો દોઢથી સાડાચાર ટકા ઘટીને બંધ રહી હતી.

મવાણા શુગરની ખોટ વધી, શૅર ગગડ્યો


મવાણા શુગર્સની ત્રિમાસિક ખોટ ૯૪૮ લાખથી વધીને ૧૧૧૩ લાખ રૂપિયાએ પહોંચતાં શૅર ગઈ કાલે નીચામાં ૮૬ રૂપિયા થઈ છેલ્લે ૮.૫ ટકાની ખરાબીમાં ૮૮ રૂપિયા બંધ હતો. ત્રણ મહિના પૂર્વે ભાવ ૧૪૫ રૂપિયાના શિખરે હતો. મોટા ઉત્પાદન અને માલબોજની ગણતરીમાં શુગર શૅર છેલ્લા કેટલાક દિવસથી મીઠાશ ગુમાવી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં આંધ્ર શુગર, અવધ શુગર, બન્નારી અમાન, ધરણી શુગર, મવાણા શુગર્સ, પિકાડેલી શુગર્સ, રાજશ્રી શુગર, સર શાદીલાલ, ત્રિવેણી એન્જિનિયરિંગ, ઉત્તમ શુગર જેવાં કાઉન્ટર ૧૦ ટકાથી લઈને ૨૪ ટકા સુધી ગગડ્યા છે. તો તિરુઅરુણન, સિમ્ભોલી, શક્તિ શુગર, દ્વારકેશ શુગર્સ, બલરામપુર ચીની પાંચથી આઠ ટકા ઢીલા થયા છે. શ્રી રેણુકા શુગર સામા પ્રવાહમાં એક મહિનામાં ૧૩ ટકા જેવા તો ઉગર શુગર ૨૭ ટકા વધ્યો છે. ગઈ કાલે શુગર ઉદ્યોગના ૩૪માંથી ૨૯ શૅર ડાઉન હતા. કેસર એન્ટરપ્રાઇઝિસ બમણા વૉલ્યુમમાં ઉપરમાં ૭૫ વટાવી અંતે ૧૫ ટકાના જમ્પમાં ૭૪ રૂપિયા જેવો બંધ હતો.

હનીવેલ ઑટોમાં ૩૪૫૯ રૂપિયાનો ઉછાળો

હનીવેલ ઑટોમેશન રોજના સરેરાશ ૨૦૦ શૅર સામે ગઈ કાલે ૧૮૭૬ શૅરના કામકાજમાં ગ્લ્ચ્ ખાતે ૧૮૪૪૦ના આગલા બંધ સામે ૨૧૮૯૯ની ઑલટાઇમ હાઈ બતાવી અંતે સાડાઆઠ ટકાની તેજીમાં ૨૦૦૦૪ રૂપિયા બંધ રહ્યો છે. ૨૨ ડિસેમ્બરે ભાવ ૮૨૫૦ રૂપિયા વર્ષના તળિયે હતો. ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૧૩૩૫ રૂપિયા છે. વિદેશી પ્રમોટર્સ પાસે ૮૮૪ લાખ રૂપિયાની ઇક્વિટીમાંથી ૭૫ ટકા માલ છે. મેઇડન બોનસ બાકી છે. સપ્ટેમ્બર ૧૯૯૩માં પાંચ શૅરદીઠ બેના પ્રમાણમાં શૅરદીઠ ૩૫ રૂપિયાના ભાવે તો સપ્ટેમ્બર ૧૯૯૬માં ચાર શૅરદીઠ એકના ધોરણે શૅરદીઠ ૭૦ રૂપિયાના ભાવે રાઇટ ઇશ્યુ કર્યા છે. મૂળ તાતા-હનીવેલના નામે સ્થપાયેલી આ કંપનીમાંથી તાતા ગ્રુપે ૨૦૦૫માં એક્ઝિટ લીધી હતી. કંપની ટેલિકમ્યુનિકેશન્સ ઇક્વિપમેન્ટ બિઝનેસમાં વિશ્વસ્તરીય ખેલાડી છે. દરમ્યાન પેશન્ટના ઇલાજમાં બેદરકારીના મામલે હરિયાણા સરકાર દ્વારા FIR નોંધાવાતાં ફોર્ટિસ હેલ્થકૅર ૧૮ ગણા કામકાજમાં નીચામાં ૧૨૬ થઈ છેલ્લે પોણાઆઠ ટકા ખરડાઈને ૧૨૮ રૂપિયા બંધ હતી. મલ્ટિયર બૉટમ ગયા મહિને ૧૨૩ રૂપિયા બન્યું હતું. મૅક્સ ઇન્ડિયાનું હૉસ્પિટલ લાઇસન્સ દિલ્હી ગવર્નમેન્ટે રદ કર્યાના પગલે ભાવ વધુ ગગડીને સવાચાર ટકાની ખુવારીમાં ૧૨૨ રૂપિયા ઉપર બંધ હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK