યે તો હોના હી થા!

બજારને કરેક્શનની આશા હતી, આવ્યું; પરંતુ બહુ નહીં. શુક્રવારે બજારને GSTમાં રાહતો જાહેર થવાની અપેક્ષા હતી, રાહતો જાહેર થઈ; પરંતુ હવે શું? બજારમાં ફરી કરેક્શન આગળ વધશે કે રિકવરી?

BSE

શૅરબજારની સાદીવાત - જયેશ ચિતલિયા

ગયા વખતે આપણે કરેક્શનની રાહ વિશે ચર્ચા કરી હતી. રોકાણકારો કરેક્શનની પ્રતીક્ષા કરી રહ્યા છે. માર્કેટ બહુ ઝડપથી અને વધુપડતું વધી ગયું છે એવી લાગણી સાથે રોકાણકારો કરેક્શન આવશે પછી ખરીદીશું એવું માનતા હતા અને એક્સપર્ટ વર્ગ પણ કરેક્શન આવશે અને આવવું પણ જોઈએ એવું ધારતો હતો. એ મુજબ ગયા સપ્તાહના પ્રથમ દિવસે તો માર્કેટ સાધારણ વધ્યું, પરંતુ મંગળવારે સાડાત્રણસો પૉઇન્ટનું કરેક્શન આવ્યું ખરું. સેન્સેક્સ ૩૫૦ અને નિફટી ૧૦૦ પૉઇન્ટ જેટલો નીચે આવ્યો. બુધવારે શરૂઆત પૉઝિટિવ કર્યા બાદ માર્કેટ ફરી નીચે ઊતરવા લાગ્યું હતું અને દિવસના અંતે સેન્સેક્સ ૧૫૦ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યો હતો. આ દિવસોમાં સ્થાનિક સંસ્થાઓએ પણ વેચાણ કર્યું હતું, જેઓ અગાઉ સતત લેવાલ રહેતી હતી. હાલમાં તેઓ પણ બજારની ઊંચાઈના લેવલે પ્રૉફિટ બુક કરતી હોય તો નવાઈ નહીં. ગુરુવારે બજારે વધઘટ સાથે કરેક્શન ચાલુ રાખ્યું હતું, પરંતુ અંતમાં માર્કેટ સાધારણ પૉઝિટિવ બંધ રહ્યું હતું. નોંધનીય વાત એ છે કે શુક્રવારે પણ વધઘટ સાથે માર્કેટ અંતમાં ૬૦ પૉઇન્ટ પ્લસમાં બંધ રહ્યું હતું. આમ સપ્તાહનો અંત સકારાત્મક રહેતાં બજાર પ્રત્યેની આશા વધી હતી અને ભય ઓછો થયો હતો.

બજારની નજર ચૂંટણી પર

બજારની નજર હાલમાં રાજ્યોની ચૂંટણી પર છે. એમાં પણ વળી ગુજરાતની ચૂંટણી વધુ ચર્ચામાં છે. ગુજરાતની ચૂંટણી તો એવો હૉટ ઇશ્યુ બની રહ્યો છે કે એની અસર શૅરબજાર પર પડ્યા વિના રહેશે નહીં. ગુજરાતમાં BJPની જીત શૅરબજારમાં મોટા ઉછાળાનું કારણ બનશે એટલું જ નહીં, તેજીના ટ્રેન્ડને બુલેટ ટ્રેન જેવી સ્પીડ પણ આપી શકશે; કારણ કે આ મુદ્દો એવો સંવેદનશીલ બની ગયો છે કે એ બજારના સેન્ટિમેન્ટને જીતમાં ભરપૂર પૉઝિટિવ અસર કરશે. બીજા પક્ષો કે લોકો ગમેએટલા પણ ધમપછાડા કરે, અહીં BJPની જીત નિશ્ચિત મનાય છે. રોકાણકારોએ આ બાબતને પૉલિટિકલ દૃષ્ટિએ જ નહીં, માર્કેટની દૃષ્ટિએ પણ જોવી જોઈએ.

ક્રૂડ ઑઇલ મોંઘું પડ્યું

ગયા સપ્તાહમાં ઘટાડા માટે બજાર પાસે કારણો હતાં. એક તો ક્રૂડ ઑઇલનો ઊંચો ભાવ જે ભારતને મોંઘો પડે છે, ભારતનું આયાત-બિલ એને કારણે વધી જાય છે. વધુમાં ડૉલર સામે રૂપિયો નબળો પડવાનું કારણ પણ એમાં ઉમેરાયું હતું. આ ઉપરાંત કાળાં નાણાંનો પર્દાફાશ કરતા પૅરૅડાઇઝ પેપર્સની અસર પણ હતી તેમ જ ફાર્મા સેક્ટરની કંપનીઓ સામેની ઍક્શનની અસર પણ ઇન્ડેક્સ પર પડી હતી. અર્થાત કરેક્શન માત્ર પ્રૉફિટ-બુકિંગને લીધે આવ્યું નહોતું. જોકે શુક્રવારે GST કાઉન્સિલની મીટિંગમાં રાહતો જાહેર થશે એવી બજારને આશા હતી. એ આશાને લીધે પણ કરેક્શન અટકી ગયું હતું. છતાં માર્કેટની તેજીની ગતિ તો ધીમી પડી જ ગઈ હતી. હવે નવા સપ્તાહમાં એ GST રાહતોને કેવું વધાવે છે એ જોવાનું રહેશે.

GST રાહત રંગ લાવશે


GSTના ૨૮ ટકાના ઊંચા સ્લૅબની આઇટમોની સંખ્યા કાઉન્સિલે એકદમથી ઘટાડવા સહિત જે વિવિધ રાહતો જાહેર કરી છે એને બજાર તેજીથી નવા સપ્તાહમાં વધાવશે કે નહીં એ નિશ્ચિતપણે કહી શકાય નહીં, પરંતુ બજારને બહુ ઘટતાં પણ રોકશે એવું માની શકાય. સિવાય કે અન્ય કોઈ મોટું નેગેટિવ પરિબળ આવી જાય. વધુમાં એ યાદ રાખવું પણ જરૂરી છે કે GSTની રાહતો હજી આવશે. સરકાર આ ટૅક્સને ખરા અર્થમાં ગુડ ઍન્ડ સિમ્પલ ટૅક્સ બનાવવા માગે છે એટલે વધુ સુધારા અનિવાર્ય છે. અત્યારે તો બજાર પાસે બહુ ઝડપથી ઊંચે જવા માટે કે બહુ ઝડપથી નીચે ઊતરી જવા માટે કોઈ નક્કર કારણો નથી. ગ્લોબલ પરિબળો પણ હાલમાં તો એકંદરે સકારાત્મક છે. અલબત્ત, ક્રૂડના ઊંચા ભાવ ચિંતાજનક ખરા અને ચૂંટણીની વૉલેટિલિટી પણ ખરી.

ડીમૉનેટાઇઝેશનની અસર

ડીમૉનેટાઇઝેશનને એક વર્ષ વીતી ગયું છે. આ પગલાના નામે હજી વાતો થઈ રહી છે, જ્યારે કેટલીક કામચલાઉ પીડા આપ્યા બાદ આ પગલું સારી અસર ઊભી કરી રહ્યું છે. અલબત્ત, વધુ સારી અસર હવે પછીના સમયમાં આવતી જશે. જો આ પગલું ખરેખર યા વાસ્તવમાં ઇકૉનૉમી માટે નેગેટિવ હોત તો બજાર એક વર્ષમાં આટલું વધી શકત નહીં. એના આંકડાકીય પુરાવા એ છે કે ૨૦૧૬ની ૮ નવેમ્બરે નિફટી ૮૫૪૩ હતો જે દિવસે સાંજે નોટબંધીની જાહેરાત થઈ, જ્યારે ૨૦૧૭ની ૮ નવેમ્બરે નિફટી ૧૦,૩૦૩ હતો. આ જ પગલાની અસરરૂપે નવા વર્ષે બજાર વધુ ઊંચે જાય તો નવાઈ નહીં, કારણ કે એ વેપારને વધુ ઝડપી અને સરળ બનાવશે. અલબત્ત, GSTની અસર પણ એમાં ઉમેરાશે.

કૉર્પોરેટ્સ પરિણામો પૉઝિટિવ દિશામાં


બજારમાં ક્વૉર્ટરલી પરિણામોની મોસમ ચાલુ છે ત્યારે એકંદર પરિણામો સારાં આવી રહ્યાં છે. જ્યાં સારાં નથી ત્યાં બહુ ખરાબ પણ નથી. બૅન્કોનાં પરિણામો બૅડ લોન્સની જોગવાઈને કારણે અસર પામ્યાં છે. છતાં સ્ટેટ બૅન્ક અને બૅન્ક ઑફ ઇન્ડિયાએ કંઈક સારી આશા જગાવી છે. અન્ય કૉર્પોરેટ્સ પણ સુધારાના સંકેત સાથે આગળ વધી રહ્યાં છે. બજાર માટે આ એક પ્રોત્સાહક પરિબળ બની રહેશે.

માત્ર મોટા કરેક્શનની રાહ ન જોવાય

અત્યારના સમયમાં બજારમાં કરેક્શનનું હોવું બહુ જરૂરી હતું અને છે. જે રોકાણકારો અગાઉ રહી ગયા હતા અને કરેક્શનની રાહમાં ખરીદી માટે તૈયાર ઊભા હતા તેમને આ સપ્તાહમાં થોડીઘણી તક મળી હતી. જોકે એને હજી નક્કર કરેક્શન ન કહેવાય. હજી વધુ કરેક્શન માટે અવકાશ છે. છતાં જે રોકાણકારો માત્ર કરેક્શનની રાહ જોયા કરશે અને અમુક પ્રમાણમાં માર્કેટ નીચે આવે એ પછી જ ખરીદી કરવાનો અભિગમ રાખશે તેઓ ફરી ભૂલ કરશે. અત્યારે તો જ્યારે-જ્યારે તક મળી કે ખરીદી કરતા જવામાં જ સાર છે. એકસાથે ખરીદી કરવાને બદલે દર કરેક્શન વખતે થોડી-થોડી ખરીદી બહેતર રહેશે. આગામી સંજોગોને ધ્યાનમાં લેતાં સરકાર તરફથી હમણાં કોઈ ખરાબ કે નેગેટિવ સમાચારની શક્યતા જણાતી નથી. ઉપરથી સરકાર પ્રોત્સાહક કે રાહતનાં પગલાં પર જોર આપશે એટલે માર્કેટ ઊંચું જવાની શક્યતા વધુ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK