સુધારાની હૅટ-ટ્રિકમાં બજાર સવા મહિનાની ટોચે બંધ

તમામ સેક્ટોરિયલ ઇન્ડાઇસિસ ગ્રીન ઝોનમાં : તાતા ગ્રુપના શૅર લાઇમલાઇટમાં રહ્યા : મહાનગર ગૅસમાં રોકાણકારોને બમ્પર રિટર્ન

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ


ભારતીય શૅરબજાર સુધારાની હૅટ-ટ્રિકમાં સવા મહિનાની ઊંચી સપાટીએ બંધ થયો હતો. આરંભથી અંત તેજીની ચાલમાં સેન્સેક્સ ઉપરમાં ૩૨,૧૭૨ ક્વોટ થઈ અંતે ૨૭૬ પૉઇન્ટની મજબૂતીમાં ૩૨,૧૫૯ના સ્તરે બંધ રહ્યો હતો. તો બેન્ચમાર્ક નિફ્ટી પણ ૮૭ પૉઇન્ટની આગેકૂચમાં ૧૦,૦૯૩ થયો હતો જે નિફ્ટીનું અત્યાર સુધીનું બીજા ક્રમનું હાઇએસ્ટ ક્લોઝિંગ છે. નૉર્થ કોરિયા અને ઇર્માની ચિંતા હળવી થતાં વિશ્વભરનાં બજારોએ રાહતનો શ્વાસ લીધો છે. નોંધનીય છે કે બીજી ઑગસ્ટે સેન્સેક્સ ૩૨,૬૮૮ની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. સેેન્સેક્સના ૩૧માંથી ૨૬ અને નિફ્ટીના ૫૧માંથી ૪૧ શૅર વધ્યા હતા જેમાં તાતા સ્ટીલ ૩.૩ ટકા, સનફાર્મા ૩.૨ ટકા, તાતા મોટર્સ ૩.૨ ટકા, એચયુએલ સવાબે ટકા, મહિન્દ્ર-મહિન્દ્ર, કોટક બૅન્ક, એશિયન પેઇન્ટ્સ દોઢ ટકો, આઇટીસી ૧.૪ ટકા, સિપ્લા ૧.૪ ટકા, એસબીઆઇ, ટીસીએસ, લાર્સન-ટુબ્રો, એચડીએફસી, ભારતી ઍરટેલ, અદાણી પોર્ટ્સ, રિલાયન્સ, ઇન્ફોસિસ, ઍક્સિસ બૅન્ક, લુપિન, ડૉ. રેડ્ડીઝ, કોલ ઇન્ડિયાના શૅર સાધારણથી ૧ ટકાની રેન્જમાં વધ્યા હતા. તો બીજી બાજુ ઘટાડે બંધ રહેનાર બ્લુચિપ શૅરમાં વિપ્રો ૧ ટકો, ઓએનજીસી અને હીરો મોટોકૉર્પ પોણા ટકા જેટલા ડાઉન હતા. બે તાતા બ્લુચિપ શૅરના સુધારાથી સેન્સેક્સને ૪૦ પૉઇન્ટ અને એચડીએફસી ટ્વિન્સની મજબૂતીથી ૫૦ પૉઇન્ટનો ફાયદો મળ્યો હતો. ભારે રસાકસી વચ્ચે બીએસઈ ખાતે ૧૪૫૫ શૅર વધીને જ્યારે ૧૧૪૬ જાતો ઘટાડે બંધ રહી હતી. બજારની માર્કેટ કૅપ ૧.૨૭ લાખ કરોડ રૂપિયા વધીને ૧૩૫.૮૪ લાખ કરોડ રૂપિયા થઈ હતી.

સળંગ બીજા દિવસના સુધારાના ટ્રેન્ડમાં તમામ સેક્ટોરિયલ ઇન્ડાઇસિસ ગ્રીન ઝોનમાં બંધ હતા જેમાં ૧૦માંથી ૭ શૅર વધીને બંધ રહેતાં રિયલ્ટી ઇન્ડેક્સ ૨.૧ ટકાના ચણતરમાં ૨૨૩૪ હતો. ગોદરેજ પ્રૉપર્ટી ૮.૫ ટકા, ઇન્ડિયા બુલ્સ રિયલ્ટી ૨.૯ ટકા, ફીનિક્સ મિલ્સ બે ટકા, ડીએલએફ ૧.૯ ટકા, ઓમેક્સ પોણાબે ટકા, એચડીઆઇએલ અને ઑબેરૉય રિયલ્ટી ૧ ટકો જેટલા ઊંચકાયા હતા. તો મેટલ ઇન્ડેક્સ, ઑટો, ઑઇલ-ગૅસ, હેલ્થકૅર પોણાબે ટકા, એફએમસીજી ઇન્ડેક્સ સવા ટકો વધ્યો હતો.

૧પર શૅરમાં નવી ઐતિહાસિક ટોચ

ગઈ કાલે બીએસઈ ખાતે ૧પર શૅરના ભાવ એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નવા ઊંચા શિખરે ગયા હતા જેમાં કેટલાંક જાણીતાં નામ આ પ્રમાણે છે : એસીસી, અદાણી પોર્ટ્સ, અંબુજા સિમેન્ટ્સ, અશોક લેલૅન્ડ, એશિયન પેઇન્ટ્સ, બાટા ઇન્ડિયા, બજાજ ફિનસર્વ, ભારત ઇલેક્ટ્રૉનિક્સ, કોન્કર, દાલમિયા ભારત, એડલવાઇસ, ડીસીએમ શ્રીરામ, ગુજરાત આલ્કલીઝ, એચડીએફસી બૅન્ક, ગોદરેજ પ્રૉપર્ટીઝ, હિન્દુસ્તાન યુનિલીવર, ઇન્ડસઇન્ડ બૅન્ક, જેબીએમ ઑટો, જેએસડબ્લ્યુ સ્ટીલ, જેએમ ફાઇનૅન્સ, જ્યુબિલન્ટ ફૂડ્સ, કરુર વૈશ્ય બૅન્ક, કોલ્ટે-પાટીલ ડેવલપર્સ, લિબર્ટી શૂઝ, લાર્સન, મનપસંદ બેવરેજિસ, મારુતિ સુઝુકી, મહારાષ્ટ્ર સ્કૂટર્સ, મુથૂટ ફાઇનૅન્સ, નેસ્લે ઇન્ડિયા, પૅનેસિઆ બાયોટેક, પેટ્રોનેટ એલએનજી, પીટીસી, પિડિલાઇટ, પિલાણી ઇન્વેસ્ટમેન્ટ, રેમન્ડ, સફારી ઇન્ડસ્ટ્રીઝ, સ્પાઇસજેટ, સુપર સેલ્સ ઇન્ડિયા, સુપર હાઉસ, તાતા કૉફી, તાતા ઍલેક્સી, તાતા ગ્લોબલ, તાતા સ્પોન્જ, તાતા સ્ટીલ, તિરુમલાઈ કેમિકલ્સ, ટીવીએસ મોટર્સ, વીટુ રીટેલ, વૉલ્ટાસ, વેદાન્ત વગેરે વગેરે... બીજી તરફ ગ્લેનમાર્ક, આદિત્ય બિરલા કૅપિટલ, સીએલ એજ્યુકેટ, જીઆરપી લિમિટેડ, વેક્સ હાઉસિંગ સહિત ૪ર શૅરમાં નીચા બૉટમ બન્યા હતા.

તાતા સ્ટીલ નવ વર્ષની ટોચે ગયો

તાતા સ્ટીલ ગઈ કાલે દોઢા કામકાજમાં ઉપરમાં ૬૯ર રૂપિયા થયો હતો જે ઑગસ્ટ ર૦૦૮ પછીની ટોચ છે. ભાવ છેલ્લે સવાત્રણ ટકા વધીને ૬૩૮ રૂપિયા હતો. લગભગ વર્ષ પૂર્વે આ શૅરમાં ૩પપ રૂપિયાની બૉટમ બની હતી. કંપની દ્વારા ૧પ અબજ પાઉન્ડનો બ્રિટિશ સ્ટીલ પેન્શન સ્કિમ સાથે નવો કરાર કરાયો છે જેના પગલે બ્રિટન ખાતેનો સ્ટીલ બિઝનેસ આ સ્કિમમાંથી બહાર નીકળી જશે. એના લીધે થાયસનકુરૂપ સાથે વિચારાધીન સંયુક્ત સાહસનો માર્ગ મોકળો બનશે. મતલબ કે સાદી ભાષામાં કહીએ તો ખોટનો સોદો પુરવાર  થયેલી કોરસમાંથી તાતા સ્ટીલ એક્ઝિટ લઈ શકશે. દરમ્યાન ગઈ કાલે મેટલ ઇન્ડેક્સ ૧૦માંંથી ૯ શૅરના સુધારામાં એક ટકા જેવો ઊંચકાયો હતો. ઇન્ટ્રા-ડેમાં એ ૧૪,રપ૯ની નવી મલ્ટિયર ટોચ બતાવી છેલ્લે ૧૪,૧૯૦ બંધ હતો. જિન્દલ સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, હિન્દુસ્તાન ઝિન્ક જેવાં કાઉન્ટર સવાથી બે ટકાની આસપાસ પ્લસ હતાં. નાલ્કો નરમ હતો. તાતા સ્પોન્જ ત્રણ ગણા કામકાજમાં ૯૩૮ રૂપિયાની વિક્રમી સપાટી બનાવી છેલ્લે અઢી ટકાની આસપાસ વધીને ૯૨૦.૫૦ રૂપિયા બંધ હતો.

મહાનગર ગૅસમાં ૧૨૮ ટકા રિટર્ન

સળંગ બીજા દિવસની આગેકૂચમાં મહાનગર ગૅસનો શૅર ૧૧૮૩ રૂપિયાના નવા ઑલટાઇમ હાઈ લેવલે પહોંચી અંતે પોણાત્રણ ટકાની તેજીમાં ૧૧૮૦ રૂપિયાના મથાળે બંધ રહ્યો હતો. આ સાથે ગયા વર્ષે જુલાઈમાં લિસ્ટિંગ બાદ આ શૅરમાં રોકાણકારોને ૧૨૮ ટકા જેટલું ઊંચું રિટર્ન મળ્યું છે. ૨૦૧૬ની પહેલી જુલાઈએ આ શૅરનો ભાવ ૫૨૦ રૂપિયા રહ્યો હતો. આ સમીક્ષાધીન ગાળામાં બેન્ચમાર્ક નિફ્ટી ઇન્ડેક્સ ૧૮ ટકા વધ્યો છે. તો શૅરદીઠ ૪૨૧ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસથી આ શૅર ૧૮૧ ટકા વધ્યો છે. છેલ્લા એક વર્ષમાં કંપનીએ રોકાણકારોને શૅરદીઠ ટોટલ ૩૬.૫૦ રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ લગભગ પોણાબે ટકાના સુધારામાં ૧૫,૪૯૮ હતો. એના ૧૦માંથી ૭  શૅર વધ્યા હતા જેમાં બીપીસીએલ ૪.૩ ટકા, ગેઇલ ૪ ટકા, એચપીસીએલ ૩.૬ ટકા, ઇન્દ્રસ્થ ગૅસ ૩.૬ ટકા, આઇઓસી દોઢ ટકો, રિલાયન્સ અને ઑઇલ ઇન્ડિયાના શૅર નજીવા સુધર્યા હતા. તો બીજી બાજુ ઓએનજીસી, પેટ્રોનેટ અને કૅસ્ટ્રોલ ઇન્ડસ્ટ્રીઝના શૅરમાં સાધારણથી પોણા ટકા સુધીની નરમાઈ જોવા મળી હતી.

લિબર્ટી શૂઝમાં બ્લૉક ડીલની હૂંફ યથાવત

બ્લૉક ડીલની હૂંફ યથાવત રહેતાં લિબર્ટી શૂઝનો શૅર સળંગ બીજા દિવસે તેજીની ચાલમાં સાડાઅગિયાર ટકા ઊછળીને ૨૭૧ રૂપિયા પ્લસ બંધ રહ્યો હતો. કામકાજ દરમ્યાન ૧૮ ટકા ઊછળીને આ કાઉન્ટર ઉપરમાં ૨૮૨ રૂપિયા બોલાયું હતું. બીએસઈ ખાતે રોજના સરેરાશ ૭૦,૦૦૦ શૅર સામે આજે ૫.૦૮ લાખ શૅરના કામકાજ થયા હતા. ઇક્વિટી ઇન્ટેલિજન્ટ્સ ઇન્ડિયાએ ઓપન માર્કેટમાંથી ફુટવેર કંપનીના ૩,૨૧,૩૦૮ ઇક્વિટી શૅર ૨૩૫.૪૮ રૂપિયાના ભાવે ખરીદ્યા છે જે કંપનીની કુલ ઇક્વિટીના ૧.૮૮ ટકા જેટલા હિસ્સા બરાબર છે. ગઈ ૮ સપ્ટેમ્બરે શૅરનો ભાવ ૨૦૩ રૂપિયા હતો. ફુટવેર ઉદ્યોગની ૭માંથી ચાર કંપનીના શૅર ડાઉન હતા જેમાં સુપર હાઉસ ૧.૭ ટકા, રિલેક્સ, બાટા ઇન્ડિયા અને મિરઝા ઇન્ટરનૅશનલના શૅર વત્તેઓછા પ્રમાણમાં ખરડાયા હતા. તો બીજી બાજુ લિબર્ટી હાઉસ બાદ શ્રીલેધર્સ પાંચ ટકા વધીને ૧૭૨ રૂપિયા નજીક અને લોવરશોવર પોલિમર્સ ૪.૬ ટકા વધ્યો હતો. 

ફોર્સ મોટર્સમાં ઝડપી ઉછાળો


ફોર્સ મોટર્સમાં ઝડપી પાંચ ટકાના ઉછાળામાં ૪૩૦૦ રૂપિયાની ઇન્ટ્રા-ડે ટોચે પહોંચ્યો હતો. સેશનના અંતે ૩.૩ ટકાની મજબૂતીમાં ૪૨૨૪ રૂપિયા બંધ રહ્યો હતો. આ તેજીનું કારણ કંપની દ્વારા રૉલ્સ રૉયસ પાવર સિસ્ટમ્સ સાથે નૉન-બિડિંગ ટર્મમાં પ્રવેશ્યા હોવાના અહેવાલ છે. બીએસઈ ખાતે રોજના સરેરાશ ૪૭,૦૦૦ શૅર સામે આજે ૨.૪૨ લાખ શૅરના કામકાજ થયા હતા. સેશન દરમ્યાન ૨૪,૪૮૧ની ઊંચી સપાટી બનાવી ઑટો ઇન્ડેક્સ ૧ ટકાની આગેકૂચમાં ૨૪,૪૬૧ બંધ હતો. ઇન્ડેક્સના ૧૪માંથી ૧૧ શૅર વધ્યા હતા જેમાં ભારત ફોર્જ સવાચાર ટકા, તાતા મોટર્સ ૩.૨ ટકા, એક્સાઇડ ઇન્ડ. ૨.૧ ટકા, ક્યુમિન્સ પોણાબે ટકા, અશોક લેલૅન્ડ, મહિન્દ્ર-મહિન્દ્ર ૧.૭ ટકા, મધરસન સુમી ૧.૪ ટકા, એમઆરએફ, આઇસર મોટર્સ, ટીવીએસ મોટર, બજાજ ઑટોના શૅરમાં પણ સુધારાની ચાલ જોવા મળી હતી. તો બીજી બાજુ હીરો મોટોકૉર્પ, બૉશ અને મારુતિના શૅર નરમ હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy