સારી સ્ક્રિપ્સને મિત્ર બનાવો અને રોકાણ-નિર્ણયની આઝાદી માણો

વીતેલા સપ્તાહમાં નવો વિક્રમ સ્થાપનાર શૅરબજારની ગાડીએ સ્પીડ પકડી છે, પરંતુ સ્પીડબ્રેકર આવવાનાં એ નક્કી છે એટલે કરેક્શન ઇઝ મસ્ટ એવું ખુદ માર્કેટ પણ માને છે. શુક્રવારે કરેક્શને ૩૮,૦૦૦ની નીચે માર્કેટ બંધ કરાવ્યું. હવેના સપ્તાહમાં કરેક્શનનો દોર આગળ વધે તો શું કરવું?

BSE

શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા

કરેક્શનની કાગડોળે રાહ જોઈ રહેલા બજારમાં ગયા સોમવારે પ્રથમ દિવસે કરેક્શનને બદલે વધુ સુધારો જોવાયો હતો. અલબત્ત, બજાર ૨૦૦ પૉઇન્ટ ઉપર વધીને પાછું ફર્યું હતું, પરંતુ આખરમાં પણ એ સવાસો પૉઇન્ટ ઊંચું બંધ રહ્યું હતું. આ વધારામાં બૅન્કોનો મોટો ફાળો રહ્યો હતો. સોમવારે લિસ્ટેડ થયેલો HDFC AMC કંપનીનો શૅર લગભગ ૬૦ ટકા જેવો ઊંચો ખુલ્યો હતો જેણે માર્કેટને નવું બૂસ્ટ આપ્યું હતું. જેમને આ શૅરોની ફાળવણી થઈ તેઓ રાજી-રાજી હતા. ૧૧૦૦ના ઑફર-ભાવનો આ શૅર પ્રથમ દિવસે ૬૦ ટકાથી વધુ ઊંચા ભાવે ખુલ્યો હતો. રોકાણકારોએ પહેલે દિવસે જ સારો નફો મેળવી લીધો હતો જેણે IPO માર્કેટની આશા વધારી દીધી હતી. મંગળવારે બજાર નાની વધ-ઘટ સાથે આખરે સાધારણ નીચે બંધ રહ્યું હતું. આમ ઘણા દિવસ પછી માર્કેટ વધતું અટકી નહીંવત ઘટ્યું હતું. જોકે નિફટી બે પૉઇન્ટ જેટલો નજીવો વધ્યો હતો. સેન્સેક્સ ૨૬ પૉઇન્ટ માઇનસ રહ્યો હતો. માર્કેટ કન્સોલિડેટ થઈ રહ્યું હોવાનો મત વ્યક્ત થતો હતો ત્યારે ફરી આ ધારણા ખોટી પાડી બજારે નવો કૂદકો માર્યો હતો. સેન્સેક્સે ૨૨૧ પૉઇન્ટ સાથે ૩૮,૦૦૦ તરફ અને નિફ્ટીએ ૬૦ પૉઇન્ટના વધારા સાથે ૧૧,૫૦૦ તરફ યાત્રા માંડી હતી. યાદ રહે, હવે માર્કેટ જેટલું પણ વધે છે એ નવા લેવલ બનાવે છે. નોંધનીય વાત એ છે કે આ વખતે પહેલી વાર બૅન્ક નિફ્ટી ૨૮,૦૦૦ના લેવલે પહોંચી ગયો હતો. અર્થાત બૅન્ક-શૅરોની તેજી આગળ વધી હોવાનું જણાતું હતું.

ગુરુવારે આ વાતને વધુ સમર્થન મળ્યું જેમાં જાહેર ક્ષેત્રની બૅન્કોની રૅલી સાથે સેન્સેક્સ પ્રથમ વાર ૩૮,૦૦૦ને પાર કરી ગયો અને ૩૮,૦૦૦ની ઉપર બંધ રહ્યો. આમ તો માત્ર દસ જ સત્રમાં સેન્સેક્સ ૩૭થી ૩૮ હજાર થયો. ગુરુવારે નિફ્ટી ૧૧,૪૫૦ને પાર કરી ૧૧,૪૭૦ બંધ આવ્યો હતો. નોંધનીય એ પણ ખરું કે સ્મૉલ-મિડ કૅપ શૅરો પણ પૉઝિટિવ ઝોનમાં રહ્યા હતા. જોકે માર્કેટ-બ્રેડ્થ હજી સંકુચિત અને શુક્રવારે તો નેગેટિવ રહી હતી. શુક્રવારે બજારમાં સતત વધ-ઘટ સાથેની ચાલમાં આખરે દોઢસો પૉઇન્ટનું કરેક્શન આવતા સેન્સેક્સ ૩૮,૦૦૦ના લેવલથી નીચે ઊતરી ગયું હતું જેમાં બૅન્ક-શૅરોનો ફાળો પણ હતો. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ એનાં ક્વૉર્ટરલી પરિણામોમાં ઊંચી ખોટ નોંધાવી એ પણ કારણ હતું. જોકે માર્કેટ માટે કરેક્શન ઇઝ મસ્ટ થઈ ગયું હતું જે નવા સપ્તાહમાં પણ ચાલુ રહે એવી અપેક્ષા ખરી. આપણે ગયા વખતે બાપુ, હવે કરેક્શન લાવોની વાત કરી હતી જેને બદલે માર્કેટ વીતેલા સપ્તાહમાં વધી ગયું હતું. આ સપ્તાહમાં વધુ કરેક્શનની આશા છે.

સ્માર્ટ ઇન્વેસ્ટરો શું કરશે?

વીતેલા સપ્તાહના ટ્રેન્ડને જોતાં માર્કેટની ગાડીએ માત્ર સ્પીડ પકડી નથી, બલકે હવે એણે લૉન્ગ ડ્રાઇવ પર જવાનું નક્કી કર્યું હોય એમ જણાય છે. જોકે એને ક્યાંક સ્પીડબ્રેકર નડશે અને એની ગતિમાં અવરોધ ઊભો કરશે એ નક્કી છે જેને આપણે હેલ્ધી કરેક્શન તરીકે જોવું જોઈએ જે જરૂરી પણ છે. હેવીવેઇટ શૅરો વધવાથી માત્ર ઇન્ડેક્સ વધે અને ઇન્ડેક્સ વધવાથી માર્કેટ વધે છે એવું માની શકાય નહી. હવે આમ પણ લોકો સિલેક્ટિવ બનવા લાગ્યા છે એ સ્માર્ટ ઇન્વેસ્ટરોની નિશાની છે. આવા સ્માર્ટ ઇન્વેસ્ટરો વિવેકબુદ્ધિ સાથે આંશિક પ્રૉફિટ-બુકિંગ પણ કરશે અને કરવું પણ જોઈએ. હાલમાં તો બજાર કરન્સીની ચિંતા બાજુએ રાખી અને ટ્રેડ-વૉરની ચિંતા ભૂલીને આગળ વધ્યું હોવાનું જણાય છે.

IMFની સરાહના

ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ (IMF)ના ભારતીય અર્થતંત્ર માટેનાં નિવેદનોની બજાર પર સારી અસર જોવાઈ હતી. ફન્ડે ભારતીય અર્થતંત્રને હાથી કહીને હવે આ હાથી દોડતો થયો છે એવું કહ્યું છે. વિશ્વમાં સૌથી તેજ ગતિએ દોડતા અર્થતંત્ર સાથે મૂડીબજાર-શૅરબજાર ન દોડે એ કેમ ચાલે? પરિણામે શૅરબજારની તેજી સાથે IPO માર્કેટની તેજી પણ જોરમાં છે. એક પછી એક IPO નવી તક લઈને આવી રહ્યાં છે. અલબત્ત, એમાં દરેકમાં આંખ બંધ કરીને રોકાણ કરાય નહીં એ ધ્યાનમાં રાખવું જરૂરી છે. જોકે ફન્ડે ભારતીય બૅન્કોની બૅડ લોન્સની સ્થિતિ વિશે ચિંતા પણ વ્યક્ત કરી છે. ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરોએ જુલાઈમાં ભારતીય માર્કેટમાં ૨૩૦૦ કરોડ રૂપિયાની ખરીદી કરી હતી. IMFના નિવેદનની અસર ગ્લોબલ ઇન્વેસ્ટરો પર પડે એ સ્વાભાવિક છે.

આર્થિક સુધારાની ગતિ પણ તેજ

હવે પછી આર્થિક સુધારાની ગતિ પણ તેજ બને એવા સંકેત છે. સરકાર નવી ઔદ્યોગિક નીતિ ઉદાર અને વ્યવહારું બનાવીને લાવી રહી છે જેનું લક્ષ્ય રોજગારસર્જન તો હશે જ, એ ઉપરાંત લેબર લૉઝના સુધારા, પાવર-ખર્ચ નીચે લાવવાની નીતિ વગેરે જેવાં પરિબળો પણ ભાગ ભજવશે. ઔદ્યોગિક વિકાસને વેગ આપવામાં આ સૂચિત નીતિ મહત્વની ભૂમિકા ભજવશે એવી આશા ચોક્કસ રાખી શકાય. GSTના સુધારા પણ હકારાત્મક ઢબે થઈ રહ્યા છે જે ઉદ્યોગોને રાહત અને બિઝનેસને વેગ આપશે એવું માની શકાય. કૉર્પોરેટ પરિણામ જે દૃશ્ય બતાવે છે એ આશાવાદી છે જેને લીધે માર્કેટ અને ચોક્કસ શૅરોની ગતિ વધી રહી છે.

તમારા ઇન્વેસ્ટમેન્ટ-નિર્ણયની આઝાદી

આ બુધવારે પંદરમી ઑગસ્ટ, દેશનો આઝાદી દિન છે. જોકે રોકાણના જગતમાં મોટા ભાગના ઇન્વેસ્ટરો હજી આઝાદી માણતા નથી અને જુગાર, સટ્ટો, ટિપ્સની ગુલામીમાં ફસાઈને અટવાઈ જાય છે જેથી કમાણી કરવાને બદલે ગુમાવવાના પ્રસંગો વધુ આવે છે. રોકાણના નિર્ણય માટે આઝાદી જોઈતી હોય તો અભ્યાસ, ધીરજ અને વિવેક આવશ્યક છે. બજારને જોવાને બદલે તમે જેમાં રોકાણ કરો છો એ શૅરને-કંપનીને વધુ જોવી-સમજવી જોઈએ. કોઈ કહે કે ફલાણો શૅર ચાલવાનો-વધવાનો છે એથી એ શૅર લઈ લીધો એ માનસિકતા લાંબી ચાલતી કે સફળ થતી નથી. ઝટપટ નાણાં કમાઈ લેવાની મનોવૃત્તિ પણ લાંબી ચાલતી કે સફળ થતી નથી. બજાર સમય માગે છે. જેમ સુભાષબાબુએ કહ્યું હતું, ‘તમે મને લોહી આપો, હું તમને આઝાદી અપાવીશ’ એમ અહીં એ કહેવું યોગ્ય ગણાશે કે માર્કેટને સમય આપો, માર્કેટ તમને સારું વળતર આપશે. અહીં એ યાદ રાખવું પણ મહત્વનું છે કે નિર્ણયની આઝાદી તમે અભ્યાસ અને ધીરજ, વિવેક વિના માણી શકતા નથી. બજારમાં અઢળક તકો છે, સારા શૅરો છે. દેશનું અર્થતંત્ર સુધારાતરફ સતત ગતિ કરી રહ્યું છે ત્યારે યોગ્ય નિર્ણય લો અથવા યોગ્ય સલાહ લઈને લાંબા ગાળા માટે આગળ વધો.

ફ્રેન્ડશિપ કેવા શૅરો-યોજના સાથે રાખવી?

તાજેતરમાં ફ્રેન્ડશિપ ડે પસાર થયો. એમ માર્કેટ અને મ્યુચ્યુઅલ ફન્ડના રોકાણવિશ્વમાં પણ કોની સાથે ફ્રેન્ડશિપ રાખવી કે કરવી એ સમજવું જોઈએ. શૅર માટે વાત કરવી હોય તો, બને ત્યાં સુધી બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં સામેલ હોય એવા શૅર પસંદ કરવા અર્થાત એ શૅરોને મિત્ર બનાવવા. જેઓનું અસ્તિત્વ જૂનું અને મજબૂત છે, ટ્રૅક-રેકૉર્ડ મજબૂત-સ્વચ્છ છે, મૅનેજમેન્ટ સારું છે આવા મિત્રસમાન શૅર દગો નહીં આપે. વધ-ઘટ થયા કરવી એ માર્કેટ આધારિત બાબત ગણાય, પરંતુ દોસ્તી જાળવી રાખશો તો દગો નહીં આપે. અપવાદરૂપ કિસ્સાની વાત જુદી છે. બીજું, દોસ્તી માટે લાર્જ કૅપ શૅરો વધુ પસંદ કરવા જોઈએ. મ્યુચ્યુઅલ ફન્ડની યોજના માટે તમારે કેટલા સમય માટે રોકાણ જાળવવું છે, કેટલા જોખમ યા સલામતીની અપેક્ષા છે, કેવા વળતરની અપેક્ષા છે એના આધારે સ્કીમ પસંદ કરી શકાય. રોકાણકારોનાં હિતોની-વળતરની કાળજી લેતી કંપનીઓ કે સ્કીમ્સને ઇન્વેસ્ટર-ફ્રેન્ડ્લી પણ કહેવાય છે જેમને પણ લાંબા ગાળાના અને અભ્યાસુ રોકાણકારો ગમે છે.

નાની ખાસ વાત

૨૦૧૮માં અત્યાર સુધીમાં નિફ્ટીએ ૮૫૦ પૉઇન્ટ જેટલો વધારો દર્શાવ્યો છે. અર્થાત માત્ર સાત મહિનામાં નિફ્ટી ૮૦૦ પૉઇન્ટથી ઉપર વધ્યો છે જેમાં સૌથી વધુ ફાળો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, TCS, HDFC બેંક, ઈન્ફોસિસ, ITC, હિંદ.યુનિલીવર, બજાજ ફાઈનાન્સ, HDFC અને મહિન્દ્ર-મહિન્દ્રનો રહ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK