ગામના શૅરમાં ગમગીની વચ્ચે સેન્સેક્સ ઑલટાઇમ હાઈ, નિફ્ટી ૧૧,૦૦૦ને પાર

તમામ અગ્રણી વૈશ્વિક શૅરબજારો મહિનામાં સાડાઆઠ ટકા સુધી તૂટ્યાં, સેન્સેક્સ અઢી ટકા વધ્યો : પરિણામની પૂર્વસંધ્યાએ ઇન્ફીમાં બે ટકાનો ધબડકો : રિલાયન્સ દાયકા બાદ ફરી એક વાર ૧૦૦ અબજ ડૉલરનું શિખર વટાવીને ત્યાંથી પાછો પડ્યો

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

અને... બેએક દિવસ પહેલાં જણાવ્યું હતું એમ સેન્સેક્સ લગભગ સાડાપાંચ મહિના બાદ ગળ કાલે ઇન્ટ્રા-ડેમાં ૩૬,૬૯૯ અને બંધમાં ૨૮૨ પૉઇન્ટની આગેકૂચમાં ૩૬,૫૪૮ની નવી વિક્રમી સપાટી સર કરી ચૂક્યો છે. આગામી દિવસોમાં હજી નવાં ઊંચાં શિખર બનવાનાં છે. નિફ્ટી ૧૧,૦૭૮ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૭૫ પૉઇન્ટ ઊંચકાઈને ૧૧,૦૨૩ રહ્યો છે. નિફ્ટીમાં ઑલટાઇમ હાઈ ૧૧,૧૭૧ની છે. ગઈ કાલે સેન્સેક્સના ૩૧માંથી ૧૭ અને નિફ્ટીના ૫૦માંથી ૨૮ શૅર પ્લસ હતા. રિલાયન્સ બન્ને ખાતે ટૉપ ગેઇનર હતો. સેન્સેક્સના ૨૮૨ પૉઇન્ટના સુધારામાં એનો ફાળો ૧૫૦ પૉઇન્ટ નજીકનો હતો. મતલબ કે એક બાજુ રામ ને બીજી બાજું આખું ગામ જેવો ઘાટ હતો. લાર્જ કૅપના મુકાબલે મિડ કૅપ, સ્મૉલ કૅપ તથા બ્રૉડર માર્કેટ ઢીલાં હોવાથી માર્કેટ-બ્રેડ્થમાં નેગેટિવિટી હતી. સેન્સેક્સ ગઈ કાલે સર્વોચ્ચ શિખરે ગયો હોવા છતાં માર્કેટકૅપ ૧૪૮.૬૪ લાખ કરોડ નોંધાયું છે જે આ અગાઉ બજાર જ્યારે ઑલટાઇમ હાઈ થયું એ ૨૯ જાન્યુઆરીએ ૧૫૫.૧૩ લાખ કરોડના મુકાબલે ઓછું છે. મતલબ કે હાલમાં બજાર વધ્યું છે, પરંતુ લોકોના શૅર કે પોર્ટફોલિયો તો નુકસાનમાં જ ચાલી રહ્યા છે. અમે ફરી વાર કહીએ છીએ કે હવે જ્યારે- જ્યારે બજાર વધે ત્યારે લેવાના બદલે દેવાનું રાખો, નફો ગાંઠે કરો. છેલ્લા એક મહિના દરમ્યાન જપાન, ચીન, હૉન્ગકૉન્ગ, મલેશિયા, સિંગાપોર, થાઇલૅન્ડ, ફિલિપીન્સ, તાઇવાનનાં શૅરબજારો સાડાત્રણથી સાડાઆઠ ટકા નીચે ગયાં છે. બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સાઉથ આફ્રિકા, સ્પેન પણ એકથી ત્રણ ટકા ડાઉન છે સામે સેન્સેક્સ ૨.૪ ટકા વધ્યો છે.

રુચિ સોયા લેવા પતંજલિ મક્કમ

રુચિ સોયા ઇન્ડસ્ટ્રીઝને હસ્તગત કરવાની હોડમાં ૬૦૦૦ કરોડ રૂપિયાની ઑફર સાથે અદાણી વિલ્મર બિડર તરીકે બહાર આવી છે, પરંતુ ૫૭૦૦ કરોડની બિડ સાથે સેકન્ડ રનર રહેલી પતંજલિ પીછેહઠના મૂડમાં નથી. એ આ મામલે કાનૂની સહિત અન્ય તમામ વિકલ્પ ચકાણી રહી છે. જંગ બરાબર જામવાનો છે. રુચિ સોયાનો શૅર ગઈ કાલે પાંચ ટકાની નજીકના ઉછાળે સાડાઅગિયાર રૂપિયાની આસપાસ બંધ હતો. બન્ને બજાર ખાતે કુલ મળીને ૬૧ લાખ શૅરનું કામકાજ થયું હતું. શૅરની ફેસવૅલ્યુ બે રૂપિયાની છે. પતંજલિનાં સૂત્રો કહે છે કે ‘રુચિ સોયાના કેસમાં સાયરિલ અમરચંદ મંગલદાસની રેઝોલ્યુશન પ્રોફેશનલ તરીકે કરાયેલી નિમણૂક યોગ્ય નથી કેમ કે તે અદાણી ગ્રુપના ઍડ્વાઇઝર તરીકે પહેલેથી સેવાઓ આપે છે.

રિલાયન્સ દાયકા પછી ફરી વખત ૧૦૦ અબજ ડૉલર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મારફાડ મૂડમાં ૧૦૩૬ના આગલા બંધ સામે ગઈ કાલે ઉપરમાં ૧૦૯૯ થઈ છેલ્લે ૪.૪ ટકાની તેજીમાં ૧૦૮૨ રૂપિયા બંધ રહેતાં કંપનીનું માર્કેટકૅપ એક જ દિવસે ૨૯,૧૫૧ કરોડ વધીને ૬.૮૬ લાખ કરોડ નજીક ગયું છે. ડૉલર દીઠ ૬૮.૬૧ રૂપિયાના પ્રવર્તમાન વિનિમય દરે રિલાયન્સ હવે ૧૦૦ અબજ ડૉલરની ક્લબમાં ઇન્ટ્રા-ડેમાં જનારી બીજી ભારતીય કંપની બની છે. બાય ધ વે, આજથી દસેક વર્ષ પૂર્વે ઑક્ટોબર ૨૦૦૭માં રિલાયન્સે ઇન્ટ્રા-ડેમાં ૧૦૦ અબજ ડૉલરનું માર્કેટકૅપ હાંસલ કર્યું હતું. જોકે બંધની રીતે ભાવ ૨૮૦૫ની ઇન્ટ્રા-ડે હાઈથી ગગડી ૨૫૭૫ રૂપિયા બંધ રહેતાં ૧૦૦ અબજ ડૉલરની અંદર માર્કેટકૅપ આવી ગયું હતું. વ્ઘ્લ્ ત્યાર પછી ચાલુ વર્ષના એપ્રિલમાં ઇન્ટ્રા-ડેની રીતે ૧૦૦ અબજ ડૉલરનું માર્કેટકૅપ બે વખત હાંસલ કરનારી દેશની પ્રથમ કંપની બની છે. બંધની રીતે આ ફીગર હાંસલ થવો બાકી છે.

રિલાયન્સનો શૅર AGMના દિવસે ૧૦૦૮ની ઇન્ટ્રા-ડે હાઈથી પાંચેક ટકા તૂટી ૯૬૦ થઈને ૯૬૫ રૂપિયા બંધ રહ્યો ત્યારે એટલે કે પાંચ જુલાઈએ કંપનીનું માર્કેટકૅપ ૬.૧૧પ લાખ કરોડ રૂપિયા હતું. ભાવ ત્યાર પછી પાંચ દિવસ સળંગ વધતો રહ્યો છે. આના પગલે આ ગાળામાં રોકાણકારોની સંપત્તિમાં ૭૪,૧૫૦ કરોડ રૂપિયાનો ઉમેરો થયો છે.

કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૪૭.૪૫ ટકાનું છે. LIC પાસે ૭.૮૩ ટકા કે ૪૮૩૦ લાખ જેટલા શૅર છે. શૅરનો ભાવ વર્ષ પૂર્વે, ૧૨ જુલાઈએ ૭૪૮ અને બે વર્ષ પૂર્વે ૫૦૪ રૂપિયા હતો. મતલબ કે આ શૅરમાં એક વર્ષમાં ૪૫.૮ ટકા અને બે વર્ષમાં ૧૨૦ ટકા પ્લસનું રીટર્ન છૂટ્યું છે અને ગોલ્ડમૅન સાક્સવાળા તરફથી તો ૧૩૪૦ રૂપિયા અર્થાત હાલના ભાવથી લગભગ ૨૯ ટકાની ઊંચી ટાર્ગેટ પ્રાઇસ સાથે લેવાની ભલામણ આવી છે. ગ્રુપ કંપનીના અન્ય શૅરની વાત કરીએ તો ગઈ કાલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રિÿયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અડધો ટકો વધીને ૪૩૩ રૂપિયા, નેટવર્ક ૧૮ મીડિયા પોણો ટકો ઘટી ૪૨ રૂપિયા તથા TV-૧૮ બ્રૉડકાસ્ટ અઢી ટકા ઘટી ૪૮ રૂપિયા બંધ હતા.

બડે ભાઈના શૅરમાં જશ્ન વચ્ચે છોટે ભાઈ એટલે કે અનિલ અંબાણીના શૅરની વાત કરીએ તો R.કૉમ એક ટકો ઘટી ૧૩ રૂપિયા, રિલાયન્સ કૅપિટલ સાધારણ ઘટી ૩૭૪ રૂપિયા, રિલાયન્સ પાવર દોઢ ટકા ઘટી ૩૨ રૂપિયા, રિલાયન્સ નેવલ નહીંવત વધી ૧૩ રૂપિયા, રિલાયન્સ ઇન્ફા ૧.૭ ટકા ઘટી ૩૮૭ રૂપિયા તથા રિલાયન્સ હોમ આગલા ૬૦ના લેવલે બંધ હતા. મુકેશ અંબાણીના પરમસખા આનંદ જૈનની જયકૉર્પ સવા ટકાના સુધારામાં ૧૫૧ રૂપિયા બંધ આવ્યો છે.

ઇન્ફી પરિણામની પૂર્વસંધ્યાએ નરમાઈમાં

IT સેક્ટરની સેકન્ડ બેસ્ટ ઇન્ફોસિસના પરિણામ આજે છે. શૅર ગઈ કાલે ત્રણેક ગણા કામકાજમાં ઉપરમાં ૧૩૨૭ નજીક જઈ નીચામાં ૧૨૮૪ બતાવી અંતે બે ટકાની નરમાઈમાં ૧૨૯૪ રૂપિયા બંધ હતો. વ્ઘ્લ્ ઉપરમાં ૧૯૯૨ અને નીચામાં ૧૯૬૧ થઈ અડધો ટકો ઘટી ૧૯૭૧ રૂપિયા હતો. આગલા દિવસે ઑલટાઇમ હાઈ બનાવનાર IT ઇન્ડેક્સ ગઈ કાલે ૫૯માંથી ૨૯ શૅરની નબળાઈમાં ૦.૬ ટકા નરમ હતો. ૮-K માઇલ્સ ૩૨૮ની ઇન્ટ્રા-ડે ટૉપથી ૩૪૦ થઈ ૯.૮ ટકાની ખરાબીમાં ૩૪૧ રૂપિયા બંધ આવ્યો છે. ઍપકટેક, ડી-લિન્ક, મેટ્રીમોનીડૉટકૉમ, રામકો સિસ્ટમ્સ, મજેસ્કો, ન્યુક્લિયસ સોફ્ટવેર, HCL ઇન્ફોસિસ્ટમ્સ, ક્વીક હીલ, નીટ, લાર્સન ટેક્નૉલૉજીઝ જેવી જાતો એકથી પોણાત્રણ ટકા ઢીલી હતી. સોનાટા સોફ્ટવેર સાડાઆઠ ગણા વૉલ્યુમ સાથે ૩૨૩ને વટાવી અંતે ૧૪ ટકાની તેજીમાં ૩૧૬ રૂપિયા જોવાયો છે. HCL  ટેક્નૉલૉજીઝના પરિણામ તથા બાયબૅક માટેની બેઠક ઉપર નજરમાં ભાવ ૧૦૧૯ને વટાવી છેલ્લે એક ટકાના સુધારામાં ૧૦૦૫ રૂપિયા રહ્યો છે. ટેક મહિન્દ્ર એક ટકો ડાઉન હતો. વિપ્રો પ્રમાણમાં પાંખા કામકાજમાં ઉપરમાં ૨૮૧ થઈ છેલ્લે અઢી ટકા વધીને ૨૭૯ રૂપિયા બંધ આવ્યો છે.

૧૫૦ અભાગિયા શૅરમાં નવાં બૉટમ

સેન્સેક્સના ઑલટાઇમ હાઈના ટાંકણે ગઈ કાલે BSE ખાતે ૧૫૦ શૅરના ભાવ એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નવા નીચા તળિયે ગયા હતા જેમાં કેટલાંક જાણીતાં નામ આ મુજબ છે : ABG શિપયાર્ડ, એશિયન ઑઇલ ફીલ્ડ, ઍટલાસ સાઇકલ, બ્રિગેડ એન્ટર, સેન્ચુરી પ્લાય, ધનલક્ષ્મી બૅન્ક, ગારનેટ ઇન્ટર, SD ઍલ્યુમિનિયમ, જનરલ ઇન્શ્યૉરન્સ, ગ્લોબલ વેક્ટ્રા, હરીતા સીટ્સ, ICICI પ્રુ, ઇન્ટ્રાસૉફ્ટ ટેક્નૉલૉજીઝ, કુશલ ટ્રેડ લિન્ક, ક્વૉલિટી, લેકટોઝ ઇન્ડિયા, લમ્બોધરા ટેક્સટાઇલ, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, NLC ઇન્ડિયા, ઓરટેલ કમ્યુનિકેશન્સ, પોદાર હાઉસિંગ, પ્રાઇમ પ્રૉપર્ટીઝ, રાજેશ એક્સપોર્ટ્સ, સલોરા ઇન્ટર, સંઘવી ફોર્જિંગ્સ, સિમ્પ્લેક્સ રિયલ્ટી, સ્ટારકોમ ઇન્ફો, તાતા પાવર, યુનિયન બૅન્ક, UPL, વેદાન્ત, ટિટાગઢ વૅગન્સ વગેરે વગેરે...

બીજી તરફ લાર્સન ઉપરાંત ટ્રેન્ટ, સ્વરાજ ઑટો, યસ બૅન્ક, HEG, હિન્દુસ્તાન યુનિલીવર, જેટ ઇન્ફ્રા, જ્યુબિલન્ટ ફૂડ, કોટક મહિન્દ્ર બૅન્ક, KPIT, લાર્સન ઇન્ફોટેક, મારિકો, પ્રૉક્ટર ઍન્ડ ગૅમ્બલ, એમ્ફાસિસ,એસ્ટ્રલ પૉલિ, બજાજ ફિનસવર્‍, બજાજ ફાઇનૅન્સ, બર્ગર પેઇન્ટ, બોરોસીલ, બ્રિટાનિયા, HDFC બૅન્ક, ગોદરેજ કન્ઝ્યુમર સહિત ૫૪ જાતો નવા ઐતિહાસિક શિખરે ગઈ હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK