ગુજરાત-ફૅક્ટરની ફિકર અવગણીને શૅરબજારમાં સુધારાની હૅટ-ટ્રિક

મારુતિ સુઝુકીમાં ૧૪,૪૦૦ના ટાગેર્ટ સાથે મૉર્ગન સ્ટૅનલી બુલિશ : સરકારી પગલાંની ધાકમાં મૅક્સ અને ફોર્ટિસમાં નબળાઈ: ડેરી ઉદ્યોગના શૅરમાં નોંધપાત્ર ફૅન્સી ભાત ડેરી ઑલટાઇમ હાઈ

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ગુજરાતના ઇલેક્શનમાં મોદી-મૅજિક સામે મોટો પ્રશ્નાર્થ દેખાઈ રહ્યો છે. નવેમ્બરનો ફુગાવો રિઝર્વ બૅન્કના લક્ષ્યાંક કરતાં ઊંચો આવવાના વરતારા છે. અમેરિકન ફેડ-રેટમાં આ વખતે વધારો નક્કી મનાય છે. બજેટ પૉપ્યુલિસ્ટ નહીં હોય એવા પ્રાથમિક નિર્દેશ મળવાનું શરૂ થઈ ગયું છે. તેજીના ઘોડાપૂરમાં આગળ વધતો બિટકૉઇન ગમે ત્યારે તૂટી પડશે એવી આગાહી કરનારા વધવા માંડ્યા છે. FII ભારતીય શૅરબજારને લઈને એકંદર રોકડી કરવાના મૂડમાં મશગૂલ છે. ચાલુ મહિનાના પ્રથમ સપ્તાહમાં ૪૧૦૦ કરોડ રૂપિયા જેવી એની નેટ વેચવાલી રહી છે. જોકે ઘરઆંગણે આ બધા નેગેટિવ ફૅક્ટરથી અલિપ્ત હોય એમ બજાર હજી તેજીની પકડમાં જણાય છે. સળંગ બે દિવસની ટ્રિપલ સેન્ચુરી બાદ સેન્સેક્સ ગઈ કાલે ડબલ સેન્ચુરી, ૨૦૫ પૉઇન્ટની મજબૂતીમાં ૩૩૪૫૬ નજીક બંધ આવ્યું છે. નિફ્ટી ૫૬ પૉઇન્ટ પ્લસની આગેકૂચમાં ૧૦૩૨૨ રહ્યો છે. મિડકૅપ ઇન્ડેક્સ ૧૭૧૩૩ની ઑલટાઇમ હાઈ બતાવી સાધારણ સુધારામાં ૧૭૧૦૬ થયો છે. એનર્જી, રિયલ્ટી તેમ જ ઑઇલ-ગૅસ ઇન્ડેક્સના નહીંવત ઘટાડાને બાદ કરતાં સોમવારે તમામ સેક્ટોરલ બેન્ચમાર્ક પૉઝિટિવ ઝોનમાં જોવા મળ્યા છે. માર્કેટ-બ્રેડ્થ પણ હકારાત્મક રહી છે. સેન્સેક્સનાં ૩૧માંથી ૨૧ તો નિફ્ટીનાં ૫૦માંથી ૩૩ કાઉન્ટર વધ્યાં છે. મૉર્ગન સ્ટૅનલી તરફથી મારુતિ સુઝુકીમાં ૧૪,૪૦૦ રૂપિયાનું મોસ્ટ બુલિશ ટાગેર્ટ જારી થયું છે. શૅર ગઈ કાલે ૯૧૬૭ રૂપિયાની નવી વિક્રમી સપાટી સર કરીને એક ટકાથી વધુની આગેકૂચમાં ૯૧૪૧ રૂપિયા બંધ રહ્યો છે. ગાંધી સ્પેશ્યલ ટ્યુબ્સમાં ૧૮મીએ બાયબૅક માટે બોર્ડ-મીટિંગની નોટિસ વાગતાં ભાવ ૩૭૧ રૂપિયાના શિખરે જઈને ૧૯ ટકાના જમ્પમાં ૩૬૮ રૂપિયા બંધ હતો. રોજના સરેરાશ ૭૫૦ શૅર સામે ૭૫૦૦૦ શૅરનાં કામકાજ થયાં હતાં.

મૅક્સ ઇન્ડિયા વૉલ્યુમ સાથે નબળાઈમાં

એકંદર સારા બજારમાં મૅક્સ ઇન્ડિયા રોજના સરેરાશ ૩૯૦૦ શૅર સામે ૪૦ હજાર શૅરના કામકાજમાં ૧૨૭ રૂપિયાની અંદર ગયા બાદ ૪.૭ ટકા ઘટીને ૧૨૮ રૂપિયા રહ્યો છે. વર્ષનું બૉટમ ૧૧૯ રૂપિયા છે. મૅક્સ હૉસ્પિટલ શાલીમાર બાગનું લાઇસન્સ દિલ્હી સરકારે રદ કર્યાની આ અસર હતી. જીવતા શિશુને ડૉક્ટરોએ મૃત ઘોષિત કરવાનો વિવાદાસ્પદ મામલો જાહેર થતાં સરકારે લાઇસન્સ રદ કર્યું છે. બીજી તરફ હરિયાણા રાજ્ય સરકાર તરફથી ડેન્ગીના કેસમાં બેદરકારી બદલ અન્ય હૉસ્પિટલ કંપની ફોર્ટિસ હેલ્થકૅર સામે જ્ત્ય્ કરવાની તજવીજમાં હોવાના અહેવાલ પાછળ શૅર નીચામાં ૧૩૭ રૂપિયા થઈ છેલ્લે ૫.૫ ટકાની ખરાબીમાં ૧૩૯ રૂપિયા બંધ હતો. દરમ્યાન હેલ્થકૅર ઇન્ડેક્સ ગઈ કાલે ૭૦માંથી ૩૮ શૅરના સુધારામાં પોણા ટકા જેવો વધીને આવ્યો છે. વૉકહાર્ટ બમણા કામકાજમાં ઉપરમાં ૭૬૦ બનાવી ૭ ટકાની તેજીમાં ૭૫૩ રૂપિયા બંધ આપી મોખરે હતો. ફાઇઝર, સ્પાર્ક, સનોફી, ગ્રૅન્યુઅલ ઇન્ડિયા, નાટકો ફાર્મા, અરબિંદો ફાર્મા, ન્યુલૅન્ડ લૅબ, લુપિન ઇત્યાદિ બેથી સાડાપાંચ ટકા ઊંચકાયા હતા.

અરવિંદમાં વિદેશી બ્રોકરેજનો બુલિશ-વ્યુ


વિદેશી બ્રોકરેજ-કમ-ફન્ડહાઉસ CLSA તરફથી અરવિંદમાં ૪૪૦ની ટાગેર્ટ પ્રાઇસ અપવર્ડ કરીને ૫૩૮ રૂપિયા કરાઈ છે અને બાયનું રેટિંગ જાળવી રાખ્યું છે. આને પગલે શૅર ગઈ કાલે ત્રણેક ગણા કામકાજમાં ઉપરમાં ૪૫૨ રૂપિયા વટાવી અંતે સવાત્રણ ટકા વધીને ૪૪૫ રૂપિયા બંધ રહ્યો હતો. કંપની દ્વારા એના બ્રૅન્ડ ઍન્ડ રીટેલ બિઝનેસને અરવિંદ ફૅશન્સ તથા ઇજનેરી બિઝનેસને અનુપ એન્જિનિયરિંગમાં ડીમર્જ કરવાનું નક્કી થયું છે. અરવિંદના શૅરધારકોને પાંચ શૅરદીઠ અરવિંદ ફૅશન્સનો એક શૅર તથા ૨૭ શૅર દીઠ અનુપ એન્જિનિયરિંગનો એક શૅર મળવાનો છે. અરવિંદમાં પ્રમોટર્સ સંજય લાલભાઈ પરિવાર ૪૩ ટકા જેવો હિસ્સો ધરાવે છે, જેમાંથી પાંચ ટકા માલ ગીરવે છે. અરવિંદ ગ્રુપની એક અન્ય કંપની અરવિંદ સ્માર્ટ સ્પેસ ગઈ કાલે સરેરાશ કરતાં પાંચમા ભાગના કામકાજમાં ઉપરમાં ૧૮૨ રૂપિયા વટાવી હળવા પ્રૉફિટ-બુકિંગમાં એક ટકો ઘટીને ૧૭૮ રૂપિયા બંધ હતો. ગઈ કાલે ટેક્સટાઇલ્સ સેગમેન્ટના ૧૮૨માંથી ૧૦૫ શૅર પ્લસ હતા. BSL લિમિટેડ રોજના માંડ ૪૨૦૦ શૅર સામે ૭૦ હજાર શૅરના કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૮૩ રૂપિયા નજીક જઈ અંતે ત્યાં જ બંધ હતો. બૉમ્બે ડાઇંગ ૩.૩ ટકા, હિંમતસિંઘકા સીડ આઠ ટકા અને વેલસ્પન ઇન્ડિયા ૪.૬ ટકા અપ હતા.

તાજ સાથેનું ટાઇઅપ પરાગ મિલ્કને ફળ્યું

પરાગ મિલ્ક ફૂડ્સનું તાજ ગ્રુપની તાજ સેટ્સ સાથે ટાઇઅપ કરવામાં આવ્યું છે જેના પગલે તાજ ગ્રુપ દ્વારા તમામ ઇન્ટરનૅશનલ લાઇટ્સમાં શુદ્ધ ગાયના દૂધમાંથી બનાવેલી પરાગ મિલ્ક ફૂડ્સની પ્રોડક્ટ્સ સર્વ કરાશે. ગઈ કાલે શૅરનો ભાવ પાંચ ગણા કામકાજમાં ઉપરમાં ૨૭૩ રૂપિયા થઇ છેલ્લે દસેક ટકાની તેજીમાં ૨૬૮ રૂપિયા બંધ હતો. પિયર ગ્રુપના અન્ય શૅરમાં ભાત ડેરીમાં ઍનલિસ્ટ અને ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ મીટના પગલે ભાવ ૧૪ ગણા કામકાજમાં ૨૧૦ રૂપિયાની ઑલટાઇમ હાઈ બનાવી અંતે ૨૦ ટકાની તેજીમાં ત્યાં જ બંધ હતો.  ૨૭ ડિસેમ્બરે આ શૅરમાં ૯૧ રૂપિયાનું તળિયું દેખાયું હતું. ઉમંગ ડેરીઝ સાત ગણા વૉલ્યુમમાં ઇન્ટ્રા-ડેમાં ૮૪ રૂપિયા વટાવી છેલ્લે ૭.૭ ટકાની મજબૂતીમાં ૮૧ રૂપિયા, ક્વૉલિટી લિમિટેડ અઢી ગણા વૉલ્યુમમાં ૧૧૨ રૂપિયા નજીક જઈ ૯ ટકાની આગેકૂચમાં ૧૧૧ રૂપિયા તો હેરિટેજ ફૂડ્સ ૭૯૫ થયા બાદ સાધારણ ઘટીને ૭૮૦ રૂપિયા અને હેટ્સન ઍગ્રો ઇન્ટ્રા-ડેમાં ૮૮૪ રૂપિયા થઈ અંતે એક ટકો ઘટીને ૮૬૬ રૂપિયા બંધ હતા. વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ ૧૦૩૪ની ઇન્ટ્રા-ડે ટોચ બાદ સવા ટકાના સુધારામાં ૯૯૮ રૂપિયા હતો.

એજિસ લૉજિસ્ટિક્સ વિક્રમી સપાટીએ


એજિસ લૉજિસ્ટિક્સ દ્વારા સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં બમણાથીય વધુના વધારામાં ૫૦ કરોડ રૂપિયાનો નેટ પ્રૉફિટ દર્શાવતા શૅર ગઈ કાલે તગડા વૉલ્યુમમાં ૨૭૫ રૂપિયા જેવી ઑલટાઇમ હાઈ બનાવી છેલ્લે ૭ ટકાના જમ્પમાં ૨૭૩ રૂપિયા બંધ રહ્યો છે. એક રૂપિયાની ફેસવૅલ્યુવાળા આ શૅરની બુકવૅલ્યુ ૧૯ રૂપિયા આસપાસ છે. ૨૭ ડિસેમ્બરે ભાવ ૧૨૬ રૂપિયાના વર્ષના તળિયે હતો. કંપનીની ત્રિમાસિક આવક ૮૪ ટકા વધીને ૧૨૪૧ કરોડ રૂપિયા થઈ છે. લૉજિસ્ટિક્સ સેગમેન્ટ ખાતે ગઈ કાલે ૧૬માંથી ૭ શૅર નરમ હતા. આર્શિયા પોણો ટકો વધીને ૯૬ રૂપિયા બંધ હતો. સ્નોમૅન લૉજિસ્ટિક, ટાઇગર લૉજિસ્ટિક્સ, ગતિ, મહિન્દ્ર લૉજિસ્ટિક્સ, પટેલ ઇન્ટિગ્રેટેડ, ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન, ઑલકાર્ગો ઇત્યાદિ આશરે અડધાથી અઢી ટકા સુધી ડાઉન હતા. જ્યારે વ્ઘ્ત્ ઍક્સેસ, બ્લુડાર્ટ અડધાથી પોણાબે ટકા જેવા સુધર્યા હતા. એવિયેશન સેગમેન્ટમાં જેટ ઍરવેઝ બાઉન્સબૅકમાં ૪.૬ ટકા વધીને ૬૯૬ રૂપિયા હતો. સ્પાઇસ જેટ પોણો ટકો તો ઇન્ડિગો ફેમ ઇન્ટરગ્લોબ એક ટકો પ્લસ હતા.

બિટકૉઇનમાં તેજીની સર્કિટ સાથે શ્રીગણેશ


જેની ભારે આતુરતાથી રાહ જોવાતી હતી એ ક્રિપ્ટોકરન્સી સેગમેન્ટની માર્કેટલીડર બિટકૉઇનમાં ફ્યુચર્સ કે વાયદાનો શુભારંભ થઈ ગયો છે. સીબોએ (CBOE) એક્સચેન્જમાં જાન્યુઆરી કૉન્ટ્રૅક્ટમાં બિટકૉઇન વાયદો ૧૪૫૦૯ ડૉલર ખૂલી ઉપરમાં ૧૮૬૦૦ ડૉલર બતાવી છેલ્લે ૧૭૮૯૦ ડૉલર બંધ હતો. ટ્રેડિંગ શરૂ થયા પછી ભાવ ૧૦ ટકા વધી જતાં અઢી કલાક બાદ બે મિનિટ માટે કામકાજ બંધ કરાયુ હતું. ત્યાર બાદ ૨૦ ટકાની ઉપલી સર્કિટ લાગતાં પાંચ મિનિટ માટે ટ્રેડિંગ થંભાવી દેવાની ફરજ પડી હતી! ફ્યુચર્સના પગલે હેવી ટ્રાફિકને લઈ સીબોએ એક્સચેન્જની વેબસાઇટ પણ ક્રૅશ થઈ ગઈ હતી.

હાજર કે સ્પૉટ માર્કેટમાં કૉઇન ડેસ્ક ખાતે બિટકૉઇન ગઈ કાલે ૧૫૦૩૭ ડૉલર નજીક ખૂલીને ઉપરમાં ૧૬૭૩૪ ડૉલર બતાવી રનિંગ ક્વોટમાં સાડાદસ ટકાની મજબૂતીમાં ૧૬૬૨૩ ડૉલર ચાલતો હતો. ભારતીય કરન્સીમાં રેટ આ લખાય છે ત્યારે છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ઉપરમાં ૧૨.૦૩ લાખ રૂપિયા અને નીચામાં ૧૦.૦૫ લાખ રૂપિયા થઈ રનિંગમાં ૧૧.૦૭ લાખ રૂપિયા હતો. સીબોએ એક્સચેન્જ ખાતે ટ્રેડિંગ બંધ થયું ત્યારે ફ્યુચર્સમાં બિટકૉઇન ૧૭૮૯૦ ડૉલર હતો, જે ૧૬૩૭૪ ડૉલરના હાજર ભાવ કરતાં સવાનવ ટકા ઊંચો કહી શકાય. એક અન્ય અગ્રણી એક્સચેન્જ CME ખાતે બિટકૉઇનમાં ફ્યુચર્સ ૧૮ ડિસેમ્બરથી શરૂ થવાનું છે. સીબોએ એક્સચેન્જ ખાતે ભારે વૉલેટિલિટીને અનુલક્ષીને સારા એવા કડક નિયંત્રણ સાથે બિટકૉઇનમાં ફ્યુચર્સનાં કામકાજ શરૂ થયાં છે. માર્જિન ૪૦ ટકા અને અમુક સંજોગોમાં તો એનાથીય ઊંચાં રખાયાં છે. CME એક્સચેન્જ ખાતે ફ્યુચર્સ શરૂ થવાના પગલે બિટકૉઇનમાં આર્બિટ્રેજનાં કામકાજ પણ આકર્ષણ જમાવશે એમ મનાય છે.

દરમ્યાન ગઈ કાલે વિવિધ પ્રકારની કુલ ૧૩૪૦ ક્રિપ્ટોકરન્સીને આવરી લેતા આ સેગમેન્ટનું કુલ માર્કેટ-કૅપિટલાઇઝેશન ૪૪૭ અબજ ડૉલરને વટાવી ગયું છે જેમાં બિટકૉઇનનો હિસ્સો ૨૮૩ અબજ ડૉલરનો છે. ઇથર ૪૫ અબજ ડૉલર સાથે બીજા ક્રમે તો બિટકૉઇન કૅશ ૨૩ અબજ ડૉલર સાથે ત્રીજા ક્રમે છે. આઇઓટા ૧૨ અબજ ડૉલર સાથે ચોથા ક્રમે આવી ગયો છે. દોઢેક મહિના પૂર્વે એનો ભાવ માંડ ૩૭ સેન્ટ અને મહિના પૂર્વે ૫૦ સેન્ટ હતો એ વધીને ૮ ડિસેમ્બરે પાંચ ડૉલરની સર્વોચ્ચ સપાટી હાંસલ કરીને હાલમાં ૪.૪૦ ડૉલર ચાલે છે. મતલબ કે દોઢ મહિનામાં ૧૧૨૨ ટકાનો અને મહિનામાં ૭૮૦ ટકાનો ઉછાળો થયો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK