શૅરબજારનો અઢીસો પૉઇન્ટનો સુધારો છેલ્લા અડધા કલાકમાં સાફ

બોર્ડ સુપરસીડ થવાની ઘાત ટળતાં ૬૩ મૂન્સમાં વૉલ્યુમ સાથે ૨૦ ટકાની તેજી : સરકારી બૅન્કોનું દુ:ખ ભરે દિન બીતે રે ભૈયાનું કોરસ જોરમાં : ટૅરિફ-વૉર વકરવા છતાં ભારતી ઍરટેલ બન્ને બજારમાં ટૉપ ગેઇનર

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ગઈ કાલથી શરૂ થયેલું આ સપ્તાહ દેશ અને દુનિયાભરનાં શૅરબજારો માટે ઘણું ઇવેન્ટ કુલ બની રહેવાનું છે. આજે ટ્રમ્પ અને નૉર્થ કોરિયન તાનાશાહ કીમ વચ્ચેની મુલાકાત પર સમગ્ર વિશ્વની નજર છે. બુધવારે ફેડની પૉલિસી-મીટિંગનું આઉટકમ છે જેમાં વ્યાજદર ૦.૨૫ ટકા વધવાની વ્યાપક ધારણા છે. ઘરઆંગણે ઔદ્યોગિક ઉત્પાદન, ફુગાવો તેમ જ ટ્રેડ બૅલૅન્સના આંકડા તથા મૉન્સૂનની પ્રગતિ પર ફોક્સ રહેશે. બ્રેક્ઝિટ, બૅન્ક ઑફ જપાન, યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક વિશેની બેઠક પણ યોજવાની છે. G-૭ની સમિત મુક્ત વ્યાપારના મામલે અમેરિકા અને સાથી રાષ્ટ્રો ખાસ કરીને કૅનેડા વચ્ચેની કડવાશ સાથે પૂરી થઈ છે. ક્રૂડમાં પ્રત્યાઘાતી ઘટાડાનો દોર પૂરો થવામાં છે ત્યાં ઘરઆંગણે સળંગ ૧૩ દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાનો યુ-ટર્ન નજીકમાં જણાય છે. આ બધા વચ્ચે શૅરબજાર સાધારણ ઉપર ખુલ્યા બાદ ગઈ કાલે મજબૂત વલણ દાખવી ૩૫,૭૦૫ નજીક ગયું હતું, પણ છેલ્લો અડધો કલાક સીધી લપસણીની ચાલનો રહેતાં ૩૫,૪૪૫ની નીચે જઈ સેન્સેક્સ છેવટે ૪૦ પૉઇન્ટ જેવા નજીવા સુધારામાં ૩૫,૪૮૩ બંધ રહ્યો છે. નિફ્ટી ૧૦,૮૫૫ની ઇન્ટ્રા-ડે ટૉપ બાદ ૧૦,૭૭૭ થઈ અંતે ૧૯ પૉઇન્ટ વધીને ૧૦,૭૮૭ હતો. સેન્સેક્સના ૩૧માંથી ૧૮ તથા નિફ્ટીના ૫૦માંથી ૩૩ શૅર પ્લસ હતા. જીઓ સામેની હરીફાઈમાં ગ્રાહકોને પકડી રાખવા અવનવા પ્લાન સાથે ટૅરિફ-વૉર આગળ વધી રહ્યું હોવા છતાં ભારતી ઍરટેલ સવાત્રણ ટકાની તેજીમાં અંતે બજાર ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. બે ટકાની ખરાબીમાં તાતા સ્ટીલ ટૉપ લૂઝર હતો. BSE ખાતે ૧૯માંથી ૧૩ સેક્ટોરલ ઇન્ડાઇસિસ ગ્રીન ઝોનમાં હતા. દોઢ ટકા પ્લસની મજબૂતીમાં ટેલિકૉમ ઇન્ડેક્સ એમાં મોખરે હતો.

માર્કેટ-બ્રેડ્થમાં પૉઝિટિવિટી જળવાઈ છે. NSE ખાતે મીડિયા ઇન્ડેક્સ સર્વાધિક એક ટકા જેવો વધ્યો હતો. મુકેશ અંબાણીના પરમ મિત્ર આનંદ જૈનની જય કૉર્પ તગડા કામકાજ સાથે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૪૯ રૂપિયા નજીક બંધ રહી છે. ચાર દિવસમાં ભાવ ૩૨ ટકા વધી ગયો છે.

૬૩ મૂન્સ વિલ બી ઇન ધ ફુલ મૂન?

૬૩ મૂન્સ ટેક્નૉલૉજીઝ અર્થાત અગાઉની ફાઇનૅન્શિયલ ટેક્નૉલૉજીઝના શૅરધારકો માટે સારા સમાચાર આવ્યા છે. નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ તરફથી કંપનીના બોર્ડ ઑફ ડિરેક્ટર્સને સુપરસીડ કરવાની કૉર્પોરેટ અર્ફેસ મિનિસ્ટ્રીની માગણીને રિજેક્ટ કરવામાં આવી છે. જોકે આ સાથે ટ્રિબ્યુનલ દ્વારા સરકારને કંપનીના બોર્ડમાં તેના મહત્તમ ત્રણ નૉમિની રાખવાની છૂટ અપાઈ છે. આ ઉપરાંત જિજ્ઞેશ શાહ સહિત અન્ય નવ પર આ કંપનીમાં અગર તો અન્ય કોઈ કંપનીના બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં રહેવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ૩૬ પાનાંના આ ચુકાદાનો મતલબ સાફ છે. ૫૬૦૦ કરોડ રૂપિયાના NSEL કાંડ બદલ ફાઇનૅન્શિયલ ટેક્નૉલૉજીઝ અર્થાત હાલની ૬૩ મૂન્સને જ ટાર્ગેટ કરવાની અને સમગ્ર પ્રકરણના દોષનો ટોપલો એના પર જ નાખી દઈ વેરવૃત્તિની હદે શિક્ષાત્મક પગલાં લેવાની સરકારની વૃત્તિ-પ્રવૃત્તિ ખોટી હતી. કંપનીના બોર્ડને સુપરસીડ કરવાના મામલા પર હવે પૂર્ણવિરામ મુકાઈ જાય છે. આમ છતાં, બોર્ડ પર સરકારના નૉમિની મૂકવાનો તેમ જ જિજ્ઞેશ શાહ સહિત નવને નૉટ ફિટ ઍન્ડ પ્રૉપર પર્સન ઘોષિત કરવાનો મુદ્દો પેચીદો છે. મામલો કોર્ટમાં જવાનો છે કેમ કે કંપનીના બોર્ડને સુપરસીડ કરવાની સરકારની માગણી ફગાવીને ટ્રિબ્યુનલે એક રીતે કંપનીના હાલમાં બોર્ડને કથિત સ્કૅમમાં ક્લીન-ચીટ આપી દીધી છે. તો પછી બોર્ડમાં સરકારી નૉમિની શા માટે? સરકારના આ નૉમિની અનેકવિધ તબક્કે સરકાર અને એની વિવિધ એજન્સી સામે કંપનીની ચાલી રહેલી ન્યાયી લડતમાં કેવી રીતે સાથ આપશે? બીજું, નવ વ્યક્તિને નૉટ ફિટ ઍન્ડ પ્રૉપર પર્સન કયા આધારે જાહેર કરાયા? તેમાંના કેટલાક તો એવા કે જે NSELના બોર્ડ પર પણ ન હતા. ઍનીવે, હવે ૬૩ મૂન્સ સાથે NSELનું બંદૂકની અણી હેઠળ મર્જર કરાવવાની સરકારની ક્વાયત સામે સુપ્રીમ કોર્ટ કેવું વલણ લે છે એ જોવું રહ્યું. લંબી હૈ ગમકી શામ, મગર શામ હી તો હૈ ડિયર.. ૬૩ મૂન્સનો શૅર સુધારાની હૅટ-ટ્રિક બાદ ગઈ કાલે ઉપરમાં ૮૭ રૂપિયા થઈ અંતે ૨૦ ટકા ઊછળી ત્યાં જ બંધ હતો. વૉલ્યુમ સરેરાશ કરતાં ૧૭ ગણું હતું.

સરકારી બૅન્કોના બૂરા દિવસ પૂરા, ખરેખર?

માર્ચ ક્વૉર્ટરમાં બૅન્કિંગ ક્ષેત્રે એકબીજાથી વધુ મોટી ખોટ બતાવવાની હોડ જોવાઈ જેના પરિણામે બૅન્કોની ફ્ભ્ખ્ કે બૅડ લોનનો આંકડો દસ લાખ કરોડ રૂપિયાને વટાવી ગયો છે. ગયા વર્ષે ૨૧માંથી ૧૯ સરકારી બૅન્કોએ કુલ મળીને ૮૭,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની ચોખ્ખી ખોટ બતાવી છે છતાં બૅન્કોના ચૅરમૅન, મૅનેજિંગ ડિરેક્ટર, CEO ઇત્યાદિ અમારા બૂરા દિવસ પૂરા થયા એવું કહેવાની એક પણ તક ચૂકતા નથી. વર્સ્ટ ઇઝ ઓવરનું આ કોરસ નવું નથી. ત્રણ-ચાર વર્ષથી પ્રસંગોપાત અમે એને સાંભળી ચૂક્યા છીએ, પણ પૉલિટિશ્યન્સની જેમ બૅન્કરોને ય લોકોની યાદદાસ્ત ટૂંકી હોય છે એ વાતમાં ભારે વિશ્વાસ લાગે છે. દરમ્યાન બૅન્કોની બૅડ લોનના નિકાલ માટે અલાયદી બૅડ બૅન્ક સ્થાપવાનો વિચાર ફરી એક વાર ધૂણવા માંડ્યો છે. સ્ટેટ બૅન્ક કહે છે, નાદારીની કોર્ટનો અંતિમ ફેસલો આવી જતાં આ વર્ષે કમસે કમ ૪૦,૦૦૦ કરોડ રૂપિયાની રિકવરી થશે. વાત છે, પણ લેવાના છે ૯૫,૦૦૦ કરોડ અને મળશે ૪૦,૦૦૦ કરોડ એનું શું? આટલો મોટો હેરકટ? પંજાબ નૅશનલ બૅન્કવાળાય બોલ્યા છે કે અમે ૨૦,૦૦૦ કરોડની રિકવરી કરીશું. રિકવરીના અંદાજિત કે અપેક્ષિત આંકડા જાહેર કરવાનો આ ખેલ આગળ ચાલવાનો છે. ઘણા એમાં જોડાશે. ગમે તેમ કરીને અરુણ જેટલીએ થોડાક વખત પહેતાં એક લાખ કરોડની રિકવરીના બતાવેલા આશાવાદની આબરૂનો સવાલ છે દોસ્ત!! ઇન શૉર્ટ, ખરાબ સમય ગયો, હવે બધાં સારાં વાનાંના આ કોરસથી બૅન્કિંગ-શૅરમાં ફીલ-ગુડ જેવું કંઈક જામી શકે છે. નીચા મથાળે સારી એવી ફૅન્સી આવી શકે છે. ખાસ કરીને PSU બૅન્ક શૅર સવિશેષ ઝળકે તો નવાઈ નહીં. ગયા સપ્તાહમાં PSU બૅન્ક નિફ્ટી પોણાત્રણ ટકા જેવો વધ્યો હતો. બૅન્ક ઑફ બરોડા, IDBI બૅન્ક અને વિજયા બૅન્ક ત્રણ-સાડાત્રણ ટકાના ઘટાડાને બાદ કરતાં બાકીના ૧૮ સરકારી બૅન્કના શૅર સવાબે ટકાથી લઈને ૧૫ ટકા સુધી અને એમાંના નવ શૅર છ ટકાથી લઈને ૧૫ ટકા જેટલા ઊંચકાયા હતા. ગઈ કાલે સેન્સેક્સ-નિફ્ટીના નજીવા સુધારા સામે બૅન્કેક્સ અને બૅન્ક નિફ્ટી નહીંવત પ્લસ હતા. જોકે PSU બૅન્ક નિફ્ટી ૦.૩ ટકા વધ્યો હતો. સમગ્ર બૅન્કિંગ ક્ષેત્રે ૪૧માંથી ૨૧ શૅર નરમ હતા. કૉર્પોરેશન બૅન્ક ૧૦ ટકા, સેન્ટ્રલ બૅન્ક છ ટકા અને બંધન બૅન્ક ૩ ટકા અપ હતા. ICICI બૅન્ક અને IDBI બૅન્ક અડધા ટકાની આજુબાજુ માઇનસ હતા.

ક્રિપ્ટો કરન્સીમાં સર્વત્ર મસમોટાં ગાબડાં

૫૦ જેટલી ક્રિપ્ટો કરન્સીમાં કામકાજ સાથે વિશ્વનાં ટોચનાં ૧૦૦ એક્સચેન્જિસમાં આવતા સાઉથ કૉરિયન ખાતેના ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ કોઇનરેલ ટ્રેડર્સમાં હૅકિંગ થયાના પગલે ક્રિપ્ટો કરન્સીમાં ઠેર-ઠેર મોટાં ગાબડાં પડ્યાં છે. હૅકર્સ અંદાજે ૪ કરોડ ડૉલરની આ કરન્સી ઉઠાવી ગયા એમાં માર્કેટકૅપની રીતે બજારના ૪૮૦૦ કરોડ ડૉલર સાફ થઈ ગયા છે. માર્કેટકૅપ હાલમાં ૨૯૫ અબજ ડૉલરના બે મહિનાના તળિયે આવી ગયું છે. સાંજના આરંભ ટાંકણે આ લખાય છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં માર્કેટલીડર બિટકૉઇન ૭૨૯૧ ડૉલરથી તૂટીને ૬૬૪૭ ડૉલરના તળિયે જઈ રનિંગ ક્વૉટમાં ૬૭૭૧ આસપાસ દેખાતો હતો. પાંચ મેએ આ કરન્સી ૧૦,૦૦૦ ડૉલર નજીક પહોંચી હતી. ભારતીય કરન્સીમાં બિટકૉઇન ૫.૩૫ લાખથી નીચામાં ૪.૬૫ લાખ થઈ રનિંગમાં ૪.૭૫ લાખ રૂપિયા આસપાસ ક્વૉટ થતી હતી. હૅકર્સના હેવોકમાં છેલ્લા ૨૪ કલાકમાં રનિંગ ક્વૉટ પ્રમાણે બિટકૉઇન સાડાસાત ટકા, ઇથર સવાસાત ટકા, રિપ્પલ પોણાઆઠ ટકા, બિટકૉઇન કૅશ પોણાદસ ટકા, સ્ટેલર સવાઆઠ ટકા, નીઓ સાડાદસ ટાકા, ડેશ પોણાછ ટકા, મોનેરો પોણાસાત ટકા જેવા તૂટી ચૂક્યા છે.

ઍલેમ્બિક ફાર્મામાં ૨૦ ટકાનો જમ્પ

USFDA તરફથી કંપનીની ઍન્ટિ-ડીપ્રેશન ડ્રગ્સના વેચાણ માટે લીલી ઝંડી મળવાના પગલે ઍલેમ્બિક ફાર્માનો શૅર ગઈ કાલે લગભગ ૧૫ ગણા કામકાજમાં ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૫૨૨ રૂપિયા બંધ હતો. ગ્રુપ કંપની ઍલેમ્બિક લિમિટેડ પણ ૫૦ રૂપિયા નજીક જઈ અંતે ૧૯ ગણા વૉલ્યુમમાં ૧૦ ટકા ઊછળી ૪૬ રૂપિયા બંધ હતો. ડી-માર્ટ ફેમ અવેન્યુ સુપરમાર્ટ પ્રારંભિક મજબૂતીમાં ૧૬૨૦ રૂપિયા નજીક નવી વિક્રમી સપાટીએ પહોંચતાં માર્કેટકૅપ એક લાખ કરોડ રૂપિયાને આંબી ગયું હતું. ભાવ છેલ્લે નજીવો વધી ૧૫૯૪ રૂપિયા બંધ રહેતાં ૯૯,૪૬૬ કરોડનું માર્કેટકૅપ નોંધાયું છે. માર્ચ ૨૦૧૭માં આ કંપની શૅરદીઠ ૨૯૯ રૂપિયાના ભાવે મૂડીબજારમાં આવી હતી. અવંતિ ફીડ્સમાં બે શૅરદીઠ એક બોનસ તેમ જ બે રૂપિયાના શૅરનું એક રૂપિયામાં વિભાજન બાબતે EGMમાં વિચારણા જાહેર થતાં ભાવ સળંગ ચોથા દિવસે ઊંચકાઈ ૧૯૮૦ રૂપિયા થઈ અંતે ૪.૨ ટકા વધીને ૧૯૦૩ બંધ આવ્યો છે. પાંચ જૂને આ કાઉન્ટરમાં ૧૨૩૨ રૂપિયાનું વર્ષનું બૉટમ બન્યું હતું. આઇનૉક્સ વિન્ડમાં ઑડિટર્સ દ્વારા સમયના અભાવે રાજીનામું આવવાની જાહેરાત પાછળ શૅરે ૮૫ રૂપિયાની વર્ષની બૉટમ બતાવી અંતે બે ટકાની નબળાઈમાં ૯૧ રૂપિયા બંધ હતો. શૅરદીઠ મહત્તમ ૩૫૦ રૂપિયા સુધીના ભાવે ૧૨૧ લાખ શૅર બાયબૅક કરવા પાછળ PC જ્વેલર્સ ૧૫૨ રૂપિયાનું લેવલ વટાવી અંતે ૬.૫ ટકાની મજબૂતીમાં ૧૪૬ રૂપિયા બંધ આવ્યો છે. બાયબૅક અને/અથવા બોનસ માટે ૨૦મી બોર્ડ-મીટિંગ નજીક આવી રહી હોવા છતાં ક્વૉલિટી લિમિટેડ નીચલી સર્કિટના સિલસિલામાં પાંચ ટકા તૂટી ૨૧ રૂપિયાની નીચે નવા નીચા તળિયે જોવાયો છે. મનપસંદ ઉપરમાં ૧૭૬ રૂપિયા થઈ અંતે પોણાચાર ટકાની નરમાઈમાં ૧૬૩ રૂપિયા હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK