સાવચેતી વચ્ચે સળંગ પાંચમા દિવસના સુધારામાં બજાર મહિનાની ટોચે બંધ

શુગર-શૅરમાં સરકારી રાહતનો ઊભરો ઝડપથી શમી ગયો : PSU બૅન્ક-શૅરમાં પ્રૉફિટ-બુકિંગ, મેટલ-શૅરની આગેકૂચ : IRB ઇન્ફ્રા તગડા કામકાજ સાથે નવા શિખરે

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

રિલાયન્સ, TCS તેમ જ ઇન્ફોસિસનો ટેકો મળી જતાં શૅરબજાર સળંગ પાંચમા દિવસે વધીને બંધ આવ્યું છે. સેન્સેક્સ ૩૩,૯૮૧ થઈ છેલ્લે ૬૦ પૉઇન્ટની આગેકૂચમાં ૩૩,૯૪૦ તો નિફ્ટી ૧૫ પૉઇન્ટ વધીને ૧૦,૪૧૭ બંધ રહ્યો છે. સેન્સેક્સ ખાતે ૩૧માંથી ૧૯ અને નિફ્ટીમાં ૫૦માંથી ૨૬ શૅર પ્લસ હતા. હિન્દુસ્તાન યુનિલીવર ત્રણ ગણા કામકાજમાં ૧૪૨૦ રૂપિયાની વિક્રમી સપાટી બતાવી અંતે પોણાબે ટકાની મજબૂતીમાં ૧૪૧૫ રૂપિયા બંધ આવતાં એનું માર્કેટકૅપ ૩ લાખ કરોડ રૂપિયાના નવા સીમાચિહ્નને સર કરી ૩.૦૬ લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. લગભગ વર્ષ પૂર્વે ભાવ ૮૯૯ રૂપિયા હતો. TCS પોણાત્રણ ટકા, સનફાર્મા અઢી ટકા, રિલાયન્સ ૧.૪ ટકા અને ઇન્ફોસિસ પોણા ટકાથી વધુના સુધારામાં બંધ રહેતાં આ ચાર શૅર થકી બજારને ૧૧૭ પૉઇન્ટનો ફાયદો થયો હતો. સરકાર તરફથી ક્રૂડ મોંઘું થતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં એક રૂપિયાનો બોજ રિફાઇનરી કંપનીઓ પર નાખવાની ક્વાયત પાછળ ગઈ કાલે ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ સવાબે ટકા લપસ્યો હતો. IT ઇન્ડેક્સમાં ૫૯માંથી ૩૫ શૅર નરમ હતા, પરંતુ ફ્રન્ટલાઇન જાતો વધવાને લીધે બેન્ચમાર્ક ૧.૪ ટકા વધીને બંધ આવ્યો છે. શેરડી ઉત્પાદક ખેડૂતોને ખાંડ મિલોને કરવામાં આવતા શેરડીના વેચાણ પર ટન દીઠ ૪૦-૫૦ રૂપિયાનો નાણાકીય લાભ આપવાની વિચારણા પાછળ મંગળવારે શુગર શૅર જબરા મીઠા થયા હતા. જોકે આ ઊભરો ટકી શક્યો નથી. ગઈ કાલે ઉદ્યોગના ૩૩ શૅરમાંથી માત્ર પાંચ કાઉન્ટર જ વધી શક્યાં હતાં. રાવલગાંવ શુગરમાં સળંગ બીજી પાંચ ટકાની નીચલી સર્કિટ લાગી છે. માર્કેટ- બ્રેડ્થમાં નેગેટિવિટી જળવાઈ રહી છે. NSE ખાતે ૬૩૬ શૅર વધ્યા હતા, સામે ૯૩૫ જાતો નરમ હતી. ગોવા કાર્બનનો નેટ પ્રૉફિટ બમણા કરતાં ય વધુ રહેવા છતાં શૅર નોંધપાત્ર ઘટાડામાં બંધ આવ્યો છે. USFDA તરફથી ૧૩ જેટલા વાંધા-વચકા જારી થતાં અલ્કેમમાં ભાવ પોણાત્રણ ટકા ઘટીને બંધ રહ્યો છે. ફીચ તરફથી રેટિંગ ડાઉનગ્રેડ કરવામાં આવતાં પંજાબ નૅશનલ બૅન્ક ત્રણ ટકાથી વધુની નબળાઈમાં બૅન્કિંગ સેક્ટર ખાતે ટૉપ લુઝર બન્યો હતો.

PSU બૅન્કોની આગેવાની હેઠળ બૅન્કિંગ પ્રૉફિટ-બુકિંગ


છેલ્લા કેટલાક દિવસના સુધારા બાદ ગઈ કાલે બૅન્કિંગ સેક્ટરમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળી છે. બૅન્કેક્સ ૧૦માંથી ૭ શૅરની પીછેહઠમાં ગઈ કાલે ૦.૭ ટકા તો બૅન્ક નિફ્ટી બારમાંથી આઠ શૅરના ઘટાડામાં અડધો ટકો ડાઉન હતો. પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી ૦.૩ ટકા જેવો સાધારણ નરમ હતો, પરંતુ PSU બૅન્ક નિફ્ટી બારેબાર શૅરની નરમાઈમાં સાવબે ટકાથી વધુ ડુલ થયો છે. સમગ્ર બૅન્કિંગ ક્ષેત્રના ૪૧માંથી આઠ શૅર પ્લસ હતા. પરિણામ પૂર્વે DCB બૅન્ક સાડાત્રણ ટકા વધી ૧૭૭ રૂપિયા પ્લસના બંધ સાથે એમાં મોખરે હતો. બંધન બૅન્ક, ફેડરલ બૅન્ક, કરૂર વૈશ્ય બૅન્ક એકથી પોણાત્રણ ટકા અપ હતા. ઍક્સિસ બૅન્કની જેની સાથે મર્જર થવાની શક્યતાની ચર્ચા શરૂ થઈ છે એ કોટક મહિન્દ્ર બૅન્ક અડધા ટકાના સુધારામાં હતો સામે પક્ષે લગભગ બે ડઝન બૅન્ક-શૅર એક ટકાથી લઈને ત્રણેક ટકા સુધી ગઈ કાલે ઢીલા હતા. ICICI બૅન્ક દોઢ ટકાથી વધુ, યસ બૅન્ક બે ટકાથી વધુ, સ્ટેટ બૅન્ક બે ટકા, ઍક્સિસ બૅન્ક સવા ટકાની નજીક તથા HDFC બૅન્ક નામ કે વાસ્તે ઘટાડામાં બંધ રહેતાં ગઈ કાલે સેન્સેક્સને ૭૭ પૉઇન્ટની હાનિ થઈ હતી. વિડિયોકૉન લોન પ્રકરણના કુંડાળામાં ભેરવાઈ ગયેલા ICICI બૅન્કનાં વડાં ચંદા કોચરની વિદાય નક્કી કહેવાય છે. સવાલ માત્ર સમયનો છે.

TVS ઇલેક્ટ્રૉનિક્સમાં ૨૦ ટકાની તેજી થઈ


TVS ઇલેક્ટ્રૉનિક્સ સળંગ હળવા ઘટાડાની હૅટ-ટ્રિક બાદ ગઈ કાલે આઠ ગણા કામકાજ વચ્ચે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૪૮૭ રૂપિયા નજીક બંધ રહ્યો છે. છેલ્લે BSE ખાતે અઢી લાખ શૅરના બાયર લાઇનમાં હતા. સન ફાર્મા ગ્રુપની સ્પાર્ક સાડાછ ગણા કામકાજમાં ૪૩૪ રૂપિયા નજીક જઈ અંતે ૭.૪ ટકાના ઉછાળામાં ૪૨૪ રૂપિયા, શક્તિ પમ્પ્સ સાડાપાંચ ગણા કામકાજમાં ૭૫૩ રૂપિયાની ઑલ ટાઇમ હાઈ બનાવી ૧૪ ટકાની તેજીમાં ૭૪૨ રૂપિયા તો IRB ઇન્ફ્રા બાર ગણા કામકાજમાં સળંગ ચોથા દિવસની આગેકૂચમાં ૨૮૩ રૂપિયાની નવી મલ્ટિયર ટૉપ બતાવી અંતે ૯.૬ ટકાના જમ્પમાં ૨૭૯ રૂપિયા બંધ રહ્યા છે. ગોવા કાર્બન દ્વારા માર્ચ ક્વૉર્ટરમાં અગાઉના ૮૭ કરોડ રૂપિયા સામે ૧૬૦ કરોડ રૂપિયાથી વધુની આવક પર ૪૮૭ લાખ રૂપિયાની સામે ૧૧૮૩ કરોડ રૂપિયાના ચોખ્ખા નફા સાથે ઊજળાં પરિણામ જાહેર થયાં છે. ભાવ ત્રણ ગણા કામકાજમાં ૧૦૨૪ રૂપિયા થયા બાદ પ્રૉફિટ-બુકિંગમાં ૯૪૦ રૂપિયા બતાવી છેલ્લે ૩.૫ ટકા ઘટીને ૯૫૦ રૂપિયા બંધ રહ્યો છે. મનીપાલ હૉસ્પિટલ્સ તરફથી ફોર્ટિસ હૉસ્પિટલ્સના હેલ્થકૅર બિઝનેસને હસ્તગત કરવાની યોજનામાં માઇનૉરિટી શૅરધારકોના વિરોધના પગલે વૅલ્યુએશન ૨૧ ટકા વધારવાની તેમ જ ૪૦૦૦ કરોડ રૂપિયાના રાઇટ ઇશ્યુની ફરજ પાડી છે. ફોર્ટિસ હેલ્થકૅરનો શૅર ઉપરમાં ૧૫૨ રૂપિયા થઈ છેલ્લે સાધારણ વધીને બંધ હતો.

મેટલ-શૅરમાં આગળ વધતી મજબૂતાઈ

આગલા દિવસના બે ટકાના મજબૂત સુધારાને આગળ ધપાવતાં ગઈ કાલે પણ મેટલ ઇન્ડેક્સ ૧.૬ ટકા વધીને બંધ રહ્યો છે. અત્રે ૧૦માંથી ૯ શૅર પ્લસ હતા. NMDC દોઢ ટકા નરમ હતો. આગામી સમયમાં ઍલ્યુમિનિયમના ભાવ ૪૦ ટકા જેવા ઊંચા રહેવાની અનિલ અગરવાલની ધારણા પાછળ વેદાન્ત સળંગ બીજા દિવસના સુધારામાં ઉપરમાં ૨૯૬ રૂપિયા વટાવી છેલ્લે ૪ ટકા વધીને ૨૯૬ રૂપિયા હતો. હિન્દાલ્કો, નાલ્કો, જિન્દલ સ્ટીલ, તાતા સ્ટીલ એકથી સાડાત્રણ ટકા અપ હતા. જોકે માઇનિંગ સેગમેન્ટ ગઈ કાલે સાર્વત્રિક નબળાઈમાં હતું. ઉદ્યોગના સાતેસાત શૅર ડાઉન હતા. સાંડૂર મૅન્ગેનીઝ, આશાપુરા માઇન, MOIL જેવી જાતો દોઢ-બે ટકા કટ થઈ હતી. બાય ધ વે, છેલ્લા એક સપ્તાહમાં હિન્દાલ્કો સાડાબાર ટકા, નાલ્કો સવાઆઠ ટકા, હિન્દુસ્તાન કૉપર સવાનવ ટકા, ટીન પ્લેટ ૧૧ ટકા, તાતા સ્ટીલ પાંચ ટકા, જિન્દલ સ્ટીલ સવાઆઠ ટકા, તાતા સ્પોન્જ પોણાનવ ટકા, મનકસિયા ૧૫ ટકા, સન ફ્લેગ આર્યન સવાઅગિયાર ટકા, પંચમહાલ સ્ટીલ બાર ટકા, માન ઇન્ડસ્ટ્રીઝ ૧૨ ટકા, વેલસ્પન કૉર્પ છ ટકા જેવા વધી ગયા છે. વેદાન્ત ચારેક ટકાની નજીક વધ્યો છે. મનકસિયા ઍલ્યુમિનિયમ બત્રીસ ટકા ઊંચકાયો છે. હિન્દુસ્તાન ઍલ્યુમિનિયમનો ભાવ સપ્તાહમાં દસેક ટકા વધ્યો છે.

ઑઇલ ઉત્પાદક અને રિફાઇનરી-શૅરમાં સામસામા રાહ

વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડ બેરલદીઠ ૭૧ ડૉલર પ્લસની ચાર વર્ષની ઊંચી સપાટીએ પહોંચી જતાં ઘરઆંગણે પેટ્રોલ અને ડીઝલના ભાવ નવી વિક્રમી સપાટીએ જવાની દહેશત છે. એને કારણે ચૂંટણીના વર્ષે લોકોનો આક્રોશ વધશે. સરકાર આ સ્થિતિ શક્ય હદે ટાળવા માગે છે. એના ભાગરૂપ સરકારી ઑઇલ કંપનીઓ પર ક્રૂડના ભાવવધારાનો બોજ નાખવા વિચારણા શરૂ થઈ છે. ગઈ કાલે PSU રિફાઇનરી-શૅરમાં મોટાં ગાંબડાં જોવાયાં હતાં. હિન્દુસ્તાન પેટ્રોલિયમ નીચામાં ૩૩૪ રૂપિયા થઈ છેલ્લે ૭.૬ ટકા તૂટીને ૩૩૭ રૂપિયા, ભારત પેટ્રોલિયમ ૪૧૫ રૂપિયા થયા બાદ ૭.૪ ટકાની ખરાબીમાં ૪૧૭ રૂપિયા, ઇન્ડિયન ઑઇલ ૧૧૬૬ રૂપિયાની નીચે જઈ ૬.૪ ટકાની ખુવારીમાં ૧૧૬૮ રૂપિયા, ચેન્નઈ પેટ્રોલિયમ ૪.૭ ટકા ગગડી ૩૩૪ રૂપિયા તથા MRPL દોઢ ટકાના ઘટાડે ૧૧૧ રૂપિયા બંધ હતા. મહાનગર ગૅસ નીચામાં ૯૦૯ રૂપિયાની અંદર જઈ ૩ ટકાની નરમાઈમાં ૯૧૭ રૂપિયા હતો. ક્રૂડની મજબૂતી ઑઈલ-ગૅસ ઉત્પાદક તેમ જ એકસ્પ્લોરેશન કંપનીઓ માટે સારા સમાચાર હોવાથી આ સેક્ટરના શૅર ગઈ કાલે સ્ટ્રૉન્ગ રહ્યા છે. ONGC, ઑઇલ ઇન્ડિયા, પેટ્રોનેટ LNG, હિન્દુસ્તાન ઑઇલ એકસ્પ્લોરેશન, અબાન ઑફશૉર, અલ્ફાજીઓ, દીપ ઇન્ડસ્ટ્રીઝ, ડોલ્ફિન ઑફશૉર, ડ્યુક ઑફશૉર, જિન્દલ ડ્રીલિંગ ઇત્યાદિ સવા ટકાથી લઈને સાડાચાર ટકા સુધી વધીને બંધ આવ્યા છે. ગુજરાત ગૅસ તથા ઇન્દ્રપ્રસ્થ ગૅસ સાધારણ વધ-ઘટે ફ્લૅટ હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK