બજારની વધવાની શક્યતા ઓછી, ઘટવાની વધુ

બૅન્કોનાં કૌભાંડ અને બૅન્કોની MPA તેમ જ ડિફૉલ્ટર્સ મારફત સર્જાયેલા કૉન્ફિડન્સની ક્રાઇસિસ જ્યાં સુધી શાંત નહીં પડે, એમાં કોઈ નક્કર ઉકેલ દેખાશે નહીં કે પછી બજારને કોઈ મજબૂત પૉઝિટિવ ટ્રિગર મળશે નહીં ત્યાં સુધી બજાર પાસે કોઈ આશા રાખવામાં સાર નથી. હા, આ સાથે ગ્લોબલ સ્તરે પણ સારાં કારણો ઊભાં થવાં જરૂરી છે

BSE

શૅરબજારની સાદીવાત - જયેશ ચિતલિયા

ગયા સોમવારે બજારે શરૂઆત જ નબળી કરી હતી. એના આગલા સપ્તાહમાં શુક્રવારે ધુળેટી નિમિત્તે બજાર બંધ હતું, જ્યારે અમેરિકા સહિત ગ્લોબલ માર્કેટ્સ મંદ રહ્યાં હોવાથી અહીં કોઈ સુધારાની આશા તો આમ પણ નહોતી, જ્યારે સોમવારે અહીં બજારે ૩૦૦ પૉઇન્ટનો વધુ ઘટાડો નોંધાવી સેન્સેક્સને ૩૪,૦૦૦ની નીચે અને નિફ્ટીને ૧૦૦ પૉઇન્ટ જેટલો ઘટાડીને ૧૦,૪૦૦ની નીચે ઉતારી દીધો હતો. અમેરિકા તરફથી શરૂ થયેલી ટ્રેડ-વૉર (વેપારયુદ્ધ)ની અસરરૂપે આ ઘટાડો હતો. જોકે મંગળવારે તો સાવ વિચિત્ર બન્યું. માર્કેટ પૉઝિટિવ ખૂલી, સારુંએવું ઊંચે જઈ પછીથી ઝડપી નેગેટિવ ટર્ન લઈ આખરમાં સેન્સેક્સ ૪૩૦ પૉઇન્ટ અને નિફ્ટી ૧૦૯ પૉઇન્ટ સડસડાટ નીચે ઊતરી ગયા હતા. બજારમાં વૉલેટિલિટી આમ જ ચાલશે એ વાતને આ ઘટના સમર્થન આપતી હતી. બજાર પર ઇટલીના રાજકીય વાતાવરણની પણ અસર હતી. આમ અત્યારે ભારતીય માર્કેટ ગ્લોબલ સંજોગોને વધુ અનુસરી રહ્યું હોવાનું જોવા મળ્યું હતું. બુધવારે પણ બજારે વૉલેટિલિટી ચાલુ રાખી હતી અને સેન્સેક્સ ૨૮૪ પૉઇન્ટના ઘટાડા સાથે ૩૩,૦૦૦ની નજીક પહોંચી ગયો હતો, જ્યારે નિફ્ટી ૯૫ પૉઇન્ટના વધુ ઘટાડા સાથે ૧૦,૧૫૦ નજીક આવી ગયો હતો. જોકે ગુરુવારે બજારે ચાલ બદલીને ઘટાડાને બ્રેક મારી હતી. સેન્સેક્સ ૩૦૦ પૉઇન્ટ અને નિફ્ટી ૮૮ પૉઇન્ટના ઉછાળા સાથે રિકવર થયા હતા. શુક્રવારે પણ બજારે પૉઝિટિવ શરૂઆત કરીને ૨૦૦ પૉઇન્ટ સુધી વધારો દર્શાવ્યો ખરો, પરંતુ આખરમાં એ ૪૪ પૉઇન્ટ માઇનસમાં બંધ રહ્યું હતું. આમ બજાર વધે છે તો ઘટાડો તરત આવી જાય છે અને ઘટે છે તો વધારો ઝડપથી આવતો નથી. અર્થાત્ માર્કેટ સેન્ટિમેન્ટ નેગેટિવ છે, કારણ કે દેશમાં આર્થિક ઘટનાઓ મહદંશે નકારાત્મક જ બની રહી છે જેમાં બૅન્કોનો સિંહફાળો રહ્યો છે. એક પછી એક ડિફૉલ્ટના અહેવાલ વિશ્વાસને તોડતા રહી શંકાને વધારતા જાય છે.

અમેરિકાના વેપારયુદ્ધની અસર

અમેરિકાએ ચોક્કસ આઇટમ્સ પર આયાતજકાત લાદીને વિશ્વમાં વેપારયુદ્ધ શરૂ કરતાં એની ભારતીય બજાર પર પણ ગંભીર અસર થઈ છે. અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના આર્થિક સલાહકારે રાજીનામું આપતાં ટ્રેડ-વૉરની ચિંતા વધી છે. આ સલાહકાર મુક્ત વેપારના હિમાયતી હતા. આ ચિંતા જગતભરમાં વધી રહી છે. એને પરિણામે એશિયન માર્કેટ્સ પણ મંદ રહ્યાં હતાં. નિફ્ટી અને સેન્સેક્સ લગભગ આ દિવસોમાં ૯થી ૧૦ ટકા જેટલા ડાઉન ગયા છે જેમાં સૌથી વધુ માર જાહેર ક્ષેત્રની બૅન્કોના શૅરોને પડ્યો છે.  

ઘટતા બજારનો ગભરાટ

બજાર જેમ ઘટતું જાય છે એમ ગભરાટ વધતો જાય છે. બૅન્કોનાં કૌભાંડો, બૅડ લોન્સ-MPAની સમસ્યા અત્યારે બજારની મુખ્ય સમસ્યા બની હોવાથી બજારમાં અનિશ્ચિતતા વધતી ગઈ છે અને વિશ્વાસના ઘટાડા સાથે સેન્ટિમેન્ટ બગડતું જાય છે. બૅન્કોની ગરબડ  એક પછી એક બહાર આવ્યા જ કરે છે. બૅન્કોને કારણે ધિરાણ પર અને બિઝનેસ પર અસર થઈ રહી છે. સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ મારફત અને કંપનીઓ IPO, ઑફર ફૉર સેલ કે રાઇટ ઑફર મારફત આ વર્ષે બે લાખ કરોડ જેવું જંગી ભંડોળ ઊભું કરવા માગે છે. બૅન્કોને મૂડીની સખત જરૂર છે, જ્યારે કે શૅરબજારના મંદ અને અનિશ્ચિત સંજોગોમાં IPO લાવવામાં પણ શંકા અને ભય વધ્યાં છે. સરકાર માત્ર કાયદો લાવીને ઉકેલની વાત કરે એ હવે ગળે ઊતરતી નથી. સરકાર ભાગેડુ આર્થિક અપરાધી-સ્કૅમસ્ટર માટે નવો કાનૂન લાવી રહી છે ખરી, પરંતુ આમ કરવાથી નાણાંની રિકવરી થઈ જશે યા MPAની સમસ્યા ઉકેલાઈ જશે એવું માની લેવામાં દમ નથી. સરકારે ખરેખર કંઈક જબરદસ્ત દાખલો બેસે એવાં નક્કર પગલાં  લેવાં જોઈશે.

બૉટમ ફિશિંગ કરાય?


બજાર બૉટમ શોધી રહ્યું છે છતાં હજી બૉટમ ફિશિંગનો સમય આવ્યો હોવાનું માનવું જોઈએ નહીં. બૉટમ ફિશિંગ એટલે બજારનું એવું લેવલ જ્યાંથી ભાવો વધુ નીચે જવાની શક્યતા ન હોય અથવા નહીંવત્ હોય જેથી રોકાણકારો એ ભાવે ખરીદવાનું વિચારી શકે. મોટા રોકાણકારો આ સ્તરે શૅરો જમા કરવા લાગે, પરંતુ ઓવરઑલ સ્થાનિક અને ગ્લોબલ સંજોગો જોતાં ભારતીય માર્કેટ માટે હજી વધવાનું કે ઘટવાનું બંધ થઈ જવાનાં ટ્રિગર દેખાતાં નથી. એક અંદાજ મુજબ નિફ્ટી ૧૦,૦૦૦ આસપાસ અને સેન્સેક્સ ૩૧,૦૦૦ આસપાસ બૉટમ બનાવે એમ બની શકે. અલબત્ત, આ બૉટમની ખાતરી કોઈ આપી શકે નહીં, જેથી ‘વર્સ્ટ કમ ટુ વર્સ્ટ’ અહીં સુધી બજાર નીચે જઈ શકે એવું માનીને ખરીદવાનું જોખમ લઈ શકતા હોય તેઓ લાંબા ગાળાના અભિગમ સાથે થોડા-થોડા શૅરો જમા કરી શકે. આપણે ગયા વખતે પણ સ્ટૉક સ્પેસિફિકની વાત કરી હતી, એ જ અભિગમ બહેતર છે.

ગોલ્ડ અને રિયલ એસ્ટેટ

વર્તમાન ગ્લોબલ માર્કેટ અને ખાસ કરીને ઇક્વિટી માર્કેટની અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખતાં લોકો ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ તરફ ખેંચાય એવું બની શકે છે.

કંઈક અંશે રિયલ એસ્ટેટ પર પણ એની અસર થઈ શકે. જેમની પાસે રોકાણપાત્ર ભંડોળ છે તેઓ હાલના દિવસોમાં સોનું અને રિયલ એસ્ટેટ વધુ પસંદ કરે તો નવાઈ નહીં.

વૉરન બફેટ શું કહે છે?


ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ-ગુરુ વૉરન બફેટે તાજેતરમાં તેમના કર્મચારીઓને લખેલા પત્રમાં એવું નિવેદન કર્યું છે જે માત્ર ભારતીય જ નહીં, સમગ્ર રોકાણકાર વર્ગને લાગુ પડે છે. અત્યારે સ્ટૉક માર્કેટમાં સતત ઘટાડો કે ધોવાણ થઈ રહ્યું હોવાથી લોકો ડેટ યા બૉન્ડ્સ કે પછી ફિક્સ્ડ ઇન્કમ સાધનો પાછળ જવાનું વિચારે છે યા જવા લાગે છે. અલબત્ત, સલામતી  ખાતર પણ આમ કરાય છે. જોકે લાંબા ગાળાનો રોકાણ-પ્લાન કરતા અથવા હોલ્ડ કરવા માગતા રોકાણકારો માટે આમ કરવું જોખમી બની શકે છે. લાંબે ગાળે આ સાધનો તેમને સારું વળતર આપી શકશે કે નહીં એ સવાલ બનશે. જ્યારે લાંબા ગાળે ઇક્વિટી સારું વળતર આપશે એવી આશા ચોક્કસ રાખી શકાય.

રાકેશ ઝુનઝુનવાલા શું કહે છે?

ભારતીય માર્કેટના બિગબુલ રાકેશ ઝુનઝુનવાલાના મતે વર્તમાન સંજોગોમાં ટૂંક સમયમાં બજાર ફરી ઊંચી સપાટી હાંસલ કરે એવું જણાતું નથી. જોકે રોકાણકારોએ કરેક્શનથી દુખી થવાની જરૂર નથી, ઓવર-વૅલ્યુએશન પણ કરેક્શનનું એક કારણ છે છતાં હવે પછી બહુ વધુ પડતા ભાવ વધી ગયા હોવાના કિસ્સામાં મોટું ગાબડું પડી શકે, બાકી નહીં.

મિડ-કૅપના વૅલ્યુએશન સામે ચેતવણી આપતાં તેમણે કહ્યું છે કે આ શૅરોમાં સાવચેત રહેવાની જરૂર ખરી. ભવિષ્યમાં ઊંચે જવા માટે માર્કેટે અત્યારે કન્સોલિડેશનની પ્રોસેસમાંથી પસાર થવું આવશ્યક છે. એ પછી બજાર તંદુરસ્ત સ્થિતિમાં આવશે. અત્યારે ભારતીય શૅરબજાર બજેટમાં આવેલા કૅપિટલ ગેઇન ટૅક્સ અને એ પછી બૅન્કો સંબંધિત કૌભાંડોનું ભોગ બન્યું છે, પરંતુ પાંચથી દસ વર્ષમાં માર્કેટ સારી કામગીરી બજાવશે એવી આશા ચોક્કસ રાખી શકાય, જેથી લાંબા ગાળાના રોકાણકારો આ વાતને ધ્યાનમાં રાખે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK