ક્યા સે ક્યા હો ગયા : નફો બુક કરવામાં પાછળ રહી ગયા

બીજી તરફ બજેટની અસરને કારણે પણ આપણું બજાર તૂટ્યું હોવાની વાત સાવ ખોટી નથી, પરંતુ વધુ અસર ગ્લોબલ સંજોગોની છે એ વાત પણ યાદ રાખવી જોઈએ, બાકી કરેક્શન તો પાકી જ ગયું હતું એને કારણો મળી ગયાં. હવે રોકાણકારોએ કારણો સમજીને બજારને વધુ સમય આપવો જોઈશે


શૅરબજારની સાદીવાત - જયેશ ચિતલિયા

આખો ને આખો મૂડ બદલાઈ ગયો

બજેટે ગયા સપ્તાહમાં માર્કેટનો મૂડ ખરાબ કર્યો જ હતો ત્યાં વળી ગ્લોબલ કડાકાએ પણ બળતામાં ઘી હોમ્યું. ગયા સોમવારે માર્કેટે ઘટાડાથી શરૂઆત કરી હતી. બજેટના બીજા દિવસે ૮૦૦ પૉઇન્ટના કરેક્શન બાદ સોમવારે પણ આ દોર ચાલુ રહ્યો હતો અને સેન્સેક્સ વધુ ૩૧૦ પૉઇન્ટ, જ્યારે નિફ્ટી વધુ ૯૪ પૉઇન્ટ નીચે ઊતરી ગયો હતો.  મંગળવાર તો બજાર માટે સાવ અમંગળ પુરવાર થયો હતો, જ્યારે અમેરિકન માર્કેટ સહિતના ગ્લોબલ માર્કેટના કડાકાની આગનું ઘી આપણી બજારના કડાકામાં પણ ઉમેરાયું હતું. સેન્સેક્સ ૧૨૦૦ પૉઇન્ટ જેટલો તૂટીને ધીમે-ધીમે રિકવર થઈ બજાર બંધ થતી વખતે ૫૬૦ પૉઇન્ટ માઇનસ રહ્યો હતો. આમ માત્ર ત્રણ-ચાર દિવસમાં માર્કેટે રોકાણકારોના દસ લાખ કરોડ રૂપિયાથી વધુ મૂડીનું ધોવાણ કરી નાખ્યું હતું. બુધવારે બજારે કંઈક રિકવરી દર્શાવી હતી અને અઢીસો પૉઇન્ટ સુધરી, ફરી પાછું નીચે ઊતરી સવાસો પૉઇન્ટ માઇનસ બંધ રહ્યું હતું. ગુરુવારે બજારે ખરેખર રિકવરીનો મૂડ દર્શાવતાં સેન્સેક્સે ૩૩૦ પૉઇન્ટ અને નિફ્ટીએ ૧૦૦ પૉઇન્ટની રિકવરી કરી હતી. આમ તો દિવસ દરમ્યાન બજાર વધુ ઊંચે ગયું હતું. માર્કેટ-ટ્રેન્ડ હવે સ્ટેબલ થશે એવી આશા જાગી હતી, પરંતુ શુક્રવારે ફરી બજારે સાધારણ સુધારાથી શરૂઆત કરીને આખરમાં ૪૦૦ પૉઇન્ટનો ઘટાડો કરાવી સપ્તાહના અંતે નેગેટિવ ટ્રેન્ડ સાથે વિદાય લીધી હતી. આમ બજારના ઘટાડા માટે લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન (LTCG) ટૅક્સ જ માત્ર કારણ રહ્યું નહોતું, બલકે ગ્લોબલ  માર્કેટ્સનો ઘટાડો પણ એમાં ભાગ ભજવતો હતો.

બજાર માટે ચિંતાના વિષય


બજાર ઘટે એટલે બજેટ ખરાબ છે એવું માની લેવું વાજબી નથી, કેમ કે માર્કેટને ઘણાં અન્ય પરિબળો પણ સ્પર્શતાં અને અસર કરતાં હોય છે. તાજેતરમાં આવાં બે મુખ્ય પરિબળમાં રાજકીય અને આર્થિક મોરચે બદલાઈ રહેલા સંજોગો તો છે અને બીજું બદલાતા વૈશ્વિક સંજોગો પણ છે અને ત્રીજું, રોકાણકારોની માનસિકતા અને માર્કેટ સેન્ટિમેન્ટ પણ છે.  ગ્લોબલ સ્તરે અમેરિકામાં બૉન્ડ માર્કેટ અને વ્યાજદરનું ચિત્ર આપણી માર્કેટ માટે ચિંતાનો વિષય છે, જ્યારે ક્રૂડના ભાવની ચિંતા પણ ઊભી જ છે. આ વર્ષે આઠ રાજ્યોની ચૂંટણી મોદી સરકાર માટે પડકાર બની છે. રાજસ્થાનની હાર તાજી છે. આ ઓવરઑલ સિનïારિયો જોઈ લોકો ૨૦૧૯ માટે પણ અત્યારથી ચિંતા કરવા લાગ્યા છે. 

ટોચ બાદ બૉટમ

સેન્સેક્સ અને નિફ્ટી એની ટોચ પરથી નીચે ઊતરી ગયા છે અને આ ઊતરવાનો દોર ક્યાં સુધી ચાલશે એ હાલમાં કળવું કઠિન છે. હજી બજેટ પહેલાંના દિવસોમાં બજાર એવી ગતિએ ચાલતું હતું કે રોજ એની નવી ટૉપ બનતી હતી, જ્યારે હવે રોજ એની નવી નીચી સપાટી બનતી જાય છે. જોકે બૉટમ ક્યાં હશે એ કોઈ કહી શકે એમ નથી. રોકાણકારોને બેતરફી માર પડી રહ્યો છે એક, શૅરોમાં અને બીજો મ્યુચ્યુઅલ ફન્ડ્સની યોજનાઓમાં.

રોકાણકારોનો ગંભીર રંજ

અગાઉ બજેટ માટે ઊંચો આશાવાદ હોવાથી બજેટ બાદ મોટા ભાગનો વર્ગ માર્કેટ વધશે એવી દઢ આશા રાખીને બેઠો હતો જેથી બજેટ પહેલાં ઊંચા બજારમાં પણ લોકોએ નફો બુક કરવાનું ટાળ્યું હતું. ઉપરથી રોકાણકારો નવી ખરીદી કરતા હતા. LTCGની શક્યતાના નિર્દેશ બહુ છેલ્લે આવવાના શરૂ થયા હતા, પરંતુ સરકાર આમ નહીં કરે એવી ધારણા કે આશા ઠગારી પુરવાર થઈ હતી. આમ લાખો રોકાણકારો મસ્તમજાનો પ્રૉફિટ બુક કરવાનું ચૂકી ગયા એનો રંજ તેમને લાંબો સમય માટે રહી જશે એ નક્કી છે. આ જ દશા મ્યુચ્યુઅલ ફન્ડના રોકાણકારોની પણ થઈ છે જેઓ મ્યુચ્યુઅલ ફન્ડના વળતરને ધ્યાનમાં રાખીને સતત રોકાણ કરતા રહ્યા, પરંતુ રિડમ્પ્શનનો વિચાર સુધ્ધાં ન કર્યો. આ રોકાણકાર વર્ગની મૂડી અથવા વળતરનું પણ કંઈક અંશે ધોવાણ થયું છે. જોકે પુન: આ ભાવો આવશે ખરા, પરંતુ હવે નવા સમયની રાહ જોવી પડશે.

રિઝર્વ બૅન્કની ચિંતા


રિઝર્વ બૅન્કની પૉલિસીમાં ધારણા મુજબ મોંઘવારીના દરની ચિંતામાં કોઈ રેટ-ફેરફાર નહીં આવતાં બજારે નિરાશા અનુભવી હતી. જોકે રિઝર્વ બૅન્કે ભલે પૉલિસીમાં કોઈ રાહત જાહેર ન કરી, પરંતુ માઇક્રો, સ્મૉલ અને મીડિયમ કદના એકમો માટે ધિરાણ બાબત રાહત આપી એ મહત્વની છે. હવે પછી બૅન્કો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે ધિરાણ વધારે એવી વ્યવસ્થા કરવા એને અનુરોધ કરવામાં આવી રહ્યો છે. પ્રોજેક્ટ્સના વિકાસ અને વિસ્તરણ માટે આ ફાઇનૅન્સ જરૂરી છે.

મ્યુચ્યુઅલ ફન્ડ્સને આધાર રાખો


અમેરિકામાં બૉન્ડ્સ પરના યીલ્ડ (વળતર) વધતાં ઇક્વિટી માર્કેટમાં કડાકા આવ્યા હતા એની અસરરૂપે અહીં પણ માર્કેટ ક્રૅશ થયું હતું. ગયા મંગળવારે જે અમંગળ ઘટના બની એમાં માર્કેટે ૧૨૦૦ પૉઇન્ટનો કડાકો બતાવ્યો હતો જેમાં ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરોએ ૨૩ અબજ રૂપિયાથી વધુનું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક સંસ્થાઓએ ૧૭ અબજ ડૉલરની ખરીદી કરી હતી. આમ અત્યારે તો મોટો આધાર આપણી નાણાસંસ્થાઓ અને મ્યુચ્યુઅલ ફન્ડ્સ છે ત્યારે એક વિચાર એ આવે છે કે બજેટે કમસે કમ મ્યુચ્યુઅલ ફન્ડ્સની યોજનાઓને ટૅક્સમાંથી બાકાત રાખી હોત તો એ સારું અને આવકાર્ય બનત. ખાસ કરીને મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં નાના ઇન્વેસ્ટરોની સંખ્યા ખાસ્સી ઊંચી છે અને વધી રહી છે ત્યારે એને સરળતાપૂર્વક આગળ વધવા દેવામાં સાર રહેત. આમ પણ મ્યુચ્યુઅલ ફન્ડ્સ ભારતીય બજાર અને IPO માર્કેટ માટે પણ મોટો આધાર બની ગયાં છે ત્યારે વિદેશી રોકાણકારોની વેચવાલી સામે મ્યુચ્યુઅલ ફન્ડ્સની ખરીદી ભારતીય માર્કેટ માટે મોટો ટેકો બની રહે છે જેને સરકારે નબળો પાડવો જોઈએ નહીં.

મંગળવારના કડાકામાં ભારત ક્યાં?

મંગળવારે બજારમાં જે જંગી કડાકો આવ્યો એ માત્ર ભારતીય બજાર પૂરતો સીમિત નહોતો. એ દિવસે વિશ્વનાં બજારોમાં કડાકા માટે ભારતીય બજાર તો છઠ્ઠા ક્રમે હતું. અમેરિકન માર્કેટ ઉપરાંતની માર્કેટ પણ સડસડાટ ગગડી હતી. સૌથી મોટો કડાકો હૉન્ગકૉન્ગ માર્કેટમાં ૫.૧૨ ટકા, તાઇવાન ૪.૯૫ ટકા, જપાન ૪.૭૩ ટકા, ચીન ૩.૩૫ ટકા, સિંગાપોર ૨.૨૦ ટકા અને ભારત (સેન્સેક્સ) ૧.૬૧ ટકા તથા (નિફ્ટી) ૧.૫૮ ટકા  નીચે ઊતરી ગયા હતા. કોરિયાનું માર્કેટ ૧.૫૪ ટકા ડાઉન થયું હતું. આમ મંગળવારના ઘટાડા માટે LTCGને માત્ર જવાબદાર ગણી શકાય નહીં એટલું ચોક્કસ કહી શકાય. અલબત્ત, LTCGની આપણી બજારના સેન્ટિમેન્ટ પર મોટી અસર થઈ હોવાનું ચોક્કસ કહી શકાય. જોકે આ અસર કામચલાઉ ગણી શકાય. 

વિદેશી રોકાણકારોનો તાલ

વિદેશી ઇન્વેસ્ટરો તો હાલમાં ‘તેલ જુઓ તેલની ધાર જુઓ’ની નીતિ અપનાવશે. તેમનું વધુ ધ્યાન અમેરિકા સહિતની ગ્લોબલ માર્કેટ્સ પર રહેશે. ભારતીય માર્કેટમાં તેઓ અમુક ડાઉન લેવલે ખરીદી માટે સક્રિય બનશે, જ્યાં સુધી કરેક્શનની શક્યતા દેખાશે ત્યાં સુધી  ઝડપી લેવાલીથી દૂર રહેશે. મ્યુચ્યુઅલ ફન્ડ્સ રોકાણકારોના પ્રવાહ અને રિડમ્પ્શનના તાલના આધારે ચાલશે. જોકે અત્યારે સ્માર્ટ ફન્ડ મૅનેજરો ઘડાટાને સિલેક્ટિવલી તક બનાવી શકે છે, પરંતુ સૌથી વધુ ધ્યાન લાર્જ કૅપ શૅરો પર અપાશે એવું માની શકાય. આ વાત રોકાણકારોએ પણ યાદ રાખવી જોઈએ.

રોકાણકારોએ શું કરવું?

રોકાણકારોએ આ ઘટાડાની તકનો લાભ લેવા ખરીદી કરવાનું જોખમ લેવું પડશે, પણ આ જોખમને એકસાથે લેવાને બદલે ધીમે-ધીમે દરેક ઘટાડે ખરીદી કરતા જવું જોઈએ. જેમણે અગાઉ ચા ભાવના ડરથી ખરીદી ટાળી હતી તેઓ હવે આને અવસર બનાવી શકે. વધુ ફોકસ લાર્જ કૅપ શૅરો પર આપવું જોઈએ. બજેટથી લાભ પામી શકે એવા સેક્ટરની સારી કંપનીઓ પર ધ્યાન આપી શકાય. મ્યુચ્યુઅલ ફન્ડ્સની સ્કીમ્સમાં પણ આવો જ અભિગમ રાખી શકાય. સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનધારકોને આ સંજોગોમાં ઘટેલી નેટ ઍસેટ વૅલ્યુનો લાભ મળશે, તેમના ખાતામાં વધુ યુનિટ્સ જમા થશે. આવા સમયમાં થોડું રોકાણ સોનામાં પણ કરવું જોઈએ.

રોકાણકારો યાદ રાખે, બજારમાં હજી કરેક્શન આવી શકે છે. માર્કેટને રિકવર થવા માટે ગ્લોબલ સહિત સ્થાનિક સ્તરે મહત્વના ટ્રિગર જોઈશે. બજેટના મુખ્ય ફોકસ કૃષિ અને ગ્રામ્ય ક્ષેત્રમાં ઝડપથી કામ થઈ રહ્યું છે અને એનો અમલ થઈ રહ્યો છે કે કેમ એ બાબત પણ નજર રાખવી જોઈએ. ટૂંકા ગાળાની ચાલ હજી અનિશ્ચિતતાવાળી રહેશે જેથી બજારની દિશાનું કોઈ જજમેન્ટ લઈ શકાય નહીં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK