સાંકડી રેન્જ છતાં શૅરબજાર નવી વિક્રમી સપાટીએ બંધ

મુકેશ અંબાણીને જયકૉર્પનો નવી મુંબઈ સેઝમાંનો હિસ્સો ખરીદવામાં રસ હોવાના અહેવાલમાં શૅર નવા શિખરે : પરિણામ પૂર્વે TCS નરમ, પરિણામની પૂર્વસંધ્યાએ ઇન્ફી ગરમ : કૅપિટલ ફર્સ્ટ સાથે ચાલી રહેલી મર્જરની હવામાં IDFC બૅન્ક તેજીમાં

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

શૅરબજારમાં એક યા બીજી રીતે ઑલટાઇમ હાઈનો શિરસ્તો જળવાઈ રહ્યો છે. અગાઉના સળંગ ત્રણ દિવસ સેન્સેક્સ અને નિફ્ટી બન્ને ઇન્ટ્રા-ડે તેમ જ ક્લોઝિંગની રીતે નવા સર્વોચ્ચ શિખરે ગયા હતા. બુધવારે સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં ઑલટાઇમ હાઈ થઈ સહેજ પાછો પડ્યો તો ગઈ કાલે નિફ્ટીએ ઇન્ટ્રા-ડેમાં ૧૦૬૬૪ પ્લસની વિક્રમી સપાટી બતાવી છે. મતલબ કે પાંચ દિવસથી માર્કેટમાં નવા વિક્રમ જારી છે. ગઈ કાલે સેન્સેક્સ ઉપરમાં ૩૪૫૫૯ નજીક જઈ છેલ્લે ૭૦ પૉઇન્ટ વધીને ૩૪૫૦૩ તથા નિફ્ટી ૧૯ પૉઇન્ટના સુધારામાં ૧૦૬૫૧ બંધ રહ્યા છે. બન્ને મેઇન બેન્ચમાર્કનું આ બેસ્ટ ક્લોઝિંગ લેવલ છે. ગુરુવારે સેન્સેક્સના ૩૧માંથી ૧૪, તો નિફ્ટીના ૫૦માંથી ૨૬ શૅર નરમ હતા. ઇન્ફી સવાબે ટકાની તેજીમાં દોઢેક વર્ષની નવી ઊચી સપાટી બનાવી બન્ને બેન્ચમાર્ક ખાતે ટૉપ ગેઇનર બન્યો હતો. ઇન્ફીની તેજી સેન્સેક્સને ૪૯ પૉઇન્ટ ફળી હતી. રોકડામાં એકંદર પકડને લઈને માર્કેટ-બ્રેડ્થ હકારાત્મક બની છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટકૅપ ૧૫૫.૧૮ લાખ કરોડ રૂપિયાને વટાવી નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે. ગઈ કાલે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ ખાતે ૩૮૮ શૅર તેજીની સર્કિટમાં તો ૧૬૬ જાતો મંદીની સર્કિટમાં બંધ હતી. ભાવની રીતે ૩૧૨ કાઉન્ટર એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નવા ઊંચા શિખરે ગયા હતા. સામે ૫૭ શૅરમાં નવાં ઐતિહાસિક બૉટમ બન્યાં છે. બજારના ૧૯ સેક્ટોરલ ઇન્ડાઇસિસમાંથી ૧૪ બેન્ચમાર્ક પૉઝિટિવ ઝોનમાં જોવા મળ્યા છે. ક્રિપ્ટો કરન્સી સેગમેન્ટમાં બિટકૉઇનમાં નરમાઈ ચાલુ છે. ૭ જાન્યુઆરીએ ભાવ ઉપરમાં ૧૭૧૭૦ ડૉલર આસપાસ હતો એ ચાર દિવસમાં ઘટતો રહી ગઈ કાલે નીચામાં ૧૨૭૫૧ ડૉલર દેખાયો છે. રનિંગમાં રેટ ૧૩૨૯૯ ડૉલર મુકાતો હતો. સપ્તાહ પૂર્વે રિપ્પલ ૩૩૦ સેન્ટની વિક્રમી સપાટીથી ઘટતો-ઘટતો ગઈ કાલે નીચામાં ૧૫૫ સેન્ટ થઈ રનિંગમાં ૧૬૮ સેન્ટ બોલાતો હતો. ભારતીય કરન્સીમાં ભાવ આ ગાળામાં ૧૭૯થી ગગડીને ૧૦૧ થઈ હાલમાં ૧૦૯ રૂપિયા ચાલે છે. ઇથર બુધવારે ૧૩૮૪ ડૉલરની સર્વોચ્ચ સપાટીએ ગયા બાદ ૨૪ કલાકમાં ૧૧૧૨ ડૉલરના તળિયે જઈ રનિંગમાં ૧૧૬૭ ડૉલર ચાલતો હતો.

TCS પરિણામ પૂર્વે નવા શિખરથી નરમ રહ્યો

IT જાયન્ટ તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) ગઈ કાલે પરિણામ પૂર્વે દોઢા કામકાજમાં ૨૮૨૦ની ત્રણ વર્ષની નવી ઊંચી સપાટી બનાવી હળવા પ્રૉફિટ-બુકિંગમાં નીચામાં ૨૭૮૨ થઈ છેલ્લે અડધો ટકો ઘટીને ૨૭૮૮ નીચામાં ૨૭૮૨ થઈ છેલ્લે અડધો ટકો ઘટીને ૨૭૮૮ રૂપિયા બંધ રહ્યો છે. આ કાઉન્ટર સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૬૫૧ રૂપિયા હતું. સપ્ટેમ્બર ક્વૉર્ટરના ૬૪૪૬ કરોડના ચોખ્ખા નફા સામે આ વખતે ડિસેમ્બર ક્વૉર્ટરમાં કંપનીનો નેટ પ્રૉફિટ લગભગ યથાવત એટલે કે ૬૪૬૦ કરોડ રૂપિયા આસપાસ આવશે એમ બજાર એકંદરે માને છે. દરમ્યાન અન્ય IT હેવીવેઇટ ઇન્ફોસિસનાં પરિણામ શુક્રવારે છે. શૅર ગઈ કાલે સાડાપાંચ ગણા વૉલ્યુમમાં ૧૦૮૩ની ઑગસ્ટ ૨૦૧૬ પછીની ટોચે જઈ અંતે સવાબે ટકા વધીને ૧૦૭૫ રૂપિયા હતો. વિપ્રોના ત્રિમાસિક પરિણામ તેમ જ ઇન્ટરિમની જાહેરાત ૧૯ જાન્યુઆરીએ થવાની છે. શૅર આગલા દિવસે  ૩૨૭ રૂપિયાની માર્ચ ૨૦૧૫ પછીની ઊંચી સપાટી બાદ પ્રત્યાઘાતી ઘટાડામાં ગઈ કાલે ૩૧૯ રૂપિયાની ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી છેલ્લે દોઢ ટકાની નરમાઈમાં ૩૨૧ રૂપિયા બંધ આવ્યો છે. બાય ધ વે IT ઇન્ડેક્સ ગુરુવારે ૧૧૭૫૮ની મલ્ટિયર ટૉપ બનાવી છેલ્લે પોણો ટકો વધીને ૧૧૬૯૬ બંધ હતો. એના ૫૯માંથી ૩૭ શૅર વધ્યા હતા. સુબેક્સ, લાયકોસ, જેનેસિસ, ક્સિકહિલ, થ્રી-આઇ ઇન્ફોટેક, સોનાટા સૉફ્ટવેર જેવા સેકન્ડ લાઇન નાના શૅર ૪થી ૯ ટકા ઊંચકાયા હતા.

સ્મૉલકૅપ ઇન્ડેક્સ ૨૦ હજારી થયો


સ્મૉલકૅપ ઇન્ડેક્સ ગઈ કાલે ૨૦૦૮૮ પ્લસનો નવો માઇલસ્ટોન સર કરીને છેલ્લે ૦.૪ ટકા વધીને ૧૯૯૮૪ બંધ રહ્યો છે જે એની સર્વોચ્ચ સપાટી છે. અહીં કુલ ૮૪૮ જાતોમાંથી ૪૨૯ શૅર અપ હતા. આ ઇન્ડેક્સ વર્ષ પૂર્વે ૧૨૬૩૨ના તળિયે હતો. મિડકૅપ બેન્ચમાર્ક ગુરુવારે ૯૪માંથી ૪૯ શૅરના સુધારામાં નહીંવત વધેલો હતો. IDFC બૅન્ક, JSW એનર્જી, ઑબેરૉય રિયલ્ટી, યુનાઇટેડ બ્રુઅરીઝ, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ, નાટકો ફાર્મા, વકરાંગી, બ્લુડાર્ટ, અબાન ઑફશૉર, યુકાલ ફ્યુઅલ, સિમ્ફની, પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ, JMC પ્રોજેક્ટ્સ, ઇન્ડિયન નિપ્પોન, મોરપેન લૅબ, ઇન્ડોરામા, નાગાર્જુન ફર્ટિલાઇઝર્સ, વેન્ડીઝ, રોપ્સ, સેટકો, ગુજરાત અંબુજા એક્સપોટ્ર્સ જેવી સ્મૉલ-મિડકૅપ જાતો ૩થી ૧૫ ટકા ઊંચકાઈ હતી. અહીં સંખ્યાબંધ કાઉન્ટર્સ ભાવની રીતે નવા ઐતિહાસિક શિખરે ગયાં હતાં. બ્રૉડર માર્કેટનો માપદંડ ગણાતો BSE-૫૦૦ ઇન્ડેક્સ ૧૫૨૯૭નું બેસ્ટ લેવલ હાંસલ કરી અંતે સાધારણ વધીને ૧૫૨૬૭ બંધ હતો. એની ૫૦૧ સ્ક્રિપ્સમાંથી ૨૩૨ આઇટમ ડાઉન હતી. ફોર્ટિસ હેલ્થકૅર આઠ ટકાથી વધુની ખરાબીમાં અહીં મોખરે હતો. વેન્કીઝ ઇન્ડિયા ૧૧ ગણા વૉલ્યુમમાં ૨૫૧ કે દસ ટકાના ઉછાળે ૨૭૨૩ રૂપિયા હતો.

IDFC બૅન્ક નવા મર્જરના પંથે?

શ્રી રામ ગ્રુપ સાથે મર્જરની યોજના પડી ભાંગ્યા પછી IDFC બૅન્ક નવા મુરતિયાની શોધમાં લાગે છે. બજારની વાયકા પ્રમાણે એનબીએફસી NBFC કંપની કૅપિટલ ફર્સ્ટ સાથે મર્જર માટે ઉત્સુક બની છે. કૅપિટલ ફર્સ્ટમાં પ્રાઇવેટ ઇક્વિટી ફન્ડ વૉરબર્ગ પિનકુસનું હોલ્ડિંગ ૩૬ ટકા જેવું છે. જ્યારે IDFC બૅન્કમાં પ્રમોટર IDFC ૫૨.૮ ટકાનો હિસ્સો ધરાવે છે. ગળ કાલે IDFC બૅન્ક સાડાચાર ગણા કામકાજમાં ૬૯ રૂપિયાના વર્ષના શિખરે જઈ છેલ્લે સવાઆઠ ટકાની તેજીમાં ૬૮ રૂપિયા પ્લસ બંધ હતો. સપ્તાહ પૂર્વે ભાવ ૫૫ રૂપિયાની અંદર બંધ હતો. કૅપિટલ ફર્સ્ટ લિમિટેડ સાડાચાર ગણા કામકાજમાં ૮૩૯ રૂપિયાની નવી ઊંચી સપાટી સર કરીને છેલ્લે સવાપાંચ ટકાના જમ્પમાં ૮૩૫ રૂપિયા બંધ આવ્યો છે. IDFC લિમિટેડનો ભાવ સવાબે ગણા વૉલ્યુમમાં ૬૬ રૂપિયા વટાવી છેલ્લે પોણાત્રણ ટકા વધીને ૬૬ રૂપિયાની નજીક બંધ હતો. કૅપિટલ ફર્સ્ટ મુખ્યત્વે નાના વેપાર-ધંધાને ધિરાણ આપવાના બિઝનેસમાં પ્રવૃત્ત છે. એ ૧૫૦૦૦થી લઈને બે કરોડ રૂપિયા સુધીની લોન આપે છે. એના ગ્રાહકોની સંખ્યા આશરે ૪૦ લાખ છે. ગ્રોસ NPA ૧.૬ ટકા અને નેટ NPA માત્ર એક ટકો છે. શૅરદીઠ બુકવૅલ્યુ ૨૪૭ રૂપિયા છે.

ઇન્ડિયા નિપ્પોનમાં શૅરવિભાજન થશે

ઇન્ડિયા નિપ્પોન ઇલેક્ટ્રિક્સની બોર્ડ-મીટિંગ ૨૯ જાન્યુઆરીએ ત્રિમાસિક પરિણામ તથા ઇન્ટરિમ ડિવિડન્ડ ઉપરાંત શૅરવિભાજન વિશે પણ વિચારણા કરશે એવા સમાચારના પગલે  રોજના સરેરાશ ૩૦૭૮ શૅર સામે ગઈ કાલે ૨૯૦૦૦ શૅરના કામકાજમાં ઉપરમાં ૧૨૦૦ થઈ અંતે સાડાઆઠ ટકાની તેજીમાં ૧૧૮૬ રૂપિયા બંધ રહ્યો છે. પ્રમોટર્સ હોલ્ડિંગ ૬૬.૪ ટકા છે જેમાં જૅપનીઝ કોકુસન ડેન્કી ૨૦.૫ ટકા હિસ્સો ધરાવે છે. ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૨૪૩ રૂપિયા છે. છેલ્લે બોનસ ઑગસ્ટ ૨૦૧૧માં પાંચ શૅરદીઠ એકના પ્રમાણમાં આવ્યું હતું. સિમ્ફનીમાં વૉલ્યુમ સાથે નવી ઑલટાઇમ હાઈનો સિલસિલો જારી રહેતાં  ભાવ ગઈ કાલે આઠ ગણા કામકાજમાં ૨૨૧૩ રૂપિયા નજીક સર્વોચ્ચ સપાટીએ જઈ છેલ્લે સવાસાત ટકાની મજબૂતીમાં ૨૧૪૪ રૂપિયા બંધ હતો. બે રૂપિયાની ફેસવૅલ્યુવાળો આ શૅર મહિના પૂર્વે ૧૫૫૦ રૂપિયા આસપાસ હતો. મુકેશ અંબાણી દ્વારા જયકૉર્પના નવી મુંબઈ સેઝ ખાતેના સંપૂર્ણ ૨૪ ટકા હિસ્સાને ખરીદી લેવાય એવી શક્યતા પાછળ જયકૉર્પનો ભાવ અઢી ગણા કામકાજમાં ૨૨૩ની નવી ઊંચી સપાટીએ જઈ બન્ને અંતે સાડાપાંચ ટકાની આગેકૂચમાં ૨૧૪ રૂપિયા બંધ રહ્યો છે. જયકૉર્પના આનંદ જૈન તો મુકેશ અંબાણીના પરમ સખા ગણાય છે. પાંચ મહિના પૂર્વે જયકૉર્પનો ભાવ ૬૮ રૂપિયાના તળિયે હતો.

સેબીએ રોઝ વૅલી રિયલ એસ્ટેટ અને એના ડિરેષ્ટરો પર પ્રતિબંધ મૂક્યો

મૂડીબજારની નિયામક સેબીએ તાજેતરમાં રોઝ વૅલી રિયલ એસ્ટેટ અને એના પાંચ ડિરેષ્ટરો પર ચાર વર્ષ સુધી મૂડીબજારમાં કામ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. કંપનીએ ૨૦૦૧-’૦૨થી ૨૦૦૭-’૦૮ દરમ્યાન સિક્યૉર્ડ નૉન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCD)ની ફાળવણી કરીને સાત વાર ભંડોળ એકત્ર કર્યું હતું. આમાંથી છ વખત જે ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું એમાં ૪૯થી વધારે રોકાણકારોને NCDની ફાળવણી કરવામાં આવી હતી.

સેબીએ આપેલા ઑર્ડર મુજબ કંપની આ ડિબેન્ચર્સની ફાળવણી વખતે નિયમાનુસાર ડિસ્ક્લોઝર આપવામાં નિષ્ફળ રહી હતી, જેને કારણે સેબીએ કંપની અને એના ડિરષ્ટરો સામે મૂડીબજારમાં કામ કરવા પર પ્રતિંબધ મૂક્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK