ઇકૉનૉમી બૉટમઆઉટ, પરંતુ માર્કેટ પણ બૉટમઆઉટ? અત્યારે તો શૅરબજારની દિશા ગુજરાતની પ્રજા નક્કી કરશે

કરેક્શન અને રિકવરી સાથે સપ્તાહ પૂરું થયું. બજારની ગતિ ઊંચે જવા માટેનો આશાવાદ વધતો જાય છે, બીજી બાજુ હજી કરેક્શનની શંકા પણ વ્યક્ત થાય છે. જોકે ચૂંટણીપરિણામ બજારની ટૂંકા ગાળાની દિશા અને દશા નક્કી કરશે 

BSE

શૅરબજારની સાદીવાત - જયેશ ચિતલિયા

ગયા સપ્તાહના પ્રથમ દિવસે કરેક્શન આગળ વધવાની ધારણા હતી. સોમવારે બજાર  સવાસો પૉઇન્ટ વધીને પાછું ફરી માત્ર ૩૬ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યું હતું. મંગળવારે પણ બજાર સાધારણ ઠંડું જ રહ્યું હતું. જોકે બુધવારે રિઝર્વ બૅન્કની પૉલિસીની જાહેરાતના દિવસે વ્યાજદર ઘટવાની ધારણા આમ પણ નહોતી છતાં બજારે પૉલિસીની નિરાશામાં ૨૦૦ પૉઇન્ટનો ઘટાડો દર્શાવ્યો હતો. આમ બજારનો નીચે ઊતરતા રહેવાનો મૂડ ચાલુ રહ્યો હતો, પરંતુ ગુરુવારે બજારે મૂડ બદલીને શરૂઆત પૉઝિટિવ કરીને ૨૦૦ પૉઇન્ટ સુધીની વૃદ્ધિ દર્શાવી હતી. શુક્રવારે રિકવરીનો દોર ચાલુ રહ્યો હતો અને સેન્સેક્સ ૩૦૦ પૉઇન્ટ તેમ જ નિફ્ટી ૧૦૦ પૉઇન્ટ જેટલો વધીને બંધ રહ્યા હતા. આમ ïવીતેલું સપ્તાહ પૉઝિટિવ બનીને પસાર થયું હતું. આપણે ગયા વખતે પણ જેની ચર્ચા કરી હતી એ મુજબ બજારની નજર ગુજરાત પર મંડાયેલી હોવાથી સાવચેતી રહી હતી. જોકે છેલ્લા બે દિવસમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જ સત્તા પર આવવાના સંકેત નક્કર બનતાં તેમ જ અન્ય પરિબળો પણ પૉઝિટિવ બની જતાં માર્કેટે સુધારાતરફી વળાંક લઈ લીધો હતો. હવે આ સપ્તાહમાં પણ ગુજરાતની પૉઝિટિવ અસર દેખાયા બાદ માર્કેટ દોડવાનું શરૂ કરી દે તો નવાઈ નહીં. જોકે આ સમય દરમ્યાન આપણે અર્થતંત્રનાં અન્ય પરિબળો-સંજોગો પર પણ નજર કરી લેવી જોઈએ.

રિઝર્વ બૅન્કની ચિંતા

ગયા સપ્તાહમાં મુખ્ય ઘટના રિઝર્વ બૅન્કની પૉલિસીની હતી. રિઝર્વ બૅન્કની પૉલિસીમાં  અપેક્ષા મુજબ ધિરાણ પરના વ્યાજદરમાં કોઈ ઘટાડો થયો નહીં તેમ જ અન્ય કોઈ મોટા ફેરફાર પણ નહોતા. રિઝર્વ બૅન્કે મોંઘવારીની ચિંતા વ્યક્ત કરી હતી તેમ જ GDP દરનો અંદાજ ૬.૭ ટકાના સ્તરે યથાવત રાખ્યો હતો. એક સારી નોંધ એ હતી કે ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં રિઝર્વ બૅન્કને આર્થિક સંજોગો સુધરવાની આશા હોવાનું વ્યક્ત થયું છે. જોકે એણે એક ચિંતા NPA બાબતે દર્શાવતાં જણાવ્યું હતું કે હજી નોંધપાત્ર પ્રમાણમાં NPAનું રિપોર્ટિંગ થતું નથી જે ભવિષ્ય માટે જોખમી બાબત બની શકે છે. રિઝર્વ બૅન્કના ગવર્નરનું આ નિવેદન ધ્યાનમાં રાખવા જેવું છે કે બૅન્કોને મૂડી સપોર્ટ કરવાનો અર્થ માત્ર મૂડી સપોર્ટ નથી, બલકે રિફૉર્મનો એક મહત્વનો ભાગ છે જેથી સરકારે આ દિશામાં ગંભીરપણે વિચારીને આગળ વધવું જોઈશે. બૅન્કોને મજબૂત બનાવવી એ પાયાની જરૂરિયાત અને ઇકૉનૉમીનો બહુ મોટો આધાર છે. બૅન્ક શૅરોમાં રોકાણ કરતા રોકાણકાર વર્ગ અને બૅન્કોમાં ખાતા ધરાવતા બચતકાર વર્ગ માટે પણ આ વાત સમજવી મહત્વની છે.

રિઝર્વ બૅન્કની આશા

રિઝર્વ બૅન્કે ચિંતા વ્યક્ત કરવાની સાથે જે આશા વ્યક્ત કરી છે એની નોંધ પણ માર્કેટે લેવી જોઈએ. રિઝર્વ બૅન્કના અહેવાલ મુજબ ધિરાણના પ્રમાણમાં વૃદ્ધિ થઈ રહી છે તેમ જ આર્થિક વિસ્તરણની ગાડી પણ પાટે ચડી રહી છે. બૅન્કધિરાણ આ નવેમ્બરમાં ૧૦ તારીખે ૮.૬ ટકા વધ્યું હતું જે એના અગાઉના વર્ષના સમયગાળામાં ૭.૫ ટકા હતું. રિઝર્વ બૅન્કને આશા છે કે ઇકૉનૉમી વેગ પકડશે એમ ધિરાણની ડિમાન્ડ વધશે. આ માટે બૅન્કો પાસે પૂરતી પ્રવાહિતા રહે એવી વ્યવસ્થા છે. રિઝર્વ બૅન્કના આ કથન સાથે ટોચના બૅન્કરોએ  પણ સંમતિ દર્શાવી છે. ઇન શૉર્ટ, ચાલુ નાણાકીય વર્ષના ડિસેમ્બર ક્વૉર્ટર અને માર્ચ ક્વૉર્ટરમાં સુધારાની ગતિ આગળ વધશે એવી આશા ચોક્કસ રાખી શકાય.ï કહેવાય છે કે ઇકૉનૉમી બૉટમઆઉટ થઈ ગઈ છે, એ મુજબ GDP ગ્રોથ ફરી વધ્યો છે અને હજી વધવાની આશા પણ ઊંચી ગઈ છે. હવે બજાર પણ કરેક્શન બાદ પુન: રિકવર થઈ રહ્યું છે ત્યારે બજાર પણ બૉટમઆઉટ થયું કે કેમ એ સવાલ થવા લાગ્યા છે. આનો જવાબ બહુ જલદી મળી જશે.

GSTની સરળતાનાં ફળ

ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)માં સરળીકરણ લાવવાના પ્રયાસ સતત ચાલુ હોવાથી આ માર્ગે આવી રહેલાં પગલાંની અસર ઉદ્યોગો અને માર્કેટ પર થશે. જાન્યુઆરીમાં GST કાઉન્સિલની બેઠકમાં આ સંબંધી સંખ્યાબંધ નિર્ણયો લેવાય એવી શક્યતા છે જે માટેની ભલામણો કાઉન્સિલને થઈ છે. આ ભલામણો વ્યાપક રજૂઆતોના અભ્યાસ બાદ થઈ છે જેથી GST આગામી ૬ મહિનામાં વધુ સરળ બનશે એમાં શંકા કરવાનું કારણ નહીંવત રહે છે. GSTની સરળતાની સફળતા સારું પરિણામ આપશે. આ સાથે એ યાદ રાખવું પણ જરૂરી છે કે ફેબ્રુઆરીની પહેલી તારીખે બજેટમાં વધુ રિફૉર્મ્સનાં પગલાં આવશે.      

કરેક્શન રિકવરીમાં પલટાયું

ગયા સપ્તાહના આરંભના દિવસોમાં કરેક્શનને જોઈને લોકોને સવાલ થતા હતા કે હવે  ખરીદીએ કે હજી રાહ જોઈએ? ત્યાં બજારે રિકવરી શરૂ કરી દીધી. ફરી વાર અનેક લોકો રહી ગયા. વાસ્તવમાં કરેક્શનમાં દરેક તબક્કે થોડું-થોડું ખરીદતા જવું જોઈએ. હજી ઘટશે ત્યારે ખરીદીશું એવું વિચારનારા મોટે ભાગે રહી જતા હોય છે. આ સપ્તાહ હજી ચંચળ રહી શકે. બાકીની દશા અને દિશા ચૂંટણીપરિણામ નક્કી કરશે.

ગ્લોબલ આશાવાદ


શૅરબજારની તેજી માટે સ્વદેશી અને વિદેશી યા ગ્લોબલ બ્રોકરેજ હાઉસિસ કે સંસ્થાઓ માને છે કે ૨૦૧૮માં બુલરન ચાલશે અને બેન્ચમાર્ક ઇન્ડેક્સ નવી ઊંચી સપાટી હાંસલ કરશે. આ ગ્લોબલ  ફાઇનૅન્શિયલ હાઉસિસમાં બૅન્ક ઑફ અમેરિકા, મૅરિલ લિન્ચ, ગોલ્ડમૅન સાક્સ, નોમુરા, મૉર્ગન સ્ટૅનલી, ક્રેડિટ સુઇઝ વગેરેનો સમાવેશ છે. આ બધાનો કૉમન મત એ છે કે ભારતના આર્થિક સુધારા સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે અને એનાં ફળ હવે મળવાનું શરૂ થશે. ૨૦૧૭નું વર્ષ અત્યાર સુધીમાં પૉઝિટિવ રહ્યું છે અને બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં ૨૦થી ૨૪ ટકા વળતર આપનારું રહ્યું છે, જ્યારે ૨૦૧૮ વધુ ઘટનાસભર રહેવાની આશા સાથે બજાર નવા ઊંચા લેવલ પર પહોંચે એવી આશા રાખવી અસ્થાને નથી.

બૉટમ ક્યાં અને ક્યારે?

છેલ્લા થોડા દિવસોમાં બજારના ઘટાડાતરફી ટ્રેન્ડને ધ્યાનમાં રાખી બજારની બૉટમ ક્યાં એવી ચર્ચા ચાલતી હતી. ઍનલિસ્ટો નિફ્ટીનો ફિગર ચાર આંકડા પર જવાની ધારણા મૂકી રહ્યા હતા અને હજી પણ મૂકે છે. જોકે ગુરુવાર અને શુક્રવારના બદલાયેલા ટ્રેન્ડ બાદ બજારે નોંધપાત્ર રિકવરી કરી લેતાં બજારના પંડિતો પણ વિચારતા થઈ ગયા છે. ઉપરથી હવે ગુજરાતના પરિણામને પગલે બજાર નવી ઊંચાઈ હાંસલ કરશે એવી ધારણા મૂકવા લાગ્યા છે છતાં એકદમ વિપરીત સંજોગોમાં બજારની બૉટમ નિફ્ટી ૧૦,૦૦૦ અને સેન્સેક્સ ૩૨,૨૦૦ પકડીને ચાલી શકાય. અલબત્ત, ગુજરાતનાં પરિણામ બાદ સ્થિતિ નાટ્યાત્મક રીતે બદલાઈ શકે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK