GST કાઉન્સિલના રેટ-કટના પગલે બજાર માઇનસમાંથી પ્લસમાં

આરકૉમ અને વિડિયોકૉનમાં નવાં ઑલટાઇમ બૉટમ બન્યાં : સારેગામા બે દિવસમાં ર૦૦ રૂપિયાની તેજીમાં ઐતિહાસિક શિખરે : જસ્ટ ડાયલમાં ગૂગલ સાથે ડીલના અહેવાલને રદિયો, શૅર ૯ ટકા અપ : મહિન્દ્ર અને બાલક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝમાં ઉદાર બોનસના સથવારે મજબૂતી

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

GST કાઉન્સિલ દ્વારા લગભગ પોણાબસો જેટલી આઇટમોને ર૮ ટકાના હાયર ટૅક્સ સ્લૅબમાંથી રદ કરવાની સાથે અન્ય કેટલાંક પગલાં જાહેર થવાના પગલે ગઈ કાલે શૅરબજાર પૉઝિટિવ ઝોનમાં બંધ રહી શક્યું છે. સેન્સેક્સ ૬૪ પૉઇન્ટ જેવો સુધરીને ૩૩,૩૧૪ તો નિફ્ટી ૧૩ પૉઇન્ટ વધીને ૧૦,૩રર નજીક બંધ આવ્યા છે. બજાર નીચામાં ૩૩,૧૦૮ થયું હતું એ GST ફેક્ટરમાં ૩૩,૩૮૦ તથા નિફ્ટી ૧૦,રપ૪ની બૉટમથી ૧૦,૩૪પ થયા હતા. શૅરબજાર માટે બેથી ત્રણ વાગ્યાનો ગાળો ભારે ઊથલપાથલનો હતો જેમાં V-શૅપમાં કુલ મળીને લગભગ સાડાપાંચસો પૉઇન્ટ સેન્સેક્સ ઉપર-નીચે થયો હતો. ગઈ કાલે સેન્સેક્સના ૩૧માંથી ૧૪ તો નિફ્ટીના પ૦થી બાવીસ શૅર પ્લસ હતા. બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૭ તથા બૅન્કેક્સ ૧૦માંથી ૬ શૅર ઘટવા છતાં એકાદ ટકો ઊંચકાયા હતા. PSU બૅન્ક નિફ્ટી તો સવાચાર ટકાથી વધુ ઊછળ્યો હતો. આ બહુધા હેવીવેઇટ્સ સ્ટેટ બૅન્કની તેજીનું પરિણામ કહી શકાય.

સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગનાં ૪૦માંથી બાવીસ કાઉન્ટર પ્લસ હતાં. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ર૬માંથી ૧૪ શૅરના સુધારામાં બે ટકાની નજીક વધ્યો હતો. ઇન્ટ્રા-ડેમાં એ વર્ષના નવા શિખરે ગયો હતો. અત્રે ફ્રન્ટલાઇન કે વેઇટેજ ધરાવતી જાત લાર્સન ત્રણેક ગણા કામકાજમાં ૧ર૭૪ રૂપિયાની વિક્રમી સપાટી બનાવી છેલ્લે ચારેક ટકાના ઉછાળે ૧ર૬૪ રૂપિયા બંધ આવવાની મોટી અસર કામ કરી ગઈ હતી. ફાર્મા નિફ્ટી ૧૦માંથી ૭ શૅરની નરમાઈમાં સવા ટકો બીમાર હતો. અરબિંદો ફાર્મા છ ટકાની નજીક પટકાયો હતો. ફાર્મા ઉદ્યોગના ૧૩૪ શૅરમાં વધેલા શૅરની સંખ્યા બાવનની હતી. ફાઇઝર સાડાઆઠેક ટકા અને ઇપ્કા લૅબ સવાછ ટકાની તેજીમાં હતા. ઇન્ડિગોના સ્ટાફની પૅસેન્જર પર ભાઈગીરીનો મામલો વાઇરલ થયા પછી જેટ ઍરવેઝ સળંગ ત્રણ દિવસથી ડિમાન્ડમાં છે તો અનિલ અંબાણી ગ્રુપની આરકૉમ નવા ઑલટાઇમ તળિયાની શોધમાં ગગડતો રહી ગઈ કાલે ૧૩.૯૦ રૂપિયા થઈ છેલ્લે સવાછ ટકાના ધોવાણમાં ૧૪ રૂપિયા બંધ આવ્યો છે. આરકૉમની જેમ દેવાના બોજથી પીડિત વિડિયોકૉન ઇન્ડસ્ટ્રીઝ પણ ગઈ કાલે પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૧૪.૧પ રૂપિયાના નવા નીચા તળિયે બંધ હતી. પાંચ દિવસના સળંગ ઘટાડા બાદ ગુરુવારે પ્રત્યાઘાતી સુધારો દાખવનાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગઈ કાલે ૮૮૦ રૂપિયાનું નવું તાજેતરનું બૉટમ બતાવી બે ટકાના ધોવાણમાં ૮૮૩ રૂપિયા બંધ રહ્યો છે. જાણકારો કહે છે આ કાઉન્ટરમાં લૉન્ગ પૉઝિશન લેતાં પહેલાં બે વખત વિચારવું.

સ્ટેટ બૅન્કનાં નબળાં પરિણામો

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ધારણાં કરતાં નબળાં પરિણામો રજૂ થયાં છે. સ્ટૅન્ડઅલોન ધોરણે નેટ પ્રૉફિટ ૩૮ ટકા જેવો ગગડીને ૧૫૮૧ કરોડ રૂપિયા નેંધાયો છે. બજારના પંડિતોની એકંદર ધારણા ૨૭૫૦ કરોડ રૂપિયા આસપાસના ચોખ્ખા નફાની હતી. બૅડ લોન તથા NPA પેટેની પ્રોવિઝનિંગ ૮૭ ટકા વધીને ૧૮,૪૧૮ કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. બૅન્કની ગ્રોસ NPA અર્થાત કુલ બૅડ લોનનું પ્રમાણ ૧,૮૬,૧૧૫ કરોડ રૂપિયા અને નેટ NPA ૧,૦૭,૭૬૦ કરોડ રૂપિયા નોંધાયું છે. બૅન્કની થાપણ ૧૦.૩ ટકા વધીને ૨૬.૨૩ લાખ કરોડ રૂપિયા થઈ છે. સામે ધિરાણ માત્ર એક ટકો વધીને ૧૮.૯૨ લાખ કરોડ રૂપિયા જોવાયું છે. ખરાબ પરિણામ છતાં ગ્રોસ અને નેટ NPAના રેટમાં નહીંવત સુધારો થતાં ઍસેટ્સ ક્વૉલિટીમાં સુધારાની થીમ ચાલતા (કે પછી ચલાવવામાં આવતા) શૅર ગઈ કાલે સાડાત્રણ ગણા કામકાજમાં ઉપરમાં ૩૩૮ રૂપિયા વટાવી છેલ્લે છ ટકાના જમ્પમાં ૩૩૩ રૂપિયા બંધ આવ્યો છે જેના લીધે સેન્સેક્સને સર્વાધિક ૭૫ પૉઇન્ટનો લાભ થયો હતો. દરમ્યાન અન્ય PSU કંપની બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા ત્રિમાસિક ગાળામાં ૪૧ ટકાના વૃદ્ધિદરથી ૧૭૯ કરોડ રૂપિયાનો નેટ પ્રૉફિટ દર્શાવ્યો છે. ઍસેટ્સ ક્વૉલિટી ખરેખર સુધરી છે, પણ શૅર ૨૦૯ રૂપિયાની વર્ષની ટોચે જઈ છેલ્લે અડધા ટકાના ઘટાડામાં ૧૯૯ રૂપિયા બંધ હતો.

બાલક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝમાં શૅરદીઠ એક બોનસ

બાલક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સારાં પરિણામો સાથે શૅરદીઠ અઢી રૂપિયાનું સેકન્ડ ઇન્ટરિમ તથા શૅરદીઠ એક બોનસ જાહેર થતાં ભાવ ત્રણ ગણા કામકાજમાં ૧૯૭૩ રૂપિયાની વિક્રમી સપાટી બનાવી છેલ્લે પોણાછ ટકાના ઉછાળે ૧૯૩૪ રૂપિયા બંધ હતો. શૅરની ફેસવૅલ્યુ બે રૂપિયા છે. આ પાંચમું બોનસ છે. છેલ્લે કંપનીએ મે ૨૦૦૫માં બોનસ આપ્યું હતું જે બે શૅરદીઠ એકના પ્રમાણમાં હતું. પિયર ગ્રુપમાં અન્ય શૅરમાં ગઈ કાલે MRF દ્વારા સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં બાવીસ ટકાના ઘટાડામાં ૨૯૯ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો દર્શાવાયો છે. કાર્યકારી નફાનું માર્જિન સવા ટકા જેવું ઘટ્યું છે છતાં શૅર ગઈ કાલે ઉપરમાં ૬૭,૭૦૦ રૂપિયા થઈ છેલ્લે સાડાત્રણ ટકા કે ૨૩૧૪ રૂપિયાની મજબૂતીમાં ૬૭,૨૯૯ રૂપિયા બંધ હતો. ૧૦ રૂપિયાની ફેસવૅલ્યુ સામે બુકવૅલ્યુ ૨૦,૩૭૪ રૂપિયા જેવી તગડી હોવા છતાં કંપનીએ છેલ્લાં બાવન વર્ષથી બોનસ આપ્યું નથી. છેલ્લે એપ્રિલ ૧૯૮૫માં બે શૅરદીઠ બૅન્કના ધોરણે બોનસ આપ્યું હતું. અપોલો ટાયર્સ ગઈ કાલે સવાબે ટકા, TVS શ્રીચક્ર સવા ટકા, જે કે ટાયર્સ સવાબે ટકા પ્લસ હતા. સિયેટ બે ટકા વધીને ૧૭૪૭ રૂપિયા રહ્યો હતો.

મહિન્દ્રમાં ૧૨ વર્ષે બોનસ આવ્યું

મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર દ્વારા ૧૨ વર્ષે શૅરદીઠ એક બોનસ જાહેર થયું છે. કંપનીએ છેલ્લે જૂન ૨૦૦૫માં બોનસ આપ્યું હતું એ પણ શૅરદીઠ એકના પ્રમાણમાં હતું. જોકે ત્યારે શૅરની ફેસવૅલ્યુ ૧૦ રૂપિયાની હતી. બાદમાં જાન્યુઆરી ૨૦૧૦માં ૧૦ રૂપિયાના શૅરનું પાંચ રૂપિયામાં વિભાજન થયું હતું. કંપનીએ સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ધારણા કરતાં સારા એવા બાવીસ ટકાના વૃદ્ધિદરથી ૧૪૧૧ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવ્યો છે. શૅર ગઈ કાલે અઢી ગણા કામકાજમાં ઉપરમાં ૧૪૦૯ રૂપિયા વટાવી છેલ્લે અઢી ટકા વધીને ૧૩૯૫ રૂપિયા આસપાસ બંધ હતો.

ગઈ કાલે સેન્સેક્સના નજીવા સુધારા સામે ઑટો ઇન્ડેક્સ અડધા ટકાથી વધુ ડાઉન હતો. હેવીવેઇટ્સ તાતા મોટર્સ ત્રણ ગણા કામકાજમાં નીચામાં ૪૨૦ રૂપિયા થઈ છેલ્લે ચાર ટકા તૂટીને ૪૨૩ રૂપિયાની અંદર તો તાતા મોટર્સનો DVR બે ટકાની નરમાઈમાં ૨૪૧ રૂપિયા બંધ હતો. સાદી ભાષામાં કહીએ તો તાતા મોટર્સમાં તગડા નફાનો ઊભરો ઝડપથી શમી ગયો છે. અશોક લેલૅન્ડમાં નબળા પરિણામનો વસવસો આગળ ધપતાં ભાવ વધુ ત્રણ ટકા તૂટીને ૧૧૨ રૂપિયાની નીચે ગયો છે. મારુતિ સુઝુકી અડધો ટકો તો આઇશર મોટર્સ એક ટકાથી વધુ ડાઉન હતા. સામે બજાજ ઑટો દોઢ ટકા તો TVS મોટર્સ બે ટકા પ્લસ હતો.

મહિન્દ્ર લૉજિસ્ટિક્સમાં લિસ્ટિંગ ગેઇન ઝીરો

શૅરદીઠ ૪૨૯ રૂપિયાની ઇશ્યુ-પ્રાઇસ સાથે મૂડીબજારમાં આવેલી મહિન્દ્ર લૉજિસ્ટિક્સનો ગ્લ્ચ્ ખાતે ભાવ ૪૩૨ રૂપિયા ખૂલી ઉપરમાં ૪૩૪ રૂપિયા તથા નીચામાં ૪૧૬ રૂપિયા બતાવી છેલ્લે ૪૨૯ રૂપિયા બંધ રહ્યો છે. NSEમાં શૅર ૪૨૯ રૂપિયા ખૂલી છેવટે ૫૦ પૈસા વધી ૪૨૯.૫૦ રૂપિયા બંધ હતો. બન્ને બજાર ખાતે કુલ મળીને ૧૧૭ લાખ શૅરનું વૉલ્યુમ જોવાયું હતું. જસ્ટ ડાયલમાં ઇન્ટરનેટ જાયન્ટ ગૂગલને તેનો બિઝનેસ ટેકઓવર કરવામાં રસ હોવાની અને આ સંબંધે બન્ને કંપનીઓએ બે મહિના પૂર્વે વાટાઘાટ આરંભ કરી હોવાના મીડિયામાં અહેવાલના પગલે શૅર ૪૫૯ રૂપિયાના આગલા બંધ સામે ગઈ કાલે ૫૦૫ રૂપિયા ખૂલી ઉપરમાં ૫૫૦ રૂપિયા નજીક ગયો હતો. કંપની દ્વારા આ અહેવાલને રદિયો આપયાની સાથે ભાવ સીધો ગગડી ૪૬૭ રૂપિયા થયા બાદ છેલ્લે નવ ટકાની તેજીમાં ૫૦૦ રૂપિયા બંધ હતો. વૉલ્યુમ સાત ગણું હતું. NSE ખાતે શૅર આઠેક ટકાના સુધારામાં ૪૯૬ રૂપિયા હતો. કામકાજ આશરે ૩૪૨ લાખ શૅરના થયા હતા. અન્ય શૅર સારેગામા ઇન્ડિયા લિમિટેડ વૉલ્યુમ સાથે સળંગ બીજા દિવસની મજબૂતીમાં ૮૫૩ રૂપિયાના નવા શિખરે જઈ બન્ને એક્સચેન્જમાં ૧૩ ટકાના ઉછાળે ૮૩૯ રૂપિયા નજીક હતો. બે દિવસમાં ભાવ લગભગ બસો રૂપિયા વધી ગયો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK