બજારમાં લગભગ છ મહિનાનો સૌથી મોટો ધબડકો

ચાલુ ખાતાની ખાધ પાંચ વર્ષની ઊંચી સપાટીએ જતાં ડૉલર સામે ગગડતો રૂપિયો ૭૩ થવાની તૈયારીમાં

bse

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ટ્રેડવૉરના મુદ્દે ટ્રમ્પના વધતા ધમપછાડા વચ્ચે ઘરઆંગણે ચાલુ ખાતાની ખાધ પાંચ વર્ષની ઊંચી સપાટીએ જવાના અહેવાલ પાછળ ડૉલર સામે રૂપિયો ગઈ કાલે ઇન્ટ્રા-ડેમાં ૭૨.૬૭ના નવા વરવા વિક્રમી તળિયે પહોંચી ગયો છે. વિશ્લેષકો માને છે કે ઘટાડો હજી આગળ ધપશે. ઍમ્કે ગ્લોબલવાળાને તો રૂપિયો તૂટતો રહીને ૭૫ સુધી જવાની આશંકા છે. રૂપિયાની ધારણા કરતાં ઝડપી અને ઘણી મોટી ખરાબીના પગલે દેશમાં ફુગાવાને વેગ મળવાનો છે. વ્યાજદર વધશે. બૉન્ડના યીલ્ડ ઊંચા જશે. વિદેશી કરન્સીમાં દેવાનું પ્રમાણ મોટું છે એવી કંપનીઓ તેમ જ હાલકડોલક થઈ રહેલા બૅન્કિંગ સેક્ટર માટે આગામી દિવસો વધુ કપરા બનવાના છે. FIIનો નેટ આઉટફ્લો ચાલુ છે. તેમની વેચવાલી સામે અત્યાર સુધી મ્યુચ્યુઅલ ફન્ડોના તગડા રોકાણના સહારે સ્થાનિક ફન્ડો તરફથી સતત મોટા પાયે રૂપિયા ઠલવાતા હતા એમાં ઓટ આવવાની તૈયારી છે. મ્યુચ્યુઅલ ફન્ડોમાં નવા રોકાણના બદલે હવે પછી રિડમ્પ્શનનો આંકડો મોટો થતો જાય તો નવાઈ નહીં. આ બધાના પગલે શૅરબજારમાં તેજીનો ટેમ્પો ધીમો થવા માંડ્યો છે. જોકે અમને લાગે છે કે માર્કેટમાં હજી એકથી વધુ વખત નવી, ઑલટાઇમ હાઈ બનવાની છે. સેન્સેક્સ ૪૦,૦૦૦નો થાય તો પણ ગામના પોર્ટફોલિયોમાં રોનક આવવાની નથી.

સેન્સેક્સ ગઈ કાલે આરંભથી અંત સુધી નેગેટિવ ઝોનમાં રહી ધીમા પણ એકધારા ઘટાડાની ચાલમાં નીચામાં ૩૭,૮૮૩ની અંદર જઈ અંતે ૪૬૮ પૉઇન્ટના ધબડકામાં ૩૭,૯૯૨ તથા નિફ્ટી ૧૧,૪૨૭ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ ૧૫૧ પૉઇન્ટ લથડીને ૧૧,૪૩૮ બંધ રહ્યાં છે. લગભગ છ મહિનાની આ સૌથી મોટી ખરાબીમાં સેન્સેક્સના ૩૧માંથી ૨૭ અને નિફ્ટીના ૫૦માંથી ૪૨ શૅર માઇનસ હતા. સન ફાર્મા પોણાચાર ટકા ખરડાઈ સેન્સેક્સમાં ટૉપ લૂઝર હતો. નિફ્ટી ખાતે ણ્ઘ્ન્ ટેક્નૉલૉજીઝ દોઢ ટકાની મજબૂતીમાં બેસ્ટ ગેઇનર બન્યો હતો. ત્વ્ ઇન્ડેક્સ ૧૫,૯૨૮ની નવી વિક્રમી સપાટી બનાવી અંતે ૫૮માંથી ફક્ત ૧૮ શૅર વધ્યા હોવા છતાં ત્રણ પૉઇન્ટના નજીવા સુધારે ૧૫,૭૮૪ બંધ આવ્યો છે. નિફ્ટી ખાતે આ આંક આગલા લેવલે યથાવત હતો. બન્ને બજારના બાકીના તમામ બેન્ચમાર્ક ઘટીને બંધ રહ્યા છે. દરમ્યાન થાઇરોકૅર દ્વારા આગલા બંધથી ૧૫ ટકા જેવા પ્રીમિયમે શૅરદીઠ ૭૩૦ રૂપિયાના ભાવે બાયબૅક નક્કી થતાં શૅર ગઈ કાલે ઉપરમાં ૬૮૪ થઈ છેલ્લે સવાત્રણ ટકા વધીને ૬૬૩ રૂપિયા નજીક બંધ હતો. FMCG  એનર્જી‍, ફાઇનૉન્સ, હેલ્થકૅર, ઑટો, મેટલ, ઑઇલ ઍન્ડ ગૅસ, રિયલ્ટી, નિફ્ટી નેક્સ્ટ-૫૦, મિડ કૅપ, નિફ્ટી PSU બૅન્ક જેવા ઇન્ડેક્સ દોઢથી સવાબે ટકા તૂટ્યા છે.

IL & FS ગ્રુપના શૅરમાં ધબડકો


ઇન્ફ્રાસ્ટ્રકચર ફાઇનૅન્સ બિઝનેસમાં પ્રવૃત્ત IL & FSને રેટિંગ એજન્સી ઇકરા તરફથી ડાઉનગ્રેડ કરવામાં આવતાં કંપની તેમ જ ગ્રુપના શૅરમાં ભારે ઘટાડો નોંધાયો હતો. IL & FS ટ્રાન્સપોર્ટેશન સાત ગણા કામકાજમાં ૨૫ રૂપિયાના ઐતિહાસિક તળિયે જઈ અંતે ૧૩.૮ ટકાની ખરાબીમાં ૨૬ રૂપિયા બંધ હતો. આઠેક મહિના પહેલાં ૪ જાન્યુઆરીએ ભાવ ૯૭ રૂપિયા પ્લસના શિખરે હતો. તો IL & FS એન્જિનિયરિંગનો ભાવ પણ ત્યારે ૫૯ રૂપિયાના શિખરે હતો જે ગગડતો રહી ગઈ કાલે ૧૫ની મલ્ટિયર બૉટમ બતાવી અંતે ૬.૬ ટકા ખરડાઈને ગઈ કાલે ૧૬ રૂપિયા હતો. અન્ય કંપની IL & FS ઇન્વેસ્ટમેન્ટ જેની ફેસવૅલ્યુ બે રૂપિયા છે એ પાંચેક ગણા વૉલ્યુમમાં પોણાદસ રૂપિયાની અંદર ઑલટાઇમ બૉટમ બનાવી છેલ્લે ૧૧.૪ ટકાના કડાકામાં દસ રૂપિયા રહ્યો હતો. ઇન્ટર કૉર્પોરેટ ડિપોઝિટ મારફત સીડબી પાસેથી લીધેલા ૧૦૦૦ કરોડ રૂપિયાના પેમેન્ટમાં ડિફૉલ્ટ થતાં રિઝર્વ બૅન્કે IL & FS ગ્રુપનું સ્પેશ્યલ ઑડિટ હાથ ધરવાનું નક્કી કર્યું છે. ભારે નાણાભીંસ અને દેવાનો ઊંચો બોજ IL & FS માટે વરવો બની રહ્યો છે.

ક્રિપ્ટોકરન્સીમાં ૬૪૧ અબજ ડૉલર સ્વાહા

ક્રિપ્ટોકરન્સી સેગમેન્ટમાં જબરી મંદી જામી છે. માર્કેટકૅપ ગઈ કાલે ૧૯૭ અબજ ડૉલરની અંદર આવી ગયું છે. સાડાઆઠ મહિના પૂર્વે ચાલુ વર્ષે જાન્યુઆરીના મધ્યમાં માર્કેટકૅપ ૮૩૭ અબજ ડૉલરના શિખરે હતું. મતલબ કે અહીં રોકાણકારોના લગભગ ૪૬.૮૦ લાખ કરોડ રૂપિયા અત્યાર સુધીમાં સ્વાહા થઈ ગયા છે. નવેક મહિના અગાઉ ૨૦ હજાર ડૉલર ભણી ધસી રહેલો અને વર્ષમાં ૫૦ હજાર ડૉલર થવાના વરતારાની હવામાં ઊડતો બિટકૉઇન જૂનના મધ્યમાં ૫૮૦૦ ડૉલરની અંદર ઊતરી ગયા બાદ હાલ ૬૩૦૦ ડૉલર આસપાસ ચાલે છે. ૨૦૧૭ની ૧૧ ડિસેમ્બરે એમાં ૧૯,૭૮૩ ડૉલરની વિક્રમી સપાટી બની હતી. જાન્યુઆરી ૨૦૧૮ના મધ્યમાં ૧૩૫૦ ડૉલર નજીક બેસ્ટ લેવલે ગયેલો ઇથર તાજેતરમાં ૧૯૦ ડૉલર થઈ હાલમાં ૧૯૮ ડૉલર બોલાય છે. અમેરિકન સિક્યૉરિટીઝ એક્સચેન્જ કમિશન દ્વારા બિટકૉઇન તથા ઇથરમાં રોકાણ માટેનાં ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્સચેન્જ ટ્રેડેડ નોટ્સને સસ્પેન્ડ કરવાની જાહેરાતથી માનસ ખરડાયું છે.

ઍક્સિસ બૅન્કમાં સર્વોચ્ચ સપાટી

HDFC સ્ટાન્ડર્ડ લાઇફ ઇન્શ્યૉરન્સના મૅનેજિંગ ડિરેક્ટર અમિતાબ ચૌધરીની ઍક્સિસ બૅન્કમાં શિખા શર્માના અનુગામી સુકાની તરીકે વરણી થયાના અહેવાલ પાછળ ઍક્સિસ બૅન્કનો શૅર ગઈ કાલે સવાત્રણ ગણા કામકાજમાં ૬૭૭ નજીક નવી લાઇફટાઇમ હાઈ બનાવી અંતે એક ટકો વધી ૬૫૧ રૂપિયા બંધ રહ્યો છે. અમિતાબ ચૌધરી ૨૦૧૯ની ૧ જાન્યુઆરીથી પદભાર સંભાળશે. HDFC સ્ટાન્ડર્ડ લાઇફનો શૅર નીચામાં ૪૪૩ થઈ નહીંવત ઘટાડે ૪૫૦ રૂપિયા બંધ હતો. દરમ્યાન વર્ષ પૂર્વે ૬૧૧ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસ સાથે IPO લાવનાર ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યૉરન્સ કંપનીનો શૅર તેજીની આગેકૂચમાં ત્રણ ગણા કામકાજમાં ૯૨૭ રૂપિયાની વિક્રમી સપાટીએ જઈ ૨.૮ ટકાની મજબૂતીમાં ૮૯૭ રૂપિયા રહ્યો હતો. HDFC ઘટાડાની ચાલ આગળ ધપાવતાં ૧૮૭૯ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ ૨.૧ ટકા તૂટી ૧૮૮૪ બંધ રહેતાં સેન્સેક્સને ગઈ કાલે ૭૦ પૉઇન્ટનો ઉમેરો થયો હતો. LIC હાઉસિંગ ફાઇનૅન્સમાં સવાત્રણ ટકાના ઘટાડે ૪૮૪ રૂપિયા આસપાસનો ભાવ જોવાયો છે.

૧૧૪ શૅરમાં નવાં ઊંચાં શિખર

બજારની નોંધપાત્ર ખરાબી વચ્ચે ગઈ કાલે ૧૧૪ શૅર BSE ખાતે ભાવની રીતે એક વર્ષ કે એથી વધુ સમયગાળાની દૃષ્ટિએ નવાં ઊંચાં શિખરે ગયાં હતાં જેમાંનાં કેટલાંક જાણીતાં નામમાં ઍબોટ ઇન્ડિયા, ઍટ્લાસ જ્વેલરી, અલ્બર્ટ ડેવિડ, ઍક્સિસ બૅન્ક, સિપ્લા, ડૉ. રેડ્ડીઝ લૅબ, ધરમશી મોરારજી, ગ્લેનમાર્ક, GSK ફાર્મા, હાઇકલ, HIL ઇન્ડિયા, ઇન્ડિયાબુલ્સ ઇન્ટિગ્રેટેડ, ઇન્ડો બોરેક્સ, ઇન્ટરનૅશનલ પેપર, JSW સ્ટીલ, કેન મેટલ, LKP ફાઇનૅન્સ, લિંકન ફાર્મા, લાર્સન ઇન્ફોટેક, માસ્ટેક, માઇન્ડટ્રી, મૉર્ગનાઇટ ક્રુસીબલ, પૌષક લિમિટેડ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, પૉલિપ્લેક્સ, પિક્સ ટ્રાન્સમિશન, ICICI લોમ્બાર્ડ, રામા પલ્પ, સાધના નાઇટ્રેટ, સનોફી, સોરિલ ઇન્ફ્રા, શાંતિ એજ્યુકેશનલ, રિષભ દિધા સ્ટીલ, તાલ એન્ટરટેઇનમેન્ટ, ટેનફેક ઇન્ડસ્ટ્રીઝ, યમુના સિન્ડિકેટ, વ્હર્લપૂલ, ઉષા માર્ટિન વગેરે મુખ્ય હતાં. સામે પક્ષે ગઈ કાલે ઍપટેક, બાલાજી ટેલિ, ભારત પેટ્રોલિયમ, સેન્ચુરી પ્લાય, LT ફૂડ્સ, દીપક ફર્ટિલાઇઝર્સ, GIC હાઉસિંગ, ગ્રીન પ્લાય ઇન્ડસ્ટ્રીઝ, હૅથવે ભવાની, ગુજરાત ગૅસ, જય પ્રકાશ અસોસિએટ્સ, ક્રિધન ઇન્ફ્રા, લોરસ લૅબ, મણપ્પુરમ ફાઇનૅન્સ, પનાયા પેટ્રો, PG ઇલેક્ટ્રૉપ્લાસ્ટ, શંકરા બિલ્ડિંગ, શિવા ટેક્સમાર્ન, સ્નોમૅન, લૉજિસ્ટિક્સ, સ્પેરિયાલિટી રેસ્ટોરાં, સુપ્રજિત એન્જિનિયરિંગ, સિમ્ફની, વર્ધમાન ટેક્સ્ટાઇલ્સ, વિકાસ ઇકોટેક, વિડિયોકૉન ઇન્ડસ્ટ્રીઝ, વોરા કન્સ્ટ્રક્શન, સૂર્યા રોશની સહિત ૧૪૪ કાઉન્ટરમાં ઐતિહાસિક નીચી સપાટી જોવા મળી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK